62 - જેમ / જવાહર બક્ષી


એક વાત ખીલતી હતી ખેતરના સ્મિત જેમ
તૂટી પડ્યાં અવાજનાં ટોળાંઓ તીડ જેમ

હું તારી દૂરતામાં સમેટાતો પ્હાડ છું
તું મારે પગલે પગલે વધે છે ક્ષિતિજ જેમ

શ્વાસોમાં સાંભળું છું સૂરજ-રથના ડાબલા
નસનસમાં અંધકાર ચડે છે અફીણ જેમ

મારી ભીનાશ એક દિવસ રંગ લાવશે
ફેલાઈ જઈશ મેઘધનુષ્યોનાં તીર જેમ

ખડકોને તૂટવાની હજી વાર છે ‘ફના’
ક્યાં સુધી આમ બેસશો, મોજાનાં ફીણ જેમ ?

કાફિયાના અંતમાં હ્રસ્વ અને દીર્ધ સ્વરની છૂટ લીધી છે.


0 comments


Leave comment