3.1 - ‘વાર્તા'ની વિવિધ મુદ્રાઓ / શમ્યાપ્રાસ / વિજય શાસ્ત્રી


પરાપૂર્વથી વાર્તા કથનની કલા Art of Felling તરીકે ઓળખાતી રહી છે. લેખન અને મુદ્રણ વાર્તાને સાંપડ્યાં તોયે ‘કહેવાની’ કળા તેમાંથી સાવ બાદ થઈ નથી. વાર્તાકારના અભિપ્રેતને વીગતોના ઢગલા વચ્ચેથી ખોળી કાઢવાનો ઉદ્યમ વાચક તરીકે આપણે ઠીક ઠીક કરતા રહ્યા. સુરેશ જોષીએ વાર્તામાં પ્રેગ્નન્ટ મોમેન્ટનો આ આગ્રહ રાખ્યો હતો. પરિણામે વાર્તાકારના કથયિતવ્યને જ કેન્દ્રમાં રાખી આપણું Act of Reading અન્ય સામગ્રીની કંઈક અંશે ઉપેક્ષા કરતું રહ્યું. આ ઉપેક્ષાની સામે ચેતવણી આપતાં સ્વ. જ્યંત કોઠારીએ નોંધેલું કે ‘વાર્તામાં ઘટના ચમત્કૃતિનો રસ, ચરિત્રાતિ-વ્યક્તિનો રસ, જીવનમર્મના ઉદ્ઘાટનનો રસ, કથનવર્ણનશૈલીનો રસ, ટેકનિકનો રસ, ભાષારચનાનો રસ એમ એક કે વધુ રસોનો સંભવ હોય છે.’ (ટૂંકીવાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા, પૃ.૮-૯)

સંગ્રહની અઢાર વાર્તાઓમાંથી પસાર થતાં ઉપર નોંધેલા વિવિધ રસાનુભવ શક્ય બને છે તે તરફ સુ-જ્ઞોનું ધ્યાન જવું જોઈએ. કેટલાક નમૂનાઓ ટૂંકમાં તપાસીએ તો પ્રથમ રચના ‘હીંચકો’માં એક તરફ દૈનિક વ્યસ્તતાની ભીંસ અનુભવતો કથાનાયક (લાચારીમાં જીવતા આ માણસને ‘નાયક’ તો માત્ર ઉપચાર લેખે કહ્યો છે !) બીજી તરફ રોજના રસ્તાના ‘ઈશાન ખૂણાના ફલેટના બીજા માળની બાલ્કનીમાં આવેલા હીંચકા પર ઝૂલતાં પૌઢ દંપતી’ને (પૃ.૭) નિહાળે છે. આ પોતાનું ને હીંચકાનું સંનિધિકરણ વિવિધ વિગતોથી વાર્તાકાર ઘૂંટે છે. આ બે-નું સાવ સાચું હોવું જ વાર્તાની વ્યંજના છે. આ હીંચકો કથાનકની ચિરપ્રતીક્ષિત ઝંખના છે. પણ તે વ્યંધ્ય રહેવા સરજાઈ છે. નાયકની વિપતિમાં ‘મોળી ચા' જ છે. અહીં વાર્તાકારને ભાગદોડવાળી જિંદગીમાં નષ્ટભ્રષ્ટ થતી સંવેદનપટુ માનવીની પરિસ્થિતિ આલેખવી છે. છતાં ક્યાંય કશું તારસ્વરે કહેવાયું નથી. સ્વસ્થતા, તટસ્થતા, સમતોલપણાનો કાકુ અનુઆધુનિક વાર્તાલેખનની એક નોંધપાત્ર રીતિ તરીકે કામે લગાડ્યો છે. એની નોંધ ચૂકવા જેવી નથી.

‘ચહેરાનું ઘરેણું’ પુરુષના (રિપીટ : ‘પુરુષ’ના) જીવનની એક વિશિષ્ટ અવસ્થાને કેન્દ્રમાં મૂકી લખાયેલી રચના છે. ‘મૂછના બેચાર સફેદ વાળ મારી ઉંમરને એકાએક વધારી દેતાનો અનુભવ કથકને થાય છે. આવી વાત હળવાશના સૂરમાં કહેવાતી રહે છે. પણ એ હળવાશ છેતરામણી છે. હળવાશની પડછે પરાઅંગત - Ultra Personal - મનની જે ગતિવિધિ છે તેની ઓળખ બે વિરોધી બાબતોને પ્રત્યક્ષ કરે છે. આને જ મળતી આવતી બીજી રચના છે ‘બૂટ'. એમાં ‘મૂળજીના નવા બૂટની જાણે કે કોઈએ નોંધ જ ન લીધી.’ (પૃ.૩૩) એ મૂળજીની સમસ્યા છે. નવા બૂટ માટેનું મૂળજીનું વળગણ વાર્તાના અંતે એક સરસ નાટયાત્મક પરિસ્થિતિના આલેખનથી ધારદાર બને છે. વાલજીને એર આભડે છે એ - વાલજીની કટોકટીની સ્થિતિમાં - વાલજીના પગના જોડા કાઢવા જતાં મૂળજીને પોતાના નવા બૂટ યાદ આવે છે અને તે ‘લ્યા, હટો આઘા ! જગા કરો, હવા આવવા દ્યો' (પૃ.૩૬) બોલીને વાલજીને નામે પોતાના બૂટની છાનીમાની ખબર કાઢી લે છે. બીજી વ્યક્તિની કટોકટી ભલે ગમે એટલી તીવ્ર હોય, વ્યકિતને પોતાની કટોકટીમાં જ રસ હોય છે. એ માનવીના મનની ગતિ વિવિધ પ્રસંગોના સંદર્ભે લેખક આલેખે છે. વાર્તાની કલામાં પ્રસંગો, પાત્રો, પાત્રોની ભાષાનો ઘટાટોપ લેખકના અભિપ્રેતને સ્પર્શક્ષમ બનાવવામાં કામે લાગે છે. મેરામ-ગંગાના વિશિષ્ટ દાંપત્યની કથા ‘સથવારો' માં જડે છે. કેટલાંક પરાવાસ્તવવાદી શબ્દચિત્રો ‘ખુલ્લા મોઢામાં લબડી પડેલી જીભની જેમ ખુલ્લી બારીમાં લટકતું લોલક' (પૃ.૫૫) અને ‘પંખીલોક’ વાર્તામાં આસ્વાદ્ય બન્યાં છે. ‘પંખીલોક’ તો તદંતર્ગત ફૅન્ટસી માટેય માણવા જેવી રચના છે. ‘ઉપરવાળો’ વાર્તાનો મર્મ, શહેરીકરણે ભગવાન (જે ‘ઉપરવાળો' કહેવાય છે તે ) ને પણ કેવો હૃસ્વીભૂત કહી નખ્યો છે. તે ઘટનામાં પકડાય છે. આ ઉપરાંત ‘વિકલ્પ', ‘ઝાકળભીનું સવાર’ જેવી રચનાઓ દલિત ચેતનાના સંદર્ભે નોંધપાત્ર નીવડે છે. જેના પરથી સંગ્રહનું નામ અપાયું છે. એ છેલ્લી વાર્તા ‘આ લે વાર્તા!’ સર્જકની શી વલે, બની બેઠેલા વિવેચકો દ્વારા થાય છે તેનું ચિત્ર સચ્ચાઈથી ઝાઝું દૂર નથી. સર્જક અને તંત્રી સમ્પાદકોના સમ્બન્ધોની તરાહો બહારથી ભલે રમૂજ જન્માવે પણ અંદરથી ભારોભાર આક્રોશ ધરાવે છે. આક્રોશને ભાઈ ગુણવંત વ્યાસ એકથી વધુ સ્થાને કળવાશમાં ઢાળી શકે છે. એ આ વાર્તાઓમાંથી સહૃદયને પ્રતીત થયા વગર રહેતું નથી. અરૂઢ કથાવસ્તુને રૂઢરીતિમાં અભિવ્યકત કરતી આ રચનાઓમાં વાર્તાની વિવિધ મુદ્રાઓ જાણવા માણવા મળે છે.
(પરબ, નવેમ્બર, ૨૦૧૩)
- વિજય શાસ્ત્રી


0 comments


Leave comment