21 - પગરવ ગયા તળિયે / ધીરેન્દ્ર મહેતા
પગરવ ગયા તળિયે, ઉપર સૂનકારના હિલ્લોળ છે,
તમરાં અને કંસારીઓને ખૂબ ઝાકમઝોળ છે!
એક ક્ષીણ સૂકા આંસુની રેખ સમી ચમકે નદી,
ડહોળાયેલી કો' આંખ મારા ગામની ભાગોળ છે !
એક જ તરે પીછું હવામાં લોહીભીનું ઓળઘોળ,
આ સાંજનું આકાશ તોયે કેમ રાતુંચોળ છે !
સાતેય રંગોમાં પણે ખીલી ઊઠી છે વેદના :
આકાશની છાતી ઉપર જો, ઈન્દ્રધનુના સોળ છે !
આકાશમાં તો આમ પણ ક્યારેક લાધી જાય સ્થાન :
ઊડતું તણખલું છે વળી, સંગાથમાં વંટોળ છે !
૩-૧૧-૧૯૭૯
0 comments
Leave comment