23 - ચાડિયો / ધીરુ પરીખ


ખેડુ : મેં તો બધું તૈયાર કરીને હવે મૂકી દીધું :
હળ ખેડી પાડ્યા ચાસ
કોઠારની દીવાલોના તમિસ્ત્રમાં
ભીસાતાં જે બીજ તેને
ભૂમિ કેરા ભીના ભીના અંધારમાં વેરી દીધાં –
ચાડિયો : કેવળ એ કેદખાનું બદલાયું.

ખેડુ : દેખાય જરૂર એવું,
ભીતર કાળીને આજે આંખ સામે
હરિયાળો હરખ આ ડોલી રહ્યો તેવું
ઋષિના કો ગુફા-ગુપ્ત વાસ જેવું
આપી દીધું આપી દીધું સ્થાને મુક્ત કેવું !
ચાડિયો : જ્ઞાન એ તો ગુફામાંથી
પ્રગટ્યું ન હોય
તેવાં
મોતી -ઝૂમ્યાં ડૂંડા

ખેડુ : સોંપી દીધાં તને હવે
૨ખાપાંને કાજ.
ચાડિયો : ફરજ માનીને હવે
અડીખમ ઊભો અહીં
દાણો એકે વેડફાયે નહીં
એમાં રહે લાજ.

ખેડુ : મારું કામ પૂરું થયું
તારા કામનો તો હવે
આરંભ જ થાય.
ચાડિયો : જાવ,
હવે ફિકર ન કરો તમે
વરસોવરસ
અને વખતેવખત
જે ઊગી ઊગી પાકું થઈ છલકાય
કશાયની સ્પૃહા વિણ
મારા થકી તેનાં સદા રખોપાં કરાય.

સ્મૃતિસંવેદન

આપી દીધું વચન મેં....
આંખ સામે કૈંક તો લૂંટાયા દાણા
કૈંક ચગદાયા
બાકી રહ્યા સલામત જેટલા કૈં
ચાલો
તેટલું તો ફા’યા..

થાય કશું :
વરસોવરસ
અને
વખતોવખત
આમ મૂંગુંમૂંગું ટોયાપણું
કે
પછી આ
ઝાઝા રહ્યા
તે કરતાં
થોડા ગયા તેનું મૂક જોયાપણું ?

ખેર,
એ તો થવાનું તે થયું
સંતોષ માનીને ઊભો –
રહેવાનું એ રહ્યું !
પણ
આજુ કાળ એવો આવ્યો
ખેડુએ જે ઓર્યું બધું ગયું બળી
આભ સામે તાકી તાકી ઊભો
કરગર્યો તો યે
ઉપરની દયા કરી નવ રહી ઢળી...
ધરામહીં રોપેલી જે આશ
હવે ક્યમ રહે ફળી ?
નિરાશાનો મોલ લણી
નેણ મહીં ભરી
ખેડુ આ તો
ખેતરથી ઘર
પાછો
ઘરથી એ સીમ
અને ગામ છોડી
દૂર દૂર રહ્યો સરી
દૂ....ર દૂ....ર રહ્યો સરી.....

સંબોધન

ઊભો રહે ઊભો રહે
ગાડાવાળા ભાઈ !
જરી તારા બળદ
( કહેવાય એ તો;
બાકી તો છે હાડકાંની
નરી અભરાઈ ! ) ને
રોકી રાખ રોકી રાખ....

અરે,
તું તો સાંભળે ના
જાણે તારે ગામ સાથે તૂટી છે સગાઇ.
ઊભો રહે ઊભો રહે
ગાડાવાળા ભાઈ !

નાની એવી ખાટલી
ને ઓઘરાળી માટલી
વળી જૂના કોથળામાં
દુકાળિયા ઘરનો ભરીને અસબાબ,
તારા-મારા સંબંધને ભૂલી જઈ
નહિ જેવા
તારા બધા સંસારને લઈ
મને
એકલાને શાને અહી છોડી દઈ
ચાલ્યો તું
ઓ, ચાલ્યો તું, ઓ
ગાડાવાળા ભાઈ !

પાછો વળ.... પાછો વળ
ઉડાડ્યાં મેં ઘણાંય ને
ખુદ તો ઊડી ના શકું,
ભગાડ્યાં મેં ઘણાંયને
ખુદ તે ભાગી ના શકું;
ઊભો કર્યો તેં જ મને
તું જ પાછી છોડી
હવે ચાલ્યો ?
મને–
કેવળ આ લાચારીના આકારને –
સાથે લેવા જેટલી તું
કરશે ભલાઈ ?

ઓહ, પણ કહું કોને ?
દૂ....ર દૂ....ર દૂ....ર દૂ....૨
કોરી કોરી વાદળીમાં
તું તે છેક ગયો જ્યાં સમાઈ,
ઓ, ગાડાવાળા ભાઈ

સ્વગતોક્તિ


ચલે, મારા પગ !
ઊભા રે’શો ખાલી અહીં ક્યાં લગ ?

ચારેકોર ધરતી આ તરડૈ ગૈ
દુધભરી ડૂંડાં કેરી વસતી બધી ય તે
કોણ જાણે કિયે પથ મરડૈ ગૈ !
વંધ્યા કેરી કૂખ સમા
કોરાકટ આભલામાં
ચડી આવી'તી કંઈક વાદળી બે-ચાર
માવઠું મૂકીને પાછી
એ ય તે કૈ ચાલી ગઈ :
એટલામાં કાય આ શી
ભીતર બહાર બધી ખરડૈ ગૈ !
ચલો, મારા પગ !
ઊભા રે’શો ખાલી અહી ક્યાં લગ ?
લીલાનું તો નામ નહિ
સૂકુંય તે તરણું ક્યાં દિસે ?
વેરાનના ચારેબાજુ
ઢગના છે ઢગ.
ચલો, મારા પગ !
ઊભા રે'શો ખાલી અહી ક્યાં લગ ?

પડ્યું રહ્યું હશે કોઈ બીજ
ધરા મહી ધરબૈ
ગયા પેલા માવઠાનું પાણી પીને
અંકુરિત થૈ
હરખનો હાથ જાણે હલાવતું હોય તેમ
ઓહ, મારા પગ,
તળે આ શી
લીલા એક તૃણ કેરી
સળવળ સળવળ !

રહો, મારા પગ !
ઊભા રહો ઊભા રહો
હવે ક્યાંય લગ,
હવે ક્યાં...ય લગ !
* * *


0 comments


Leave comment