26 - રિપોર્ટનું આ જગત / ધીરેન્દ્ર મહેતા
ગતિ પળેપળ થયા કરે છે, ભલે કશે ના સફર પહોંચે,
અને છતાં ક્યાંય જો પહોંચે જ તે પહોંચ્યા વગર પહોંચે !
રહી સતત ભીંસમાં ચપોચપ થઈ જઈ તરબતર પહોંચે;
૨ડવડતું ગામપાદરે આ ઉપરતળે થતું નગર પહોંચે !
રિપોર્ટનું આ જગત, કશું એ વિના મહત્ત્વનું અહીં બને ના,
બને ન ઘટના કદીકદી તો પરંતુ એની ખબર પહોંચે !
બહાવરા લેક, ભીડ, ટ્રાફિક, ન ક્યાંય શોધ્યો જડે જ માણસ,
અવાક બેબાકળી ફરે પણ ન ક્યાંય મારી નજર પહોંચે !
બધું જ ફેલાય છે અહીંયાં હવાની માફક, નડે ન વિઘ્નો :
ન હોય કૈં મૂળમાં છતાંયે બધે જ એની અસર પહોંચે !
૨૩-૧૨-૭૮
0 comments
Leave comment