6.1 - ભરત નાયકની કવિતા / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ
   ભરત નાયક પણ સાતત્યપૂર્વક કાવ્યસર્જન કરતાં રહ્યાં છે. તેમની પાસેથી ‘અવતરણ’ (૧૯૯૧), ‘પગરણ’ (૨૦૦૮) એમ બે કાવ્યસંગ્રહો મળે છે. અછાંદસ કવિતાને ભરત નાયકે સંવેદન અને ભાષાની નિજી અભિવ્યક્તિરીતિએ આલેખી છે. આધુનિક અછાંદસ કવિતાની ઘણી દુર્બોધતા ભરત નાયકની કવિતામાં ઓગળી ગઈ છે. એમની કવિતામાં ગામ-વતનનો પરિવેશ સુક્ષ્મતાથી આલેખાયો છે. તો અવકાશના સંદર્ભો પણ એમની કવિતામાં વારંવાર આવે છે. એટલે એક રીતે કહીએ તો ભરત નાયકની કવિતા ધરતીથી અવકાશ સુધીના સંવેદનની કવિતા છે.

   ‘અવતરણ’ના પહેલાં જ કાવ્યમાં પોતાના વતન દક્ષિણ ગુજરાત સાથેનો સર્જક અનુબંધ સંવેદન અને અભિવ્યક્તિરીતિ એમ બંને રીતે જોઈ શકાય છે.
“અમે તો લાયવા લેખણ અમને મોકલ્યા શારદામાએ રે
મોગર તગર હાર ગળામાં જરકશી જામા ધારી રે.
ઘૂઘરા ઘમકે કેડ ચણોઠી આગિયા આંખમાં આંજી રે
ઢળતા ચામર સાગ-તરુના ડુંગર આયવા સાથ રે"
(અવતરણ , પૃ.-૧)
   દક્ષિણ ગુજરાતના ઘેરૈયા-સ્તુતિના ઢાળને આધારે લખાયેલા આ કાવ્યમાં સૂક્ષ્મ કલ્પનકર્મ છે. જેમ કે ‘ઝીલીશું ઉછાળી હાથમાં કૂકા કરીશું તારલા આભ રે’ કે ‘પાણીથી ચીતર્યા પાતાળ અમે ઊતર્યા પાતાળમાંય રે'માં આપણે એ પામી શકીએ છીએ. આ ઉપરાંત ‘આયવા’, ‘લાયવા’, ‘તગર’ જેવા દક્ષિણ ગુજરાતના બોલી પ્રયોગોથી એક ભાવપરિવેશ રચાય છે.

   ભરત નાયકનાં કાવ્યોની વિશેષતા છે બારીક-નકશીદાર, ઇન્દ્રિય સંતર્પક સંવેદન. આ સંવેદન ‘યાત્રા’ કાવ્યમાં વધારે બળકટ રીતે આલેખાયું છે.
“બોરડીનું થડ સૂંઘીએ.
પછી બાવળનું.
બોરનો ખટમીઠો સ્વાદ / બોરડીના થડને દાંત ભરતા આવે
બોરને સૂંઘવાથી / બોરડીના થડનો સ્વાદ આવે.
બાવળના પયડાનો સ્વાદ તૂરો.
લીલા આ પયડાને તોડીએ એમાં દૂધનો રંગ ઊજળો.
લીલા દાતણના ગોબાને ચૂસતા બાવળફૂલ સૂંઘતા હોય એવું થાય.
બાવળમાં થડમાં / દાંત / ભરીએ /
પયડો ગુંદ મમળાવતા હોઈએ એવું લાગે.”
(અવતરણ , પૃ.-૨)

   રંગ-ગંધ-સ્વાદ એમ ઇન્દ્રિય સાથે જોડાયેલ રૂપો આ કાવ્યમાં છે. તો ‘રાત્રિ' કાવ્યમાં પણ વૃક્ષો, પશુઓ, પંખીઓના આલેખન દ્વારા જંગલની રાત્રિનું રૂપ કલ્પનપ્રધાન ભાષામાં અભિવ્યક્તિ થયું છે.
“સાગ સીસમ શેતૂર હશે.
રોયડો ખાખરો બરુ બોરડી નેતર હશે જંગલમાં.
ઝાકળ પહેરી કાંટા, કરમદે રાતી કીડી, ચણોઠી ચરતી
ગોકળગાય હશે. જંગલમાં.
વાનર અજગર સસલાં વળી કરચલા સૂતાં હશે. જંગલમાં.
.....છીપલાં આભમાં મબલખ પ્રગટે.
સિંહ ત્રાડે છલાંગે છાતીમાં
માછલી આંખોમાં હીબકે
અમે અંધારમાં ઘરની હોડી તરતી મેલી છે. જંગલ ભણી.”
(અવતરણ , પૃ.-૩)
   જંગલની રાત્રિનો હિંસક પરિવેશ અહીં અનેક સંદર્ભોએ કાવ્યરૂપ પામ્યો છે. કાવ્યને અંતે આવતું કલ્પન ‘અમે અંધારમાં ઘરની હોડી તરતી મેલી છે. જંગલ ભણી' માં આખા કાવ્યનો એક જુદો સંદર્ભ રચાય છે. રાત્રિ-સાગર, હોડીને જંગલ એ સાથે કાવ્યનાયકનું પોતાનું એ બધા સાથે એકાકાર હોવું. આ આખા સાયુજ્યમાંથી કાવ્યસમગ્ર પ્રતીકાત્મક અર્થ મળે છે.

   આ ઉપરાંત બ્રહ્માંડ, તારા, નક્ષત્રોના સંદર્ભો સંવેદન અને ભાવને એક જુદી ઊંચાઈએ મૂકે છે. આધુનિક કવિઓના અછાંદસમાં મોટેભાગે આવતી દુર્બોધતા અહીં નથી, અર્થ વિલંબ છે. વળી ગ્રામજગત અહીં ખૂબ ઝીણવટભરી ભાષામાં અછાંદસમાં પ્રગટ્યું છે. ગ્રામપરિવેશ અછાંદસમાં આ રીતે બહુ ઓછા કવિઓમાં આલેખાયો છે. ‘ગતિ', ‘સ્થિતિ’, ‘ચક્ર’, ‘ધોધબાવજી” જેવી રચનાઓમાં વૈયક્તિક સંવેદન કલ્પનપ્રધાન ભાષામાં અભિવ્યક્ત થયું છે. સરહદ-સૈન્ય સાથે જોડાયેલા સંદર્ભો પણ ઘણી વખત વિશેષ અર્થ આપે છે.

   આમ આધુનિકોએ આરાધેલા અછાંદસને ભરત નાયક વધારે અર્થક્ષમ બનાવી માત્ર ભાષામતથી આગળ વધારી કાવ્યાત્મક્તા દ્વારા અર્થ અને સંવેદન નિપજાવ્યાં છે, જયદેવ શુક્લ અને નીતિન મહેતાના ભાવ-સંવેદન ભાષારચનાએ તદ્દન નોખી અભિવ્યકિતને ભાષારચનાને પોતિકું ભાવવિશ્વ આલેખ્યું છે.
* * *


0 comments


Leave comment