26 - દુર્ભિક્ષમાં ચાડિયો / ધીરુ પરીખ
ચાડિયો ઊભો છે પણે
ચરણને ખોડી હજી !
લહેરે ન ચારે કોર
હરિયાળો રંગ
ઝૂકે નહીં ટહુકાથી
ભર્યાં ભર્યાં ભોળપણાં,
ચારે પગે ચડીને
હરાયાપણું ઢૂકે નહિ.
સૂકા સૂકા ચાસ અને
ખાલી ખાલી સીમ
તાકી
બાકી રહ્યું ચાડિયાને
રખોપું ય કોનું હજી કરવાનું ?
થાતું હશે :
જંજાળથી છૂટ્યો, હાશ;
વિસ્તારને હવે કંઈ
બાથ મહીં ભરી લઉં ?
કે પછી એ ઊભો ત્યહીં
ફરી ફરી બંધાવા શુ
લીલાશને પાશે ?
ચાડિયો ઊભો છે હજી
ધરામહીં રોપીને શી
અડીખમ આશ ?!
0 comments
Leave comment