25 - રખોપું / ધીરુ પરીખ


ઉચાળા ભરીને બધી
લીલાશ તો ચાલી ગઈ !
ટહુકા ન ટોચે હવે,
ખરીઓ ન ઘોંચે હવે,
ખડે પગે તો ય હજી
ચાડિયાની ચોકી !
( બધિરની શ્રુતિ જેવી.)

ચાડિયાને થયું :
બસ, બધું ગયું,
કોનું હવે રખોપું ય
કરવાનું રહ્યું ?
લાવ હવે નાસું....
અરે પણ આ શું ?
કૂણાં કૂણાં મૂળને
ન શકી કશું કહી
જરઠ ચરણને આ
ધરા અવ રોકી રહી...
રખોપું માન્યાનો શો આ
ચરણ-ફાંસલો હશે ?

મારે તો નથી રે જીભ;
તમારે તો છે ને ?
કહી જ દો એને :
રખોપું મેં કર્યું ન્હોતું
રખોપું મેં કર્યું ન્હોતું....


0 comments


Leave comment