14 - થૅંક્યૂ અને મેન્શન નૉટ પ્લીઝ / કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'


આજકાલ સ્ત્રીઓનો-ને ખાસ કરીને યુવાન સ્ત્રીઓનો–પ્રભાવ એવો તો વધી ગયો છે કે કંઈ કહેવાની વાત નહિ. મને નવાઈ લાગે છે કે suffragistની - સ્ત્રીહક્કની – હિલચાલ અને સાથેસાથે તોફાનમસ્તી આટલાં બધાં શું જોઈને વિલાયતના લોકો કરતા હશે? વગર માગ્યે રાજ્યની સત્તા એમના હાથમાં જ છેતો, જ્યારે સત્તા ચલાવનારા એમના તાબેદાર છે ત્યારે !

હમણાં હમણાંનાં બૈરાં પાછાં ભણવા શીખ્યાં એટલે બાકી જ ન રહ્યું. અડધું ભણે ન ભણે, પણ એટલામાં હોશિયારી તો એટલી બધી એ લોકોમાં આવે છે કે એમના બાપનાયે બાપને ઉડાવે. તેમાં એકાદો જુવાન પુરુષ સપાટામાં આવી ગયો તો તો એ લોકો હદ જ કરે છે.

આજકાલના યુવકો એમના ઝપાટામાં વધારે આવી જાય છે. એકાદ વખત કોઈ યુવતીની આડી નજર પોતા ઉપર પડતાં બિચારાનું કાળજું કોરાઈ જાય છે, આનંદથી ભરાઈ જાય છે, ગોળગોળ થઈ જાય છે. પછી ભલેને પેલીએ આંખે કાણો હોવાને લીધે મશ્કરી કરવા જોયું હોય ! આમ મોહજાળમાં ફસાઈ પડતા ગરીબ જુવાનને પેલી ચતુરા કેવી રીતે બનાવે છે એ નીચે જણાવેલો બનાવ વાંચતાં જણાશે.

સાંજના ચાર વાગ્યાનોશુમાર હતો. ક્વિન્સરોડ ઉપર એક પારસી યુવાન ઉતાવળે પગલે ચર્ની રોડથી મરીન લાઈન્સ તરફ જતો હતો. તેનો જાણવાલાયક ભાગ તેનું મુખારવિંદ હતું. ડાબી ભ્રમર ઉપર કોઈ દિવસ વાગેલું હોવાથી ત્યાં આડી લીટી રૂપે ચાઠું પડી ગયું હતું. આથી એક આંખ ઉપર બે ભ્રમર જેવું લાગતું હતું. નાક મધ્યમાં ન રહેતાં જમણી બાજુ ઢળી ગયું હતું અને તેના ઉપર એક મોટો ખીલ થયો હતો. ગાલ ઉપર મોટા મોટા ખાડા પડી ગયેલા હતા. મૂછોને હોઠ ઉપરથી મૂંડાવી બે તરફ ઊંચા આંકડા વાળ્યા હતા. મોં જરા ઉઘાડું રહેતું હોવાથી ગોખલી જેવું લાગતું હતું.

આ ચંદ્રવદન (ચંદ્રમાં પણ વર્તુળ ઉપર કાળા ડાઘા ક્યાં નથી હોતા?) પુરુષે કૉલર-ટાઈ વગેરે ચડાવી દીધાં હતાં. કોઈ સ્વરુપવાન પુરુષને જે પોશાક શોભાઆપે તે આનામાં હસવા જેવો દેખાતો હતો. ચર્નીરોડથી ગિરગામ જવાના રસ્તા ઉપર તે વળ્યો અને પાસેના એક બંગલામાં એણે પ્રવેશ કર્યો.

પાછળની બાજુ જઈ એક ઓરડાનું બટન દબાવ્યું. અઢારેક વર્ષની એક પારસી યુવતીએ બારણું ઉઘાડયું ને યુવાન અંદર ગયો.
‘અરે વા’રે બરજોર, કેતલે દહારે મલ્લયા? હું તો તમુને આજ લેતર, લખવાની ઉતી. કહાં ગીયાં'તા કહાં તમ્મે?'

પોતાને લેટર લખવાની હતી એ સાંભળી બરજોરથી તો હસીહસી જવાતું હતું.
‘મેરાં, હું જરા કામમાં પરી ગયો’તો. મને તો લાગટું’ટુ જ કે ટું જરુર મારે વાસ્તે વાત જોતી હોસે. પણ સૂં કરું? કામ છોરીને આવી સકાય એમ નહિ ઊતું.’
મ્હેરાં : પન મારા મનને કેતલું થયું હોસે તેનો તમુને જરા પન ખિયાલ નહિ આયો? હવેથી કદ્દી આવું નહિ કરતા.
બરજોર : લે, હવે મને માફ કર. એક રીતે તો હું નહિ આવ્યો તે ઘન્નું સારું કીઢુ. કારન કે તું મને ચાહ્ય કે નહિ તેની ટપાસ કદ્દી થઈ શકતે નહિ.
મ્હેરાં : પન તમારો પ્યાર ક્યાં બર્યો છે. હું તો ચ્હાતી ચ્હાતી કદી મરી જવસ તો બી તમુંને ફિકર છે?
બરજોર : નહિ મ્હેરાં, એવું ટું નહિ બોલ! હું ટુંને કેટલું ચ્હાઉં છ ટેમ્હારું કલેજું ટુંને કહી આપશે. લે ખોલ અને જો કે તારા સિવાય આ બરજોરને કોન અટ્યંટ વ્હાલ્લું છે !
મ્હેરાં: હું પન તમારી પરીક્સા કરું તો? જરા પેલું મારું રૂમાલ આય બાજુ લાઓની; ઠૅંક્યું-
બરજોર : મેન્શન નૉટ પ્લીઝ.

(બરજોરે બહાર સૂકવ્યો હતો તે રૂમાલ મ્હેરબાનુને આપ્યો.)
મ્હેરાં : બોલો બરજોરજી, તમ્મારી પરીક્સા લઉં તો?
બરજોર : હો, પરીક્સા હું જરૂર પાસ કરસ. બોલ, સી પરીક્સા લેવસ.
મ્હેરાં : એ મને ફાવસે તે લઈસ. હું કહીસ તે બધું કરવું પડસે.
બરજોર : જરૂર હું સઘરું કરસ.
મ્હેરાં : પણ હલકામાં હલકું કામ તમ્મારે કરવાનું આવસે. જરા પેલાં મારાં મોજાં આમ ખસેડોને – ઠૅંક્યુ.
બરજોર : મેન્શન નૉટ પ્લીઝ. (બૂટની અંદરથી મોજાં કાઢતાંકાઢતાં) ગમે તેવું હોસે તો પન હું સરસ કરસ. ટું પરીક્સા લેય ને પછી જોવ.
મ્હેરાં : પન દીફીકલ્તમાં દીફીકલ્ત આવસે તો?
બરજોર : ટું કહીસ તો વાલકેસરના પઠ્ઠર ઉપારી લાવસ; ટું કહીસ તો દરીઆમાં પડસ; ટુંકહેસે તો હું રાજાબાઈ ટાવર પરઠી ભુસ્કો મારસ. બસ મ્હેરાં? પછી બી ટુંને પ્યારની સાચી નિસાની મલસે કે નહિ?
મ્હેરાં : લો જોવ, હું આજથી જ તમ્મારી પરીક્સા લેવસ. પેલાં જરા મારાં બૂત લાઓની – આજે તમોને મારી સાથે ચોપાટી પર આવવાનું છે.
બરજોર : (જરા હસીને) તે હું જરૂર આવસ.
મ્હેરાં : પન જોવ, આજ મારો ઘોરાવાલો માંદો પર્યો છ. આજે જરા ડૉકકાર્ટમાં પાછલ તમે બેસજો.
બરજોર : ટે હુ બેસસ. બીજું કોન કોન આવવાનું છે?
મ્હેરાં : બધાં ઘરનાં ને ઘરનાં જ છે. મારી સહી ગુલબાનુ ને મારો નાલ્લો ભાઈ રૂસ્ટમ.

ઘડીઆળમાં છ વાગ્યાનો શુમાર થયો એટલે ગુલાબાનુ આવી. પેસતાં જ બરજોર નજરે પડ્યો અને પછી મ્હેરબાનુની તરફ જોયું. બંને જણાં આડું જોઈ હસ્યાં. કપડાં પ્હેરી રુસ્તમ પણ આવ્યો. મ્હેરબાનુ તો તૈયાર થયેલી જ હતી.

‘બરજોર, આએ રુસ્ટમને લઈને તમે જરા ડૉકકાર્ટ જોડોની. ઠૅંક્યૂ. સામાન તમુને રામો બતાવસે.'

બરજોરે ‘મેન્શન નૉટ’ કહી રુસ્તમને ઊંચકી લીધો અને તબેલા આગળ જઈ ચાકરે બતાવ્યા પ્રમાણે ગાડી જોડી. મનમાં તો જરા જરા લાગતું હતું;પણ જો ના કહે તો પરીક્ષા પાસ કરી ન કહેવાય અને મ્હેરબાનુ પરણવાની છે તે તરત જ ના કહી દે. આ બીકથી બિચારો મ્હેરાં બતાવતી હતી તે પ્રમાણે કર્યે જતો હતો.

ગાડી જોડાતાં બંને સખીઓ આવી. બરજોર અને રુસ્તમને પાછળ બેસાડ્યાં અને મ્હેરાં તથા ગુલબાનું હસતાં-હસતાં આગળ બેઠાં. મ્હેરાંએ એક હાથમાં લગામ અને બીજા હાથમાં ચાબુક લીધી અને ચોપાટી તરફ ઘોડો દોર્યો. ઝાંપા બહાર નીકળ્યાં એટલે માણસોની ભીડ આવવા લાગી. બરજોરને હવે જરા જરા શરમ લાગી, પણ હવે શો ઇલાજ?

અધૂરામાં પૂરું ગાડીનો બેલ હતો તેની સ્પ્રિંગ તૂટી ગઈ હતી, એટલે ચાર-પાંચ વખત માથાકૂટ કરી પણ વાગ્યો નહિ. આથી બાપડા બરજોરને આખે રસ્તે “ચલોપ, ચલોપ! એ પોયરા, બાજુ ઉપર ચાલ!' વગેરે કરવું પડ્યું. કોઈ ઓળખીતું મળે તો તેની સામે જ ન જુએ. આમ કરતાં કરતાં સૅંડહર્સ્ટ બ્રિજ ઊતરી દરિયા ઉપર આવી ગાડી ઊભી રહી.

બંને સહીપણીઓ નીચે ઊતરી. રુસ્તમને પણ ઉતાર્યો.
‘જોવ બરજોરજી, ઘોડાની લગામ પકડી જરાવાર ઊભા રહેજો. ઠૅંક્યૂ.અમે જરા ફરી પાછા આવીએ છ.”
‘મેન્શન નૉટ’ કહી બરજોર નીચે ઊતર્યો અને ઘોડાની લગામ પકડી ચમરી ઉડાડતો ઊભો રહ્યો.

ચોપાટી ઉપર હજારો લોકોની ઠઠ જામી હતી. એમાંનાં ઘણાં બરજોરનાં ઓળખીતાં હતાં. એ તો બિચારો કપાળે ટોપી ઉતારી આડું જોતો હતો; પણ આ નવાઈ જેવો બનાવ જોઈ કોઈ પૂછ્યા વગર રહે ?
‘કાંય બરજોર? આય કોન્નું દૉકકાર્ત છે? આમ કોચમેનની માફક તું કાંય ઊભો છ?’
‘દૉકકાર્ત તો મારા સેઠનું છે. જરા ઘોડાવાળો એનો પોયરો કેઠે જતો રહ્યો છે ટે ખોલવા ગયેલો છ. રાસ્કલ પાછો ઘોડો છુટ્ટો મૂકીને જ ગયેલો ને મારી અહીં નજર પરી તે મેંટુર્ટાટરટ આય પકરી લીધો.'

આમ જે આવે તેને જવાબ આપતો પણ ઓળખીતાઓ જોવા વાસ્તે દૂર જઈ ઊભા રહ્યા હતા. થોડી વાર ફરીને ત્રણે જણ પાછાં આવ્યાં. બરજોર પાછો ગાડી ઉપર ચડી ગયો અને આઘુંપાછું જોયા વગર ગાડી પાછી લીધી. મનમાં તો ‘કહારે હવે ઘેર જવસ’એમ થઈ રહ્યું હતું !

સૅન્ડહર્સ્ટ રોડથી ચર્નીરોડ તરફ ગાડી વાળી. ક્વિન્સ રોડથી ચોપાટી ક્રૉસિંગ વચ્ચેના ભાગ ઉપર ડૉકકાર્ટ આવ્યું હતું એટલામાં ગ્રાન્ટરોડથી ચર્નીરોડ જતી લોકલ આવી. અવાજ થતાં ઘોડો ભડક્યો એને ઠેકાણે આણવાને મ્હેરાંએ ચાબુક મારી. તરત જ ઘોડો કૂદ્યો. ગાડીમાં બૂમાબૂમ અને ગભરાટ થઈ રહ્યાં. ઘોડાએ બેત્રણ વખત કૂદકા માર્યા અને પાછો પડવા માંડ્યો. એકબે માણસો દોડી આવ્યાં અને ઘોડાની લગામ પકડી ઊભો રાખ્યો. બરજોર નીચેઊતર્યો અને બીતાં બીતાં ઘોડાને પોતે પકડ્યો; મ્હેરાંએ ઘણીયે માથાકૂટ કરી, પણ ઘોડો કેમે કર્યો આગળ જ ન ચાલે. આખરે બરજોરે લગામ પકડી અને પગે ચાલતાં દોરવા માંડ્યો. રસ્તામાં ઘણાં ઓળખીતાં મળે અને બરજોર બિચારો નીચું જોઈ ચાલવા માંડે. આખરે બંગલો આવ્યો ત્યારે બરજોરના જીવમાં જીવ આવ્યો. ઘોડો છોડી એ મ્હેરાં પાસે ગયો.

ગુલબાનુ : બરજોરજી, ઘોડાએ તો આજે ઘન્નું તોફાન કીધું. મુવો એમ એ હરરોજ તોફાન કરે છ. જો આજ તમે નહિ હોતે તો જરૂર અમુને કંઈ નુકસાન થતે. વી થૅંક્યૂ હાર્ટીલી, બરજોરજી !

બરજોરનો બધો થાક ઊતરી ગયો. શરમ આવતી'તી તે પણ જતી રહી. મહેરબાનુ તો ચ્હાય છે, પણ જોડે ગુલબાનુ પણ ખુશ થઈ ગઈ એ જાણી એ તો મલકાઈ ગયો.
‘ઓહ! મેન્શન નૉટ ગુલબાનુ ! એ ટો મારી ફરજ છે કે ટમુને બંનેને મારે મદદ કરવી જોઈએ.

મ્હેરાં : જોવ બરજોરજી, આજ સાંજે ‘ખૂબસુરત બલા’ જોવા જવું છ તે તમુને અમારે જરૂર લઈ જવા છ. તે સાંજે સારા આઠ ઠાય કે આવજો .
બરજોર : વારુ, હું આવસ. લેઓ સાહેબજી. ગુલબાનુ હું જાઉં છું. કહી એ ઘર તરફ વળ્યો. ઘેર જઈને જુએ તો ત્રણચાર ફ્રેન્ડ્ઝ વાટ જોતા બેસી રહેલા. તે બરજોરને જોતાં વાર જ –
‘કાંય બરજોર, સોરાબજીને તાં આજ ચલોપ્ ચલોપ્ કાંય કરતો'તો?” એકે પૂછ્યું. બરજોર જવાબ દે તે પ્હેલાં તો એના બાવાજી આવ્યા: ‘બરજોર, આજ કોન્નો ઘોડો પકરી ઊભો’ટો?
‘બાવાજી, એ તો સોરાબજી સક્કરવાલાનો ઉટો.’
‘તે એવણનો તું કોચમેન છું?’
‘નહિ બાવાજી. આજે એવણનો કોચમેન આવેલો નહિ ઉટો ટેજરા મારે ઊભા રહેવું પડેલું.’

બાવાજીએ બરજોરને સારી રીતે ધમકાવ્યો અને થોડી વાર પછી મિત્રો પણ વેરાઈ ગયા.
‘હવે શું કરવું? આય બાવાજી તો ઠપકો દેછ ને મ્હેરાંને વાયદો કીઢો છ!’

જમ્યા પછી ફ્રેન્ડને ત્યાં વાંચવા જવાનું બહાનું કાઢી મ્હેરાંને ઘેર ગયો. મ્હેરબાનુ આજે કાંઈ નાટકમાં જવાની નહોતી, પણ બરજોરને ઘેર આવતો અટકાવવાને એણે યુક્તિ કરી હતી.

બરજોર કમ્પાઉન્ડમાં પેઠો. બંગલાનાં બારણાં બંને તરફથી બંધ હતાં. કઈ તરફથી જવું તેનો વિચાર કરતો હતો, એટલામાં પાછળની બાજુથી મ્હેરાંનો મોટો ભાઈ દોરાબ અને રામો આવ્યા. બારણા આગળ એને ઊભેલો જોઈ દોરાબ તડુક્યો :
‘કોન એ સાંકલ ઉઘાડે છ? કોઈ સોનેરી તોલીનો લાગે છ !'
‘નહિ દોરાબજી, એ તો હું બરજોર છું.’
રામો : બરજોર કોણ આહે. પાગલ, ગંડીઆ ઈત્યે તૂ કરતોસ કાય?

રામાએ આટલું કહી બરડામાં મુક્કી લગાવી. દોરાબે બોચી ઝાલી માથા ઉપર બે ધપ્પા માર્યા અને ધક્કા મારી ઓટલેથી નીચે ઉતાર્યો : ‘સાલ્લા ચોર ! તું કોન્ને કહીને આય બંગલામાં ડાખલ થિયો? ચાલ તુંને પોલીસમાં લઈ જાઉં છ.’
‘અરે દોરાબજી, હું બરજોર છું.'
‘ચૂપ રહે, બરજોર છું તો છો રહ્યો. તું બંગલામાં કાંય પેઠો?’ધક્કા મારીબંગલાની બહાર કાઢ્યો.
‘ચલ જા; જો ફરી આય રસ્તા પર પગદીધો છ તો જીવતો નહિ મુકસ. આ વખત જવા દઉં છું.’

આમ સારી રીતે કુંદીપાક આપી દોરાબે બરજોરજીને બંગલા બહાર કાઢ્યા. માથા ઉપર ધપ્પા ખાતાં ટોપી ત્યાં જ પડી ગઈ હતી, એટલે બરડો ચાંપતાચાંપતા બરજોરજી ઉઘાડે માથે જ ઘર તરફ વળ્યા.
અને મ્હેરાંને પરણવાના એમના સઘળા કોડ એળે ગયા.
* * *


0 comments


Leave comment