29 - સૌની સાંભરણમાં / ધીરેન્દ્ર મહેતા


કદી કદી હું એવી એક ક્ષણમાં હોઉં,
નિકટ હો તું, છતાં તારા સ્મરણમાં હોઉં...

મળું નહિ ક્યાંય હું જો શોધવા જાઓ,
અને ચારે તરફ વાતાવરણમાં હોઉં...

અલગ ક્યાં હોઉં છું સુંદર થકી ક્યારેય ?
નહીં આકારમાં તો આવરણમાં હોઉં...

મળે ના કૈં સબૂત મારી હયાતીનું,
અને હું આમ સૌની સાંભરણમાં હોઉં...

રહ્યું અંતર રહીને પાસમાં પણ, જો –
તું સપનામાં અને હું જાગરણમાં હોઉં....

૨૭-૫-'૮૦


0 comments


Leave comment