30 - કૂચ / ધીરુ પરીખ


વણ શબ્દીલી સુગંધ સાથે
ફૂલ ખીલતાં–ખરતાં;
અન્ધકારને સાગર કરવા પાર
તારકો કૈંક યુગોથી તરતા.

સૂરજ ને આ ચંદર અવિરત
પથ આકાશી કાપે;
રાત-દિવસના વેઢા ગણતા
અનન્તને શો માપે !

અવકાશી આ ચોક મહીં શી
થંભ્યા વિણ ઓ
હવા ઘૂમતી ગરબે !
પીળાતી આ ઋતુ આમ તો
સકલ વસંતો સમયગર્ભમાં ધરબે !

વેરી દેતાં નિજનાં સઘળાં રૂપ વાદળો
તો ય સાગરો
વારે વારે વાદળિયાં રૂપને વળગે;
કૈંક આંખમાં
અરવ આરઝૂ-દીપ ઠરે ને સળગે.

પકડાયે ના એવું અહીયાં
સંતાકૂકડી રમતું કોનું હોણ ?
વણ રણભેરી વણ પડઘમ આ
કરે કૂચ તે કોણ ?


0 comments


Leave comment