21 - નગર / ધીરુ પરીખ


હું નગર
નરી વિરૂપની કથા ?

ઈંટ જે હતી કહીંક
રૂપહીન ચોસલાં,
રંગરંગની અને
વિભિન્ન ઘાટની ઘણી
મકાન-માળમાં ઠરી
અજીબ વેલ ચારુતા તણી
ગઈ જ પાંગરી !

જે પણે અનાકૃત,
હાર સૌ મકાનની વચાળથી
ઝળુંબતું રહ્યું છે વ્યોમ
કૈંક આકૃતિ ધરી
નવી નવી નવી.

શ્યામ કેશમાં ઝગે જરી–ભરી
સ્નેહના સીમન્ત શી
નિયોન -બલ્બની તગે
તમિસ્ત્રમાં રચેલ
હારમાલિકા જરી.
દીપકો ઝગી રહ્યા ન દીપકો,
તારકો ખચેલ
કો અમાસનું જ આભ
હ્યાં લચી રહ્યું નગર બની.

આદિ જાતની જ
શ્યામ સુંદરી તણાં
શું ચકચકંત માત્ર શા
ટાર રોડ આ રહ્યા જ
દોડતા ( ન હાંફ !)
ચક્ર ને ચરણ તણી ગતિ મહીં,
ન સ્થૈર્ય,
જે જીવન ગણ્યું સમગ્ર તે
વહી રહ્યું અહીં અહીં અહીં.

હો ભલે જ સૂર કે બસૂર
જાતજાતના
છતાં નિમગ્ન છે શ્રતિ
જે જઈ ભળી જ રક્તમાં અધીર
દોડતી નસો મહીં
કશી ય મૌન ઝંકૃતિ
( થઈ ખરે જ ચેતના બધિર ?)

જનો અહીં ફરી રહ્યા
જનાવરો ન બેપગાં,
માનવી જ માનવી જ
માનવી જ મૂળગાં.
એક એક માનવી
જીવંત યુદ્ધ હર પળે,
શ્વાસોશ્વાસમાં જ મૃત્યુને કળે;
છતાંય આભ જેવડી જ
આશની કદી ન લાશ તો પડી.

અહી ન કોઈ ને તમા જ મૃત્યુની
જિન્દગી ક્ષણે ક્ષણે જ શાશ્વતી;
ડસ્ટબિનમાં પડી
અતીતની ક્ષણો બધી રહી સડી.
ભાવિને જ આંબવા રણે ચડી
સ્વછ ને સુસ્પષ્ટ
જે રહી બધે વધી
વર્તમાન વર્તમાન વર્તમાન
એ જ છે જ્યહીં મુહૂર્તની ઘડી.
છું નગર
નરી વિરૂપની કથા ?


0 comments


Leave comment