6 - વાડ / કંદર્પ ર. દેસાઈ
પ્રો. દેસાઈનું વ્યક્તિત્વ આકર્ષક છે. ઊંચું કદ, તંદુરસ્ત શરીર, ઊજળો ગુલાબી રંગ, એમના વ્યવસાયને છાજે તેવી વિલક્ષણતાઓથી સભર. સોનેરી ફ્રેમનાં ચશ્માં પહેરે છે. સહેજ લંબગોળ ચહેરા પર ઊભા વાળ ઓળવાથી ચહેરો વધુ લાંબો દેખાય છે. ઉપસેલા ગાલ, આંખ નીચે થોડીક કાળાશ, થોડાક સફેદ વાળવાળી કાતરેલી મૂછો. હસે છે તો બેઉ ગાલ પર રેખાઓ ખેંચાઈ આવે છે. પણ એ ભાગ્યે જ હસે છે. મોટાભાગે ચિંતનમાં જ ડૂબેલા હોય છે. શું વિચારે છે તે તો એમને ખબર ! સ્થિર ચહેરો ને ઉદાસ દૃષ્ટિ જોઈને સરળતાથી કોઈ એમની નજીક જતું નથી, કદાચ પહોંચી શકાતું નથી. બહુ મુશ્કેલ લાગે છે ઉદાસ દૃષ્ટિની એ વાડ ઓળંગવાનું !
પરંતુ માનો કે કોઈ એ વાડ ઓળંગી ગયું તો – કોઈએક વિદ્યાર્થી બહુ જૂની ઓળખાણનો તંતુ લઈને એમની નજીક પહોંચ્યો. એટલો નજીક કે એમના ઘર સુધી જઈ શકે. પ્રો. દેસાઈ ખાવાના બહુ શોખીન છે. હાથે બનાવેલા ચણાના પુડલા ખાતાં-ખવડાવતાં હસી હસીને વાતો કરે છે. અપાર આશ્ચર્યના ભાવથી હેમંત જોઈ રહે છે. અચાનક કહે છે, ‘સર, એક વાત કહું ? ખરાબ તો નહીં લાગે ને ?’
પ્રો. દેસાઈ વળી ખડખડાટ હસ્યા. ‘હજી શું બાકી રહ્યું ? સોસ જોઈએ છે ? લે.’ ‘ના’ સહેજ થોભીને હેમંત કહે : ‘કોઈ તમને આમ હસતાં જુએ તો એ માની જ ના શકે કે એ તમે પેલા પ્રો.દેસાઈ જ છો જેમની નજીક પહોંચવું સૌને મુશ્કેલ લાગે છે. પ્રો.દેસાઈનાં વિલાતા જતાં હાસ્યની દરકાર કર્યા વિના એણે કહી લીધું પછી તો એવી શાંતિ છવાઈ ગઈ કે ઘડીભર તો હેમંતને એવું જ લાગ્યું કે વાડની પેલી બાજુ ફેંકાઈ ગયો.
પણ હેમંતને એ દિવસે એમના એક વધુ પાસાનો પરિચય મળવાનો હતો. તત્કાળ વાતાવરણને ફેરવતા હોય એમ હળવા અવાજે મૂડ બનાવી દેસાઈ કહેવા લાગ્યા. ‘તારી વાત સાચી છે, હેમંત. આ કદાચ મારું બનાવેલું જ રૂપ છે. તને ખબર હશે કે હું વાંચવાનો બેહદ શોખીન છું' કહેતાં કહેતાં એમની નજર વ્યવસ્થિત ગોઠવેલી હોમ લાઈબ્રેરી પર જતી હતી. ‘તે ત્યાં સુધી કે જેટલું જરૂરી મને જીવવા માટે શ્વાસ લેવો લાગે છે તેટલું જ વાંચવું. મારું આ નાનું શું ઘર જો. એક એક ચીજ મેં એવી રીતે ગોઠવી છે જે એક મુખ્ય હેતુને – એટલે કે મારી વાંચવાની આદતને, સગવડને પોષે. આ રાઇટીંગ ટેબલ ને પલંગની પાસે જ લટકતી એક વધુ સ્વીચ અથવા બાજુના હોલમાંથી સીધો બેડ પર જ પ્રકાશ પડે તેવી રીતે ગોઠવેલો લેમ્પ. જો હું મારા મકાનને મારી આદત પ્રમાણે ગોઠવી શકું તો શું મારી જીવન પદ્ધતિને નહીં ? મારા વ્યવહારને નહીં ? તમારા ચાલવાના માર્ગમાં માત્ર રોડાં જ આવે છે એવું નથી. રોડાં જેવા માણસો પણ. જે તમારા સમયના કિંમતી વસ્ત્રને પાનના ડાઘાથી ડૂચામાં ફેરવી દે છે અથવા વાતોની કંસારીથી કાણાં પાડી દે છે. બોજ બની બેસે છે એમની હિલચાલ. શા માટે એ બધું વેંઢારવું ? એવા માણસોના સંગ કરતાં મને આ પુસ્તકોનાં ફફડતાં પાનાં વધુ જીવંત લાગે છે. કદાચ એથી જ એવાં મુખોટાં ચઢાવ્યાં છે કે... ઓહ! પુસ્તકો...’
એ ચૂપ થઈ ગયા. હેમંત એમની સામું જોઈ રહ્યો. હંમેશ કરતાં જુદા જ દેખાય છે. સાચું, એવું સાચું જેની સતત જરૂર લાગી હોય તે વસ્તુ મેળવ્યાની પ્રભાથી ચહેરો દિપ્ત લાગતો હતો. હેમંતને અચાનક અલકાની યાદ આવી. એનું રમતિયાળ હસવું એના કાનમાં રણકવા લાગ્યું. અનાયાસ જાણે કોઈ રહસ્ય હાથ લાગ્યું હોય એમ એ ચોંકી ઊઠ્યો. પ્રો.દેસાઈ મધ્યવયને વટવા આવ્યા છે ત્યારેય જો તે અવિવાહિત હોય તો શું તે પાછળનો ભેદ આટલો જ છે ? કશાક અજબ શા સમભાવથી હેમંત ઊઠ્યો અને પ્રો.દેસાઈના હાથને હળવેથી દબાવ્યો. એક એવું અપૂર્વ સંવેદન અનુભવ્યું કે આ પહેલાં એણે કદી નહોતું જાણ્યું. પછી તો બેઉ જણા સભર મૌનથી બેસી રહ્યા.
પછી તો હેમંત અવારનવાર પ્રો.દેસાઈની પાસે આવતો. જાતજાતની વાતો કરતો, સાંભળતો. પોતાની મુશ્કેલીઓ રજૂ કરતો, તેના ઉકેલ મેળવતો. ક્યારેક વળી, પૂછી લેતો કે,
‘સર ! તમને ડીસ્ટર્બ નથી કરતોને ?'
હસીને પ્રો.દેસાઈ કહેતા, ‘રોડાને જો આપણે કૂંડામાં ગોઠવી દઈએ ને તો એય છોડવાને જિવાડી શકે ! જરૂર હોય છે દૃષ્ટિની...!’
એક દિવસ હેમંતે દરવાજો ખટખટાવવાનાં બદલે ઘંટડી રણકાવી. દરવાજો ખોલ્યા પછી તરત એ આવ્યો નહિ. સ્હેજ અટક્યો ને પછી - દેસાઈને આ વર્તણૂંક પહેલાં તો સમજાઈ નહીં પણ પછી ખ્યાલ આવ્યો કે તેની સાથે કોઈ બીજું પણ છે. કોઈ બીજું એટલે અલકા. આ પહેલાં આ કન્યાને જોઈ નથી. કોણ હશે એ ?
‘આ મારી મિત્ર અલકા! ને અલકા આ છે પ્રો.દેસાઈ. મારા સર.’ હેમંતે પરિચય આપ્યો. પ્રો.દેસાઈ આવકાર આપી બહુ પ્રેમથી ઘરમાં લઈ ગયા. બેઠક ખંડમાં બેસાડી પોતે પાણી લઈ આવ્યા. સહેજ સંકોચ અનુભવતી અલકા ઊભી થઈ ગઈ.
‘સર ! તમે શું કામ પાણી લઈ આવ્યા?’
‘કેમ ભાઈ? મહેમાનોનું સ્વાગત કરવાનો શું મને અધિકાર નથી ? ને તું તો પહેલીવાર ઘરે આવી છો ખરુંને?’
‘હા, સાચું પણ હવે તમારે કશું કરવાનું નથી. તમે અહીં બેસો, હેમંત જોડે ગપ્પા લગાવો. જે કરવાનું છે તે હું કરીશ.’ કહી પાણીની ટ્રે ઊંચકી રસોડા ભણી વળી. દેસાઈ તો જોઈ જ રહ્યા. શું બોલે છે આ છોકરી ? કેવા અધિકારથી? આ ઘરથી જાણે એને કશું અજાણ્યું જ નથી ! તેમણે હેમંત સામે જોયું. એ તો ક્યારનો રહસ્યભર્યું સ્મિત કરી રહ્યો હતો ! દેસાઈએ ખુશ થઈ હેમંતની પીઠ પર ધબ્બો લગાવ્યો.
‘જબરી છે તારી તો પસંદ ભાઈ !’
‘સર ! તમારા વિશે જેટલું હું જાણું છું એટલું એ જાણે છે. રજેરજ ખબર છે ઘરની. ઘણા દિવસથી કહેતી હતી કે મારે મળવું છે મળવું છે પણ...’
‘– પણ તને સંકોચ થતો હતો ખરુંને? મને ગમશે કે નહિ? કદાચ તેં પૂછ્યું હોત તો હું ના પાડી દેત. પરંતુ હવે અલકાને જોયા પછી ના કહેવાની હિંમત નહીં કરું.'
‘તમે ભલે ના કહેવાની હિંમત કરો સર ! પણ હું તો આવવાની જ. એ તો આજે પણ નહોતો લાવતો' અલકાએ ડાઈનીંગ ટેબલ પર ગરમ ગરમ ચાનો કપ ગોઠવતાં કહ્યું. સાથે લાવેલી કચોરીને પ્લેટમાં ચટણી સાથે સજાવતાં આગળ ચલાવ્યું, ‘હું જ જબરજસ્તીથી એની બાઈક પાછળ બેસી ગઈ.'
‘પણ મેં જો બાઈક ચલાવી જ ન હોત તો....’ : હેમંત.
હેમંત ભણી દાંતિયું કરી અલકાએ પૂછ્યું, ‘પણ સર ! એ તો કહો કચોરી કેવી લાગી ?'
હેમંત કહે, ‘કહી દઉં કે તેં જાતે નથી બનાવી?’
પછી તો પકડાપકડીને થોડી ધમાધમી. અલકા દોડીને દેસાઈ સરની પીઠ પાછળ જઈ ઊભી રહીને હેમંતને ડીંગો બતાવી છેડવા લાગી. હેમંત પણ આક્રમક મિજાજ ધારણ કરી ધસ્યો ત્યાં જ અલકાએ કહ્યું, ‘અરે ! થોડી તો શરમ રાખ સરની !’
પ્રો. દેસાઈ બેઉનો કલરવતો કલહ માણતાં મલકી રહ્યા. એવું લાગ્યું કે દીવાલોમાંથી અક્ષરોને બદલે આનંદ ઝરી રહ્યો છે અને ત્રણે જણાં જાણે કોઈ અદ્ભુત જગતમાં પહોંચી રહ્યાં છે. પ્રો. દેસાઈ અત્યંત ખુશ છે. કહ્યું, ‘તમને બંનેને અહીં આવવાની છૂટ છે અને આમ ઝઘડવાની પણ.'
– તો પુસ્તકોની બહાર પણ એક દુનિયા છે જ્યાં કેવળ શબ્દો નથી, જીવંત ચેતના પણ છે. પ્રો. દેસાઈ સ્વભાવગત ચિંતનમાં ડૂબ્યા. તો આ એ નવી પેઢી છે જે પોતાની રીતે જીવે છે ને અધિકારથી ભોગવે છે પોતાની હસ્તી. આટલો નિકટનો સંબંધ ને ‘મિત્ર' તરીકે ઓળખાવવાની ચેષ્ટા ! પોતે કોઈ સાથે આવી મૈત્રી સાધી શક્યા હોત – ? સમય પલટાય છે તે સાથે બદલાય છે મન ! અને તેથી સંસ્કાર પણ પરંતુ એ બદલાવનો સ્વીકાર ક્યાં સહજ હોય છે ? શું હેમંતના ઘરે અલકા વિશે જાણકારી હશે ? કદાચ હોય પણ ખરી. પોતે ક્યાં કદી ઊંચા થઈ જોવાની ટેવ પાડી છે ? તોપણ તેઓની હાજરીથી એક વાતાવરણ ઊભું થાય છે એને કેવી રીતે અવગણી શકાય? દિવસો સુધી દેસાઈ આ આનંદલોકમાં લીન રહ્યા. વાંચવાનું ઓછું થઈ ગયું. કલાસરૂમમાં પણ થોડી હળવાશ આવી. સ્ટડીરૂમને બદલે બગીચામાં સમય વધારે વીતવા લાગ્યો. એમણે જતનથી એક ગુલાબનો રોપ લગાવ્યો અને તેની જાતભાતની કાળજી રાખવા લાગ્યા. ઇચ્છા હતી કે ફરીથી જ્યારે બેઉ આવશે ત્યારે તેઓને ગુલાબ આપી શકે. તેઓ રાહ જુએ છે, ગુલાબ ખીલવાની, હેમંત-અલકાના આવવાની. તેઓ આનંદ માણે છે આ પ્રતીક્ષાનો.
ને થયું પણ એમ જ. જે દિવસે સવારમાં ગુલાબ ખીલ્યું તે સાંજે બેઉ આવ્યાં. ધમધમતાં, જોશભેર, ઊછળકૂદ કરતાં. પ્રો. દેસાઈને લાગ્યું. તેઓ પણ ઊછળી રહ્યા છે, વેરાઈ રહ્યા છે, વિખરાઈ રહ્યા છે, એકદમ પારાની જેમ. બંધાઈ જાય તો શિવલિંગ રચી શકે અને વિખરાઈ જાય તો અણુનો અણસાર નહીં ! તો આજે આમ ખોવાઈ જવાનું છે !
‘આવો આવો મારા વ્હાલાં પંખીડાં' એકદમ નાટકીય અંદાજ છે અવાજમાં ‘જુઓ ! મેં તમારા આગમનની પ્રતીક્ષામાં કેવી કેવી સજાવટ આદરી છે ! પણ થોભો પહેલાં તો હું તમારું સ્વાગત કરીશ !’ કહી ઊડતા હોય એમ પ્રો. દેસાઈ ચાલ્યા અને બગીચામાં જઈ ગુલાબનું મસ્ત ખીલેલું ફૂલ લઈ આવ્યા. ગુલાબી ઝાંયવાળું ઠીકઠીક મોટું મહેકતું ગુલાબ બેઉ સમક્ષ ધર્યું અને કંઈક કહેવા જતાં હતાં ત્યાં અલકા બોલી, ‘એક જ ગુલાબ ? અમે તો બે છીએ.’
‘અરે નાદાન ! મેં તો ધાર્યું હતું કે તમે એક છો ! હશે જે હોય તે એક ગુલાબથી જ ચલાવો, ને એમ ન કરવું હોય તો બધી પાંખડીઓ છુટી પાડી ઉડાડી આપું?’
‘ના ના એમ ન કરતાં સર !’ કહી ઝડપથી હેમંતે ફૂલ ઝૂંટવી લીધું. જાણે !
અલકા રિસાઈ ગઈ, ‘નથી બોલતાં જાઓ !’
‘ભલે અમે તો ચાલ્યા’ થોડીવાર પછી તેમણે બગીચામાંથી જ હાંક મારી બેઉને બોલાવ્યાં. બગીચામાં બેઠક ગોઠવી હતી. હીંચકો, તેની સામે લાકડાનાં વિવિધરંગી ત્રણ-ચાર રાઉન્ડ મૂકેલાં. આરામથી બેસી શકાય તેટલી ઊંચાઈ ને ટેબલ સરફેસ તરીકે પણ ઉપયોગી.
‘હવેથી આપણે અહીં બેસવાનું. ફાવે તો ઝૂલા પર નહીં તો આ વુડનસીટ્સ પર' કહી અલકા સામે નજર કરી. તે ખીલું ખીલું થતી રહી. પ્રો.દેસાઈની ધારણા મુજબ જ ગુલાબનું ફૂલ તેના કેશરાશિની ઘટામાં ગુંથાઈ ગયું હતું. દેસાઈને લાગ્યું પોતે પણ આ રેશમી જાળમાં ફસાતા જ જાય છે. ખબર નહીં તે ગુલાબની જેમ શોભતા હશે કે કેમ ?
આજે તો દેસાઈ ખૂબ મૂડમાં હતા. પ્રકૃતિ, સૌંદર્ય અને સ્નેહ સંબંધિત અનેક કાવ્યપંક્તિઓ કહ્યે જતા હતા, પોતાની રસિક ટીપ્પણીઓ ઉમેરીને જાણે પોતે સંગ્રહેલાં અનેક પુસ્તકોનો એક એક શબ્દ આજે જ ન વહાવી દેવાના હોય ! પરંતુ એ વાત એમના ખ્યાલ બહાર ન રહી કે બહુ જલદી અલકા-હેમંત ‘બોર’ થઈ ગયા અને પ્રો. દેસાઈની નજર બચાવી પ્રેમચેષ્ટા કરતાં રહ્યાં. છેવટે એક ઊંડો શ્વાસ લઈ તેઓ અટક્યા. ચહેરા પર જાણે વિચાર થીજી ગયો હોય એમ. આ છોકરાઓને પ્રેમગીતો સાંભળવા કરતાં ક્રીડામાં વધારે રસ છે ! ક્રીડા ! કેવો શબ્દ છે ! તેનાં પ્રાસમાં બેસે વ્રીડા. એટલે લજ્જા ! જોવું પડશે. બંને લાસ્યભર્યા શબ્દો; એક થરકતી પંક્તિ ઊભી થાય ખરી ?
‘સર ! જઈએ ને ?'
ધ્યાનભંગ થયેલાં પ્રો. દેસાઈએ સાંભળ્યું. ‘બસ ! આટલા જલદી ?’
‘જાઓ ! તમારું તો ધ્યાન જ નથી અમારી વાતમાં !’ અલકાએ સરને કહ્યું. હેમંતે આગળ ચલાવ્યું. ‘આવતા અઠવાડિયે મધ્યપ્રદેશનાં જંગલોમાં જવા વિચારીએ છીએ. તમારે પણ આવવાનું છે.'
‘અત્યારે ? આ સિઝનમાં કેમ ?’
‘આ જ તો સૌથી સારો સમય છે. શિયાળો વિદાય થશે અને વસંત આવશે. જંગલનું એકે એક વૃક્ષ નવાં નવાં ફૂલો ખીલવશે. જંગલની ખરી મઝા તો વસંતવૈભવ જોવામાં જને !’
‘અરે ! તું તો કવિ જેવું બોલવા માંડ્યો.’
‘અમે ભલે કવિતા ન લખીએ, બાકી જીવી તો જાણીએને !’ કહીને હેમંતે અલકા સામે જોયું. ફરીથી આંખો આંખોમાં ખોવાવા માંડી. ચહેરા પર ગુલાબ ખીલવા માંડ્યાં. આસપાસ સૂરધૂનીઓ વહેવા માંડી. પ્રો. દેસાઈના મનમાં અનેક સ્પંદનો ઊઠવા લાગ્યાં. હથેળી એકદમ જાણે ભીની બની ગઈ. બોલવા જતાં અવાજમાં આર્દ્રતા ભળી ગઈ. ‘–પણ હું શું કરીશ તમારી સાથે ? ના ના મને નહીં ફાવે’
‘ગમશે, ચોક્કસ ગમશે તમને.’ બેઉ જણ આગ્રહ કરવા માંડ્યાં.
‘ખબર નથી. આ રીતે કોઈ દિવસ નીકળ્યો નથી એટલે.... !’
‘અમે છીએને ? ચોક્કસ ફાવશે. પછી તો તમે બહાર નીકળવા તલપી ઊઠશો. આ પુસ્તકો ને બીજી જંજાળ બાજુએ જ રહી જશે.’ હેમંતે સમર્થન માંગ્યું: ‘સાચું ને કુકી ?’
આમ, ઘરકૂકડી પ્રો. દેસાઈ મધ્યપ્રદેશના જંગલોમાં જવા તૈયાર થયા.
*
સાત દિવસ. પૂરા સાત દિવસ પ્રો. દેસાઈએ અજબ ઉત્તેજનામાં વિતાવ્યા. ક્યાંય સ્થિર થઈને બેસી શકતા નહીં. વનસ્પતિઓની જાણકારી આપતાં પુસ્તકો એકઠાં તો કર્યા પણ એક પાનુંય ફેરવી શક્યા નહીં. નાની મોટી પ્રવાસની તૈયારીમાં લાગેલા રહ્યા. રિઝર્વેશનની જવાબદારી તો હેમંતની છે. ત્રણ ચાર જગ્યાઓ વિચારી છે. જબલપુર કે પછી અમરકંટક કે શિવપુરીનાં ગાઢ જંગલમાં અથવા તો ખજૂરાહો પન્નામાં. હેમંત જ્યાં લઈ જશે ત્યાં. ફક્ત હેમંત ? અલકા નહીં ? આખરે હેમંત તો અલકાની ઇચ્છાને જ માન આપશે ને ? એટલે પ્રો. દેસાઈ અલકાની મરજી પ્રમાણે મધ્યપ્રદેશનાં જંગલોમાં ફરશે. માંડુનો કિલ્લો યાદ આવ્યો રાની રૂપમતી બાજ બહાદુર અને....
ત્યાં હેમંત અને અલકા આવ્યાં. હેમંત કહે, ‘હું અલકાને મૂકી જાઉં છું સાંજે પાછો આવીશ. કાલે તો નીકળવાનું છે ને હજી ઘણાં કામ બાકી છે.’ રમતિયાળ અલકા ઘરમાં ચકલીની જેમ ઊડવા લાગી : જોઉ ! તમે શું શું તૈયારી કરી છે ? થાય છે, થોડો વધારે નાસ્તો પણ બનાવી લઉં ખરુંને ?’ ત્યાં દેસાઈએ તૈયાર રાખેલો પ્રવાસનો સામાન જોઈ અલકા ભડકી ઊઠી. ‘અરે ! આ શું? આટલો બધો સામાન ? અરે સાહેબ, આપણે ફરીશું કે પછી સામાન ઊંચક્યા કરીશું ?'
અલકાએ નવેસરથી સામાન ગોઠવવાનું કામ ઉપાડ્યું. ‘તમને અનિવાર્ય હોય તેટલું જ લો અને સર ! પુસ્તકો એક પણ નહીં. અમને જોયા કરજો. કંટાળો તો બહાર નજર કરજો છેવટે તમારી અંદર –' ધડાધડ વહેતા ઝરણાની જેમ અલકાની વાણી અસ્ખલિત વહ્યા કરે છે અને દેસાઈને જાણે એ સ્વરનાદનો નશો ચઢતો જાય છે. અજબની ખુશી ! ભરપૂર સંવેદનનો અનુભવ. કેવી રીતે શબ્દોમાં મૂકી શકાય આ ભાવને ? ને આ અલકા ! સુંદર રતાશ પડતી ત્વચા ધરાવતી કન્યા, પાતલડી, રસિક વાતો ને એવી જ એની દેહયષ્ટિ ! કેટલી સહજતાથી આવાગમન છે એનું આ ઘરમાં ? જાણે એનું જ ઘર ! કેવી અધિકારથી મચી પડી છે બધું ગોઠવવા ને સામાન પેક કરવા. કહે, અનિવાર્ય હોય તેટલું જ લેવાનું પણ ગાંડી, પુસ્તકો સિવાય અનિવાર્ય બીજું શું છે મારા માટે ? પણ તેની તો તદ્દન ના જ. હવે ? એ જેમ કહે તેમ.
હવે એ રસોડામાં ગઈ છે. ચા બનાવી લાવી. ‘થોડી ખારી પુરી અને સુખડી બનાવી દઈએ. બરોબરને ? હેમંત સાચું જ કહેતો હતો. કહે કે તમને આવા પ્રવાસનો અનુભવ નથી. એથી તૈયારીમાં ઘણી ગરબડ હશે. જા જઈને સરખું કરી આવ. જો હું ન આવી હોત તો –? જોયું, હવે કેવાં ખાલી બે જ વાનાં રહ્યાં !’ વળી, એ ફરફર કરતી રસોડામાં ગઈ. સ્ત્રી ! સ્ત્રીનું હોવું કેવું રમણીય હોય છે નહીં ? પણ આ તો અલકા, હેમંતની અલકા પણ જો હેમંત જ ન હોય તો ? દેસાઈ પોતાના વિચારથી ચોંકી ઊઠ્યા. વળી, માંડુનો કિલ્લો યાદ આવ્યો. ઝરુખામાં ઊભી છે પ્રતીક્ષારત અલકા ! પણ એ કોની રાહ જુએ છે ? હેમંતની-હેમંતની.
ત્યાં અલકા આવી. ડીશમાં ગરમ ગરમ તળાયેલી પુરીઓ હતી તે દેસાઈ સમક્ષ ધરી. પણ દેસાઈનું તો ધ્યાન જ નથી. અલકાએ સ્નેહપૂર્વક માથામાં હાથ પસવારવાની ચેષ્ટા કરતા કહ્યું, ‘સર ! ક્યાં ખોવાઈ ગયા ?’ સ્પર્શ અને ગરમ પુરીની સુગંધ બંને એક સાથે દેસાઈની ઇન્દ્રિયોને સ્પર્શ્યા. પહેલાં પુરી સામે ને પછી અલકાની ભરાવદાર છાતી પર નજર ગઈ. સહેજ ઉપર નજર ગઈ તો મરક મરક કરતી અલકાનું રમણીય વદન. અચાનક દેસાઈએ અલકાનો હાથ ગ્રહી લીધો. કશુંક બોલવા ઈચ્છ્યું પણ સ્વર જ દબાઈ ગયો. જરાવાર રહીને અલકાએ હળવેથી પોતાનો હાથ મુકાવી દીધો. એ ધબ્બ દઈને સામેની ખુરશીમાં બેસી પડી. એ અવાજથી પ્રો. દેસાઈ ધ્યાનભંગ થયા ને પોતાની જાતથી જાણે લજ્જાયા. ઊભા થઈને પોતાના સ્ટડીરૂમમાં ચાલ્યા ગયા અને રૂમ અંદરથી બંધ કરી દીધો.
સમય વીતતો ચાલ્યો. ક્ષણો પર ક્ષણો. મિનિટો કલાકોમાં બદલાવા માંડી છેવટે સાંજ થઈ. ત્યાં તો હેમંતની બાઈકનો અવાજ સંભળાયો. હવે શું થશે ? એક ફડક પ્રો. દેસાઈએ અનુભવી ને દબાતા પગે કાન સરવા કરી બારણા પાસે આવી ઊભા રહી ગયા. હેમંત તો તેનાં રોજિંદા આવેગ સાથે પ્રવેશ્યો હતો ‘લકી ! તૈયાર બધું ? ને સર, સર ક્યાં ગયાં ?’
ચિંતાભર્યો અલકાનો અવાજ સંભળાયો. ‘જોને હેમંત ! સર તો ક્યારનાં અંદરની રૂમમાં ચાલ્યા ગયા છે તે બહાર જ નથી આવ્યા. મને તો બહુ ખબર નહીં એટલે બારણું નૉક કરવું કે નહીં તે જ નક્કી ન'તી કરી શકતી. સારું થયું તું આવ્યો.’
‘કેમ કંઈ થયું તો ન હતુંને ?’ !
‘ના. ખાસ કંઈ નહીં – મેં તો બધો સામાન નવેસરથી પેક કર્યો. નાસ્તો બનાવતી હતી. તે તાજો ગરમ નાસ્તો એમને આપવા આવી. ને સાથે ચા પણ. મને કંઈ કહેવું હોય એમ હાથ પકડીને સામેના સોફા પર પણ બેસાડી પણ પછી કંઈ બોલ્યા જ નહીં ને પછી તો અંદર ગયા તે ગયા. જોને મને કેવું ખરાબ લાગ્યું ? મેં બનાવેલો નાસ્તો પણ ન ચાખ્યો.’
આટલી લાંબી વિગતો સાંભળતો હેમંત અકળાઈ ઊઠ્યો. રૂમ તરફ આગળ વધતા બોલ્યો, ‘ખરી છે તુંય, તારાથી પૂછાય પણ નહીં ?’ ને બારણું ખખડાવતા મોટેથી કહ્યું, ‘સર સર, હું હેમંત, દરવાજો ખોલો.’
પ્રો. દેસાઈ સામે અનિર્ણયની સ્થિતિ આવી ગઈ. દરવાજો ખોલવો કે નહીં ? ને ખોલ્યા પછી – અલકાએ તો વાતને રોળીટોળી નાખીને દરવાજો ખુલ્લો રહેવાની શક્યતા બાકી રાખી છે. પણ આગળ-આગળ જંગલમાં તો કેવળ જંગલી વૃક્ષોને આદિમ જાતિ જ હશે. ત્યાં આવું કંઈ થશે તો પુરાઈ જવા માટે સુરક્ષિત રૂમ નહી મળે. વાડ વગરના એ પ્રદેશમાં જે બળવાન હશે તે જ ટકી જશે. દરવાજો ખોલવો કે નહીં. આ વાડ ઓળંગવી કે નહીં ?
ખરેખર અલકાએ વાતને રોળીટૉળી નાખી છે કે પછી જે સહજતાથી કહે છે એ સાચું હશે ? પોતાનો દોષ એની નજરમાં વસ્યો જ નહીં હોય ? અથવા એ આવી વાતોને એ રીતે જોતી જ નહીં હોય? કેમ ખબર પડે એની, અલકા કે હેમંત થયા વિના - જ્યારે પોતે તો ચાળીશ વટાવી ગયેલા દેસાઈ – જે સમાજના પોતે ઊછર્યા તેથી જુદો સમાજ હશે શું આ લોકોનો ? પોતાની જે સમજ વિકસી તેથી જુદી સમજ હશે શું આ લોકોની? – પણ ક્યાંક તો હદ પૂરી થતી હશેને ? કઈ હશે એ હદ – એક ઊંડો શ્વાસ એમ ભર્યો જાણે છાતીમાં હિંમત ભરતા હોય ને પછી આગળ વધ્યા, દરવાજો ખોલવા, જાણે છીંડું પાડવા...
[‘વિ' જાન્યુઆરી, ૧૯૯૬]
0 comments
Leave comment