27 - બળદપણું / ધીરુ પરીખ


ડચકારે ડચકારે ચાલ્યો,
ને ચાસચાસ ને
ગાડામારગ ફાલ્યો
માલિક મહાલ્યો રે.

ઘાલી દીધી નાથ, નાથ તેં !
એનો છે બસ સાથ, નાથ હે !
શ્વાસોશ્વાસમાં અશ્વ ઊછળતા
નિશ્વાસે નિશ્વાસે થાતું, નાથ,
નાથનું ભાન !

ધાન ભરેલું ગાડું લઈને
ધસમસ ધાતો
ખાતો કડબ
ફસફસ ફીણ ફિસોટે જૈ ચકરાતો
ગમાણ....
હું તો બળદ નથી રે લોલ.

શિંગડિયું શણગારી
કોટે ઘૂઘરિયું ઘમકારી;
કદી માફો તો કો’દી
ખેંચી વ્હેલ
કરાવ્યા કેટકેટલા ખેલ !
બેલ હું નથી રહ્યો રે લોલ.

હું તો ચીંધ્યે મારગ ચાલું
ખાવું-પીવું હરવું-ફરવું
કોક આશરે
જીવું ઠાલું ઠાલું
સાલું ક્યાં સુધી રે બોલ ?

ઢોલ આ અંગઅંગમાં વાજે
આજે
બળદપણાનો આવ્યો છે રે કોલ :
‘ધૂંસરી તોડ,
જોડ તું બળદપણાને પ્રાણ મહીં
ને ડોલ.’

અરે, હું બળદ નથી રે લોલ.
ખરે, હું બળદ બનું રે લોલ.


0 comments


Leave comment