29 - મન / ધીરુ પરીખ


હું આયનો
કંઈ કેટલી છાયા ધરું...

ટ્રોયની હેલન તણું શું રૂપ,
રાવણ-મૂછમાં હુંકારતો શો ભૂપ,
કુબ્જા તણી વિરૂપતા
ને વંદતા ગાંધી તણા બે હાથ !

હિટલર ઘડીમાં પેસતો,
બીજી ઘડી નિમિલિત નેત્રે
બેસતા અમિતાભ !

મેરીલિન મનરો તણી
બે આંખનાં ચંચલ મૂગેરાં કહેણ,
ને ઊઘડે ત્રીજુ ત્યહીં
કૈં ધૂર્જટિનું નેણ...

કંઈ કેટલાં
કંઈ કેટલાં રૂપો ધરું !
ને તો ય એકે ના
કદી હું સંઘરું !


0 comments


Leave comment