24 - ચાડિયાની ચોકી / ધીરુ પરીખ


સૂકો ખખ
અસ્થિ-પિંજર શો
કરે ચાડિયો ચોકી :
હર્યુંભર્યું આ ખેતર નાનું
લ્હેરે ચારેકોર.

લીલી લીલી સોડમ
જારના ખેતરમાંથી
ફાંટ ભરીને દોટ મૂકતો
જાય વાયરો :
પગ ધરબીને ખડો ચાડિયો
શકે હવે ક્યમ રોકી ?
સૂંઘ્યાવણ ઊભા ઊભો ત્યાં
કરે અડીખમ ચોકી.

ભોળાં ખગનાં ટોળાં આવી
વેરી વેરી જાય
ટહુકા મધુર કંઠથી ઝીણે,
ચાડિયો કાન વગર શું વીણે ?

કણસલે મોતીના મલકાટ
આંજવા આંખ ચાડિયા કેરી,
ચખહીણ શિર સામે પરભાત
તીડની હગાર ચોગમ વેરી.

ઝાકળિયે શુ ગયો જ
ટોયો ઝોકી ?
ચાડિયો હજુ કરે છે ચોકી !


0 comments


Leave comment