25 - શેરી / ધીરેન્દ્ર મહેતા
છવાઈ જાય છે જ્યારે કદી તુજ યાદનાં રજકણ,
અહીં ત્યારે મને ચોપાસથી વીંટાય છે શેરી.
અચાનક કોક દી આવી મળે છે માર્ગની વચ્ચે,
અને ક્યારેક ખિસકોલી બની સંતાય છે શેરી.
સવારે કેમ દેખાતી નથી એ ચાંદની ક્યાંયે !
મને લાગે છે એવું કે નક્કી પી જાય છે શેરી !
અવાચક થઈ હજી બહેરી બખોલો સાંભળે એ ગીત,
કે ગમગીનીથી અકળાઈ જઈ જે ગાય છે શેરી !
અહીં આ ઘર તણી દીવાલ ઓચિંતી ખસી જાયે,
ને મારા ઓરડા માંહી બધે ફેલાય છે શેરી !
૩-૭-'૧૭
0 comments
Leave comment