12 - પ્રકરણ ૧૨ / અસૂર્યલોક / ભગવતીકુમાર શર્મા


હવિદ્રવ્યો અને ઘી હોમાતાં વધારે પ્રજ્વલિત થઈ ઊઠતી યજ્ઞજ્વાળાઓનાં નાનાં નાનાં પ્રતિબિંબો યજ્ઞમંડપમાં બેઠેલા ઘણા લોકોની આંખોમાં ઝિલમિલાતાં હતાં. એમાં એક રીતે અપાવદરૂપ હતા નિગમશંકર. કશાનું યે પ્રતિબિંબ ઝીલી શકે તેવી આંખોથી તેઓ વંચિત હતા, પણ તેમના હ્રદયમાં યજ્ઞજ્વાળાઓની ઉષ્મા પૂરેપૂરી વ્યાપ્ત હતી. જીવનભર ઘણાં યજ્ઞોમાં સક્રિયપણે ભાગ લીધો હતો, સાથીઓ-શિષ્યોની મદદ લઈ યજ્ઞકુંડોમાં સ-મંત્ર હુતદ્રવ્યો હોમ્યાં હતાં. અગ્નિશિખાઓની ગરમી શરીરે અનુભવી હતી., યજ્ઞકુંડમાંની શેષ ઊની ભષ્મ લઈ તેની કપાળે અર્ચા પણ કરી હતી, છતાં એ યજ્ઞજ્વાળાઓનું પ્રત્યક્ષ દર્શન અશક્ય હતું. અંધાપો આવ્યો તે પહેલાં ક્યારેક ક્યાંક લપકતો યજ્ઞકુંડ જોયો હશે તે જ. પછી કેવળ અદર્શન. દીવાની થરથરતી જ્યોત, ચૂલામઆં અગ્નિદાહ પછી ચરર...ચરર...બળતાં કાષ્ઠા અને મનુષ્યશરીરનો એ ભેંકાર ધવિ સાંભળ્યો, પણ પાવક જ્વાળાઓનું દર્શન તો અગોચર જ રહ્યું. ‘નૈનં દહતિ પાવક:’ એ ગીતાસૂત્ર અનેક વાર હોઠે આવ્યું, પણ કેવો હોય પાવક? માત્ર તેના દાહક સ્પર્શ પૂરતો જ અનુભવ થયો. અને જ્યારે તેમના સમગ્ર શરીરને ચિતાની અગ્નિશાખાઓ ઘેરી વળશે ત્યારે તેમનું માત્ર શરીર હશે, અનુભવ માટેનું ચૈતન્ય નહિ હોય. વૃદ્ધ, અંધ, વિષયી પિતાને અગ્નિદાહ દેતી વખતે વેદનાનો કશો ખાસ સ્પર્શ થયો ન હતો. કોઈકના દોરાઈને તેમનો હાથ બળતા લાકડા સહિત બાપના શબના અંગુઠા સુધી પહોંચ્યો હતો-યંત્રવત્. નવી માની ફૂલ-શી હયાતીને અગ્નિઅંકે સોંપતાં એ જ હાથ ધ્રૂજતો હતો, હ્રદય દાઝતું હતું. આંખોના ખાડામાં પાતાળકૂવા ફૂટ્યા હતા, હોઠો પર ઈશ્વરનું નામ હતું. સ્મશાનનો અગ્નિ આને યજ્ઞનો અગ્નિ; તત્વત: શો ફેર હતો? બંનેમાં નિરંતરતા હતી. તે ચિતાઓ, સ્મશાનો અને યજ્ઞકુંડો પૂરતા સીમિત ન હતાં. બંનેનાં બેસણાં મનુષ્યહ્રદયમાં. દેહનો પિંડ બાધનાર પંચતત્વોમાં એક તત્વ અગ્નિ. અગ્નિ જ અગ્નિને મુક્ત કરે! છતાં જીવનનું સાતત્ય અક્ષુણ્ણ. સ્માશાનના અને યજ્ઞના અગ્નિમાંથી યે બધું ભસ્મીભૂત થયા પછી, કશુંક નવું સર્જાય છે. અહં વૈશ્વાનરો ભૂત્વા... અગ્નિદેવને નમસ્કાર!

યજ્ઞમંડપમાં બેસી મંત્રઘોષમાં જોડાયેલા નિગમશંકરના મનમાં વિચારોની તેજશિખાઓ અવારનવાર ઝળહળી ઊઠતી હતી. ત્રણ દિવસ પછી અતિરુદ્રની પૂર્ણાહૂતિ થશે. પૂર્ણ આહૂતિ! બે શબ્દો નિગમશંકરના મનમઆં રમી રહ્યા. આહુતિ ક્યારેય પૂર્ણ હોઈ શકે? તેમને પ્રશ્નો થવા લાગ્યા. આહુતિ ક્યારે પૂર્ણ થઈ ગણાય. આહુતિ પૂર્ણાહુતિ બને તે માટે શું હોમવું પડે? અસ્તિત્વનિ ભાવ? અસ્તિત્વની સભાનતા? આ જન્મ અને જન્માંતરોનું સકળ સંચિત પરમ તત્વને ચરણે અમર્પિત કરવું તે જ સાચી પુર્ણાહુતિ?

સાંજ ઢળચ્વા આવી હતી. આજના દિવસ પૂરતું યજ્ઞકાર્ય સમાપ્ત થયું. નિગમશંકરે અહીં સવાર-સાંજ નદીસ્નાનનો નિયમ રાખ્ગ્યો હતો. દુર્ગો તેમને કાળજૂપૂર્વક નદીએ લઈ જતો -લાવતો. સવારે સ્નાન કરતાં પહેલાં નિગમશંકર નદીકાંઠાની ઝાડીમાં દિશાએ જઈ આવતા. ક્યારેક સાંજે પણ જવું પડતું. દુર્ગો ત્યારે ઝાડીની બહાર ઊભો પણ રહેતો. ક્યારેક ગુરુશિષ્ય વાતો કરતા નદીના ભાઠામાં આઘે સુધી નીકળી જતા. અંધારું ઊતરી આવતું, પણ દુર્ગો નિગમશંકરનો હાથ પકડીને તેમને હેમખેમ યજ્ઞમંડપમાં પાછો લાવતો. ચોમાસું હતું તેથી ક્યારેક વરસાદના અણસાર વર્તાય તો નદીના ભાઠામાં ફરવા જવાનો કાર્યક્ર્મ રદ કરી દેતો.

આજે ઉઘાડ હતો અને આકાશમાં સૂર્ય અનવરોધ હતો. તેના સિંદૂરી અજવાળાં નદીના જળપટ પર રેલાતાં હતાં. તે દિવસ પૂરતું યજ્ઞકાર્ય પૂરું થયું એટલે નિગમશંકરે કહ્યું: ‘દુર્ગા, નદીકાંઠે જઈશું ને?’
‘હા, બાપુજી આજે તો આકાશ ચોખ્ખું છે.’
‘ન હોય તો યે શું? ભીંજાવાનો ભય શો?’ તું રોકતો ન હોય તો હું મુશળધાર વૃષ્ટિમાં પણ જાઉં, પણ હમણાં તારે આધીન છું.’ નિગમશંકરે વિનોદ કર્યો. દુર્ગો હસી ન શક્યો, બોલ્યો: ‘મારે તમને તિલક અને બાને હેમખેમ સોંપવાના છે. મારી ફરજ-’

‘તેં બરાબર બજાવી છે. હું તારી વિરુદ્ધ જુબાની નહિ આપું હોં. છેવટની જવાબદારી તો મારી પોતાની છે.’ નિગમશંકર ઊભા થયા. તેમણે જમણા હાથમાં ની લાકડી ઠપકારી, ડાબો હાથ દુર્ગાએ ઝાલ્યો. યજ્ઞમંડપમાંથી બહાર નીકળ્યા પછી નિગમશંકરે કહ્યું:
‘આજે પહેલાં ભાઠામાં જઈએ. મારે દિશાએ જવું પડશે. કળશિયો રાખજે. પછી સ્નાન કરીશ અને સૂર્યને અર્ઘ્ય આપીશ.’

દુર્ગાએ હકાર કર્યો. બંને નદીની રેતમાં દક્ષિણ તરફ ચાલવા માંડ્યા. યજ્ઞમંડપ અને તેમાનો બોલાશ પાછળ સરતા ગયા. સાંજુકી વેળાના નદીકાંઠાની નીરવતા વિસ્તરતી જતી હતી. થોડાંક પક્ષીઓ ઊડાઊડ કરતાં હતાં. દુર્ગો બોલ્યો:
‘બાપુજી એક વાત પૂછું?’
‘ખુશીથી.’
‘તમને આંખોનો અભાવ સાલતો નથી?’

બાળક જેવું હસીને નિગમશંકરે ઉત્તર વાળ્યો:
‘ગાંડાભાઈ, આંખોનો અભાવ સાલે તો ખરો જ ને? પણ મારી બે આંખો ગઈ ને છ આંખો મળી! ન સમજ્યો? ભાગીરથીની, તિલકની અને તારી! સોદો લાભનો જ થયો ને?’ વળી હસી પડ્યા, પછી ઉમેર્યું: ‘ઉપરાંત જેટલા શબ્દો શીખ્યો, જેટલા મંત્રો કંઠસ્થ કર્યા, જેટલાં દર્શનોનો મર્મ હ્રદયમાં ઉતાર્યો તેટલી આંખો પણ મળી! હવે કહે, મારે રૂંવે રૂંવે આંખો નથી? એક ત્રાજવામાં બે ચર્મચક્ષુ ને બીજામાં આ હજારો આંખો! કહે, કયું ત્રાજવું નમે?’

‘તો યે બાપુજી સ્થૂળ આંખોની યે ડગલે ને પગલે જરૂર તો પડે જ ને?’
‘હાસ્તો! કેટકેટલાં દ્રશ્ય-પદાર્થોથી વંચિત રહ્યો છું હું! અરે, તિલકને, એની બાને કે તનેય ક્યાં જોયાં છે મેં? એ ખોટ કાંઈ જેવી તેવી છે? તે સાથે ઘણું ન જોવાના શાપમાંથી યે ઊગરી ગયો છું.’
‘પણ બાપુજી, તમને ઈશ્વરનો સાક્ષાતકાર થાય ત્યારે-?’

‘એવાં મહાભાગ્ય મારાં ક્યાંથી? હું તો બહુ ક્ષુદ્ર જીવ છું અને ઈશ્વરના સાક્ષાતકાર માટે સ્થૂળ આંખો કામ ન આવે. સુરદાસજીને ક્યાં આંખો હતી? ઈશ્વરની મૂરત તો હ્રદયની આંખે જ જોવાની હોય... અને સાંભળ, મને ઈશ્વરના નહિ તેટલી માણસના સાક્ષાતકારની ખેવના છે. એ તો મેં કર્યો જ છે- મારા કાશીના ગુરુઓમાં, ભાગીરથીમાં, તારામાં...’ પછી નિગમશંકરે પૂછ્યું: ‘તેં સંત દાદુ દયાળનું નામ સાંભળ્યું છે?’
‘તમારી પાસેથી ઘણી વાર.’

‘તેની તને એક વાત કરું. સંત રજ્જબ દાદુ દયાળના શિષ્ય હતા. ગુરુનું નામ શોભાવે તેવા. કાળક્રમે દાદુ દયાળે દેહ છોડ્યો. તે જ ઘડીથી રજ્જબે પોતાની આંખો બીડી દીધી - ન ખોલી તે ન જ ખોલી.’
‘શા માટે?’
‘રજ્જબને કંઈ અંધાપો નહોતો આવ્યો, પણ એમને થયું કે ગુરુની હાજરીમાં પરમાત્માનો પરમ વૈભવ જોઈ લીધો અને ન જોવા જેવો સંસાર પણ સરખી રીતે જોઈ લીધો. હવે આંખો ખુલ્લી રાખવાનો કોઈ અર્થ શો?’
‘અદભુત!’

‘રજ્જબે આંખો બીડી તે બીડી- વરસો વીતતાં ગયાં. મૃત્યુના અણસાર વર્તાવા લાગ્યા તોયે તેમની આંખો તો બંધની બંધ! ઈચ્છામૃત્યુ જેવું આ સ્વૈચ્છિક અંધત્વ! ગાંધારીએ પતિને પગલેઅંધાપો વેઠ્યો, રજ્જબે ગુરુચરણે પરમાત્માના વૈભવ જોયાના સંતોષમાં અંધાપો સ્વીકાર્યો!’
‘સરસ વાત કરી તમે આજે.’

‘રજજબનો અંતકાળ નજીક આવ્યો ત્યારે તેઓ રાજસ્થાનના સાંગનેર ગામમાં હતા. તેમના એક શિષ્ય મહાકવિ સુંદરદાસને ગુરુની માંદગીની જાણ કાશીમાં થઈ. ગુરુનાં દર્શન કરવા માટે કાંઈ હાથી-ઘોડા-પાલખીએ ચઢીને ન જવાય. સુંદરદાસજી કાશીથી પગપાળા ચાલીને સાંગનેર આવ્યા, આસન્નમૃત્યુ ગુરુનાં દર્શન કર્યાં. રજ્જબે આંખો ઉઘાડ્યા વગર જ સુંદરદાસ પર હેત ઢોળ્યું. દર્શન કરવા તો ગોવિન્દનાં અને ગોવિન્દનો માર્ગ બતાવનાર ગુરુનાં! બીજું બધું તો અદર્શનને પાત્ર!’
‘પછી?’
‘પછી મૃત્યુ આવ્યું. તેને રજ્જબનાં ચર્મચક્ષુને બીડવાપણું રહ્યું જ નહોતું અને તેમનાં ઊઘડેલાં અંતરચક્ષુને બીડવાનું તેનું ગજું નહોતું! હવે કહે દુર્ગા, સ્થૂળ આંખોની વિસાત ખરી પણ તે કેટલી?’ અને નિગમશંકર મૌનમાં પરોવાઈ ગયા.

તેમના ખુલ્લા પગે ભીની પણ કરકરી રેતીનો સ્પર્શ થતો હતો. ક્યારેક કોઈક ઝાંખરાનો આછો ડંખ લાગતો હતો, પણ તેમના પગની ગતિ ખોટકાતી ન હતી.
‘ઝાડી આવી ને?’ તેમણે અટકળથી દુર્ગાને પૂછ્યું.
‘હા, બાપુજી, ડાબે હાથે દસેક ડગલાં ચાલશો એટલે ઝાડીમાં.’
‘હું જાણું છું. જઈ આવું. કળશિયો આપ ને આ લાકડી તું રાખ. ત્યાં તેની જરૂર નથી. તું ઝાડીની બહાર ઊભો છે ને? હું અબઘડી આવ્યો જાણ.’

નિગમશંકર પહેલાં દસેક ડગલાં સીધી રેખામાં ચાલ્યા. દુર્ગો તેમને અનુસર્યો. પછી નિગમશંકરે હાથ ફંફોસી ઝાડીનો સ્પર્શ અનુભવ્યો. એક ઝીણો કાંટો તેમની હથેળીને ડંખી ગયો. તેની કશી નોંધ લીધા વિના તેઓ ડાબે હાથે વળી ગયા. પૂર્વાભિમુખ રહી તેમણે ચાલવા માંડ્યું. ઝાડીને કારણે ત્યાં ઊજાસ સહેજ ઓછો હતો, પણ હજી અંધારું તો નહોતું જ. નિગમશંકર માટે સવાર-સાંજ, દિવસ- રાતના ભેદો ઓગળી ગયા હતા. અહીં રેતી સૂકી અને વધારે કરકરી હતી, પણ ગરમ ન હતી, હૂંફાળી હતી. રેતીમાં કાંટા-ઝાંખરાં આવ્યાં કરતાં હતાં, પણ નિગમશંકર તે તરફ બેતમા. ક્યારેક પગ ઊંચો કરી ગોખરુ કે બાવળની શૂળ અળગી કરી લેતા એટલું જ.

હવે ઝાડી સઘન થઈ ગઈ હશે એમ માની પંદરેક ડગલાં ચાલ્યા પછી નિગમશંકરે બેસવાનું વિચાર્યું. ત્યાં જ તેમના જમણા પગને કશીક ઠંડીગાર સુંવાળપનો સ્પર્શ થયો. તેઓ કાંઈ સમજે -વિચારે તે પહેલાં તેમનો એ પગ એ ટાઢીબોળ સુંવાળપ્-અ પર ધબ્બ દઈને પડ્યો. તે જ ક્ષણે સ્તબ્ધ હવાને ચીરતો એક ફુત્કાર વીંઝાઈ ગયો. સાથે જ સળવળાટ, સપાટ, સુંવાળા ઠડા સ્પર્શના ચાબખા અને આખેઆખો કાંટો ભોંકાયો હોય કે ધગધગતો અંગારો અંપાયો હોય તેવો તીણો, મર્માન્તક ડંખ! નિગમશંકર ક્ષણાર્ધમાં થોડુંક પામી ગયા. તેમના અંતરમાંથી ઉદગાર નીકળી પડ્યો: ‘હે સચ્ચિદાનંદ!’ અને પછી તેમણે બધું બળ એકઠું કરીને સાદ પાડ્યો:
‘દુર્ગા...! દોડજે...ભાઈ!’

ઝાડીનાં પાંદડિયાળાં આવરણો વીંધીને નિગમશંકરનો સાદ દુર્ગા સિધી પહોંચે તે પહેલાં તેમના જમણા પગ પાસેથી ટાઢી સુંવાળપ સડસડાટ પસાર થઈ ગઈ હતી. શેષ રહ્યો હતો માત્ર સળવળાટ અને રેતીમાંનો લીસોટો અને ખીલી આરપાર નીકળી ગયા જેવી વેદના... નિગમશંકર કરકરી...હૂંફાળી રેતીનો સ્પર્શ પગે ફરીથી અનુભવ્યો, પણ વેદના અસહ્ય બનતી જતી હતી. તેમના હોઠોમાંથી શબ્દો બુદબુદાવા માંડ્યા: ‘હે નીલકંઠ...! હે શેષશાયી... ગજેન્દ્રમોક્ષના કર્તા...!’ તેમના હાથમાંથી કળશિયો ક્યારનો યે છૂટી ગયો હતો. તેમના બને પગ પાણીથી ભીંજાઈ ગયા. પાણીનો સ્પર્શ પણ પેલી વેદનાને દબાવી શકતો ન હતો.

અને હવે સંભળાયો દોડતા આવતા દુર્ગાની ડાફોનો, તેના મજબૂત પગ નીચે કચડાતાં પાંદડાંનો અને ‘બાપુજી! બાપુજી!’ની તેના મોઢામાંથી નીકળતી રાડોનો અવાજ! સૂમસામ નદીકાંઠાની સાંજુકી નિ:સ્તબ્ધ ક્ષણો લોહીલુહાણ થઈ ગઈ. પાંચ-દસ પળમાં દુર્ગો નિગમશંકરની પાસે આવી પહોંચ્યો ત્યારે તેઓ રેતીમાં ફસડાઈ પડ્યા હતા અને તેમનો એક હાથ જમણા પગે દબાયેલો હતો. તેમના હોઠ ભીંસાયેલા હતા છતાં તેમના ચહેરા પર દુર્દાન્ત વેદનાની રેખાઓ અંકાઈ હતી.
‘દુર્ગા. ગભરાઈશ નહિ. કાંઈ નથી થયું. મને સર્પ ડંખ્યો લાગે છે- અહીં જમણે પગે...’ તેઓ બોલ્યા.
‘સાપ! ઓ ભગવાન! બાપુજી! આ શો ગજબ?’ દુર્ગાનો કંઠ ફાટી ગયો.

‘જો દુર્ગા, હિંમત રાખ, ભાંગી ન પડ. તારે મને અહીંથી મંડપ સુધી લઈ જવાનો છે. જેટલું તેમાં મોડું થશે તેટલું-’ અને તેમણે દુર્ગાનું માથું શોધી હાથ ફેરવ્યો. ગુરુના હાથના સ્પર્શથી દુર્ગાનું કર્તવ્યભાન જાગવા લાગ્યું. તેના શિથિલ બની ગયેલા શરીરમાં બળનો સંચાર થયો. તેણે તેના કસાયેલા હાથ વડે નિગમશંકરના શરીરને ઊંચકી લીધું. તેમનો દેહ ઉઘાડો હતો, ધોતિયું ઘૂંટણની ઉપર ચઢી ગયું હતું, શરીર પ્રસ્વેદથી લથબથ હતું. ઝાડીમાં હવે ઉજાસ છેક ઘતી ગયો હતો. પાંદડાં અને રેતીને કચડતો, ભોંકાતા કાંટાઓની પીડાને અવગણતો દુર્ગો નિગમશંકરના શરીરને જેમતેમ ઊંચકીને ઝાડીની બહાર આવ્યો ત્યારે પશ્ચિમે સૂર્ય ડૂબી રહ્યો હતો અને તેનાં સોનેરી અજવાળાં ઝંખવાતાં જતાં હતાં અને નદીની જળસપાટી થીજી ગઈ હોય તેવી સ્તબ્ધ હતી અને ચોપાસ કોરીધાકોર નિર્જનતા હતી. નિગમશંકરના મુખમાંથી અર્ધસ્ફુટ શબ્દો સર્યે જતા હતા:
‘આદિત્યાનામ અહં વિષ્ણુ... આદિત્યો જ્યોતિરાદિત્ય સહિષ્ણુર્ગતિસત્તમં...’

પછી તેમણે તૂટતા શબ્દોમાં કહ્યું:
‘દીકરા, તને કષ્ટ ઘણું પડશે... પણ આપણે મંડપ સુધી પહોંચીએ...ત્યાં બધું...’
‘તમે ચિંતા ન કરો બાપુજી... મને કષ્ટ કેવું? હે હરિ!’ કહી દુર્ગાએ ઊંડો શ્વાસ ખેંચી નિગમશંકરના બોજની સાથે નદીના ભાઠામાં શક્ય એટલા વેગથી મંડપની દિશામાં ચાલવા માંડ્યું. તેના પગ રેતીમાં ખૂંપી જતા હતા. ત્યાં નિગમશંકર બોલ્યા:

‘થોડી વાર પહેલાં મેં સ્થૂળ આંખોના અભાવની ...વાત...તેં જોયુંને દીકરા? આંખોનો અભાવ આજે મને આ રીતે સાલ્યો... આંખો હોત તો હું સર્પને જોઈ શક્યો હોત... મારો પગ તેના પર ન પડ્યો હોત... છંછાડાઈને એ મને ડંખ્યો ન હોત... સિંહ અને સર્પ, છંછેડ્યા વિના ન કરડે... પણ આંધળાને તો સાપને દોરડું બંને સરખાં... જેવી હરિની ઈચ્છા! શેષશાયી તારી ઈચ્છાનો જય થાઓ...’ તેમનો અવાજ લથડી ગયો. દુર્ગાએ તેમના કાન પાસે મુખ લઈ જઈને બુમ પાડી: ‘બાપુજી...બાપુજી...! નિગમશંકર બોલ્યાં: ‘હા, દીકરા... હજી તો હું ભાનમાં છું... મને કંઈક વાત કરાવ...નહિ તો મને ઘેન ચઢશે...ભાઈ, બધું ટાઢું ટાઢું લાગવા માંડ્યું છે... હું નદીમાં તો નથી જ... હે ભુજગશયન...!’

યજ્ઞમંડપની બત્તીઓ દેખાવા માંડી. લોકોનો આછો આછો બોલાશ પણ સંભળાવા લાગ્યો. હવે ઝાઝું અંતર કાપવાનું ન હતું તે વિચારે દુર્ગાના ફાટતા પગમાં, તૂટતાં બાવડાંમાં અને ધમણની જેમ ચાલતા શ્વાસમાં જોમ આવ્યું: મંડપ થોડો છેટો હતો ત્યારે તેણે મોટેથી બૂમ પાડી:
‘કોઈ દોડો રે દોડો...! મારા ગુરુજીને સાપ કરડ્યો છે...’

તેની બૂમ મંડપ સુધી પહોંચી. બોલાશ અટકી ગયો અને કોલાહલ ફૂટી નીકળ્યો. ‘સાપ...! સાપ...! ગુરુજીને-’ શબ્દો ધસી આવ્યાં. અને પછી માણસો, ફાનસો, લાકડીઓ, ઊડતી રેતી, ડૂબી ગયેલો સૂર્ય. દુર્ગાએ નિગમશંકરને રેતીમાં મૂકી દીધા. ‘યજ્ઞદેવતા આવી ગયા, ખરું...’ નિગમશંકરે ક્ષીણ સ્વરે પૂછ્યું. ધસી આવતા કોલાહલમાં એમના શબ્દો ડૂબી ગયા. ટોળાનો ઘેરો નિગમશંકર અને દુર્ગાની ફરતે રચાયો-ન રચાયો ત્યાં ચાર જણે નિગમશંકરને ઉપાડીને દોડવા માંડ્યું. પાછળ દુર્ગો. લાકડી અને કળશિયો દૂર ઝાડીમાં રહી ગયાં હતાં. અને ઝાડીમાં અંધારું ઘોર હતું. સર્પનો લિસોટો પણ અંધારા હેઠળ અદ્રશ્ય. અને નિગમશંકરનાં પગલાંની રેતીમાં પડેલી છાપ. દુર્ગાના ફાતી ગયેલા સાદના પડઘા હવામાં રોળાઈ ગયાં હતાં. લથડતે પગે દોડતા દુર્ગાની આંખો સમક્ષ રજ્જબનું કાલ્પનિક ચિત્ર વેરવિખેર અંકાઈને ઊડી જતું હતું.

રાવણું મંડપમાં હુડૂડૂડૂ કરતું પહોંચ્યું ત્યારે યજ્ઞકુંડમાં અગ્નિ હજી આછો આછો પ્રજળતો હતો અને એકાદ કલાક પહેલાં જ નિગમશંકરે ગાઈ હતી તે વેદૠચાઓનાં સૂર તરતા હતા. કોઈકે તેમને જ્યાં સર્પદંશ થયો હતો ત્યાં કચકચાવીને પગે પાટો બાંધી દીધો. કોઈકે મોઢે પાણી છાટ્યું. કોઈકે વીંઝણો ઢાળવા માંદ્યો. કોઈકે મંત્રથી સાપનું ઝેર ઉતારનારને તો કોઈએ ગામના ભૂવાને બોલાવવાની વાત કરી. ગામમાં ડૉક્ટર તો નહોતો; વૈદ્ય હતો, પણ તે મોટે ભાગે ભાંગના નશામઆં ચકચૂર રહેતો. આવે તો યે કશા ખપનો ન હતો. યજ્ઞના યજમાન રામભાઈ પટેલ દોડતા આવ્યા. પોતાને આંગણે સર્પદંશથી બ્રાહ્મણનું મોત થવાની શક્યતાથી તેઓ આકળવિકળ થઈ ગયાં. જે ગોકીરો થતો હતો અને નિગમશંકરના ચહેરા પર વેદનાની કરચલીઓ વધતી જતી હતી. તેનાથી અકળાઈને દુર્ગાએ રામભાઈને બાજુંમાં લઈ જઈ કહ્યું: ‘રામભાઈ, વખત વેડફવાને બદલે ગુરુજીને શહેરમાં લઈ જવાની ગોઠવણ કરો.’ સદભાગ્યે રામભાઈને ત્યાં મોટર હતી. પાંચેક મિનિમાં જ નિગમશંકર, દુર્ગાશંકર, રામભાઈ અને બીજા એક-બે જણને લઈને મોટરે પૂરવેગે શહેરની વાટ પકડી ત્યારે આછી આછી અગ્નિશિખાઓ પ્રજાળતો, વેદમંત્રોના ધ્વનિઓના શમી રહેલા પડછંદાઓને માંડ જાળવતો, બત્તીઓનો ઉજાસ અને લોકોની બોલાશ હોવા છતાં સૂમસામ લાગતો યજ્ઞમંડપ પાછળ ને પાછળ સરી રહ્યો હતો.

વીસ-પચીસ મિનિટમાં જ મોટર નિગમશંકરના ઘરને આંગણે ઊભી રહી ત્યારે તેમાંથી સૌ પ્રથમ દુર્ગો કૂદકો મારીને ઊતર્યો. તેણે ઘરનાં બારણાં ધમધમાવી નાખ્યાં અને રાડ પાડી:
‘ભાગીરથીબા...! તિલકભાઈ...! બારણાં ઉઘાડો... બાપુજીને સાપ કરડ્યો છે...’

આખી શેરી ખળભળી ઊઠી. આડોશીપાડોશીઓ પહેલાં બારીએ ડોકાયાં, પછી ટપોટપ નીચે ઊતરી આવ્યા. ભાગૈઇરથીબા અને તિલક દુર્ગાનો સાદ સાંભળતાં જ ઓટલે દોડી આવ્યાં. મોટર ફરતે ટોળું રચાઈ ગયું. રામભાઈ અને દુર્ગાએ સાચવીને નિગમશંકરને મોટરમાંથી ઉતાર્યા. દુર્ગો મોટેથી બોલ્યો: ‘બાપુજી...! બાપુજી...! હવે આપણે ઘેર આવી ગયા છીએ...’

નિગમશંકરે માત્ર હોકારો કર્યો. તેઓ કશુંક બબડ્યા, પણ કોલાહલમાં તે સંભળાયું નહિ. ભાગીરથીબા તેમના પર ઝૂકી પડ્યાં. તિલકે ઘરમાં દોડીને પથારી બિછાવી દીધી. શેરીમાં ખળભળાટ ફેલાતાં રમાનાથ, અભિજિત અને સત્યા દોડી આવ્યા. બધાંના ચહેરા પર ઉચાટ હતો. તિલકે અભિજિતને કહ્યું: ‘અભિભાઈ દાક્તરની વ્યવસ્થા કરી શકો તો-’ અભિજિત તિલકના અડધા બોલે ઘરની બહાર નીકળી ગયો. ભાગીરથીબાએ નિગમશંકરનું માથું પોતાનાં ખોળામાં લઈ લીધું. તિલક તેમની છાતી પર હાથ ફેરવવા લાગ્યો. નિગશંકરના શરીરમાંથી પરસેવાના ઝોબેઝોબા છૂટતા હતા, એમના મોઢામાંથી થોડું થોડું ફીણ પર્પોટાતું હતું. દુર્ગો પાસે જ ફસડાઈ પડ્યો. તેણે રડતે રાગે કહ્યું: ‘બા...! તિલકભાઈ...! હું બાપુજીને સાચવી ન શક્યો...એ દિશાએ જવા ઝાડીમાં ગયા...હું બહાર ઊભો રહ્યો...એમને અંધાપો એટલે સીધા ચાલ્યા જતા સાપ પર પગ પડ્યો...છંછેડાયેલા સાપે ડંખ દીધો....’

તિલક શૂન્ય થઈ ગયો. તો છેવટે બાપુજીને તેમના અંધાપાએ જ આ રીતે દંશ દીધો! એ સાપ નહોતો, એમનો અંધાપો જ હતો!- તેણૅ વિચાર્યું.

નિગમશંકરનું માથું ખોળામાં લઈને બેઠેલાં ભાગીરથીબાને વીજળીના કડાકાની જેમ વિચાર આવ્યો: બે-ત્રણ દહાડા પહેલાં પોતે જગન્નાથના મંદિરે ગોરધન શેઠની હીરાકણી જેવી આંખો જોઈને નિગમશંકરના અંધાપાનો ખાલીપો અનુભવ્યો હતો તેની તો આ સજા નહિ હોય...? ભાગીરથીબા ને પોતાનું માથું ભીંત સાથે અફળાવાની ઈચ્છા થઈ આવી, પણ તેમણે કાબૂ રાખી દુર્ગાએ કહ્યું:
‘દુર્ગા, ભાઈ, આ સમો વલોપાત નહિ, ઉપાય કરવાનો છે. તું જુએ છે ને? - તારા ગુરુજી કેવા શાંતિથી બધું દુ:ખ વેઠી રહ્યા છે! એમનું દિશાએ જવું, તારું ઝાડીની બહાર ઊભા રહેવું, સાપ - બધું નિમિત્ત છે. દીકરા! તું મનમાં ઓછું ન આણતો. થવા કાળ તે-’

ભાગીરથીબાની બાહ્ય સ્વસ્થતા જોઈને તિલકે પણ કશાક બળનો અનુભવ કર્યો. ત્યાં નિગમશંકરમાં ચૈતન્ય સળવળ્યું. તેમના હોઠ ફફડ્યા: ‘રથી...! તિલક...!’ તેમનો અવાજ ઊંડાણમાંથી આવતો હોય તેવો ઘેનભર્યો હતો. રામભાઈએ કહ્યું: ‘તિલકભાઈ, બાપુજીને કશીક વાત કરાવો. તેઓ ઘેનમાં પડે તે ઠીક નથી.’

તિલકે નિગમશંકરના મુખ પર ઝળુંબીને કંઈક મોટે સાદે કહ્યું: ‘બાપુજી, તમે આપણે ઘેર આવી ગયા છે. હવે કોઈ વાતે ચિંતા ન કરશો.’
‘ચિંતા...? મને શાની...?’
‘જુઓ, પાસે બેઠાં છે, દુર્ગાભાઈ તો અહીં જ છે, યજ્ઞના યજમાન રામભાઈ પણ આવ્યા છે, રમાનાથકાકા અને સત્યા દોડ્યાં આવ્યાં છે. અભિભાઈ દાક્તરને બોલાવવા ગયા છે-હવે આવતા જ હશે...’

‘દાક્તર...? વૈદ્યો નારાયણો હરિ...’ નિગમશંકરે ઉદગારો કાઢ્યા. રમાનાથ તેમની પાસે બેસીને બોલ્યા: ‘ઔષધં જાહનવીનું સ્મરણ... ધન્ય...મા ગંગા, મને સમાવી લ્યો... આ કાળઝાળ બળતરા... રમાનાથભાઈ, તિલકને તમાએરો દીકરો જ... હું તો હવે આ ચાલ્યો....!’
‘એવું ન બોલો તમે!’ ભાગીરથીબા રુદનભીના સ્વરે બોલ્યાં.
‘રથી...! આવું મોત કોને મળે! યજ્ઞ-નારાયણનાં દર્શન... આહુતિઓ.... નદીસ્નાન...વેદમંત્રોનું ગાન... અને છેલ્લે શેષશાયી ભગવાન વિષ્ણુ... ભગવાન નીલકંઠ ... એમણે એમનો દૂત મોકલ્યો... જય સચ્ચિદાનંદ...!’

દાક્તરે આવીને નિગમશંકરને તપાસ્યા, બે-ત્રણ ઈંજેકશનો આપ્યાં, પછી તિલકને કહ્યું: ‘સાપ ઝેરી કે નહિ તે જાણ્યા વગર કાંઈ કહેવાય ન્હિ, પણ લક્ષણ સારાં નથી. ઝેર ફેલાતું જાય છે. શરીર પર લીલાશ છે. હૉસ્પિટલમાં દાખલ કરો તો કદાચ-’

તિલકે ભાગીરથીબાને હૉસ્પિટલની વાત કરી. નિગમશંકરે તે સાંભળી લીધી, કહ્યું: ‘મારે ઈસ્પિતાલ નથી જવું...ઔષધં જાહનવીતોયમ્...’

ઘરમાંથી ભીડ ક્રમશ: ઓસરવા માંડી. રામભાઈએ આંસુનીતરી આંખે વિદાય લેતાં પહેલાં નિગમશંકરનો ચરણસ્પર્શ કર્યો. ટોપી ઉતારીને ક્ષમા માગી, ભાગીરથીબાને પ્રણામ કર્યા. યજ્ઞની દક્ષિણા તિલકના હાથમાં મૂકી.

રાત્રિની અશબ્દ ક્ષણો ફાનસના ઝાંખા અજવાળે નાનકડા ઓરડામઆં હાજર સહુના હૈયે વેદનાને ખરલમાં લસોટતા વિષની જેમ ઘૂંટી રહી હતી. ભાગીરથીબાનો હાથ સતત નિગમશંકરના કપાળે ફરતો હતો, એમના હોઠ અવિરત ફફડતા હતા. પોતાની ભીતરની નિરવધિ નિ:સ્તબ્ધતા હજી યે ઘેરી બનતી જતી હોય એમ તિલકને લાગ્યું. તેને એક વાર સત્યા સામે જોવાનો, તેની સાથે કશીક વાત કરવાનો વિચાર આવ્યો અને શમી ગયો. તેને અનાયસ ત્રણેક દિવસ પહેલાંની મેઘમંડિત રાત યાદ આવી, જ્યારે વુહવળ સત્યાને તેણે કહ્યું હતું: ‘સત્યા, થોડાક કલાક પહેલાં મારા અંધ પિતાએ આવતે ભવે પણ પોતાને અંધાપો જ મળે તેવી ઈચ્છા દાખવી...’ અને આ ક્ષણે? તેનું હ્રદય તરફડી ઊઠ્યું: ‘તું જોઈ રહી છે ને સત્યા? એ જ અંધાપો મારા બાપુજીને સાપ બનીને ડંખ્યો!’ તિલકે ભાગીરથીબાના ફફડતા હોઠ જોયા. તે કદાચ અંધ પતિના દીર્ધાયુ માટે પ્રાર્થના કરતી હશે-જેમનો અંધાપો તેને જીવનમાં પહેલી જ વાર ગોરધન શેઠની પાણીદાર આંખો જોયા પછી સાલ્યો હતો! ફરીથી તેનું હ્રદય સત્યા સાથે શબ્દસેતુ બાંધી બેઠું: ‘સત્યા, અંધ પતિની પત્નીની સ્થિતિ તું જોઈ રહી છે ને? અંધાપો સાપ બનીને મારી મગંલમયી માના સૌભાગ્યને દંશ દેવા ફેણ ચઢાવીને ફુત્કારી રહ્યો છે... તને તેનો હિસ્સ....હિસ્સ...અવાજ સંભળાય છે ને?’

તિલકે નિગમશંકર ભણી જોયું. તેઓ કદાચ આ ત્રીજી વાર મરણાસન્ન હતા! અંધાપો આવ્યો તે તેમના દ્રશ્યજગતનું મૃત્યુ હતું નદીમાં પૂર એમની પોથીઓ અને પુસ્તકોનો નાશ થયો તે તેમના સ્વજનજગતનું મૃત્યુ હતું. અને હવે તેઓ નશ્વર શરીરના મૃત્યુની સમીપ પહોંચી ગયા હતા. પહેલાં મૃત્યુને તેમણે જ્ઞાનનાં અમૃતથી પરાજિત કર્યું. બીજા મૃત્યુને તેમણે શ્રદ્ધાના બળે પાછું વાળ્યું. તિલકને સાંભરી આવ્યો પૂરપ્રલય પછીનો એ દિવસ, જ્યારે નિગમશંકર મહામૃત્યુંજય મંત્રના રટણથી પોતાની અદંરના મૃત્યુને હાંકી કાઢ્યું હતું. અને હવે પ્રત્યક્ષ મૃત્યુ અહીં ઘૂમરાઈ રહ્યું છે ત્યારે બાપુજી કેમ પ્રશાન્ત અવસ્થામાં સરી પડ્યા છે? આ મૃત્યુને મારી હટાવવા માટે તેમણે મહામૃત્યુંજય મંત્રનો આશ્રય કેમ લીધો નથી? વિધિના અકળ વિધાનને, સ્થૂલ શરીરના મૃત્યુની અપરિહાર્યતાને પામી જઈને તેમણે સ્વીકારી લીધાં છે? આ સ્વીકૃતિ એ જ એમનો વિજય હતો? અંતિમ અને શ્રેષ્ઠ?

થોડી વારે નિગમશંકરના છિન્ન શબ્દો સંભળાયા:
‘ગુરુ વિનોદાનંદજી...પ્રણામ ‘ૐ યજ્ઞેન યજ્ઞમયજન્તદેવા...’ નવી મા, ક્યાં છો તમે...? હું તમારો દીકરો... ગુરુજી, મને ‘સિદ્ધહૈમ’ ન શીખવો...?’

તિલકને હૈયે ફાળ પડી. બાપુજીના શબ્દોમાં હવે અસંબદ્ધતા પણ વર્તાતી હતી. તેણે અને ભાગીરથીબાએ એક જ ક્ષણે પરસ્પરની સામે જોયું. બંનેની આંખોમાં અબોલ, અનુત્તર પ્રશ્નો વમળાઈ ઊઠ્યા. સત્યએ નજીક આવીને કહ્યું: ‘તિલક, તું થોડી વાર આરામ કરે તો?’ પણ તિલકના ચહેરા પરની તીવ્ર વેદના જોઈને તે આગળ ન બોલી શકી.

કોઈક ઓટલાનાં પગથિયાં ચઢતું હોય તેમ લાગ્યું. બારણાં ઉઘાડાં જ હતાં. ગોરધન શેઠ અને ઈક્ષા ધીમે પગલે ઓરડામઆં પ્રવેશ્યાં. શેઠ નિગમશંકરના પગ પાસે બેસી પડ્યા અને તેમનો ચરણસ્પર્શ કરી દબાતે સાદે બોલ્યા: ‘મને હમણાં જ જાણ થઈ...’ ભાગીરથીબાએ માથા પર સાડલાનો છેડો સરખો કર્યો. ઈક્ષા તેમના પડખામાં બેસી ગઈ.

નિગમશંકરના અર્ધસ્ફુટ શબ્દો વળી વહી આવ્યા:
‘ધ્વનિર અન્તર્ગતં જ્યોતિર જ્યોતિર અન્તર્ગતં મનં...
તન્મનો વિલયમ યાતિ...!’ યદ વિષ્ણો: પરમં પદમ...’

‘બાપુજી...! બાપુજી!’ તિલકે સાદ કર્યો. ગોરધન શેઠે કહ્યું:
‘તિલક, હવે નિગમભાઈને વિક્ષેપ ન કરીએ તે જ સારું છે. તેમનું ચિત્ત ક્યાંય બંધાયું છે ઈશ્વરચરણે. પુણ્યશાળી જીવ છે...તેમની આ ઊંચી ગતિ છે...એ ગતિ...’

શેઠના શબ્દો પણ અધૂરા રહ્યા. તિલકનું હૈયું ફરીથી પ્રશ્નોથી ઘેરાઈ ગયું: શા માટે આ મૃત્યુ અનિવાર્ય છે? મારા બાપુજીને હું કેમ ઉગારી શકતો નથી? એક વાર સર્પાકાર નદી અહીં સુધી આવી હતી...હવે એ જ નદીને સર્પ...! તિલકને હીબકું આવ્યું, હોઠ ભીંસીને તેણે તેને અટકાવ્યું. તેને ખભે કશોક સ્પર્શ થયો. તેણે જોયું: ઈક્ષા. તે બોલી: ‘ભાઈ, તમે તો વિચારવંત છો, તમે જ આમ-’
‘ઈક્ષાબહેન, તમે જાણો છો...? બાપુજી મારે માટે સર્વસ્વ... એમના વગર હું...’
‘હું સમજું છું, પણ તમે જ બાપુજી થઈ શકો...’ ઈક્ષા ગણ્યાગાંઠ્યા શબ્દો બોલી. તિલકના મનમાં-પ્રાણમાં તેનાં આવર્તનો રચાઈ ગયાં: ‘તમે જ બાપુજી થઈ શકો...’
‘ઈક્ષા સાચું કહે છે ભાઈ!’ રમાનાથે તિલકને ખભે હાથ મૂકતાં કહ્યું. સત્યાએ ઈક્ષા તરફ પહેલી જ વાર ધ્યાનથી જોયું. ઈક્ષાએ તેના કાન પાસે હોઠ લાવી પૂછ્યું: ‘તમે જ સત્યાબહેન, ખરું?’
‘હં...’
‘તિલકભાઈને તમારે સાચવવાના છે.’
‘મારે નહિ, આપણે.’

બંને યુવતીઓએ ઓછામાં ઓછા શબ્દોમાં કાનોકાન કૉલની આપ- લે કરી લીધી.
ભાગીરથીબાનું ડૂસકું સંભળાયું. ગોરધન શેઠ બોલ્યાં: ‘ભાભી, તમે ઊઠીને આમ...?’
‘ભાઈ...!’ તેમની સામે જોયા વિના જ ભાગીરથીબા બોલ્યા: ‘આ ઘડી મારાથી નથી વેઠાતી...’
‘તમે તો નિગમભાઈ સાથે આખી જિંદગી ગાળી છે, તેમની પાસેથી ઘણું શીખ્યાં છો...’
‘બધું ફોગટ લાગે છે ભાઈ! હામ તૂટી ગઈ છે...’
‘નિગમભાઈ તરફ જુઓ-હામ મળી રહેશે.’
‘પણ આ રીતે...? ગોઝારો સાપ...’ ભાગીરથીબાનો બંધ તૂટી ગયો.

‘શેષશાયી અને નીલકંઠનો એ દૂત હતો- નિગમભાઈએ જ કહ્યું ને?’ રમાનાથ વચ્ચે બોલ્યા. ‘ભગવાનનો દૂત આવો હોય? આવું અમંગળ કામ કરે?’ ભાગીરથીબા જાણે પંડને પૂછતાં હતાં.
‘મંગળ-અમંગળના ભેદ પામનાર આપણે કોણ?’ ગોરધન શેઠે કહ્યું. નિગમશંકર ફરીથી સળવળ્યા:
‘પ્રણામ ગંગામૈયા...! સૂરજદેવ, તમને નમસ્કાર... તમારા શાપનું નિવારણ... તમો વિહતો આલોકો...’
થોડી ક્ષણોના વિરામ પછી તેમના તૂટક તૂટક શબ્દો ખંડની નીરવતામાં ફરીથી ફેલાયા:
‘કાશીવિશ્વનાથની આરતીની ઝાલર...અનીશો વા કુર્યાદ ભુવનજનને ક: પરિકરો...’ અને નિગમશંકરે તેમના બંને હાથ પ્રણામની મુદ્રામાં ઊંચા કર્યા, પણ પછડાઈ પડ્યા. માત્ર તેમના શબ્દો ટકી રહ્યા:
‘આ રહી પાઠશાળા...વેદૠચા...ત્ય આઈ...પ્રતદહતિ...હાઉહો...હાઉ...અગ્નિ હો...’

આ અવસ્થામાં યે વેદમંત્ર ઉચ્ચારતી વખતે નિગમશંકરના સ્વરમાંનો તુટાવ ઓસરી જતો હતો તે તિલક, રમાનાથ, ગોરધન શેઠ, ઈક્ષા, બધાંએ જોયું.
‘તિલક...! દીકરા...!’ નિગમશંકરના સંબોધનો વાંસના અંકુરની જેમ ફૂટ્યાં. તિલકે તરત તેમના હોઠ પાસે કાન ધર્યા- કહ્યું: ‘બાપુજી, હું અહીં જ છું...’

નિગમશંકરે જાણે તેને સૂચના આપી:
‘જમણા હાથે કબાટ...’ઈશાવસ્ય’ એમાં છે... કાઢી લાવ અસૂર્યા નામે તે લોકા...’

તિલકને લાગ્યું: તેની અંદર કશુંક કાચની જેમ તૂટી ગયું. આ ક્ષણોમાં પણ નિગમશંકર તેમના નષ્ટ પુસ્તકસંચયને સંભારતા હતા! જમણા હાથના કબાટમાંથી ‘ઈશાવસ્યોપનિષદ’ પોતે ક્યાંથી લાવી આપશે? હવે તેની આંખો વરસી પડી અને તેનાં ચશ્માંના કાચે ઝાકળ...

રમાનાથે ભાગીરથીબાને કહ્યું:
‘ભાભી, ઘરમાં ગંગાજળ હોય તો... અને તુલસીપત્ર...’
‘ઓ ભાઈ!’
‘આમ ભાંગી ન પડો ભાભી!’ ગોરધન શેઠે કહ્યું: ‘તમે તો હિંમતવાળા છો... ભાઈનો અંધાપો તમે આખી જિંદગી વેઠ્યો છે... હવે છેલ્લી ઘડીએ આમ...’

છેલ્લી ઘડી આવી પહોંચી ત્યારે, એમ? તિલક અને ભાગીરથીબા બંનેને સાથે અને સરખો પ્રશ્ન થયો. વર્ષોનો થાક હવે અનુભવાતો હોય તેમ ભાગીરથીબા માંડ માંડ ઊભાં થયાં અને તુલસીપત્ર લેવા વાડા ભણી ગયાં. તિલક તેમને જતાં જોઈ રહ્યો. ભાગીરથીબા પોતે પ્રેમથી ઉછરેલાં તુલસીનું પાન બાપુજીનાં મુખમાં મૂકશે; જેમને ઘટઘટમાં ગંગા વહે છે તે બાપુજીના મુખમાં ગંગાજળનાં થોડાંક બિન્દુ રેડશે... સોળ વર્ષની વયથી જે આંખોમાં ખાડા પડી ગયા હતા તે બાપુજીની આંખો હંમેશ માટે બિડાવાનિ ક્ષણ નજીક આવી રહી હતી! પણ જે બિડાયેલી જ છે તે શી રીતે બિડાશે? અને જે ઉઘડેલી જ છે તેને કોણ બીડી શકશે? સ્વયં મૃત્યુ પણ નહિ!

ભાગીરથીબાએ નીચા નમીને, માથા પરનો સાડલો સંકોરીને નિગમશંકરના મુખમાં તુલસીપત્ર અને ગંગાજળ મૂક્યા ત્યારે ફાનસના મંદ અજવાળામાં પણ તેમના કપાળ પરનો લાલ મોટો ચાંદલો સાંજ ટાણાના સૂર્યની જેમ ઝળહળી ઊઠ્યો. પણ એમનો ખરો સૂર્ય તો... અસૂર્યા નામ તે લોકા...

મળસકું હવે ઢૂંકડું હતું. રાત્રિનો છેલ્લો પ્રહર કણસાટ સાથે વીતી રહ્યો હતો. સૂર્યની એકેત ટશર હાજી ફૂટી નહોતી. એ ટશરને ઝીલવા માટે ઘરના વાડામાં ઉદુમ્બરનું વૃક્ષ હવે હયાત ન હતું. એની છાયામાં બેસી નિગમશંકરે વેદ-ઉપનિષદનાં કરેલાં અધ્યયન-અધ્યાપનનાં શબ્દસ્પન્સ્દનો હવે વિરમી જવાની અણીએ હતાં. નિગમશંકરના શ્વાસોચ્છવાસમાં પાંખાળ શ્વેત અશ્વની ગતિ વર્તાતી હતી. તેમનાં શીળીનાં ચાઠાંવાળા ગૌર મુખ પરનું તેજ હજી વિલાયું ન હતું-બલકે વધ્યું હતું. એક અણચિંતવી ક્ષણે તેમની બધી શિથિલતા ફંગોળાઈ ગઈ, તેમનો દેહ ચૈતન્યથી જાણે છલકાઈ પડ્યો અને તેમનાં કંઠમાંથી વેદૠચા તેમની સકળ પ્રાજંલતા, માધુર્ય અને બુલંદી સાથે ફૂટી નીકળી:
‘ત્રીણિ પદા વિચક્રમે
વિષ્ણુર ગોપા અદાભ્ય: ॥
અતો ધર્માણિ ધારયન ॥

તિલક, ઈક્ષા, ગોરધન શેઠ, રમાનાથ, અભિજિત, સત્યા, ભાગીરથીબા, બધાં આશ્ચર્યચકિત થઈ ગયાં. જેમની છેલ્લી ક્ષણો ગણાતી હતી તે નિગમશંકરના સ્વરમાં અને સકળ અસ્તિત્વમાં આ બળ ક્યાંથી ઊભરાઈ આવ્યું?

ત્યાં તો નિગમશંકરના બંને હાથ, જાણે કશાકનું આવાહન કે પ્રાર્થના કરતા હોય તેમ ઊંચા થયા; તેમનું મુખ પણ આકાશ પ્રતિ અભિમુખ બન્યું, એ મુખ પરનો તેજરાશિ વધારે દીપ્તિમંત બન્યો અને ૠગવેદની ૠચા સ્ત્રોતસ્વિનીના પ્રવાહની જેમ કલરવી ઊઠી:
‘સોમો ધેનું સોમો અર્વન્તમ આશું
સોમો વીરં કર્મણ્યં દદાતિ...
પિતૃશ્રવણં યો દદાશદ અસ્મૈ...’

નિગમશંકરનો આ વેદઘોષ શમે તે પહેલાં જ તિલકના અસ્તિત્વનો કોશકોશ સ્ફટિક-શા સ્મરણથી ઝગમગી ઊઠ્યો: કેટલાંક વર્ષો પહેલાં, તેણે તેની મેટ્રિકની પરિક્ષા પૂરી થઈ તે સાંજે જ, નિગમશંકરને કહ્યું હતું: ‘બાપુજી, મને વેદ ન શીખવો?’ ત્યારે તેમના ચહેરા પર પારાવાર આનંદ અને સંતોષ છલકાઈ ઊઠ્યા હતા. તેમણે કહ્યું હતું: ‘રથી, તું સાંભળે છે? તારો આ દીકરો મારી પાસે વેદ ભણવા માગે છે...! આજે કંસારનું આંધણ મૂકજો...!’ બીજે દિવસે બ્રાહ્મમુહૂર્તમાં વાડામાં ઉદુમ્બરના વૃક્ષ નીચે બેસી નિગમશંકરે તેને કહ્યું હતું:
‘સાંભળ દીકરા, ૠગવેદનો એકમંત્ર છે.
‘સોમો ધેનું સોમો અર્વન્તમ આશું...’

એ મંત્ર સાંભળીને તેણે બાપુજીને કહ્યું હતું: ‘મને એનો અર્થ સમજાવો!’ બાપુજીએ તેને એ મંત્રનો અર્થ સમજાવ્યો હતો: ‘જે સામદેવતાએ અર્ધ્ય આપે છે તેને સોમદેવતા ગાય, અશ્વ, કર્મવીર પુત્ર, ઘર, મંડળી અને સભા માટે યોગ્ય પુત્ર આપે છે, જે પિતાની કીર્તિ વધારે છે.’ ત્યારે તો મંત્રનો એ અર્થ ઝાઝો સમજાયો ન હતો, પણ સમય જતાં તેનો મર્મ મનમાં સ્પષ્ટ થયો હતો.

અને આજે, રાત્રિના આ કણસાટભર્યા છેલ્લા પ્રહરમાં, ભળભાંખળાની નજીક, પોતાની અંતિમ ક્ષણોમાં બાપુજી તેમના વિલાતા ચૈતન્યના ઊંડામાં ઊંડા સ્તરેથી એ જ...એ જ મંત્ર ઉદગારી ઊઠ્યા હતા:
‘સોમો વીરં કર્મણ્ય દદાતિ
પિતૃશ્રવણં યો દદાશદ અસ્મૈ...’

તિલકનું રોમેરોમ તરફડિઓઇ ઊઠ્યું. અંતિમ ક્ષણોમાં તેની પાસેથી બાપુજીની આ જ અપેક્ષા આ રીતે વ્યક્ત થઈ હતી? કે તે કેવળ આકસ્મિક હશે? તિલકને કશી સૂઝ ન પડી.
પ્રભાતી ક્ષણોનો પહેલો પંખીટહુકો ક્યાંકથી વહી આવ્યો, પ્રત્યૂષનું પ્રથમ સૂર્યકિરણ કોક ઊંચા વૃક્ષની ડાળે લીલાંછમ પાંદડાં પર રેલાયું.

‘જય સચ્ચિદાનંદ...!’ નિગમશંકરમા ક્ષીણ છેલ્લા શબ્દો સંભળાયા-ન સંભળાયા અને શમી ગયા. બધાં તેમના શરીર પર ઝૂક્યાં. ભાગીરથીબા હમણાં જ નિસ્પંદ થયેલી તેમની છાતી પર ભાંગી પડ્યાં. તિલકે તેમના ચરણોમાં માથું ઢાળી દીધું. ગોરધન શેઠ તેની પાસે પ્રણામ કરતા ઊભા રહ્યા. રમાનાથ નિગમશંકરના માથા પર હજી હાથ ટેકવી રહ્યા હતા. સત્યા અને ઈક્ષાએ પરસ્પરના હાથ પકડી લઈ સમવેદના સંચારિત કરી.

તિલકને લાગ્યું: બાપુજીના નિશ્વેત શરીરના કણેકણમાંથી હજી યે તેને એક જ મંત્રસંગીત સંભળાતું હતું: ‘પિતૃશ્રવણં યો દદાશદ અસ્મૈ...’ એકાએક તેણે પિતાના પગ પરથી માથું ઊંચક્યું અને તેમના જમણા પગે જ્યાં સર્પદંશ થયો હતો તે ભાગને તે ફાટી આંખે જોઈ રહ્યો. એ લાલૡઇલું ચકામું વિસ્તીર્ણ થઈને જાણે તેની સામે ધસી આવતું હોય તેમ તેને લાગ્યું. ભયથી તેણે તેની આંખો મીંચી દીધી અને પછી ફરીથી ઉઘાડી, પણ ખુલ્લી આંખેય કેમ તેને નકરા અંધકારનો જ અનુભવ થતો હતો? સૂર્ય પૂર્વમાં ઊગતો હતો કે પશ્ચિમે ડૂબી ગયો હતો? તો પછી આ ઝાંખા ધુમ્મસિયા, મ્લાન ચહેરાઓ કોના દેખાતા હતા? - ભાગીરથીબા, સત્યા, ઈક્ષા, રમાનાથકાકા, ગોરધનકાકા- બધાં જ તૂટેલાં દુર્ગના ખરતા કાંગરા જેવાં કેમ વર્તાતાં હતાં? કે પછી પોતે જ ઉદધ્વસ્ત આકાશ-કણ જેવો બની ગયો હતો?
(ક્રમશ :...)


0 comments


Leave comment