27 - ચહેરા / ધીરેન્દ્ર મહેતા


જો વાતો પરસ્પર કરે છે ચહેરા,
લાગે છે જાણે કરગરે છે ચહેરા !

હતાં જે અમોલાં રતન અમ નયનનાં,
જુઓ, અશ્રુરૂપે ઝરે છે ચહેરા !

કહે, કેમ તારક થયા છિન્નભિન્ન ?
શું ખંડિત થયેલા ખરે છે ચહેરા ?

ગયા ઓગળી ચાંદનીમાં જે રાતે,
એ ઝાકળ મહીં તરવરે છે ચહેરા !

ઘટા સાથે ઘેરાઈ ગઈ યાદ પાછી,
ને વર્ષો થઈ ઝરમરે છે ચહેરા !

ભરી ભીડમાં ઊભરાઈને પળમાં,
ને પળમાં સ્વયંથી ડરે છે ચહેરા !

સફર તોય મારી સદા સાવ સૂની,
ભલે સાથે લાખો ફરે છે ચહેરા !

૧૯-૬-૧૯૬૮


0 comments


Leave comment