28 - વીતી પળના તાણાવાણા / ધીરેન્દ્ર મહેતા


માગીશ જ તે ખમચાશે નહિ, એ તો એ પણ આપી દેશે,
આ કવચકુંડળ આપી દેશે, અંગૂઠો પણ કાપી દેશે.

આકાશ બની ફેલાવાના તારા લાખો યત્નોને પણ,
એ તો એના એ પોતાના ટૂંકા ગજથી માપી દેશે.

એની ઉષ્મા ધુમ્મસ થઈને દુનિયા આખી ઘેરી વળશે,
અંગારાની છાતી પર જો હિમખંડોને ચાંપી દેશે.

વીતી પળના તાણાવાણા ઊડીઊડીને ક્યાં જાશે ?
શ્વાસ થકી તું ગૂંથી લેજે, સ્પર્શ થકી એ છાપી દેશે.

સૂનો પડતો ઘંટારવ ને રાણે થાતો દીવો લઈ લ્યો,
વ્રતમાં રત કો’ કન્યા કૈં પણ દેવ કરીને સ્થાપી દેશે.

૧૫-૧૨-‘૭૮


0 comments


Leave comment