99 - સાંભળ્યા કરો / જવાહર બક્ષી


પથરાશે હમણાં મૌનનું રણ સાંભળ્યા કરો
પૂછો નહીં હવે કશું, પણ સાંભળ્યા કરો

પૂરો નહીં હવામાં અનાગતનાં સાથિયા
ઓગાળી દો બધાંય સ્મરણ, સાંભળ્યા કરો

ચાલી રહ્યો છે લૂલો સમય ચાલતો રહે
બબડી રહી છે બોબડી ક્ષણ સાંભળ્યા કરો

કોઈ સરી ન જાય આ શૂન્યાવકાશમાં
ચૂપચાપ રહીને વાતાવરણ સાંભળ્યા કરો

આ છેલ્લા શ્વાસ જઈ રહ્યા છે અંધકારના
હમણાં નીકળશે કોઈ કિરણ.. સાંભળ્યા કરો


0 comments


Leave comment