6 - મેળો / ગુણવંત વ્યાસ


‘મા ચ્યાં ?'
ગોકાએ આજુબાજુ નજર કરી. ‘હજી તો હમણાં વાત કરતી'તી. ન્ ઘડીમાં ચીયા અલોપ થૈ જઈ ?!' - મેળાની મેદનીને વીંધતી નજર જાય ત્યાં લગી દોડી-દોડીને પાછી આવી ગોકાને નિરાશ કરવા લાગી. મા-ની આભા ઊભી કરતાં ફરફરતાં ગવનો ગોકાની નજરને છેતરી શકે તેમ નહોતાં. ‘પીઠ ફરીન્ ઊભી વોય તોય આઘેથી આંછ્યો ઓળખી કાઢ્ ઈ મા અત્તારે ચ્યમ નજરે ચડતી નથ્ય ! વેન કરીન્ મા-ન્ મેળે લાયો'તો: ઈ મેળો જ મા-ન્ ગરી જ્યોં ક્ ? ઓમ તો ચ્યાંય મન્ મેલીન્ પળવારે ય આઘી જાય એવી નથ્ય. ઘડીભર આઘો જ્યો ક્ આંછ્યો તરવા લાગ્ આંહુડા મોં. ન્ અવાજ રોતલ થૈ જાય; પણ આ અત્તારે...’

ગોકાથી “મા” એવું બોલાયું, પણ અવાજ ખૂલી ન શક્યો. આંખોએ ઝળહળિયાં જામ્યાં, ને પળમાં તો ગાલને ભીંજવતાં ધૂળમાં ભળી ગયાં. કોઈએ એની નોંધ ન લીધી. ભાદરવી પૂનમના મેળાને એ જોવાની નવરાશ નહોતી. હજી થોડા દિ' પેલાં જ જસોદાના જાયાને વધાવવા ગાંડું બનેલું ગામ આજે એને સાવ ભૂલી બેઠું હતું ને મા-થી વછોયા ગોકાની આંખોમાં હજી યે એ શ્રાવણ તગતગતો હતો. મરે, પણ મેલે નહીં એવી મા આજે ક્યાં મેલીને જતી રહી એની ચિંતામાં ગોકો ભીડને ભેદતો ચાલ્યો. એક નિસાસો નીકળ્યો. હવા થોડી ગરમ થઈ. મા-ને શોધવા જ સૂરજ થોડો ઉપર ચડ્યો હોય એવું લાગ્યું; ને ન મળતાં આકરો બન્યો હોય એમ વધુ તપવા લાગ્યો. ધૂળમાં ભળેલાં પેલાં આંસુથી ધરતી તપી. પગ દાઝતાં લોકો છાંયો શોધવાની ફીકરમાં પડ્યા. ગોકાનો છાયો જાણે છીનવાઈ ગયો હતો ને તડકો એને લાગતો નહોતો.

ચારેકોર હરખ હિલ્લોળે ચડ્યો હતો. સૌ કોઈ ખુશીનો ખજાનો લૂંટી રહ્યું હતું. ગાડાં ભરીને આવેલાં ગામો મેળામાં ઠલવાઈ રહ્યાં હતાં. ચકડોળના ચકરાવા ને જાદુગરોના ખેલ, રંગબેરંગી ફુગ્ગાઓની આકાશી ઉડાન ને રમકડાંથી ખીચોખીચ દુકાન, ફરસાણ ને મીઠાઈનો તીખો-મીઠો સ્વાદ; વળી ગુલ્ફી-ગોળાની ગળચટ્ટી દુનિયા – આ બધાં વિશે અવનવાં સપનાં જોયેલા ગોકાને અત્યારે આમાંનું કશું જ આકર્ષતું ન હતું. મા-ને શોધતી આંખો ભીડને ભાંગતી ભૂલભુલામણીમાં ખોવાઈ હતી.

‘મા પણ મન્ અધૂકડે જીવે ચ્યાંક ખોળી રૈ હશ્’ એવો ખ્યાલ ગોકાને રમકડાની દુકાને લઈ ગયો. “કદાચ મા ઐ વોય ! ઉંએ હાથીનું વેન કરેલું, ન્ મા-એ ના પાડેલી. ‘મોંઘો-સ્’ કહી, મોરલી અપાવવા મનાવેલો; પણ હું જ ન માન્યો, નઅ હાથી લેવા હઠ પકડી.” મા કદાચ હાથી લેવા આવી હોય એ ખ્યાલે, રમકડાંની દુકાને આવેલા ગોકાને હાથી અળખામણો લાગ્યો. એનો એક ભાંગેલો દાંત અને ભદુ શરીર ગોકાને ન ગમ્યું. “મા મળ્ તો મોર્લી લૈ લવ' – એ વિચારી એણે આસપાસ નજર કરી : “આ રૈ ! – ને એ મલક્યો. દોડ્યો ને વળગી પડ્યો રતુંબડી ઓઢણીને. પણ બીજી જ ક્ષણે પકડ ઢીલી થઈ. ભોંઠો પડ્યો એ ! આંખોએ આજે એને છેતર્યો. ‘લી, તું ચ્યાર્ મા બની ?!' કહેતી યુવતીઓ, ઓઢણી ઓઢેલા રતુંબડા ચહેરાને ઠોસો મારી ટીખળ કરી રહી. ને એ ચહેરો અચંબાભરી શરમથી, વધુ લાલ બનતો, હસતો, જતો રહ્યો. “મા આવી ન વૉય !” - ગોકાએ, એ ચહેરામાં કશુંક ખૂટતું લાગ્યાથી, માન્યું; ને ફરી માને મળવા શ્રાવણી આંખોને ભાદરવી મેળે તરતી મેલી. આંખો આંસુ બની ને ગળું ગળગળું. ‘મા’નાં ઉચ્ચારણો રૂદનમાં ઝબોળાઈને કંપતાં હતાં. એકસૂરીલું રૂદન “મા ન મળી તો ?' ના વિચારમાત્રથી વધુ કંપિત થયું ને ગોકો મોટેથી રડવા લાગ્યો. આજુબાજુમાં ખોવાયેલી આસપાસની આંખો ગોકા તરફ ખેંચાઈ. કોઈએ નોંધ લીધી, કોઈએ ન લીધી ને ફરી આજુબાજુનાં આકર્ષક દૃશ્યોમાં ખૂપી ગઈ. ગોકાને થયું : “આ ઑમ જ હેંડશ્ તો ?' - ને રૂદનમાં વલોપાતો અવાજ વધુ મોટો થયો. કોઈ-કોઈ નજીક આવ્યા. ગોકો એક ડગલું પાછળ હઠ્યો. લોકોને થયું : “છોરો ભૂલો પડ્યો લાગ્ સ્” !' કોઈએ બૂમ પાડી : “અલા, ઓંન્ માવતર ઐ સ્ ક્ નૈં?!' તો કોઈ બોલ્યું: ‘લ્યા, એન્ પૂછો ન્ એના ગોમ-ઠૉમ !'

કોઈ સેવાભાવી લાગતા સજ્જન આગળ આવ્યા. ગોકો ફરી બે ડગલાં પાછળ હઠ્યો. સજ્જનને થયું : “છોકરો ખરે જ ગભરાઈ ગયો છે !” – આથી દૂર રહીને જ પૂછ્યું : “બેટા, શું થયું?' જવાબમાં ગોકો રડતો જ રહ્યો.
‘તારું નામ, તારા મા-બાપનું નામ શું છે ?'
રૂદનમાં ભય પેઠો જાણે!

‘ચીયા ગોમનો સ્, લ્યા?” – પાછળ ઊભેલામાંથી કોઈ નવા તરીકાથી તારણ કાઢવા તાડુક્યો.
સજ્જને એની સામે જોઈ કહ્યું : “જુઓ, નાના બાળક સાથે આ રીતે વાત કરી એને વધુ ન ગભરાવો; એક તો એ ગભરાયેલો છે જ !!
‘તારણહારે વે'તી પકડી. પણ જનારા કરતાં, કંઈક નવું જ જાણવાની ઈચ્છાએ આવનારાથી ભીડ વધતી રહી. ગોકો ભીંસાવા લાગ્યો. સજ્જને સહુને પ્રેમથી કહ્યું : “જુઓ કોઈ બાળક ભૂલું પડેલું છે. એને વધુ ન અકળાવો.”
મેદનીને કાને જાણે વાત જ ન પડી. તમાશો તેડાની રાહ જોવા ન બેઠો. ભીડ વધતી ચાલી. દરેકના ચહેરા પર એક જ પ્રશ્ન હતો. : ‘કોનો છોકરો હશે ?' બધા પોતપોતાની રીતે વિચારતા હતા. કોઈને મોઢે, છોકરો વખૂટો પડ્યાની વાત હતી તો કોઈ મા-બાપની બેદરકારી વિશે ચિંતિત હતું. વળી, કોઈ-કોઈ તો, મા જ મેલીને જતી રહી હોવાનો આધુનિક સંસ્કાર વાગોળતું હતું. ગોકાને માટે આ નવું હતું. બે ઘડી મા-ને વિસારી, ટોળાને વિચારે ચડેલા ગોકાનું રડવું તો અનાયાસ જ અખંડપણે ચાલુ હતું. હા, એની તીવ્રતાનો આંક ઘટ્યો હતો; કારણમાં એક તો આ ટોળું ને બીજું, ગળે પડેલો સોસ. કેટલો સમય ગયો કોણ જાણે, પણ મા વિનાનો એક લાંબો કાળ પસાર થઈ ગયાનો અહેસાસ ગોકાના તરડાઈને બેસી ગયેલા અવાજથી આવતો હતો. તરસી નજર રડતી-રડતી ફરતી રહી. સજ્જન જાણે સરત પામી ગયા હોય તેમ બોલ્યા ય ખરા :
“જુઓ તો ખરા, રડી-રડીને અવાજ ય બેસી ગયો છે, આ બાબાનો !'
તે વધુ નજીક આવ્યા. ગોકો થોડો સંકોચાયો. પાછળ ખસવાની હવે જગ્યા નહોતી. સજ્જન એને તેડવા ગયા. ગોકો ક્ષોભ-સંકોચથી દૂર રહેવા મથ્યો. સજ્જનને થયું : “કેટલો ગભરાય છે, હજી !”

‘છોરો શરમાય છ્ !’ – પાછળથી ટોળું વીંધતો એક જણ આગળ આવ્યો. કહે : “બકા, ચોકલેટ ખાવી છ્?” હેંડ, ચકડોરમાં ફેરવું !”

ગોકાને મા યાદ આવી. ‘હજી હમણાં જ મા હારે ચકડોળમાં ધૂમ્યો'તો. એવી મજા આઈ'તી ઉપર જવાની; ન્ પસ્ પૅટમો બધું ઉપર ચડતું વૉય એમ્ હેઠ્ આવ્યાની ! બીજી વાર બેહવાનું મન થ્યેલું; પણ હાથીની ના ભણતી મા, ચકડોર્, બીજીવાર નૈ ચડવા દે” એવું વિચારતો ગોકો ચૂપ રહ્યો હતો. બે ઘડી દાતાર લાગતા આ દાનવીર જેવા માણસ હારે ઘૂમી લેવાનું મન થ્યું; પણ મા ? – ગોકો રડતો રહ્યો. હવે તો ગળામાં ય બળતરા થવા લાગી. દાતારના હાથમાં રહેલી પાણીની બોટલ પર ગોકાની નજર ઘો-ની જેમ ચીપકી. સજ્જનથી અજાણ્યું ન રહ્યું. ત્વરિત કહે :
‘વડીલ, પાણી લાવો તો; બાળક તરસ્યુ થયું લાગે છે !'
વડીલ, પળનો ય વિલંબ કર્યા વિના નવી જ ખરીદેલી બોટલનું સીલ તોડતાં આગળ આવ્યા : લે, પોણી પી !’

લંબાયેલી બોટલ લંબાયેલી જ રહી; ગોકાએ બે હાથનો ખોબો ધર્યો.
‘લ્યા, પીન્ મોજથી ! લે, પકડ બોટલ; ન્ તુંતારે મોઢ્ મોંડીન્ પી શાંતિથી !' - પણ, નમેલી ડોકે, ખોબાને હોઠ અડાડેલા ગોકાની નજર એમ જ, પાણી પડવાની રાહે, ઊંચું જોતી રહી.

“શરમા નઈ; લે, લઈ લે !' – વડીલનો હાથ હજીય લંબાયેલો હતો.
“છોરાન્, બૉટલમોં પીતાં નૈ ફાવ્. એન્ ખોબામાં જ આલોન્ !” - સહાનુભૂતિનો કોઈ સૂર ટોળામાંથી ઊઠ્યો. વડીલને એ વાજબી લાગ્યું. ધરેલા ખોબામાં પોતાના હાથે જ ઊંચેથી પાણી રેડતા વડીલને ટાઢક વળી.

પાણી પી, હાથને ચડ્ડીએ લૂછતા ગોકાને જોઈ કોઈ બોલ્યું ય ખરું :
‘જોન્ , ચેવો નખરાં કર્ સ્ !”
‘ન્ સે ય કૉન કુંવર જેવો કારો !” - બીજાએ સૂર પુરાવ્યો.
‘પણ મા-એ જોન અ, લાડ લડાયાં સ્, આંછ્યો ઓંજી ન્ !'
‘રોય-રોય ન્ મોઢું ય કારું થૈ જ્યું સ્, બચારાનું !'

ગોકો ચર્ચાતો રહ્યો ટોળામાં. પણ સર્જન કે વડીલ એવા નિરર્થક પ્રલાપો કરતાં કંઈક નક્કર કરવામાં માનતા હતા. આથી સજજને ખીસામાંથી રૂમાલ કાઢયો ને ગોકાનાં હાથ-મોં લૂછવા લાગ્યા. ગોકો રડવું ભૂલી છટકવા કર્યું પણ સજ્જનની સજ્જનતા અંતે જીતીને જ રહી ને તેમણે ગોકાને ઊંચકી જ લીધો. વડીલે કહ્યું પણ ખરું કે ‘લાવો ઉં તેડું'; પણ સજ્જને આ સેવાનો લાભ સુવાંગ જ રાખ્યો. ઊતરવા મથતા ગોકાને મજબૂત તેડી રાખી, સજ્જન પુછાયેલા પ્રશ્નોને ફરી પૂછવા લાગ્યા; ને ગોકો ભૂલેલું ફરી રડવા લાગ્યો. વડીલે કહ્યું :

“એન્ થોડો શાંત પડવા દો. થોડું ઘર જેવું લાગશ્ પછ્ આપોઆપ બોલશ્.' - ને ઘર જેવું વાતાવરણ ઊભું કરવા એ બિસ્કિટનું પેકેટ લઈ આવ્યા. સવારથી નીકળેલા ગોકાને મા-એ બીજીવાર કહેલું : ‘આ ચકડોરમાં બેહી લે, પસ્ ઢેબરાં ખોલું સું.' - પણ ઢેબરાં ખૂલે એ પહેલા મા ખોવાઈ ગઈ. ગોકો ભૂખ જ ભૂલી ગયો હતો. વડીલના આગ્રહે એણે બિસ્કિટનું પડીકું પકડ્યું, પણ નજર તો મા-ને જ ખોળતી રહી. વડીલની સજ્જનતા અને સજ્જનનું વડીલપણું – બંને એને ઘેરી લઈ ચકડોળે લાવ્યાં. ગોકાને થયું : “ચકડોરમોં ઉપરથી કદાચ મા ભળાય, ન્, માન્ કદાચ ઉં! મા મન્ ભાળીન્ દોડી આવ્, કદાચ !” – ગોકો ને ગોકાનું મન ચકડોળે ચડ્યું હતું. રડવું અટક્યું હતું પણ હીબકાં, છેક અંદરથી, હજી આવ્યે રાખતાં હતાં.

ગોકાને થયું : “આ ચકડોર અટક્ તો હારું !” સજ્જન ને વડીલની વચ્ચે ભીસાતા હોવાનો ભાવ અનુભવતો ગોકો સંકોચાઈને દૂર રહેવા મથતો હતો, પણ વ્યર્થ. “ઊલટી થાહે ક્ હું ?!' – એવું લાગતાં ગોકાની વાણી જ નહીં, રડવું પણ છીનવાઈ ગયું. કેટકેટલી વાતો કરતો એ મા-ની સાથે; ક્યારેક તો મા પણ થાકીને કહેતી : “આ માંકડન્ મોટું આપ્યું સ્ તારથી, બસ, બકબક...' - ને પછી તેડીને ચૂમીઓથી નવરાવી દેતી. ગોકાના હોઠ સુકાતા હતા, ને ગાલ પર આંસુની ખારાશ બાઝી જવા આવી હતી.

ગોકો હજી કશું બોલ્યો ન હતો. “મુંગો તો નૈ વોય ન્ !' એવી વડીલની શંકાનું સમાધાન, “ના, મેં એને “મા” બોલતા સાંભળ્યો છે !' કહી સજ્જને કર્યું હતું. કદાચ હજીયે થોડો વધુ સ્નેહ વરસાવતાં કંઈક બોલે એ આશાએ, એક હોટલના થડાના ટેબલે, થોડી ચોકલેટી બરણી દૂર કરીને, ત્યાં જ ગોકાને બેસાડતાં વડીલ બોલ્યા :
“બકા, તારે કૈં ખાવું છ્ ?”
“મા” - ગોકાથી માત્ર એટલું જ બોલાયું.
“જો, હમણાં જ તારી મા આવશે હોં !” કહી સજ્જને વિશ્વાસ બંધાવ્યો.
“સાબ, ક્યા હુઆ ?!” દુકાનદારે આ બે પુરુષો સાથે ગભરાયેલા કોઈ અજાણ્યા બાળકને જોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું.
“કીસી કા લડકા ગુમ હુઆ હૈ. મા કા પતા નહીં !' – સજ્જને જવાબ વાળ્યો.
“સાબ, આપ ચિંતા મત કરો. મૈલે મેં આનેવાલે હર કોઈ મેરી ઈસ હોટલ કી મુલાકાત અવશ્ય લેતા હૈ; મેરા જો ખાના-પાની અચ્છા હૈ ! ઈસકી મા ભી જરૂર આયેગી યહા !' – કહેતાં દયાળુ દુકાનદારે ગોકાને ચોકલેટ ધરી. ગોકાને ચોકલેટ ખૂબ ભાવતી; પણ કોણ જાણે કેમ, તેનો હાથ લાંબો જ ન થયો. હથેળી જેવડી લાંબી ચોકલેટ ગોકાના ખીસામાં પ્રેમથી સરકાવતાં દુકાનદારે સંતોષનો શ્વાસ લીધો. તેના ચહેરા પરની હસી ગોકાને ન ગમી. ગોકો માને ખોળતો રહ્યો.

ઓચિંતા જ, આંખોમાં ચમક આવી ને હોઠ પર હાસ્ય. “મા” કહેતાં ગોકો પડ્યા જેવું ટેબલ પરથી ઊતરતો દોડ્યો. વડીલ ને સજ્જન કંઈ વિચારે એ પહેલાં તો ગોકો સામેથી આવતી એક સ્ત્રીને ભેટી પડ્યો. ને સ્ત્રી, ફૂલની જેમ ગોકાને ઊંચકી, “મારો લાલ, મારું પેટ’ કહેતી, ગાલે-માથે-આંખે ચૂમવા લાગી. આકરો થયેલો સૂરજ થોડો થોભ્યો; મા-દીકરાનું મિલન જોઈ શાંત થયો હોય તેમ થોડો ઠર્યો ને ઘર તરફ જવા પશ્ચિમ તરફ ઢળ્યો. પણ આસપાસની મેદનીને આ દૃશ્ય થોડું લાંબુ લાગ્યું. વડીલ ને સજ્જને પણ થયું કે હવે મા-દીકરો થોડાં મોકળાં પડે તો કંઈક વાત થઈ શકે, થોડી પૂછપરછ કરી શકાય ને થોડો ઠપકો પણ આપી શકાય.

ગોકાને તેડીને સ્ત્રી નજીક આવી. વડીલને તે થોડી પરિચિત લાગી. સાવ નજીક આવી કે ઓળખ પાકી થઈ; તોય ખાતરી ખાતર પૂછ્યું :
‘કમરી ક્ ?'
‘ઓવ્, રૉમ ભૈ ! જો ન્, આ ગોકો ચ્યોં જતો રૈલો, દૈ, જાણ્ ! ઉં તો ફફડી જ ગઈ ગૈંલી. ટોન્ટિયા જ પૅટમો ધૂહી જ્યા'તા, મારાઅ !! રડવા જેવું હસતી કમરી ગદ્ગદિત થઈ બોલી.

વડીલ રામભાઈનો ચહેરો ઉનાળાના તાપ જેવો કરડો બન્યો. ઝાવું નાખતાં તે બોલ્યા :
‘લી, છોરાન્ ઓમ રખડતો મેલી દેવાનો ? જણીન્ બા’ર કાઢો છ્ તી” ધ્યાન રાખતા હો તો ! મારી હારી જાત જ...'
“આન્, ભીસ્કુટ બૌ ભાવ્ તૈ ઉં લેવા જૈ'તી; તા ભીડમાં સેટો પડી જ્યો.” - કમરીએ ગોકાના માથે હાથ ફેરવતાં, રામભાઈ તરફ જોયા વિના જ કહ્યું.
“શન્યો ચીયાં મર્યો'તો?' - રામભાઈએ જાણે અધિકારીની અદાથી ઠપકો આપી રોષ ઠાલવ્યો.
“એ ન્ એના ભાઈબંધ, મુખીન્... ત્યોં કૉમે જ્યા સ્.”

અત્યાર સુધી મૂક બની સાક્ષીભાવે માત્ર સાંભળી રહેલા સજ્જન, કમરી અને શનાનાં નામ સાંભળતાં જ ચોક્યા. તોય શક્ય તેટલી નમ્રતાથી બોલ્યા :
“કોણ શનો, ભાઈ ?!”
“છ્ એક, અમારા ગોમનો વણકર, વરણ જ હલ...”
“હશે,ભાઈ !” કાળજું કઠણ કરતા સજ્જન થોડા સભાન થઈ દૂર ખસ્યા. ગોકાને તેડવાથી કપડાં પર લાગેલી ધૂળને ખંખેરતાં એક ત્રાસી નજર કમરી પર કરી. ઘણું કરવા છતાં સફેદ વસ્ત્ર પરના કેટલાક દાગ ન જ જતાં એમણે ખીસામાંથી રૂમાલ કાઢ્યો, ને તેના વડે ભાર દઈને ભૂંસવા માંડ્યા. કશુંક ઓચિંતુ જ યાદ આવતાં, રૂમાલને દૂરથી જ કમરી તરફ ફેંકતાં તે બોલ્યા :

‘લે બાઈ ! એના ને તારાં આંસુ લૂછી લે !' - ને હજી યે નજરે પડતા આછા દાગને હાથ વડે લૂછવા મથતાં એ ચાલતા થયા. વડીલ રામભાઈ પણ જાણે ઓચિંતા જાગ્યા હોય તેમ, હાથમાં રહેલી, થોડીક જ અધૂરી પાણીની બોટલ કમરી તરફ છેટેથી નાંખતાં કહેતા ગયા :
“લે, પોણી પી ન્ શાંત થા હવ્ ! ને હા, શન્યાન્ મોકલજે ઘેર; કે જે, રૉમ ભૈ યાદ કર્ છ્ !”

આ તરફ થડાના ટેબલ પર પાણી છાંટીને ભાર દઈ કપડું ફેરવતા દુકાનદારના અસ્પષ્ટ બબડાટથી બેધ્યાન બે જીવના ચહેરાની રોનક મેળાને શરમાવતી શોભી રહી હતી; જે તરફ કોઈનું યે ધ્યાન નહોતું. હા, શરમનો માર્યો છેટે ગયેલો સૂરજ થોડો ઝાંખો પડ્યો હતો. જોકે, ગોકા-કમરીને એની યે પરવા નહોતી.
* * *


0 comments


Leave comment