7 - જુઠ્ઠો / ગુણવંત વ્યાસ


‘જુઠ્ઠો!’
‘અરે ! યાર, સાચ્ચું કહું છું !’
‘બને જ નહીં ને !'
‘મારા સમ, બસ !’
‘સમ તો તે આ પહેલાં ય ક્યાં નથી ખાધા !’
‘પણ આ વખતે ખરેખર સાચું કહું છું !' - રાહુલ દયામણા ચહેરે મારી સામે તાકી રહ્યો. હું તેના શબ્દોમાં રહેલી બનાવટને તેના ચહેરાની રેખાઓમાં શોધવા મથ્યો : ‘સાલ્લો, છેય કેવો નાટકિયો ! એકપણ રેખા કળાવા દે છે ખરો, દંભી !' – પણ રાહુલને પોતાની વાત સાચી હોવાનું કોઈપણ ભોગે મારા મનમાં ઠસાવવું હતું. આથી, આગળ વધીને તે ‘માના સમ’ ને ‘ભગવાનના સમ’ પણ ખાવા લાગ્યો. પણ હું યે કાંઈ કાચી માટીનો મૂળો નહોતો, તે આ વખતે ય તેની વાતમાં આવી જઈને છેતરાઉં. મેં મક્કમતાથી, ને પછી તો હઠપૂર્વક તેની વાતને માની જ નહીં ને !

વાત હતી પણ એવી જ - માનવામાં ન આવે તેવી. ને એ પાછી રાહુલ દ્વારા રજૂ થાય ! ઘરે પહોંચીને સૌને કહી સંભળાવી કે ઘર હસીને ઢગલો ! મા કહે : ‘છઠ્ઠીમાં ય સારું રડ્યો નથી, એ સાચું બોલે !' પપ્પાને તો પહેલેથી જ ખબર હતી : રાહુલના પપ્પાની સાથે જ નોકરી કરેને ! કુવામાં હોય તો હવાડામાં આવે એવું વર્ષોથી પપ્પાને દૃઢ થઈ ગયેલું. મોના થોડી આશાવાદી, તે રાહુલનો પક્ષ લેવા ગઈ, ઘર આખું ફરી વળ્યું તેના પર. બિચ્ચારી મોના ! ધરમ કરતાં ધાડ પડ્યા જેવી તે ચૂપ જ થઈ ગઈ. પછી તો વાત ફળીમાં અને ફળીમાંથી શેરીમાં. ગામને ગમ્મત થઈ. શેરીએ ને ગલીએ, ચોરે ને ચૌટે - બસ, એક જ વાત : રાહુલની નવી રમત ! ગામનો ગલો કુંભારે ય રાહુલના રમતિયાળ સ્વભાવથી વાકેફ ! કોઈ માને જ નહીં ને એની વાત ! હસીને કાઢી જ નાંખે : શે'રમાં જઈ આવ્યો તો શું થયું? વાંદરો ગુંલાટ ભૂલે? ! - ને ફરી હાસ્યનું મોજું. રાહુલ અકળાય. મનાવવા મથે. પણ બધું વ્યર્થ. માનવાની માનસિકતા જ જ્યારે કોઈની ન હોય ત્યારે મનાવવા પણ કઈ રીતે ! – ને હવે તો લોકો વાત જ સાંભળવા નન્નો ભણતા હોય ત્યાં મનાવવાનું તો દૂર જ રહ્યું ને !

રાહુલની બેચેની વધી હતી, તો આ તરફ મારી મૂંઝવણ. કારણ કે ગામે અણગમો બતાવ્યા પછી એકમાત્ર આશ્વાસન સ્થાન, રાહુલ માટે, હું જ હતો. ફરી-ફરીને મને ફોસલાવવા ફરતો તે ફરિયાદના સૂર એની વાત વાગોળે. અવનવા અખતરા કરવા લાગે મને મનાવવા – ને મને થાય કે મિત્રને કેમ મનાવવો કે તારા મનાવવાના મનોરથ છોડી દે ! સુડી વચ્ચે સોપારી જેવો હું બેઉ બાજુથી ભીડાઉં : આ પા દોસ્ત દયામણો બની દયા ઉપજાવે, તો એ પા ગામ ગોદા મારે કે ખોટ્ટાને વળી ‘સાચું' શું? – ગામ જાણે કે હું જાણું છું કે ‘સાચું શું ને ખોટું શું !' પણ હું હજુ જાણવા મથતો હોઉં કે સાચું શું ને ખોટું શું – તેમાં મારે ગામને કઈ રીતે જણાવવું કે ખોટ્ટાની વાત ખોટ્ટી છે કે સાચ્ચી ?! કારણ કે ઘણીવાર સાચો ખોટ્ટો પણ હોઈ શકે ને ક્યારેક ખોટો સાચ્ચો યે નીકળે !

રાહુલના વારંવારના રટણે મને ય રોળી-ઝંઝોળી નાખ્યો હતો, તો ગામને ય ગોટે ચડાવ્યું હતું. બીજી બધી વાર તો, બે-ત્રણ વારની મજાક પછી, રાહુલની રમતનું પાનું ખૂલી જતું. ક્યારેક રાહુલ પોતે જ તે ખોલી આપી, ગામને હસાવતું રાખતો. તો, ક્યારેક ગામ જ એ ગતકડું ઉકેલીને ગૌરવ અનુભવતું. સો સાપ સાથે જોયાની વાતને છો રાહુલે રમતમાં ખપાવેલી, પણ સીમમાં સિંહ આવ્યાની વાતને તો ગામે જ ખુલ્લી પાડેલી. ‘વાઘ આવ્યો, વાઘ આવ્યો'ની વાર્તા વાચેલા ગામને રાહુલની એ રમત છેતરી નહોતી શકી. રાહુલના આવા-આવા અળવીતરા ગામને છેતરતા, તે પછી તો ગામ સાબદું જ રહેતું. ગામને જાગતું કરનારો રાહુલ પછી તો શે'રમાં જતો રહ્યો, શે'રને છેતરવા; પણ આ પા, શંકાની સોયે સૌને તોળતા ગામે, ‘ધરતીની પુત્રી’ ભજવવા આવેલી મંડળીને મારેલી પણ ખરી -રાવણના એકપક્ષીય પ્રેમને કારણે ! ને કૃષ્ણને માણસમાં ખપાવતા મસમોટા ચોપડાને ફાડી-બાળી પણ નાખેલો, એકવાર ! આવું, પરંપરિત સમાજનો ચહેરો લઈને હરખાતું ગામ, શે'રમાં જઈ આવેલા રાહુલની અકથ્ય કહાનીને હવે કેમ કરીને કોઠે પાડે ! – અકળામણ મારી પણ આ જ હતી. ગામ નહીં જ માને એ જાણતો હોવા છતાં રાહુલને જણાવી શકતો નહોતો અને રાહુલની વાત એકવાર વિગતે સાંભળી લેવા ગામને મનાવી શકતો નહોતો ! - રાહુલની વારંવારની વિનવણીએ મારામાં મિત્રસ્નેહનું એક વહેણ વહેતું કરી, મને વિચારતો કર્યો હતો, પણ એ વિચારથી ગામની વિચારસરણીમાં વિક્ષેપ પાડવાનો વિચાર જ મને અકળાવતો હતો. - મારી અકળામણ આ જ હતી. ગામ અકળાય એવી વાત હતી આ !

વાત જાણે એમ હતી કે...; પણ છોડો, વાત એમ જ હતી એવું શું કહી શકાય ?! વાત આમ પણ હોય ને એમ પણ હોય. હું જાણું ને ! પણ રાહુલ ન જાણે કે ન માને, મનાવવામાં જ રચ્યો-પચ્યો રહે દિ' આખો. માનવાનું મન થાય એવી તો કંઈક વાત હોવી જોઈએ ને ! વાંચ્યાથી સાવ વિરુદ્ધની ને જાણ્યાથી સાવ જુદી એવી આ વાતને વાસ્તવ તરીકે કોણ સ્વીકારે ?! હું વિચારું. અંતે થાકું, પછી મૂકું; પણ એ વાત મને ન મૂકે. એમ જ, વિના કારણે વળગેલી રહે મને દિ’ ને રાત. જાગું, જોઉં, જાણું - જાણવા મળ્યું, પણ વ્યર્થ. અંતે અકળાઉં. ગુસ્સો પણ આવે રાહુલ પર ! શે'રમાં જઈ આવ્યો તે સુધરી ગ્યો, એમ ?! અમે ગામડાના, એટલે ગમાર ?! આવું માનવું એનું ખોટું જ ગણાય; પણ મિત્ર, એટલે માફ કરવાનું ય મન થાય. માફ કરું, ને ફરી વિચારું એની વાત. કહેવાય છે ને, કે સો વારનો ખોટો વિચાર એકસો ને એકમી વારે સાચો લાગે. પણ મારો સ્વભાવ એવો જ, ગામ જેવો, ન માનવા મન કરે. પણ મિત્ર ખરોને, ને વળી પેલો એકસો ને એકમી વારનો પ્રભાવ; તે ફરી વિચારે ચડું. થાય કે કંઈક તો થયું હોવું જોઈએ, નહીં તો આ હદે રાહુલ ઊંચો-નીચો ન થાય. થયું. : થયેલું જોયું જ હોય તો ?! નજરે જોયેલાને નાણું-પ્રમાણું ને પછી માનું તો મનાવી શકું. પણ શે'રમાં આપણું તે કોણ ! કોણ હાથ પકડે, કોણ મારગ બતાવે ને કોણ એને ઉકેલી બતાવે ? એક આ રાહુલ ખરો, પણ એ અત્યારે અહીં, ને શે’ર તો છેક તહીં. ત્યાં લગી પોંચવામાં જ તૂટીને તેર થઈ જઈએ. પછી ત્યાં જઈને તોડ કાઢવાની તેવડ જ ક્યાં રહે. હા, જો રાહુલ સાથે હોય તો કંઈક રાજ ખૂલે. ને પછી રહસ્યમાં રગદોળતા ગામને કંઈક રાહત આપી શકાય.

રજામાં આવેલો રાહુલ, ગામને રાહત આપવાની વાતે, રાજીના રેડ થઈ ગયો. એ તો રજાને પડતી મેલીને મને શે'રમાં લઈ જવા તૈયાર થયો; પણ મેં રોક્યો. ગામને, મારું શે'ર જવાનું કારણ જણાવવું જરૂરી લાગતાં તે થોભ્યો. બે દિવસ તો તેણે બેબાકળા બનીને બધું જોયા કર્યું. પણ ત્રીજે દિવસે તાણ કરીને મને તાણી ગયો શેરમાં. આ પા મેં ગામને સમજાવેલું તે એ પા મારે સમજવાનું હતું કે સાચું શું ને ખોટું શું ! કારણ કે સાચ્ચાને સાચ્ચુંને ખોટ્ટાને ખોટું, મારે તો કહેવું જ પડશે ને !

અકળાવી નાખે એવી વાત હતી આ ! ગામને હતું એવું જ મને ય હતું કે આમ ન જ બને. વિદેશમાં આવું બની શકવું સંભવ હતું. કારણ કે ત્યાંનાં સંસ્કાર ને સંસ્કૃતિ - બંને આપણે જાણીએ ! પણ ભારતની ભૂમિ પર, ને તેમાંય આપણે ત્યાં તો એ અશક્ય જ જણાય. શે'ર હોય તો શું થયું, અંતે તો ત્યાં વસે છે આપણા જ લોકોને ! આ ગામના છોને કોઈ ત્યાં ન હોય, પણ ગામેગામના લોકોએ જ તો શે'રને શેર બનાવ્યું ને ! પછી આ બને જ ક્યાંથી !

આ વખતે ગામને, તેમ મને ય ચાનક સાથે ચીડ ચડી'તી, કે રાહુલને ખોટો પાડી ભોંઠો પાડવો. છો પાંચ-પચ્ચીસ ખર્ચાય. કે બેએક દા’ડા પડે. આમેય અહીંયા ક્યાં એવું કોઈ કામ મારા વાંકે રાહ જોતું બેઠું હતું. તે હું તણાયો રાહુલ સાથે. સુતેલી બસમાં આખી રાત જાગતો પડેલો હું સવારે શે'રમાં પુગ્યો ત્યારે શે’ર તો સાવ જુદું જ જોઈ લ્યો ! આવી વાત કંઈ આવા શે’રને શાંતિથી રહેવા દે ખરી ! શે’ર ઊકળતું ન હોય આખું ! અમારું એક મુઠ્ઠી જેવડું ગામ. એક અમથી વાત એ અઠવાડિયાથી આટે-પાટે ચડ્યું હોય તો આ તો શે'ર છે ! રાહુલ કે' છે એવું બધું અહીં થાય તો ઊથલપાથલ ન થઈ જાય બધું ! મને તો પગ મૂકતાં જ પત્તો લાગી ગ્યો કે રાહુલ જુઠ્ઠો છે! નહીં તો શે'રના દીદાર આવા ન હોય ! મેં રાહુલ સામે જોયું. ભોઠપ જેવું ક્યાં હતું એના ચહેરા પર ! થયું : આ જુઠ્ઠો જ નહીં, બુઠ્ઠો પણ છે ! લાગણી કે શરમ નામનું જરીકે ય જળ જો એનામાં હોત તો એ ચહેરે ન કળાત! પણ કંઈ નહીં, હવે તો અહીં આવી ગયો છું ને હું; ખુલ્લો પાડીને લુખ્ખો ભઠ્ઠ ન બનાવું તો મારું ય નામ ....

નહીં થવાનું થયું હતું – એવું કહેતા-ફરતા રાહુલને, મારે તો, સીધા જ થવાના સ્થળે લઈ જવાની ઈચ્છા હતી; પણ રાહુલે ‘સાંજે જઈશું’ કહી વાત ટાળી. ટાળે જ ને ! એને ક્યાં ઉતાવળ હતી, ખોટા પડવાની; ઉતાવળ તો મારે હતી સાચા ઠરવાની. પણ શે'રમાં હું સવાશેર બની શકું તેમ નહોતો. ન છૂટકે સાંજની રાહ જોવી જ રહી. ને સાંજ, આવવાના સમયે આવી યે ખરી. ગયાને જોયું તો રાહુલ સાવ સાચ્ચે-સાચ્ચો સિદ્ધ થયો ! કાપો તો લોહી ન નીકળે એવા મારી સામે રુંવે-રુંવે સત્ય ફૂટી નીકળ્યું હોય તેવું તેજ મારતા રાહુલના ચહેરા પર રૂડો રાજીપો રેલાતો હતો. વારેવારે સમ ખાતા રાહુલને હવે સમ ખાવાની જરૂર નહોતી રહી. સત્ય સામે જ હતું. રાહુલ જે કંઈ કહેતો તે બધું સાચ્ચે સાચ નજર સામે જોઈને હું તો બાઘો જ બની ગયો; તો આ પા સવાયો થઈને ફરી શકે એવા સોલ્લીડ પુરાવા સામે ધરીને રાહુલ હળવો ફૂલ બની ગયો હતો. ભલા, આ બધું જોઈને ક્યો માણસ ન પીગળે ! ઢીલોઢફ થઈ ગયો હું ! કશું જ બોલી ન શક્યો : રાહુલના ખભે હાથ મેલી જોતો જ રહ્યો માત્ર !

આવું પણ બની શકે એ વાત માનવા અસંમત મનને આંખોએ માંડમાંડ મનાવ્યું, પણ હવે ગામને મનાવવું કઈ રીતે એ અસમંજસમાં અઠવાડિયું વીતી ગયું એનું યે ભાન ન રહ્યું. બે દિવસનું કહીને આવેલ મને, બાર દિવસે ય ન ભાળતાં ગામ માં ગોકીરો મચ્યો હશે એ હું જાણું; પણ સાચી વાતને સાથે લઈ જતાં ગભરાઉં. ગામ ક્યાંક મને ય રાહુલનો રાહદારી ન સમજી લે એ ભયે મનમાં ને મનમાં મુંઝાઉં. રાહુલે જાણ્યું ત્યારે હવે એનો વારો આવ્યો હોય તેમ તેણે મારા ખભે હાથ મૂક્યો. હિંમત આપી. મનને મક્કમ કરી, મેદાન એ જંગ જીતવા જતો હોઉં તેમ મેં મને આગળ કર્યો. પણ મન મારું કેમ પાછું ને પાછું જતું હોય એમ લાગતું હતું ?! – હું મનમાં જ હસ્યો.

ફરી પાછો, સુવાના ટાણે જાગતો હું ગામ પહોંચ્યો ત્યારે હતું કે ગામ ઘેરીને ઊભું રહેશે મને, ને વીંધી નાખશે પ્રશ્નોની ઝડીઓથી ! પણ એવું-તેવું કંઈ જ ન થયું તે દિ'. બસસ્ટેન્ડે ઊતરી ઘરે જતી વેળા જોતા રહ્યા સૌ મને. ન કોઈએ પૂછયું કે ન કોઈએ ખબર જાણી; મારી, રાહુલની, શે'રની કે શે’રની ઘટનાની ! બસ, રાબેતા મુજબ જીવતું ગામ રાહુલને જુઠ્ઠો ઠેરવીને પરોવાઈ ગયું હતું એના કામમાં સુખેથી. ન માનવાની વાતને માનવી કેવી રીતે ? એવું માનતા ગામમાં નહોતો કશો ગોકીરો કે નહોતી કશી ધમાલ. મારે કહેવું તો કહેવું પણ કોને ?! કોઈ પૂછે તો માંડું ને એ વાત ! પણ કોઈ પૂછશે તો માંડી શકીશ એ વાત ? - એ ભય પણ એટલો જ ભીંસતો હતો મને ભીતરથી. આ કરતાં કોઈ ન જ પૂછે તો સારું ! ભલું થયું ભાગી જંજાળ !! ન દેખવું, ન દાઝવું !!! કંઈક આવો વિચાર આવતાં મને ઊંડે-ઊંડેથી રાહુલનો અવાજ સંભળાતો લાગ્યો : ગામને સાચું કે'જે, હોં ! – ને હું ઊઠ્યો. ગામને ચોરે બેઠેલી જમાતને કહેવાતા જુઠ્ઠાણાની સાચુકલી બાજુ બતાવવા હોઠ ખોલ્યા; પણ આ તો ગામ ! રાહુલની વાત આવતાં જ લળીલળીને હસવા લાગ્યું. હું ચુપ બની જોતો રહ્યો તેને; ને ધીરે-ધીરે હોઠ મલકતાં, હસવા લાગ્યો તેની સાથે. મારા ઊંડે ઊંડેથી કોઈને ય ન સંભળાય એવો એક અવાજ, મને સાવ ધીમેથી સંભળાયો : જુઠ્ઠો !
* * *


0 comments


Leave comment