22 - ને ખરી જાય અજવાસ / ધીરેન્દ્ર મહેતા
નભ ઝરણ સાથે વહેતું થયું રે જગે,
પર્વતો કિન્તુ માંડી ન શક્યા ડગે !
બસ હવે મોગરો એકલો તગતગે,
ને ખરી જાય અજવાસ આવી શગે !
બુંદ બે પાંપણે પર ઠરી જે કદી,
આજ તોરણ બની આંખમાં ઝગમગે !
આટલી ગતિ નહોતી કદી રક્તમાં,
કોણ આ રક્ત સાથે ફરે છે રગે !
કમ્પ આ શીદને ઓકળીયું મહીં,
રાત આખીય ભીંત્યું ભલા ડગમગે ?
ત્યાં અડાબીડ જંગલ ખડું થઈ ગયું,
એક તરણું ફરક્યું જ મારા દૃગે !
શૂન્યતા ના રહી ક્યાંય ઘરમાં પછી,
આવતાંવેંત આકાશ આપ્યું ખગે !
૯-૭-'૭૬
0 comments
Leave comment