11 - પ્રકરણ ૧૧ / અસૂર્યલોક / ભગવતીકુમાર શર્મા


શહેરથી થોડેક દૂર જતાં જ ઠાવકી નદી વંકવોળામણી, વેગીલી અને વગડાઉ બનતી હતી - જાણે સાસરેથી પિયર જતી નવોઢા. પછી વનપ્રદેશ શરૂ થતો હતો. સોમપુર ગામ તેના પ્રવેશદ્વાર સમાન હતું, નાનકડું પણ નમણું. માની કેડે બેઠેલા બાળક જેવું નદી ગામની પશ્ચિમ સીમાને વીંટળાઈને વહેતી હતી. નદી જ ગામના અસ્તિત્વની ધોરી નસ હતી. ગામની પશ્ચિમ સીમાડે બાવળની કાંટ્ય, ઝાડી-ઝાંખરાં, ભેખડો, સૂકી રેતીનો દડ, ભીની રેતી અને નદી. ઢાળ ઊતરવો પડે. થોડાંક ઘરો સાવ નદીકાંઠે ઝળૂંબીને પણ ઊભેલાં હતાં. એમાં એક ઘર આફ્રિકા ખેડીને પાછલી વયમાં અહીં સ્થાયી થયેલા રામભાઈ નરસિંહભાઈ પટેલનું હતુ. એક તો આફ્રિકાનો પૈસો અને અહીં ખેતી ખાસ્સી વિકસાવેલી. સમૃદ્ધિ ઘણી હતી. તેમણે અતિરુદ્ર યજ્ઞ યોજી તેનો મંડપ નદીના ભાઠામાં બંધાવ્યો હતો. ઘરનું ઘર, નદીની નદી. શેરી વટાવો કે નદી સામે મળે.

પંથક શ્રેષ્ઠ સામવેદી તરીકે નિગમશંકરને પણ આ યજ્ઞનું આમંત્રણ મળ્યું. જવા-ન જવા થોડીક અવઢવ થઈ, કારણ હવે દુર્ગો તમની પાસે ન હતો. કદાચ અમદાવાદથી બારોબાર સોમપૂર આવે. ન આવે તો યે સોમપૂર જવાની નિગમશંકરને રઢ લાગી હતી.- વરસોથી અહીં અતિરુદ્ર યજ્ઞ થતો જ ક્યાં છે? તેમાં ભાગ લેવાનું મને બહું મન છે. ભાગીરથીબા ના પાડતાં રહ્યાં- પણ તમારી આંખો...? પણ નિગમશંકર માન્યા નહિઃ રથી, આટલાં વરસ કશી આળપંપાળ વગર જીવ્યો છું. હવે પોચટવેડા છાજે? થઈ થઈને મને શું થવાનું હતું? ને કંઈ થાય તો યે શું? યજ્ઞનારાયણ અને નદીનું સાંનિધ્ય હશે, હોઠ અને હૈયે ઈશ્વરસ્મરણ, ૠચાઓનું ગાન-શ્રવણ... મોત આવે તોય શું

તિલક બાપુજીના મનોગતને સમજી શક્યો. તેણે કહ્યુંઃ હું તમને સોમપુર મૂકી જાઉં. યજ્ઞ પૂરો થતાં તેડવા આવીશ.
સોમપુર શહેરથી ઝાઝું દૂર ન હતું. બસમાં જતાં અડધોક કલાક થાય. ઘેરથી નીકળતાં નિગમશંકરે રમૂજ કરીઃ રથી, તું યે સાથે આવી હોત તો? આઠેય દહાડા સજોડે નદીમાં સ્નાન કરત.
ભાગીરથીબાએ ગંભીરતાથી કહ્યુંઃ રથયાત્રા આટલી ઢૂંકડી ન હોત તો હું આવત. મંદિરમાં તો ઢગલો કામ છે.

રસ્તો ખરાબ હતો. બસના ઉછાળા અગણિત હતા. તેમના હોઠ મંત્રોચ્ચારણથી ફરકતા હતા. સોમપુર આવ્યું. તરત નદી નજરે પડી. તિલકના હૈયે કશોક અકળ ધ્રાસકો પડ્યો. શહેરને અડીને વહેતી નદીએ અહીં પણ તેમનો કેડો મૂક્યો ન હતો! નગરનું જ જાણે એક અનુસંધાન! પહાડથી સમુદ્ર પર્યંતની યાત્રામાં નદી ગમે ત્યાં વિહરી શકતી હતી-ઘરના આંગણા સુધી, ઘરમાં, પુસ્તકો-પોથીઓવાળા ઓરડામાં પણ!

તૈલક નદીને અનિમેષ આંખે જોઈ રહ્યો. અણગમો, રોષ, વિનમ્રતા, ક્ષમાશીલતા-શા ભાવો જાગતા હતા અંતરમાં? વિતૃષ્ણા જ મોખરે અને તીવ્ર હતી? નદીનાં પાણીને જોતા જ વળી વળીને વીંછીના ડંખ જેવી વેદના કેમ થઈ આવતી હતી હ્રદયમાં? નદીનાં પૂરે તેના ઘરમાં હોનારત કરી હતી, પણ તે પછી જ નગરના જીર્ણશીર્ણ ગ્રંથાલય માટેનો તેનો લગાવ સઘન બન્યો હતો ને? એ ગ્રંથાલયની જર્જરતાની ચાર ઈંટો પણ જો તે ખસેડી શકે તો... અદી! નદી! એ તેનું દુઃસહ પણ અનિવાર્ય વળગણ તો નહોતી બની ને?

નિગમશંકરે પૂછ્યુંઃ તિલક, નદી અહીંથી કેટલી છેટી છે?
આ રહી સામે.
મને નદી સુધી લઈ જશે? યજ્ઞમંડળમાં જતાં પહેલાં હું નદીને મળી લઉં-એની દિશા, વાટ જાણી લઉં.
તિલક પિતાની સામે જોઈ રહ્યો. તેને લાગ્યું કે તેનાં ચશ્માંના કાચ ધૂંધળાઈ રહ્યા હતા. તેણે રૂમાલથી કાચ લૂછ્યા. કશો ફેર ન પડ્યો. તેણે ચૂપચાપ નિગમશંકરનો હાથ પકડી તેમને નદી ભણી દોરવાં માંડ્યા, પછી કહ્યુંઃ બાપુજી, રોજ નદીએ જવાનું જોખમ ન ખેડતાં. અજાણી જગ્યા, અજાણ્યાં પાણી અને તમારી આંખે તો...
તું નિશ્ચિંત રહેજે ભાઈ! નદી મારું કશું બગાડી નહિ શકે.
બગાડ્યું તો ઘણું છે! તિલકથી બોલાઈ ગયું.

ભૂલી જા એ બધું ભાઈ! કશું બગડતું નથી-કશું સુધરતું નથી. મમભાવ ખોટો, સમભાવ સાચો. આપણે માત્ર સાક્ષી, હું તો એ પણ નહિ! નદી પર રોષ રાખીને આપણે ક્યાં જઈશું? એ તો આપણી સાથે અહીં સુધી આવી. હજી આગળ જઈએ તો યે તે આવશે. આપણે નહોતા ત્યારેય નદી હતી. આપણે નહિ હોઈએ તે યે નદી હશે. પ્રવાહ એ જ જીવનનો પર્યાય. નિરંતર કશુંક વહેતું રહે છે.
કોઈક નદી રણમાં શોષાઈ જાય છે.
ના, રણના પેટાળમાં યે નદી તો વહેતી જ હોય છે-ક્યારેક મરીચિકાની નદી!
મરીચિકાની નદી! આ શબ્દો સાંભળી તિલક કોણ જાણે કેમ, ધ્રૂજી ઊઠ્યો.

નદીનું કાચ જેવું પારદર્શક જળ હવે સંનિકટ હતુ. તિલકના ખુલ્લા પગે પાણીઓ શીતળ, સ્નિગ્ધ સ્પર્શ અને નિમિષમાત્રમાં તેનો ઉત્તાપ શમતો જતો હોય એમ તેને લાગ્યું. ના, આ મરીચિકાની નદી તો નહોતી જ! નિગમશંકરે નીચા નમી જળની અંજલિ લીધી, આચમન કર્યું, પાણી માથે ચઢાવ્યું, પ્રણામ કર્યા. પછી તેમેણે કહ્યુંઃ
દીકરા, જીવન બહું વિષમ છે, કાંટાકાંકરા-ઝાડીઝાંખરાંથી ભરેલું છે પણ તેનું પ્રવહમાન સ્વરૂપ તેને સહ્ય બનાવે છે. જીવન થંભી જાય તો તે દુઃસહ, મૃત્યુતુલ્ય બને, પણ મૃત્યુ યે જીવનની ગ અતિને રૂંધી શકતું નથી. જન્મ-જન્માતંર આપણી માન્યતા પણ જીવનની પ્રવાહિતાનો સંકેત કરે છે. આથી કશાથી હારીને અટકી ન જવું, વહેતા રહેવું-નદીની માફક...

અચાનક તેમણે તિલકનો હાથ પકડી લઈ કહ્યુંઃ તિલક, અત્યારે મોત આવે તો યે હું તેનો સ્વીકાર કરું-માથું નમાવીને. આવતે જન્મેય હું આ જ જીવન માગું- વેદો અને શાસ્ત્રોનું સાંનિધ્ય, યજ્ઞદેવતાની ઉષ્મા, રથી જેવી સ્ત્રી અને તારા સરખો પુત્ર... આવતે ભવે પણ ભલે મારી આંખો ન હોય...
તિલકની વ્યાકુળતા તીવ્ર બની. તેને થયુંઃ બાપુજી હવે ન બોલે તો સારું! કેમ આજે આવા શબ્દો સ્ત્રવતા હતા તેમના મુખમાંથી?
બપોરની બસમાં દુર્ગો આવી પહોંચ્યો. તિલકનું હ્રદય હળવું થયું. તે તેને ભેટી પડ્યો. દુર્ગાએ નિગમશંકરની ચરણરજ લીધી. નિગમશંકરે તેને બાથમાં લીધોઃ મારો દુર્ગો છેવટે આવી પહોંચ્યો. શહેર તરફની બસ નમતે પહોર ઊપડતી હતી. નિગમશંકરને દુર્ગાને ભળાવતાં તિલકે કહ્યુંઃ દુર્ગાભાઈ, બાપુજીને સાચવજે.

એ વળી કહેવાનું હોય? તારા બાપુજી મારું શિરછત્ર છે. કહી દુર્ગાએ તિલકના બંને હાથ દબાવી દીધા. તિલક ક્યાંય સુધી દુર્ગા તરફ તાકી રહ્યો. પછી તેણે નિગમશંકર તરફ જોયું. યજ્ઞમંડપ નજીકના ઉતારે શેતરંજી પર ભીંતને ટેકે તેઓ સ્વસ્થતાથી બેઠા હતા. તિલકની દ્રષ્ટિ ખાસ્સી વાર સુધી તેમને પસવારતી રહી, તેમની પ્રદક્ષિણા કરતી રહી. તેના પરથી દ્રષ્ટિને ખસેડતાં તેણે કશુંક કષ્ટ અનુભવ્યું. પછી વગર બોલ્યે તેણે તેમના ખોળામાં માથું મૂકી દીધું. સ્પર્શથી તેને પ્રીછી જઈ નિગમશંકર બોલ્યાઃ તિલક! જાય છે? બસનો વખત થયો?
હા, બાપુજી!
હવે તું તેડવા ન આવતો. દુર્ગો મૂકી જશે.
હા...

તારી બાને કહેજે-મારી ચિંતા ન કરે, રથયાત્રામાં મન પરોવે. હું પરમ આનંદમાં છું. હું યે યાત્રાએ આવ્યો છું-યજ્ઞદેવતાની યાત્રા. કલ્યાણમસ્તુ. તું હવે જા. શિવાસ્તે પંથાનઃ... અને તેમણે હાથ ઊંચા કર્યા. આ પૂર્વે તેને ઉદ્દેશીને બાપુજી ક્યારેય આવું બોલ્યા ન હતા. આજે? કદાચ સહજપણે જ... તિલકે વિચાર્યું. ફરી એક વાર બાપુજીને જોઈને અને તેમનો ચરણસ્પર્શ કરીને તિલક બસ-સ્તૅન્ડે આવ્યો ત્યારે આષાઢી આકાશ કાળાં ભમ્મર વાદળોથી ઘેરાવા માંડ્યું હતું. વરસાદ થશે. અને થયો. બસ શહેરની ભાગોળે પહોંચી ત્યાં સુધીમાં બધું જળજળાકાર થઈ ગયું.

ભાગીરથીબા જગન્નાથના મંદિરે ગયાં હતાં તેથી ઘર બંધ હતું. પોતાની પાસે ચાવીથી ઘર ઊઘાડી તિલકે કોરાં કપડાં પહેર્યાં. બા આજની રાત કદાચ મંદિરમાં જ રોકાશે. રથયાત્રાની તૈયારીઓમાં તેમને ગળાબૂડ રહેવું પડશે. મંદિરને તોરણ-ધજા-પતાકાનો શણગાર, મૂર્તિઓને નવાં વસ્ત્રાલંકાર, હાંડી-ઝુમ્મરના ઝગારા, મૂર્તિઓને સેસરસ્નાન અને અભિષેક, પૂજા અને આરતી, હવેલી સંગીતના સૂરો અને મૃદંગ પર થાપટ અને મંજીરાંનો રણકાર, શ્લોકોચ્ચાર અને લાકડાનો મોટો રથ, દર્શનાર્થીઓની તુમુલ ભીડ અને જયઘોષ, મૂર્તિઓની આંખે પાટા બાંધવાના અને રથયાત્રાનો પ્રારંભ થાય તે પહેલાં-
અચાનક તિલકને નિગમશંકરના શબ્દો સાંભરી આવ્યા: આવતે ભવે પણ ભલે મારી આંખો ન હોય...’

તેને કપાળે પ્રસ્વેદનાં બુંદ તરી આવ્યાં. ચશ્માં ઉતારીને તેણે આંખો લૂછી.
હવે વરસાદ રહી ગયો હતો. માત્ર નેવાં ટપકતાં હતાં. શેરીમાં સોપો પડી ગયો હતો. બારણું ખખડ્યું. બા હશે એમ ધારી જોયું, સત્યા હતી. તિલક જરા કંપી ગયો. તેણે ટપકતાં નેવાં તરફ દ્રષ્ટિ કરી. સત્યાએ હથેળી લંબાવી નેવાંના પાણી ઝીલ્યાં અને એ પાણી તિલક પર ઉડાડ્યું. તિલકનાં ચશ્માંના કાચ પર જલબિન્દુઓ છંટાયાં. ધૂંધળાશ વધી ગઈ. તેણે સત્યાને ઘરમામ લીધી. ખુલ્લાં બારણાં સત્યાએ બંધ કર્યાં. ઘરમાં આમતેમ નજર ફેરવી તેણે પૂછ્યુંઃ
બા-બાપુજી; કોઈ નથી?
ના. બા મંદિરે, બાપુજી પરગામ યજ્ઞમાં.
અને તું એકલો?
હવે નથી. તું આવી ને?
હું તો મનસ્વી નદી જેવી છું-ગમે ત્યારે, ગમે ત્યાં વહી નીકળું! અને સત્યાએ આંખો નચાવી. ફરીથી નદી!- તિલકે ક્ષોભ અનુભવ્યો.

તિલકની પાસે બેસતાં સત્યાએ ગંભીરતાથી કહ્યુંઃ
કોણ જાણે કેમ, મને ક્યારેક એવું લાગે છે- તું મારાથી થોડીક જુદાઈ રાખે છે.
શક્ય છે. વ્યક્તિ છેવટે તો અલગ છે. તેની વ્યક્તિતાને પૂરી ભૂંસી ન શકાય.
આપણે ભૂંસી શકીએ.
કઈ રીતે?
નજીક આવીને.
હજી?
પૂરેપૂરાં.
તું શારીરિક નજીકતાની વાત કરે છે?
હું તેની બાદબાકી નથી કરતી. સત્યાએ ધીમા સ્વરે કહ્યું. તિલકનું હ્રદય એક થડકારો ચૂકી ગયું. થોડી વારે તેણે કહ્યુંઃ તું સ્વસ્થ નથી સત્યા!
હંમેશાં સ્વસ્થ રહેવું જરૂરી છે?
મહત્વની ક્ષણે સ્વસ્થ રહેવું જોઈએ.
હું તેનાથી ઊલટું માનું છું. વર્તું છું.
શા માટે?
જિંદગી તો જ માણી શકાય.
જિંદગી તેનાથી ઘણી વધારે અર્થપૂર્ણ છે- હોવી જોઈએ.

અર્થપૂર્ણ જિંદગી એટલે સોગિયાવેડા? હં...! સત્યા તીખાશથી બોલી, પછી આવેગથી ઊભી થઈ તિલકની અડોઅડ બેસી ગઈ. તિલકને લાગ્યુંઃ કોઈ વગડાઉ ફૂલ તીવ્ર સુગન્ધ સાથે તેના પર ઝૂકી આવ્યું હતું. અને તેને તો મીઠી, ધીમી ખુશબોની અપેક્ષા હતી. તે વધુ વિચારે તે પહેલાં સત્યાએ તિલકનો હાથ પકડી પોતાની હથેળીમાં ભીંસી નાખ્યો. પછી પોતાનો ગાલ તેના ગાલ સાથે અડાડ્યો. તિલક તેનાથી વેગળો થવા ગયો. તેને અટકાવીને સત્યાએઉભડક શ્વાસે કહ્યુંઃ
તિલક, શા માટે આ મર્યાદા? તું કઠોર છે. મને સમજી શકતો નથી.

હા...મર્યાદા... તિલકે નિઃશ્વાસ સાથે શબ્દો ઉચ્ચાર્યા. તેનું શરીર શિથિલ જેવું થઈ ગયું. તે સત્યા પર લગભગ ઢળી પડ્યો. સત્યા આશ્ચર્યચકિત. ફૂલ તોડવા જતાં આખું વૃક્ષ હાથમાં આવી ગયાની મૂંઝવણ તેને ઘેરી વળી. તિલક ક્ષીણ સ્વરે બોલ્યોઃ
સત્યા, થોડાક કલાક પહેલાં મારા અંધ પિતાએ આવતે ભવે પણ પોતાને અંધાપો જ મળે તેવી ઈચ્છા દાખવી. જે નદી તેમેની જીવનભરની સાચી સંપતિ છીનવી ગઈ તે નદીના પાણીને તેમણે માથે ચઢાવ્યું. શહેરની એ નદી અમારી સાથે સોમપુર સુધી આવી...

તિલક, તું શું કહેવા માંગે છે? આશ્ચર્યથી વિસ્ફારિત, ઈચ્છાથી ઝગઝગ થતી આંખો ઉલાળીને સત્યાએ પૂછ્યું.
અને અત્યારે મારી મા, અંધ પતિની પત્ની, જગન્નાથના મંદિરોમાં કદાચ કૃષ્ણની આમ્ખે પાટો બાંધતી હશે... કૃષ્ણની આંખે પાટો!- જેણે અર્જુનને વિશ્વરૂપદર્શન કારાવ્યું તેની આંખે...!
તિલક! સત્યાએ તિલકનો હાથ પકડી લીધો. હવે તેનો સ્પર્શ જુદો હતો.
મારે માટે આ બધી ક્ષણો વેદનાની છે સત્યા! તિલકે સત્યા તરફ જોયા વિના કહ્યું અને આદતવશ ચશ્માં ઉતારી આંખો પર આંગળીઓ ફેરવી. સત્યા અશબ્દ.

તું મારી મિત્ર છે, અગંત-એકમાત્ર મિત્ર, કદાચ તેથી કંઈક વધુ. જિંદગી ઘણી સંકુલ છે. મને મારી મર્યાદાઓમાં જ રહેવા દે સત્યા! તારો અનાદર કરું તો હું પાપ આચરું. પણ...અને તિલકે પોતાની બંને સકંપ હથેળીઓ સત્યાના ચહેરા પર ભણી લંબાવી; સત્યાનું શ્યામ, સોહામણું મુખ તેની શિથિલ પકડમાં આવ્યું. પછી તે નીચો નમ્યો. સત્યાના કપાળ ફોરા જેવું ચુંબન કરી તેણે ઊંડો શ્વાસ લીધો. તેના હોઠ થોડી ક્ષણો સુધી ત્યાં જ ટકી રહ્યા. બહાર વરસાદની મૂદુ ફરફર ફરીથી શરૂ થઈ હતી. તિલકે સત્યાનો ખભો સહેજ થપથપાવતાં કહ્યુંઃ
હવે તું ઘરે જા. કદાચ વરસાદ વધશે.

અથવા આકાશ ઊઘડી યે જાય. - કહી સત્યા ઊભી થઈ. થોડીક ક્ષણો સુધી તે તિલક સામે જોઈ રહી. શિરોટાતાં રહી ગયેલી વીજળી જેવી તે વર્તાઈ. પછીની ક્ષણે તિલક ઘરમાં ફરીથી એકલો હતો.

રાતના અગિયારેક થયા હશે. તિલકની આંખો સહેજ મળી ગઈ હતી. તન્દ્રા જેવી નિદ્રાવસ્થામાં પણ તે સત્યાના સાંનિધ્યનું ઘેન અનુભવતો હતો. ત્યાં બારણે ટકોરા પડ્યા અને પછી હળવો સાદળ તિલક! ભાઈ! બારણું ઉઘાડજે... તિલક ઝબકી જાગ્યો. અવાજ ભાગીરથીબાનો હતો; પણ જરાક જુદો કેમ લાગતો હતો? પરોઢ તો નહિ થવા આવ્યું હોય? કે તેઓ મંદિરથી વહેલાં ઘેર આવી ગયાં? તિલકે આંખો ચોળતાં જઈ બારણું ઉઘાડ્યું તેણે ફાનસની વાટ મોટી કરી. ત્યાં ભાગીરથીબા ઝડપથી અંદર આવ્યાં અને તેમણે તિલકને ખભે માથું ઢાળી દીધું. તે સાથે તેમના રુદનનું સરોવર છલકાઈ ગયું. તિલક અકથ્ય મૂંઝવણથી ઘેરાઈ ગયો. ભાગીરથીબાને તેણે આ રીતે રડતા ક્યારેય જોયાં ન હતાં. જરૂર કાંઈક અજુગતું... અટકળ કરતાં તેનો જીવ ન ચાલ્યો. ગમે તેવી અટકળ કરાવાથી કદાચ બાને અન્યાય થાય. તેણે પૂછ્યુંઃ શી વાત છે બા? પણ ભાગીરથીબાએ કાંઈ જવાબ ન આપ્યો. માત્ર ડૂસકાં અને અશ્રુધારા. તિલકને થયુંઃ આ ક્ષણો પૂછપરછ કરવાની નથી. બા હૈયું હળવું કરી શકે તે જ પૂરતું છે. મારી ચિંતા તે ન સમજે તેવું ન બને. તિલક ભાગીરથીબાને ધીમે ધીમે બેઠકખંડમાં લઈ આવ્યો. તેને લાગ્યું કે તેમનું રુદન કંઈક શમતું જતું હતું. તિલકે તેમને પાણી આપ્યું. મારે નિર્જળો ઉપવાસ છે.-કહી તેમેણે પ્યાલો ઠેલ્યો. પછી તકિયાને સહારે આંખો બીડી તેઓ ઢળી પડ્યાં. તિલકે ચશ્માં પહેર્યાં. ફાનસના મંદ ઉજાસનાં તેણે જોયુંઃ બાના ચહેરા પર વેદનાએ ઊંડા ચાસ પાડ્યા હતા. નદીનાં પૂરનાં બાપુજીનાં પુસ્તકો અને પોથીઓ પલળીને નષ્ટ થઈ ગયા ત્યારેય બાના મુખ પર આવા ચાસ તેણે જોયા ન હતા. શું થયું હશે? કશુંક અકલ્પ્ય... અટકળોને તેણે ફરીથી ટાળી દીધી. તે માત્ર બાની અડોઅડ બેસી રહ્યો. તેને બાળપણમાં બાએ કેટલીયે વાર રડતા છાનો રાખ્યો હતો. અત્યારે ભૂમિકા બદલાઈ ગઈ હતી, અને પોતે અસમર્થ, વિફળ! ઘણી વારે બાએ આંખો ઉઘાડી તિલક તરફ જોયું, કહ્યુંઃ

તિલક!
હં...બા!
તારા બાપુજીને સોમપૂર-
મૂકી આવ્યો. ત્યાં દુર્ગાભાઈ પણ આવ્યા છે. ચિંતાનું કોઈ કારણ નથી.
હા...શ, તારા બાપુજી હેમખેમ તો-?
ખૂબ પ્રસન્ન છે. યજ્ઞ અને નદીનાં પડખાં સેવવા મળ્યાં છે એટલે તેમના આનંદનો પાર નથી.
જગન્નાથ! જગન્નાથ!
તને ચિંતા થતી હતી?
હા.
તેથી તું મંદિરેથી વહેલી પાછી ફરી? મને હતું કે તું આજે રાતે ત્યાં જ...
રોકાવવાની જ હતી.
રથયાત્રા કાલે છે એટલે...
હું હવે રથયાત્રામાં નહિ જાઉં.
બા! તું આ શું કહે છે? તું રથયાત્રામાં નહિ હોય?
હા, દીકરા! મારા જગન્નાથજીની એવી જ મરજી હશે...
મંદિરમાં કંઈક બન્યું? તિલકે પૂછ્યું.
હેં? ભાગીરથીબા છળી પડ્યાં.
તને કોઈકે કાંઈ કહ્યું? કોઈ ખરાબ રીતે વર્ત્યું?
મને કોઈ તો શું કહેવાનું હતું? ખોટી રીતે વર્તે એવું યે ત્યાં કોણ હતું?
તો પછી તું આમ...?
હું... ભાગીરથીબાના હોઠ પાછા બિડાઈ ગયા.
હું તારો દીકરો છું બા! તારાં સુખ-દુઃખમાં ભાગ લેવાનો મને હક્ક છે.

તું તો મારી આંખનું રતન છે. ભાગીરથીબાએ કહ્યું, પછી તૂટતા સ્વરે ઉમેર્યુંઃ તું તો આંધળાની આંખ છે. તેમણે તિલકને હ્રદયસરસો ચાંપ્યો. તિલકને લાગ્યુંઃ તેની વય ઓગળી ગઈ હતી. થોડીવારે તેણે પ્રશ્ન દોહરાવ્યોઃ
બા, મંદિરમાં કંઈક બન્યું?
ભાગીરથીબા ક્યાંય સુધી કાંઈ નબોલ્યાં, પછી તેમણે ધ્રૂજતા સ્વરે કહ્યુંઃ હા... મંદિરમાં ... ના, મારા મનમાં કશુંક બન્યું. અને તેમણે ફરીથી આંખો મીંચી દીધી. તિલકનું કાળજું જાણે તેના અસ્તિત્વથી ક્ષણેક માટે અલગ પડી ગયું.
બા! તે એક શબ્દ જ બોલી શક્યો.
દીકરા, એ ઘડીઓમાં મારો ભગવાન મારાથી રૂઠ્યો હતો. હું હું રહી ન હતી.મારામાં કળજુગ આવીને વસ્યો હતો. એક રીતે કહું તો મારું એ પાપ-

તિલક ખળભળી ઊઠ્યો. તેની પ્રૌઢ, તપસ્વિની, જીવનભર અંધપતિનો ભાર કશી યે ફરિયાદ વગર, હસતે મોઢે ઉપાદનાર મા કહેતી હતી કે તેણે કશુંક પાપ...? અશક્ય! એ પાપ હોઈ જ ન શકે. પાપની એકે એક રૂઢ, જડ વ્યાખ્યાને નદીનાં પૂરમાં વહાવી દેશે. અરુંધતી કે સીતા જેવી નિષ્કલંક મા પોતે ઊઠીને કહેતી હતી કે તેનામા કળજુગ આવીને વસ્યો હતો! ના, એ સતયુગ જ હશે. બાનો ભગાવાન તેનાથી રૂઠી જ ન શકે. રૂઠે તો તેમાં વધારે ગુમાવવાનું ભગવાનને હશે. બાની શ્રદ્ધા એટલી અવિચળ છે.

તિલકે ધ્યાનપૂર્વક ભાગીરથીબા સામે જોયું. ગોરું, ઓજસવંતું મુખ, સ્ફટિક શી આંખોમાં તેજના અંબાર, શિર પરના અડધા શ્વેત વાળમાં ઝગતી ગરિમા, કપાળમાં સૂર્ય-શો લાલચટ્ટક મોટો ચાદંલો, ગળામાં માત્ર તુલસીની માળા અને હાથે કાચની બબ્બે બંગડીઓ, કાનમઆં સોનાના ઝીણા કાપ અને નાકમાં સાદા નંગની ચૂની એ જ તેનો શણગાર, શરીરે આછી ભાતવાળો સફેદ સાડલો અને કોણી સુધીની બાંયવાળો, બંધ ગળાનો કથ્થઈ રંગનો કબજો; દરિદ્રતાના પરિવેશમાં પણ બાના અંતરની આભા અછતી રહેતી ન હતી. આજે, આ ક્ષણે બા કહેતી હતી કે તેનાથી પાપ... તો જગતભરનાં પુણ્યો દરિયાને તળિયે જઈને બેઠાં હોવાં જોઈએ.

બા, હું તારો દીકરો છું. તારું દુઃખ તું મને નહિ કહેશે તો કોને કહેશે?
તિલકે આક્રોશપૂર્વક કહ્યુંઃ તને જો કોઈએ દૂભવી હોય તો-
મેં જ મને દૂભવી હોય ત્યાં કોઈનો શો વાંક કાઢવો? ભાગીરથીબા બોલ્યાં. પછી તેમના ધીમા, તૂટતા, દ્રિધા અનુભવતા શબ્દોમાં વાત શરૂ કરીઃ

શું કહું તને ભાઈ? વાત નાની અમથી છે-બીજાને તો ધૂળ સરખી યે લાગે. કોઈક તેની ઠઠ્ઠા યે ઉડાડે, પણ મને તો તે દઝાડી ગઈ છે, કરવતની પેઠે વહેરી રહી છે... ભાગીરથીબાની આંખો ફરીથી ભીની બની ગઈ. પછી તેમણે કહ્યુંઃ
વહેલી સવારથી હું મંદિરમાં જ હતી. આ કામ, તે કામ... ફૂલની માળાઓ ગૂંથવાની, દીવીઓ તૈયાર કરવાની... ભજનો ગવાતાં હોય તેમાં જોડાવાનું... બહુ ઉમળકો હતો મારા હ્રદિયામાં...જીવ્યું ધન્ય લાગતું હતું... શરીરમાં થાકનું તો નામ નહોતું... એક પછી એક ભજનો મને સાંભરતાં હતાં-અને તારા બાપુજીએ શીખવેલા શ્લોકો...? થતું હતુંઃ બસ, આમ જ, અહીં જ આયખું વીતી જાય...અહીં જ શ્વાસ છૂટી જાય...

ભાગીરથીબાની આંખોમાં ભક્તિનાં ઝળઝળિયાં આવ્યાં. ફરી તેમણે વાતનો તંતુ જોડ્યોઃ
ગોરધન શેઠની દીકરી ઈક્ષા યે આખો દહાડો મારી પાસે ને પાસે જ રહી... ભારે મીઠી છોકરી છે... ઝાઝું ભણી છે, પણ અંકારનો છાંટો નહી... બા બા કરતી જાય, વચ્ચે મરા તિલકભાઈ કહીને તારી વાતો તે કરે... ભગવાને મને પેટે આવી એક દીકરી દીધી હોત તો તમારી ભાઈ-બહેનની જોડ...

બપોર કેડે ગોરધન શેઠ મંદિરમાં આવ્યા... પેઢીમાં તેમણે અણોજો પાળ્યો હતો. આખી રાત ને કાલ બપોર સુધી મંદિરમઆં જ રહેવાના હતા. મારી જેમ તેમણેય નકોરડો ઉપવાસ કર્યો હતો... મેં તો તેમને અમસ્તું જય જય કર્યું ને હું મારા કામમાં ગળાબૂડ... શેઠ પણ બિચારા મામુલી પૂજારીની જેમ મંદિરમાં નાનામાં નાનું કામ કરવા લાગ્યા... એક વાર તો સુખડ લઈને ઓરસિયા પર ચંદન ઘસવા બેસી ગયા... મેં તો ઉઠાડવા બહુ કર્યું, પણ માન્યા જ નહિ. કહેઃ ભાભી, વરસમાં એક વાર તો મને ભગવાનની આટલી સેવા કરવા દો! ત્યારે એમના મોઢા પરનો ભારોભાર સંતોષ ભાળ્યો હોય તો... વેપારમાં લાખની હૂંડી પાકી હશે ત્યારેય આવો સંતોષ નહિ થયો હોય... મેં એમની સામે જોયું અને જોતી જ રહી ગઈ,... ભાગીરથીબા શ્વાસ લેવા થંભ્યાં. હવે પછીની વાત કરવી કે નહિ તેની અવઢવ તેઓ અનુભવતાં હોય તેમ લાગ્યું. તિલકને થયુંઃ કટોકટીની ક્ષણ આવી રહી છે કદાચ. તેને ટાળી દેવી કે પછી...? ત્યાં ભાગીરથીબા બોલ્યાંઃ

દીકરા, પેટછૂટી વાત કરવા બેઠી છું તો કહી જ દઉં. કશું બાકી રાખીશ તો મારા કાળજાનો ભાર વધી જશે... અત્યારે હું તારી મા નથી, તું મારો દીકરો નથી, મારો સમોવડિયો છે, મારા દુઃખનો ભાગી છે અને હું છું માયાની એક પૂતળી... તારેય હજી સંસારના ઘણા રંગો જોવા પડશે. મારી વાત તને દીવાની જેમ મારગ ચીંધે તો યે ઘણું... હવે તેમના ચહેરા પર કશી દ્વિધા નહોતી; સ્વીકૃતિ દ્વારા સ્વચ્છ થવાનો નિર્ધાર હતો.

ગોરધન શેઠની સામે મારાથી એક વાર જોવાઈ ગયું ને પછી મારી આંખો ત્યાં જ જડાઈ ગઈ. માણસની આંખો એટલે શું તેનું મને પહેલવહેલીવાર ખરેખરું ભાન થયું. શેઠે ચશ્માં પહેરેલાં, પણ કાચની પાછળ તેમની આંખો સાચા હીરાની જેમ ઝગમગ થાતી મેં ભાળી... એ આંખોમાં તેજે ભારોભાર, તો મીઠાશેય તલભાર ઓછી નહિ હોં દીકરા! હીરાના ઝગારામાં પારિજાતનાં ફૂલ ભળે એના જેવું કંઈક... આવી આંખો તો શ્રીક્-ષ્ણ જેવાની હોય... પછી કંઈક બન્યું દીકરા! મંદિરમાં લાઈટ ગોઠવવાનું કામ ચાલતું હતું. બેત્રણ કારીગરો કામ કરતા હતા ને શેઠ બધું ચીંધતા હતા. એક કારીગર લાઈટનું દોરડું ખેંચતો હતો, હાથમાં હથોડી લઈને ખીલીઓ ઠોકતો હતો ત્યાં તેનાથી એક ખીલી પડી ગઈ તે કોણ જાણે ક્યાં ગબડી ગઈ. કારીગર બીજી ખીલી લેવા જતો હતો ત્યાં છેક સામી ભીંતે બેઠેલા શેઠે ત્યાં બેઠાં બેઠાં જ કહ્યું: એય હરજીવન, શા સારુ બીજી ખીલી બગાડે છે? જો પેલી રહી, તારે જમણે હાથે, ખૂણામાં! હું તો આભી બની ગઈ! આ આંખો... આંખોનું આવું તેજ! વળી કંઈક બીજું બન્યું... શેઠ ફરતાં ફરતાંમંદિરના ગભારાના દરવાજે ગયા ને ત્યાંથી મૂર્તિઓ જોવા લગ્યાં... ઝીણી આંખો કરીને તેમણે ઈક્ષાને કહ્યુંઃ દીકરી, શ્રીકૃષ્ણની મૂર્તિ પર એક મંકોડો ફરી રહ્યો છે... હું તો સાંભળી જ રહી. શ્રીકૃષ્ણની કાળા રંગની મૂર્તિ અને તેના પર મંકોડો! હે જગન્નાથ! મને માફ કરજો...દીકરા, એ જ વેળા મને તારા બાપુજીની આંખોનાં ઊંડા અંધારા કૂવા સાંભરી આવ્યા... અને ભાગીરથીબા ડૂસકાંઓનાં ઉપરાઉપરી મિજાંથી રૂંધાઈ ગયાં.

ભારોભાર નિઃસ્તબ્ધામાં ફંગોળાઈ ગયો તિલક. તેને લાગ્યુંઃ તેનું ચૈતન્ય તેને છેહ દઈ ક્યાંક છટકી ગયું હતું. ભાગીરથીબાને હૈયા ધારણ આપવી કે પોતાના ઘામાંથી દડદડતા લોહીને રોકવા મથવું?- નિતાન્ત અંધકાર! તેને તત્ક્ષણ અવશપણે સત્યા સાંભરી આવી. થોડાક સમય પહેલાં ટપકતાં નેવાંના ધ્વનિસંકેતો વચ્ચે તેને તેણે કહ્યું હતુંઃ સત્યા, થોડાક કલાક પહેલા મારા અંધ પિતાએ આવતે ભવે પણ પોતાને અંધાપો જ મળે તેવી ઈચ્છા દાખવી... અને અત્યારે મારી મા, અંધ પતિની પત્ની, જગન્નાથના મંદિરમાં કદાચ કૃષ્ણની આંખે પાટો બાંધતી હશે... મારે માટે આ બધી ક્ષણો વેદનાની છે... મને મારી મર્યાદાઓમાં જ...

અને હવે બાની આ પહાડા જેવી વેદના!
દીકરા, આંખ, જોવું, પામવું, પારખવું, નજર, તેનું તેજ- એટલે શું તે મને પહેલી વાર સમજાયું, અને તિલક, પહેલી વાર મારા મનમાં કશોક ખાલીપો તરી આવ્યો. તારા બાપુજી સાથે હોંશેહોંશે વીતાવેલાં પચીસેક વરસ પલકવારમાં જ પાણીમાં ગયાં. મેં જાતને સંભાળી લેવા પછી બહુ બહુ બાથોડિયાં માર્યા, પણ એ વેળ હતી તે ન-હતી ન થઈ તે ન જ થઈ... હું આકળવિકળ... મારામાં હું ત્યારે હતી જ ક્યાં...? સાંજ-ટાણું થવા આવ્યું હતું... આરતીની તૈયારી થતી હતી... હું અબુધપણે બધું કામ કરતી હતી. આરતીના દીવા ઝળહળ થવા લાગ્યા... ગોરધન શેઠ મારી પાસે આવ્યા - ભોંયસરસી આંખો રાખીને બોલ્યાઃ ભાભી, આ સામે આરતીના દીવા જુઓ છો ને? મને અચરજ થયું. તેમણે કહ્યુંઃ એ દીવા જોઈને મને નિગમભાઈ સાંભરી આવ્યા. મારું અચરજ તો સમાય નહિ. શેઠ કહેઃ નિગમભાઈની આંખોમાં તો આ આરતીનું તેજ છે ભાભી! એમના હ્રદિયામાં આઠે પહોર આરતી ઝગમગ થાય છે... એના તેજ આગળ અમારા જેવા તો સાવ આંધળાભીંત! શેઠની આ વાતે મારા બત્રીસે કોઠે દીવા કર્યા ને ભવભવનું મારું અંધારું આથમી ગયું દીકરા! શેઠે મને આંધળીને દેખતી કરી! એ પારકો જણ જોઈ શક્યો તે હું, તારા બાપુજીનું પચીસ પચીસ વરસ પડખું સેવવા છતાં ન જોઈ શકી! ફટ છે મારો અવતાર! બળ્યું મારું જીવવું! ભાગીરથીબાની આંખો ફરીથી તરબોળ. તિલકે તેમને રોકવાનો પ્રયત્ન ન કર્યો. આપમેળે કાંઈક સ્વસ્થ થયા પછી તેમણે કહ્યું:

પછી ભગવનની મૂર્તિઓની આંખે પાટા બંધવાનો વખત થયો. ગોરધન શેઠ મારી પાસે આવ્યા, પગે લાગ્યા, પાટાઓ આપતા કહેઃ ભાભી તમારાથી ચઢિયાતું બીજુ કોણ છે આ કામ કરવા માટે? તમે પોતે જ ગાંધારી જેવું જીવતર... મને તો ધરતી મારગ આપે ને અબઘડી સમાઈ જાઉં તેમ થયું. આંખો દહાડો શેઠની હીરાકણી જેવી આંખો જોઈને તારા બાપુજીના અંધાપાનો ખાલીપો વેઠતી રહી હતી હું અને મારી હાથે ભગવાનની આંખે પાટા બંધાય? ટકી ન શકી. મનોમન કોકડું વળી ગઈ. તબિયતનું બહાનું કાઢ્યું- શેઠને કીધુંઃ આ વર્સે તમે જ આ કામ કરો. એ કહેઃ પણ ભાભી, બ્રાહ્મણ તમે છો. મેં હાથ જોડીને કહ્યુંઃ ખોળિયું બ્રાહ્મણનું મળ્યું તેથી શું? તમારો આત્મા ઘણો ઊંચો છે, કહી જવાબ સાંભળવા યે ન રોકાઈ, ઘરે ચાલી આવી છું દીકરા!... અને તેઓ તિલકના ખોળામાં ઢગલો થઈ ગયાં. તેમને પસવારતાં પસરાવતાં તિલકને ફરીથી સત્યા સાંભરી આવી. તેનાથી નિઃશ્વાસ નંખાઈ ગયો. અતિ વૃદ્ધ, નપાવટ, પાછલી જિંદગીમાં આંખો ખોઈ બેઠેલા પુરુષ સાથે નવી માનું લગ્ન... અંધ પુરુષ સાથે ભાગીરથીબાએ જનમારો ગાળ્યો... અને સત્યા આજે સાંજે જ કહી ગઈ હતીઃ તિલક શા માટે આ મર્યાદા? તું કઠોર છે. મને સમજી નથી શકતો. તિલકનું હ્રદય ચિત્કારી ઊઠ્યુંઃ સત્યા, તું આ વાત જાણે તો? મારી આ ગંગા જેવી મા પણ પોતાને અત્યાર સુધી સમજી શકી નહોતી! અને હું પણ મારી આ માને આજે નવા સ્વરૂપમાં જોઈ રહ્યો છું! લે આ મારાં ચશ્માં, શક્ય હોય તો ફોડી નાખ તેના જાડા કાચ તારા ગરમ શ્વાસો વડે!

પછી તેણે ભાગીરથીબાને કહ્યુંઃ
બા, તારો દીકરો છું તેનું મને આજે ગૌરવ થાય છે. તારી આશિષ સિવાય હું આ અંધાર ઘેરી દુનિયામાં અને મારા ભીતરની કાજળકોટડીમાં એક ક્ષણ પણ ટકી શકું તેમ નથી. બા, ભગવાનની મૂર્તિઓની આંખે તેં ભલે પાટા ન બાંધ્યા, પણ એ પાટા છોડવા આવતી કાલે તારે જ મંદિરે જવાનું છે. તારે હાથે પાટા ઊતરે તેની ભગવાન પણ રાહ જોતા હશે. હું પણ તારી સાથે આવીશ...
ભાગીરથીબાએ તિલકનું માથું સૂંઘી લીધું...

બીજે દિવસે સવારે રથયાત્રા નીકળતા પહેલાં તિલક ભાગીરથીબાને લઈને જગન્નાથજીના મંદિરે ગયો. મા-દીકરાને તેડવા માટે ગોરધન શેઠ મંદિરનાં આરસના સફેદ દૂધ જેવાં પગથિયાં ઊતરીને સામે આવ્યા. વાંકા વળીને તેમણે ભાગીરથીબાને પ્રણામ કર્યા. ઈક્ષાએ તિલકને કપાળે કંકુનો ચાંદલો કર્યો, અક્ષત ચોઢ્યા, મંદિરમાં જઈ ભાગીરથીબાએ થરથર ધ્રૂજતે હાથે પ્રથમ સુભદ્રાની, પછી બળરામની અને છેલ્લે કૃષ્ણની મૂર્તિઓની આંખો પરના પાટા છોડી નાખ્યા. તેમની આંખોમાંથી ત્યારે અનરાધાર આંસુ વહી રહ્યાં હતાં. જગન્નાથજીનો જય! તેઓ તરડાતા, આર્દ્ર સ્વરે બોલ્યાં, પણ તેમનો જયઘોષ મંદિરમાં ગાજી ઊઠેલાં શંખધ્વનિમાં ડૂબી ગયો અને ઘંટારવથી વાતાવરણ સભર બની ગયું. આરતીના દીવાઓ પ્રજ્વલિત થયા. તેના ઉજાસમાં ભાગીરથીબાએ દેવમૂર્તિઓ તરફ જોયું. એક મૂર્તિને સ્થાને તેમને ક્ષણમાત્ર પૂરતી નિગમશંકરની આકૃતિ દેખાઈ. તેઓ નખશિખ હલબલી ઊઠ્યાં. તેમણે આંખો ઉઘાડમીંચ કરી. મૂર્તિમઆંથી હસું હસું અજવાળાં રલાતાં હતાં. ભાગીરથીબાની આંખે અંધારાં આવવા જેવું થયું. તેમણે તિલકનો હાથ સાહી લીધો.
(ક્રમશ :...)


0 comments


Leave comment