7 - દ્વિજ / કંદર્પ ર. દેસાઈ


છેવટે રજા આપવાની આવી. આમ તો હવે ડૉક્ટરને મળવાની જરૂર નથી. છતાં થયું કે મળવું જોઈએ. આ દિવસોમાં એક માને બાદ કરતાં બીજા કોઈ સાથે વાત કરવાનો ઉમળકો તો ઠીક, ઇચ્છા સુધ્ધાં નથી થઈ. પણ આ – ગયો. હાથ મિલાવ્યા. એમની નજરમાં દેખાતો વિશ્વાસ જાણે મારામાં પણ સંચર્યો. થયું કે એની નજીક જ બેસી રહું. એ ફરીથી જાતજાતની સૂચનાઓ આપે છે. આ અવાજ ! સ્પર્શતાં જ રૂંવાડાં ઊભાં કરી દે ને સહેજ શ્યામ, મજબૂત ખડક જેવું શરીર, મને જોવું ગમે છે પણ આ શરીરનો મારા માટે કોઈ અર્થ નથી. છાતીમાં જોરશોરથી ડૂમાના લોઢ ઊછળવા લાગ્યા. હમણાં જ ડૂબી જાત પણ ડૉક્ટરના સ્પર્શે ઉગાર્યો. એ મારા જમણા કાંડે રહેલા કડા વિશે પૂછતા હતા. આટલા દિવસોમાં શું આ પહેલાં એમણે નહીં જોયું હોય ? કે જોયા પછી નોંધ જ ન લીધી? આ કડું ? સ્ટીલના ચમકતા કડાને જોઈ રહ્યો. બજારમાં રૂપિયા પાંચનું એકના ભાવે ઘણાં મળે. પણ મને તો આ બાદશાએ આપેલું ! એનું સ્મરણ પણ એના સ્પર્શ જેવું રોમાંચક !

ત્યારે અમે નેશનલ લેવલના યુથ પ્રમોટીંગ પ્રોગ્રામમાં હતા. દેશના ખૂણેખૂણેથી સેંકડોની સંખ્યામાં યુવક-યુવતીઓ આવેલાં. દસ-બાર દિવસના એ પ્રોગ્રામમાં રોજેરોજ કંઈ ને કંઈ કાર્યક્રમો થતા રહે. ખાસ તો બધાં હળે-મળે, વિચારોની આપ-લે કરે – આખો દિવસ આવું ચાલ્યા કરે. એમાં એ મળેલો. બાદશાહ ! એનું નામ શું – એ તો ખબર નથી પણ બધા એને ‘બાદશા'ના નામે જ ઓળખે. કોઈ ફરવાના સ્થળે હોટેલ બનાવે છે. ‘બઢિયા-ફાઈવસ્ટાર બનાતા હૂં’ હા. એટલે કે એનો જુસ્સો રાજા-મહારાજાનો હતો. કંઈક સહજ, કંઈક રમતમાં એના હાથમાંથી કડું ઉતાર્યું. પહેરવાની કોશિશ કરી. ન ચડ્યું. એણે ચઢાવી આપ્યું ને પછી પાછું લીધું નહીં. કહે –
‘જબ ભી દેખોગે, મુઝે યાદ કરોગે. રહેને દો.’

બીજે દિવસે ક્વીઝ કોન્ટેસ્ટ હતી. હું પ્રથમ આવ્યો. એ મને દિવસ આખો શોધતો રહ્યો. છેક સાંજે મળ્યો. કોંગ્રેટ્સ કહેતાં ઉમળકાભેર વળગી પડ્યો. એની એ ઉષ્મા મારી રગરગમાં ફરી વળી.
‘પૂરા દિન ઢૂંઢતા રહા, એક પહચાન બનાયી થી. ચૂડીવાલા હાથ. મગર વો તો કહીં દિખતા નહીં થા. કહાં થે આપ ?’
‘યહીં પર તો થા, તુમને દિલ સે નહીં ઢૂંઢા, ઔર ક્યા ?’
‘અરે જનાબ, ઐસા ક્યા – ? પૂરે પ્રોગ્રામ્સમેં સિર્ફ દો હી તો હૈ’

આખા કાર્યક્રમમાં બાદશાહને માત્ર બે જ વ્યક્તિ પસંદ આવી, મતલબ પ્રેમ કરવા જેવી લાગી. એક હું અને બીજું ? ‘વો તો સિક્રેટ હૈ.’ વળી, પાછો એ મારો કડાવાળો હાથ પકડી આંગળીઓ ફેરવવા લાગ્યો.

હજી મને યાદ છે એણે કહ્યું હતું, ‘ચૂડીવાલા હાથ.’ એવું કેમ કે એના હાથમાં હતી ત્યાં સુધી એ ચીજ કડું અને જેવી એ મારા હાથમાં પહેરાવાઈ કે તરત ચૂડી ? કેમ જાણે એ મારો ધણી હોય અને એની નિશાનીની જેમ એ કડું મારે..

એકાએક અટકી જવાયું – જઉં હવે ?
‘ફરીથી મળવા આવીશ ?'
માથું નમાવી હા કહી, આવવું જ પડશે, કેમ ચાલશે એ વિના ? રૂમમાં આવ્યો. મા બેઠી હતી. સામાન બાંધી લીધો છે. નર્સિંગહોમની આ ધોળીધબ્બ દીવાલો જેવી ખાલી માની આંખો પીડા જગવે છે. કેવી રહેંસાઈ હશે એ આ દિવસોમાં ? ઘરે જઉં છું પણ બાપુજી સાથે આંખ મેળવવાની હિંમત નથી. મેં દવા ખાધી એ એટલું ખરાબ નથી જેટલું... મેં તો વિશાળ ભમ્મરિયા કૂવામાં ખાબકી જ લીધું હતું, પણ એ તો ડૉક્ટર પટેલ હોય નહીં ને હું બચું નહીં ! તે દિવસે બાપુજી ઘરે ન હતા. એ તો ગામડે ગયા હતા, વીરસિંહની અંતિમવિધિમાં, જુવાન મયણું એટલે કો’કે તો જવું પડે.

મને ખૂબ રડવું આવતું હતું, છાતી કૂટવાની ને રાડો પાડવાની ઇચ્છા થતી હતી. એટલે ઝડપથી હું બાથરૂમમાં ઘૂસી ગયો. આંખમાં ઊભરાતાં પાણી સાથે અરીસામાં નજર માંડી તો બધું ધૂંધળું ધૂંધળું દેખાયું. કશો આકાર કે રૂપ ચોખ્ખાં નહીં, બિલકુલ મારા મન જેવાં. છાતી પર જોરજોરથી હાથ પછડાતા હતા ને જાણે કાચ તૂટવાનો અવાજ સંભળાતો હતો. આ શરીર ! ધૃણાથી મેં જોયું. ફટાફટ કરતો હું મારાં કપડાં ઉતારવા માંડ્યો.

પછી શું થયું તેનું મને ભાન નથી ઉન્માદની લહેરોથી મારાં મન-શરીર છવાવા માંડેલા. ગાઢ ધુમ્મસમાં હું આમતેમ અથડાતો રહ્યો. ધુમ્મસ જ્યારે ઓગળ્યું ત્યારે મેં નર્સિંગહોમની ધોળીધબ્બ દીવાલો જોઈ, માની ભીની ઉદાસ આંખોમાં ચિંતા હતી. કંઈનું કંઈ બોલ્યા કરતી. મને બારણાં ઊતરાવી બાથરૂમમાંથી બહાર કાઢવો પડ્યો હતો ને ત્યારે મેં શરીરે બહેનનાં કપડાં વીંટાળેલાં, આંખો આંજેલી ને ગાલે પાઉડર ને રુઝ. ચાદરમાં વીંટાળી દવાખાને લાવ્યા. તોય કપાળે ચોટેલો ચાંલ્લો અછતો ન રહ્યો. બધાં જોઈ રહેલાં.

‘એ તો ડૉક્ટર ભલા કે પોલીસનું લફરું ન થવા દીધું. નહીં તો એનો ત્રાસ.' કહેતાં વળી, માની આંખો છલકાઈ આવે છે.
‘બહુ દુઃખ આપું છું નંઈ, તને માડી, મરવા જ દેવો તો ને.’
‘મરે તારા દુશ્મન. નવ મઈના પેટમાં રાખ્યો છે તે મરવા દેવા ?’ પછી જરા સમજાવટના સૂરે કહે ‘તને કંઈ દુઃખ હોય તો કઈ દે દીકરા, આમ મનમાં ને મનમાં ગોટાવું નંઈ, કઈએ તો કાંક રસ્તો મળે.’ પણ શું કહું? સાઈકાટ્રીસ્ટ સાથે બેત્રણ સીટિંગ્સ થયાં પણ મને કંઈ બોલવાની મરજી જ ન થઈ. એમણે જુદી જુદી રીતે વાતો પૂછી જોઈ પરંતુ સાવ શિથિલ એવા એના શરીરને જ મારું મન તાક્યા કરતું. ક્યાં એ ને ક્યાં આ ડોક્ટર પટેલ ! ચપળ, મજબૂત બાંધાના, સહેજ શ્યામ એવા ડૉક્ટર પટેલને જોતાં જ વિશ્વાસ બંધાય ! એ આવે ને મનમાં સળ પડે. કમળ ખીલુંખીલું થાય. એમનો અવાજ સાંભળવો ગમે એટલે વાતો કરવાની ઇચ્છા પણ થાય. મેં કહ્યું હતું, ‘તમે પોલીસને જાણ ન કરી એટલો તમારો આભાર..’
‘ને જીવ બચાવ્યો એનો ?’

કમળ બિડાઈ ગયું. એ ખભો થપથપાવીને ચાલવા માંડ્યા. ટટ્ટાર પીઠ ને વિશ્વાસથી મુકાતાં ડગલાં. હું એમને જતા જોઈ રહ્યો. એ મારામાં રસ દાખવે છે એ દેખાઈ આવે છે. બે દિવસ પહેલાં જ મારા વિશે પૂછપરછ કરવા, ઘરનાં સૌ અને મિત્રોને બોલાવેલાં. હવે એ લોકો નવું તો શું કહેવાના હતા, કોઈને ક્યાં ખબર છે કે – ? હું તો દેખાતો જ રહ્યો છું આવો, સીધોસાદો, ખાતોપીતો, હરતો ફરતો, નોકરી કરતો, જેવા બીજા હોય છે. ક્યાં કોઈને બારી ઉઘાડીને, અંદર જોવા દીધું છે ! હા, માએ કહેલું, ‘એ નાનો હતો ત્યારેય એને સાડી પેરવી ગમતી. ક્યારેક ચણિયાચોળી પેરી એવા તો ગરબા લે, એકવાર મારે મારવો પડેલો. એ પછી ભૂલી ગયો. પણ એવું તો ઘણાં કરે. આ છોડીઓ પેન્ટ-શર્ટ પહેરે જ છેને ? ઉમેશ પણ આવ્યો હતો. સાથે ઊછરેલા ને હવે સાથે નોકરી.. કહે,
‘આ, ડૉક્ટરય ખરો છે ! જાતજાતનું પૂછ્યા કરે, મેં તો શરમ છોડી ને કહી જ દીધું કે અમે તો સાથે હસ્તમૈથુનેય કરેલું તે તમારી જાણ ખાતર, બીજા કોઈ ચાળા કોઈ દી ન’તા કર્યા. એ તો પુરુષ જ છે બીજા જેવો.’

મેં હળવેથી એનો હાથ દાળ્યો. આ સિવાય બીજું તો શું કરી શકું? એને કેવી રીતે ખબર પડે કે વિચારોમાં કોણ છે ને શરીર જે ઉત્તેજના અનુભવે છે એની પાછળ સ્ત્રી છે કે પુરુષ ?

નર્સિંગહોમથી ઘરે આવ્યે ખાસ દિવસો નથી થયા. માંડ ચાર કે પાંચ. મન વળી વળીને ત્યાં દોડે, રૂમની ધોળીધબ્બ દીવાલોમાં ડોક્ટરનો સ્હેજ શ્યામ વર્ણ ઉમેરાય ને પછી થાય કે હમણાં જ દીવાલો બથ ભરી લેશે. બાપુજી ધંધામાંથી સમય કાઢી આવે, વાતો કરે ને પછી ચાલ્યા જાય. સ્વસ્થ દેખાવાની કોશિશ તો બહુ કરે છે પણ એમનું ભાંગેલું મન એમની સ્હેજ ઝૂકેલી પીઠમાં દેખાઈ આવે છે. થાય કે મનમાં બોજ ખડક્યો છે તે ક્યાંક ઉતારી નાખું. બાળપણમાં રમતા. દૂધી લેવી છે દૂધી ? કોઈ લે કોઈ ન લે, પણ રમત પૂરી થતાં હળવાશ સિવાય બીજું કંઈ ન બચે. એવી જ કોઈ રમતમાં પીઠ પર ચઢી ગયેલી દૂધીના તો હવે વેલા ને વેલા ઊતર્યા છે. જાળમાં પગ મુકાયો ને હુંય જાળ ભેગો ગૂંથાઈ ગયો. શ્વાસ લેવાનીયે જાણે તમા નથી રહી. આ ગૂંગળામણ ! ક્યાં સુધી હું ગોંધાઈ રહું, મેં ચણેલા મારા કેદખાનામાં ?

જઉં છું ડૉક્ટરને મળવા. જોતાં જ રાજી થઈ આવકાર આપ્યો. તેમને રોજિંદા કામ પછીની નિરાંત હતી. કહે, ‘સારું થયું તું આવ્યો. નહીં તો સાંજે તને મળવા આવવું જ પડત.'
‘તો તો મેં ઉતાવળ કરી, નહીં?’ કહેતાં હાથ મિલાવ્યા. આ સ્પર્શ ! કેવી તલબથી વાટ જોઈ હતી આ પળની ! એમ લાગે કે ડૉક્ટરની પ્રફુલ્લતા આ હથેળીની ઉષ્મા વાટે સંજીવની બની અંદર ઊતરી રહી છે. આમતેમની વાતો પછી, સહેજ ગંભીર થઈ તેમણે પૂછ્યું: ‘અનુજ, હવે તો કહે તેં દવા શું કામ પીધી 'તી ?’

મારાથી એમનો હાથ મૂકી દેવાયો. અંદરથી ડૂમો ઘુઘવાટા કરવા માંડ્યો. આંખો બળવા લાગી. ‘તને પીડા થતી હોય તો રહેવા દે – પણ આમ, મનમાં ઘૂંટાવાથી શો ફાયદો ?’

આખરે કોઈને કહેવું જ હોય તો આ શું ખોટા છે ? મેં એક ઊંડો શ્વાસ લીધો ને ડૉક્ટર પટેલ સામે જોયું.
‘હું તંગ આવી ગયો છું, આ બેવડી જિંદગીથી. બેવડી, ના આમ તો એક જ, પણ ના, ના – જુઓ જુઓ મને જ ખબર નથી પડતી કે મારી જિંદગીના શા ઢંગ છે.’
‘તમે-તમે જાણો છો ? પેલા બાદશાહનું સરનામું છે મારી પાસે. પણ મેં કદી એને પત્ર નથી લખ્યો ને ન એણે મને. ક્યારેક થાય છે લખું એને, સ્વીકારી લઉં એનું ધણીપણું. પણ શી ખાતરી છે, એની છાયામાં મને શાંતિ મળશે ? અસીમ શાંતિ ને પારાવાર સલામતી. આ ભીડભરી દુનિયામાં ખભે માથું મૂકી રડવાનું સુખ. વરસોથી એક ડૂમો થિજાવી બેઠો છું –' હું બોલી તો રહ્યો છું પણ મને દેખાય છે ડૉક્ટર પટેલના ખભા, પહોળા, સ્થિર, મજબૂત અને બોજ ઉઠાવવા સમર્થ. એમ થાય કે આ ખભે માથું ટેકવી લઈએ તો જાણે કશી ચિંતાફિકર જ નહીં. બધું જ એ સાંભળે, રે કેવી શાંતિ !

‘આ શરીર ! એ તો જેવું છે એવું જ રહેવાનું. પણ મન, મનના જુદાપણાને કઈ રીતે બતાવાય ? શરીર અને મનના જુદાગરાની વાત કોઈ ન જાણે ત્યાં સુધી તો આ શરીર જે દેખાય છે તે જ સાચું. પણ એ જુદુંય કેવી રીતે છે? એ તો કદાચ પહેલેથી છે જ એવું. પ્રકૃતિ જ એવી છે કે...’ વચ્ચે અટકાવતાં પટેલે પૂછ્યું, ‘ભલે બાદશામાં એ નજર નો'તી કે તારી ભૂખ ઓળખે. પણ એવું કોઈ બીજું ક્યારેય નતું મળ્યું ?' સહેજ ભોંઠપ અનુભવી. મને જયેશ યાદ છે. એના ખભે મેં આંસુ સાર્યા છે. ને એણે મારા ખોળામાં નિરાંતનો દમ ભર્યો છે. પણ એ આખી વાત પીડાની છે. એની યાદ કાળોતરા નાગ જેવી છે, જેટલી સુંવાળી એટલી જ કાતિલ... મારા ચહેરે ભય જોયો કે પછી પીડાઃ ડૉક્ટરે હાથને સહેજ થપથપાવ્યો ને શાતા બંધાવતા હોય એમ કહે, ‘તારે તારી બધી વાત કરવી જ પડશે, અનુ ! હું તારો મિત્ર નથી ?’
‘કહેવું તો પડશે જ ને ?’

થોડા સમય પહેલાં એ માણસ પણ મળ્યો જેણે કહેલું, ‘હું જયેશનો દોસ્ત છું. બેત્રણ દિવસમાં મળીશ.'
‘મળે તો વાત કરજો.’ સ્હેજ અટકીને મેં કહ્યું હતું. એ શું વાત કરશે તે હું નથી જાણતો. પણ મેં વધુ એકવાર જાણ્યું કે હું એને નથી ભૂલી શક્યો. એક એવી સ્મૃતિ નાગ જેવી, સરકવા માંડી.

એક રાત્રે રેલ્વે સ્ટેશન પર બેએક મિત્રો સાથે બેઠા હતા. મારા ખોળામાં એનું માથું હતું. કહે, તું ક્યાંક દૂર ચાલ્યો જા, હિમાલયમાં. ખૂબ તપ કરી આવ. ભગવાનને પ્રસન્ન કરી વરદાન માગ અને સ્ત્રી બની જા. પછી આપણે... સાથે રહીશું.'

એનો અવાજ ગંભીર હતો, સ્હેજ કંપતો પણ શુદ્ધ, ભાવનાભર્યો. આકાશનાં તેજસ્વી નક્ષત્રો એનાં સાક્ષી હતાં. મનમાં એ ક્ષણે પરમ સંતોષ છવાયો. એવું લાગ્યું કે જીવનમાં હવે ક્યારેય બીજી કશી કામના નહીં જાગે. ધન્ય થઈ ગયો. પણ આજે એ જ ઘટનામાં નર્યા છળ ને સ્વાર્થ દેખાય છે. એની જરૂરિયાત સમજવા, પૂરી કરવા તપ મારે કરવાનું. એ બાલિશ વિધાન એના પ્રેમની પ્રતીતિ કરાવતું હતું એ સાથે જ એનો પુરુષ સ્વભાવ પણ. જેવો છું એવો મને એ ન સ્વીકારી શક્યો હોત?

તેથીય કશો ફેર ન પડત. કેમકે અમારા સંબંધની કોઈ બુનિયાદ જ નહોતી. તો પછી એ સ્મૃતિનો અંગારો અંદરોઅંદર સતત પ્રજાળે છે શા માટે ? ગાઢ અંધકારમાં છાયા-પ્રકાશની ટેકનિકથી પડદા પર ઉપસાવાતા આકારોમાં સાફ દેખાય છે એક બાઈનું ચીસો પાડતા ભાગવું ને તેની પર ગીધની જેમ ત્રાટકતા પુરુષ દ્વારા એનો પીછો કરવો. આ એક ફોટોગ્રાફ ! જાણે એ બ્લેક એન્ડ વ્હાઈટ હોય, એની ચમક તો કદી ઝાંખી જ ન થઈ.

એ બેચલર્સ હોસ્ટેલ, જ્યાં છોકરી મળવી તો શું, જોવીય મુકેલ. નાટકમાંનાં સ્ત્રીપાત્રો પણ નાના નાના છોકરાઓ જ ભજવે. મૂળે કુમળાં નાજુક ને એમાં ઉમેરાય થોડા સ્ત્રૈણ હાવભાવ. એનાં એ ગંભીર દેખાતાં વાક્યોમાં નરી લુબ્ધતા હતી ને હસવું પણ આવી જાય છે. એ વયે પણ પુરુષસહજ ગુમાન હતું. સ્ત્રીને પામવાના અધિકારની સજગતા. કદાચ સ્ત્રીને પામવાની લાલસા આ રીતે વ્યક્ત થતી હોય ! હું તો માત્ર એક વૈકલ્પિક વ્યવસ્થા. વળી, હું ચૂપ થઈ ગયો. આ વાતો અંદરઅંદર મથી નાખે છે પણ કશું માખણ ઉપર નથી આવતું. ડૉક્ટર પૂછે છે, ‘તું તો ક્યારનો જયેશની વાત કરે છે. પણ તારું શું? તને કોણ જોઈએ એની કોઈ દી' ચોખવટ કરી ?’ ઘડીક તો તાકી રહ્યો. આ યે ? ‘ચોખવટ કરી એ તમનેય ના દેખાઈ ?’

‘એમ જ હતું તો એ જ, ‘શણગાર’માં બાથરૂમની બહાર આવવું હતુંને ? દવા પીવાની શી જરૂર હતી ?’
‘કેમ કેમ કંઈ બોલતો નથી ? કે પછી તારી મા કેતી'તી એમ તું તો નાનો હતો ત્યારે ય આવો જ હતો.’
‘આવો એટલે કેવો ?’ ભડકી ઊઠ્યો છું. અવાજમાં તણખ આવી ગઈ.
‘છોકરીનાં કપડાં પહેરે, બીજું શું ? એ તો એકવાર માર પડ્યો પછી તું ભૂલ્યો.’

મને હસવું આવવા માંડ્યું. કનુભાઈ માસ્તર જ સ્તો ! બિચારા – ના બિચારા શેના વળી ? કેવી તંદુરસ્ત કાયા અને વિદ્વાન ય ખરા. પણ –
‘સાંભળો, ડૉક્ટર સાંભળો. કેવી અજબ માયા છે આ દુનિયાની ને કેવા કેવા રંગ, આપણે ધારીએ કંઈ ને હોય....’ – થાય છે, આ પણ સારું. એ બહાને પણ ખુલ્લા થઈ જવાનું. શી ખબર, કનુભાઈ માસ્તર આ રીતે જ મોકળા થઈ જતા હશે ને એટલે જ એમને દવા પીવા વારો ન આવ્યો હોય. એ અમારી બાજુમાં રહેતા. માતાજીના ભગત. આમ તો ચાર છોકરાના બાપ. દર નવરાત્રિએ બ્રહ્મપોળના મંદિરે ભજવાતાં નાટકોમાં કોઈ ને કોઈ સ્ત્રીપાઠ જ ભજવે.

એમના લાંકદાર પાતળા શરીર પર એકે શણગાર ઓછો ન હોય. બનાવટી વાળથી ગૂંથેલા લાંબા ચોટલે વેણી તો હોય જ. નવાંનક્કોર કપડાંની કાંજીની સુગંધ, જાડી મેશ આંજેલી આંખો, ખાસ્સી મરોડદાર બનાવેલી આઈ-બ્રો, રંગેલા ગાલ પર મ્હેક મ્હેક થતો ચહેરો, હોઠ પર લાલી, કાનમાં કટ અવાજ કરતી બંધ થાય એવી ચાંપવાળી બુટ્ટીઓ. ગળામાં ચમક ચમક થતી માળાઓ, ટીકી ભરેલી લાલચટ્ટક ઓઢણી ને ઘૂમતો ઘેરદાર ચણિયો. લૂગડાના ડૂચાવાળી બોડિસ પહેરીને ઉપસાવેલી છાતી ઢાંકતો કાંડા સુધીનો કબજો, કાંખમાં ગાગર, પાનીએ અળતો લાગે ને ઝાંઝરના ઝમકારે એમના સ્ત્રૈણ અવાજે કનુભાઈ ગાય :
બાઈ અમે પાણીડે નીસર્યા
કે સામે મળ્યો સાહ્યબો રે લોલ
સાનભાન સઘળા વિસર્યા
કે સામે મળ્યો સાહ્યબો રે લોલ.

એ લોળ, એ લચક ! ને વળી, ચહેરે નવોઢાની ભારોભાર લજ્જા. ભલભલા થાપ ખાઈ જાય. મંદિરનો ઓટલો એ સ્ટેજ. આખું સ્ટેજ ઘૂમી વળે, સામે બેઠેલા સૌ દાંતે આંગળી દબાવી જોઈ રહે, ‘આ, આ આપણા કનુભાઈ માસ્તર ?’

મમ્મીએ હરખભેર પોતાની નવીનક્કોર બનારસી સાડી કનુભાઈને પહેરવા આપી ત્યારે કંઈયે ખચકાટ ન તો થયો પણ એમની રેશમની બાંધણી એની સુંવાળપથી બહુ ગમી એટલે મેં જરા આમતેમ શરીરે વીંટાળી એમાં તો સટાસટ કરતા બે તમાચા ગાલ પર ચોડી દીધા. બાપુ મારે તો માની સોડ મળે પણ માં ફટકારે તો – ?

રડતાં રડતાં હીબકે ચઢી ગયો તે છેવટે એણે જ નજીક આવીને પડખામાં લીધો. પછી તો ધ્રુજતા સાદે મેંય પૂછી જ લીધું,
‘ઓલા કનુભાઈને તો તેં કેવી ફટ્ટ લઈને સાડી દઈ દીધી 'તી ? ને મેં તો ખાલી આમતેમ અડાડી એમાં તો....’
‘પણ તું કાંઈ છોકરી છે ?'
‘તે માસ્તર સાહેબય ક્યાં છોકરી છે ?’
‘એમણે તો નીમ લીધું છે એટલે, તેં ક્યાં નીમ લીધું છે ?'
‘હંઅ... જો નીમ લેવાય તો સ્ત્રી બનવાની છૂટ મળી જાય. એવાં તે કેવાં નીમ હશે ?’ હા, એ વય હતી સ્ત્રી અને પુરુષ, છોકરા ને છોકરીના ફરકને જાણવાની, સમજવાની, કપડાંલત્તાં કે દરદાગીનાથી લઈ રાંધવું-ચીંધવું ને સીવવું તો ઠીક પણ ફળિયાને મોઢે થતી રાતની ગપસપોમાં મળતું ગજબનું કોઠાડહાપણેનું સમજાવા લાગેલું ને ચોકમાં બેસી કાલાં ફોલતાં બૈરાઓના છાના સનકારાય ઉકેલાવા માંડ્યા હતા.

હવે ? આ પણ કહેવાનું : તાકી રહું છું. કોઈપણ વસ્તુને, પણ એ કંઈ નજરમાં નોંધાતી નથી. કપાળે વળેલા પરસેવાને લૂછું છું. ‘કેવી ગરમી થાય છે ? હું જઉં...’

ડૉક્ટર પટેલે ઊભા થઈ પંખો વધુ ફાસ્ટ કર્યો. ‘જવાય છે, શી ઉતાવળ છે ?'
‘ના, હું જઈશ' કહેતો ઊભો થઈ ગયો ને તરત ચાલવા માંડ્યો.

બાપ રે ! દિવસ કેટલો ઊંચે ચઢી આવ્યો – ને આ ગરમી ! પાર વિનાની. ડૉક્ટરને જે વાત નહોતી કરવી તે જ સામે ટેકરાની જેમ ધસી આવી. આ ટેકરો પાર કરવાનો ને – એમાં વળી, આ તાપ. ઉનાળો તો હોય છે જ આવો. નવરો, ગરમ ને તંગ. ખાલી દિવસ ફેણ માંડીને ઊભો જ હોય, એને શે વશ કરવો ? ન ઘરમાં કંઈ કામ ન ખેતરમાં. પરીક્ષા પત્યા પછી સ્કૂલનું મોઢું જ કોણે જોયું છે ? રાત ટૂંકી, દી લાંબો, ગરમીમાં પડખાં ફેરવતાં ફેરવતાં જ આંખ ખૂલી જાય. અને –

સવલી પહેલેથી જ થોડી બાઘી. ખાસ કંઈ ગતાગમ ન પડે. એને કહીએ ‘પાણી લાવ’ તો તરત દોડે ને કહીએ ‘અંગૂઠા પકડ’ તો ફટ્ટ દઈ વાંકી વળે. એવી એ સવલીને તે દિવસે મેડી પર કહ્યું, ‘ચડી ઉતાર’ – પટ્ટ દઈ રબરવાળી ચડ્ડી ઉતારીને ફરાક ઊંચે લીધું. મારી છાતીના ધબકારા વધી ગયા. ધક્ ધક્ અવાજેય સંભળાવા લાગ્યો. હજી તો હું વચ્ચે ખાલી આંગળી જ અડાડવા જતો હતો ત્યાં માની બૂમ સંભળાઈ.
‘અનુઉઉઉ.... દીકરા... નીચે આવ તો !’

માનો અવાજ સાંભળતાં જ હું ચમક્યો પણ સવલીએ તો તરત જ ફરાક નીચે કર્યું ને ચપચપ કરતી દાદર ઊતરી ગઈ. મા ઓસરીમાં ઘઉં કાઢીને બેઠી હતી. ચાળવાનું, ઝાપટવાનું ને વીણવાનું ને પછી મ્હોવાનું.
‘જા દીકરા, જરા દીવેલ લઈ આવ.’
‘આવા તડકામાં ? પછી જઉં તો?’ મેં મોં કટાણું કર્યું.

મોટીબેન ફાટેલા દૂધનો હલવો બનાવતી હતી. સ્ટવ ઓલવતાં કહે, ‘મા, આ તૈયાર થઈ ગયું છે તે ખઈને જાય.’

માનું કંઈ ચાલ્યું નહીં એટલે કે પછી ગમે તે કારણ કહે, ‘ભલે, હવે તું ઝટ આય. આ એકલી હું ક્યારે પોંચી રહીશ.’

ખરેખર તો તે દિવસે મા જુદા જ મૂડમાં હતી. અમને ત્રણે ભાઈબહેનોમાંથી કોઈનેય છૂટા મૂકવા તૈયાર ન હતી. મને ને ભાઈને એક એક થાળી પકડાવી કહે, ‘ઘઉં વીણો, લ્યા છોકરા.’ મોટીબેન આવી એટલે ભાષણ શરૂ થયું. ખાસ તો બેનને જ. એનું સ્કર્ટ સ્હેજ સાથળ પાસેથી ઉતરડાઈ ગયેલું.
‘તને કેટલી વાર કીધું છે કે તારે આ સ્કર્ટ નંઈ પેરવાનું. ને પે'રવું જ હોય તો સોઈદોરો લઈ સાંધી લેતાં કેટલી વાર? છોકરાંઓ જુવાન થતાં જાય ને જાણે કંઈ ભાન જ નથી પડતું. તું તો છોકરીની જાત. માટીનો ઘડો. એકવાર ફૂટે એટલે થઈ રહ્યું.'

ભાઈ મોટો એટલે વચ્ચે બોલવાનો હક્ક, ‘ને છોકરો એટલે તાંબાની દેગ.’
‘હા પણ કાળી પડે તો ખાટી છાશ વિના વારો ના આવે ને ગોબો પડે તો ઉપડાવ્યે જ છૂટકો.’

મને ખાટી છાશમાં કંઈ ગમ ના પડી એટલે મેં પૂછ્યું. મા ચિઢાઈ, ભાઈ ને બહેન ધીમે ધીમે હસવા માંડ્યાં. તોય મા છાલ ન’તી છોડતી. એને એક જ વાત કહેવાની હતી. છોકરો હોય કે છોકરી, આ ઉમરે તો પોતાની જાત સાચવવાની. એકવાર વાત ઊડે એટલે થયું.

એ તો રાતે બેને વાત કરી ત્યારે ખબર પડી. બાજુવાળાનો નાનો સીમમાં ગયો હતો તે કંઈ નવાજૂની કરી આવેલો. એના બાપે પછી સારો એવો ફટકારેલો. મને એકદમ જ સવલી યાદ આવી ગઈ. માને ખબર પડે તો ? એકદમ ચૂપ, મ્હોં સિવાઈ ગયું. છાતી પર હાથ મૂક્યો તો ધડક ધડક થતું ‘તું.

બીજી સવારે ન્હાઈધોઈ મંદિરે દર્શન કર્યા ને પછી લાઈબ્રેરીમાં જઈ બાપુનું નામ આપી બે પુસ્તક કઢાવ્યાં. ઘરે આવી માને દેખાડ્યાં. એણે રાજીપો બતાડ્યો એટલે થોડીક નિરાંત થઈ. ત્યાં તો સવલી ડોકાણી. જાળિયે ઊભી ઊભી એ ફરાક દાંતે લઈ ઇશારો કરી બોલાવવા માંડી. માને બહાર આવેલી જોઈ એટલે છાનીમાની સરકી ગઈ. સવલી દેખાય છે એટલી તો બાઘી નથી.

પણ હું તો બાઘો જ હતો. સાંજના સમયે ઘરમાં કોઈ ન હતું એટલે માએ હાથમાં લોટો પકડાવી દૂધ લેવા મોકલ્યો. વાડામાં ગયો ત્યારે વીરસિંહ ઘોડીને પંપાળી રહ્યો હતો ને એની કેશવાળીમાં આંગળાં કાઢઘાલ કર્યા કરતો હતો. મને જોઈ હસ્યો ને પાસે બોલાવ્યો. એટલામાં જ ઘોડીએ પૂછડું ઊંચું કરીને પેશાબ કર્યો. ગરમ, ફળફળતો ને વાસ મારતો. અમે તરત જ આઘા ખસી ગયા. જમીન બધી ભીની થવા માંડી એ સાથે શોષાવા લાગી. પેશાબ કર્યા પછીય ગુલાબીનો ફરકાટ બંધ ન થયો એટલે વીરસિંહને મેં પૂછ્યું ‘આ કેમ હજી ફરકે છે ?'

એ પહેલાં ચિઢાઈ ગયો ને પછી હસવા માંડ્યો. બેઉ હાથે મારા ગાલે ચીમટા ભર્યા ને પછી કોઢાર ગમી ખેંચી જઈ બાથમાં ભીડી ગાલ ને હોઠ પર ચૂમવા માંડ્યો. એના ચહેરા પર ફૂટેલા ખીલ વાગ્યા કર્યા. થોડો અણગમોય આવ્યો ત્યાં તો એણે મારો હાથ એના પેન્ટના ઊપસેલા ટેકરા પર ફેરવ્યો ને પછી કહે, ‘બૈરાંને આવું થાયને તો એનું સૂતર ફરકવા માંડે.’

એણે હાથ દાબી રાખેલો તોય મેં જોર કરી ઝાટકો દઈ છોડાવી નાખ્યો. ને ઘરે આવી લોટો મા તરફ ફેંકી કહ્યું,
‘વાડામાં સાપ છે હું નથી જતો.'

થોડીવાર તો એમ જ બેસી પડ્યો. પછી ઘસીઘસીને મોઢું ને હાથ ધોયા પણ એમ જ લાગતું કે હજીયે મોઢા પર ખીલની કકરાશ ચોંટી છે તે ખસતી જ નથી. જમતી વખતે આદુલસણવાળું મગનું શાક ખાતાં હોઠ પર બળતરા થઈ ને સીસકારો નીકળી ગયો. ત્યારે ખબર પડી કે ત્યાં પેલા ખીલવાળાનો દાંતેય વાગ્યો છે. માએ શાક પર થોડી ખાંડ ભભરાવી. માને કેમ કહું કે આ મીઠાશનો કંઈ અરથ નથી, કંઈ અરથ નથી. મેં ફરીથી કોળિયો ભર્યો ને ફરીથી બળતરા થઈ. પણ આ વખતે સીસકારો ન નીકળ્યો. ખાલી સહેજ જીભ હોઠ પર ફેરવી લીધી ને સંતોષથી જમવા માંડ્યો. પણ ઓડકાર તો ન જ આવ્યો.
[‘ગદ્યપર્વ' સપ્ટેમ્બર, ૧૯૯૬]


0 comments


Leave comment