3.2 - વ્યંજક અર્થવ્યાપ સિદ્ધ થયો છે / શમ્યાપ્રાસ / ઈલા નાયક


સાહિત્યનો માત્ર કલા તરીકે અભ્યાસ શક્ય નથી, કેમકે સાહિત્ય વાસ્તવિક સૃષ્ટિથી ભિન્ન હોવા છતાં તે જીવનથી અવિચ્છિન્ન છે. સમાજના વ્યવહારોમાં નિયંત્રણ અનેક પ્રકારની વિચારધારાઓ અને અન્ય સાંપ્રત પરિબળો દ્વારા થતું હોય છે. આ દૃષ્ટિએ નારીસ્વાતંત્ર્ય , દલિતસંવેદન, બદલાતો જતો ગ્રામસમાજ, પરિવર્તિત થતું જીવન અને મૂલ્યો, વિજાણુ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોની મનુષ્યજીવન પર થતી અસર વગેરે આ સંગ્રહની રચનાઓમાં પ્રતિબિંબિત થયાં છે પણ તે વાર્તાકલાની શરતે.

‘આ, લે વાર્તા' કહીને ગુણવંત વ્યાસે આપણા હાથમાં અઢાર વાર્તાઓ ધરી દીધી છે. એમાંથી બાર જેટલી વાસ્તવમાંથી એક કલાત્મક વૈકલ્પિક વિશ્વ સર્જતી કૃતિઓ આપીને તેમણે સાંપ્રત વાર્તાકારોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. વાર્તાકારને રસાનંદ સંપડાવાની સાથે જ કંઈક કહેવું પણ છે તેથી એમાંથી જીવન વિશેનું ચિંતન ધ્વનિત થતું રહે છે. સંગ્રહની મોટા ભાગની વાર્તાઓ મનોવાસ્તવકેન્દ્રિત હોઈ, ઉચિત રીતે જ પ્રથમ પુરુષ કથન કેન્દ્રનો પ્રયોગ ઘણી કૃતિઓમાં જોવા મળે છે. આ સાથે અહીં ત્રીજો પુરુષ કથનકેન્દ્ર, કથન, વર્ણન, સન્નિધીકરણ જેવી રચનાપ્રયુક્તિઓ પણ યોજાઈ છે.

સંગ્રહની ‘હીંચકો' વાર્તા એક નોંધપાત્ર રચના છે. વાર્તાનો નાયક ઑફિસેથી જતાં આવતાં ક્રોસિંગ આગળ ઊભા રહેતાં ઈશાન ખૂણાના ફલેટના બીજા માળની બાલ્કનીમાં હીંચકા પર હીંચકતા એક દંપતીને રોજ જુએ છે. આટલી અમથી ઘટના આ વાર્તાનું નિમિત્ત બને છે. અહીં મધ્યમ વર્ગના માનવીના જીવનની વાસ્તવિકતા અસરકારક રીતે વ્યંજિત થઈ છે. રોજ નોકરીએ જવું, ક્રોસિંગ આગળ ઊભા રહેવું, પત્નીએ આપેલી ઘરની ચીજોની યાદીનું સ્મરણ કરવું અને આ બધા વચ્ચે હીંચકે ઝૂલતાં દંપતીનું મનોરમ્ય દૃશ્ય નાયકના મનઃસંચલનો રૂપે જ નિરૂપાયું છે. નાયકની રોજબરોજની એકવિધ જિંદગીમાં હીંચકે ઝૂલતા દંપતીનું દૃશ્ય અવનવી કલ્પનાના રંગ પૂરે છે. ઝૂલે ઝૂલતા દંપતીમાં તે પોતાને અને પત્નીને જુએ છે અને રોમરોમ મલકી રહે છે. નાયકચિત્તમાં આ દંપતીનું અવિરત ઝૂરતું ચિત્ર કેવું તો અંકાઈ ગયું છે ! આ હીંચકાના દૃશ્યની સંનિધિમાં ટ્રેનમાં રડતા બાળકને શાંત કરવા બાંધેલા હીંચકાનું ચિત્ર મુકાયું છે. આ બે દૃશ્યોનું સંનિધિકરણ વાસ્તવ, કલ્પના અને વાસ્તવ એવી વિશિષ્ટ ભાત રચે છે અને હીંચકાનું પ્રતીક અનેક અર્થવર્તુળો રચે છે.

‘ચહેરાનું ઘરેણું' વાર્તામાં પુરુષની મર્દાનગીની ઓળખ એની મૂછ જ છે એવી પારંપારિક માન્યતાને હળવી ચાલે વાર્તારૂપ આપ્યું છે. ઉંમર વધતાં માથાના વાળને તો કાળા કરી શકાય પણ મૂછમાં દેખાતા ધોળા વાળ નાયકને મૂંઝવે છે. તે મૂછ કાઢી નાખવાનો વિચાર કરે છે પણ એ માટે પત્નીનો સખ્ત વિરોધ હતો. પત્ની દાદા, વડદાદા, શિવાજી, પૃથ્વીરાજ ચૌહાણ, કાઠિયાવાડી બહારવટિયા વગેરેનું શૌર્ય મુછમાં જ હતું એવું ભારપૂર્વક કહે છે. નાયકને દિલ્હી ટ્રેનિંગમાં મોકલવામાં આવે છે ત્યાં હોટલમાં મૂછના વિચારમાં ને વિચારમાં હોઠ પર રેઝર ફરતું રહે છે બેઝીનમાં વેરવિખેર પડેલી મૂછમાં તેને બાપાનો પીંખાયેલો કાબરચીતરો ચહેરો તથા પત્નીનું સોગિયું મોં દેખાય છે. વાર્તામાં આ ચિત્રાત્મક અંતની વ્યંજના કરુણ પ્રેરે છે. આ વાર્તામાં વધતી ઉંમરને ઢાંકવાની મથામણ કરતા નાયકનું મનોવૈજ્ઞાનિક ચિત્રણ થયું છે.

અહીં પ્રૌઢોના મનોગતને વાચા આપતી અન્ય બે વાર્તાઓ પણ રસપ્રદ છે તે ‘પડછાયાની પળો’ અને ‘પ્રતીક્ષા'. ‘પડછાયાની પળો' વાર્તામાં મનહરલાલ ટી.વી.ના સમય પ્રમાણે ઘરની ઘડિયાળના કાંટા ફેરવ્યા કરે છે. જુદો જુદો સમય દર્શાવતી ઘડિયાળોને લીધે તેઓ સમય વિશે સાશંક રહ્યા કરે છે. સમયની આવી અતંત્રતાથી તેઓ અકળાય છે. તેમને દેશ આખાની ઘડિયાળોને એકટાઈમ કરી આવવાનું ઝનૂન ચડે છે. અહીં ઘડિયાળનો પ્રતીક તરીકેનો પ્રયોગ જગતની પરિવર્તનશીલતા સૂચિત કરે છે. સમય ચિંતવન સાથે આ વાર્તા નિવૃત માનવીની મનઃસ્થિતિનો નિર્દેશ પણ કરે છે. કશું જ કરવાનું ન હોવાથી મનહરલાલને સમય વળગે છે !

આ સંગ્રહમાં દલિત સંવેદનાને વ્યક્ત કરતી ત્રણ વાર્તાઓ છે : ‘વિકલ્પ', ‘કેવટદર્શન’ અને ‘ઝાકળભીનું સવાર'. આ ત્રણ વાર્તાઓની સંવેદનરાહો અને મુદ્રાઓ જુદી જુદી છે. ‘વિકલ્પ' વાર્તામાં એક દલિત યુવાનના આત્મસંમાનને વાર્તારૂપ મળ્યું છે. બાધર અને પંડ્યાસાહેબની મુલાકાતથી વાર્તા ખૂલતી જાય છે. પંડ્યાસાહેબનાં વાક્યો અને બાધરની ક્રિયા-પ્રતિક્રિયાથી બંનેનાં વ્યક્તિત્વ પ્રગટ થતાં રહે છે. ખૂબ મનોમંથન પછી સવારે પોતાનો સામાન લઈને ઓસરીનાં પગથિયાં ઊતરી સ્વજનોનાં ઝૂંપડા તરફ ચાલવા માંડતા બાધરે પંડ્યાસાહેબનો “નષ્ટો મોહ:...” શ્લોક સંભળાય છે અને કથક લખે છે : “ઉગમણે સૂર્યનું પહેલું કિરણ ફૂટ્યું હતું” પંડ્યાસાહેબના શ્લોક અને અંતનું વિધાન દલિતોના ભાવિની વ્યંજના કરે છે. અહીં બાધરના સ્વમાનનો ઉચિત પરિપ્રેક્ષ્ય રચી સહેજ પણ બોલકો થયા વિના વાર્તાકારે ઈપ્સિતને પ્રગટાવ્યું છે.

‘કેવટદર્શન’ વાર્તામાં મૃત ઢોરને ચીરીને ચામડું, માંસ વગેરે છૂટું પાડતા દલિતોના ચિત્ર સામે ડૉક્ટરી ભણતો કથાનાયક માનવશબનું ડિસેક્શન જુએ છે એ ચિત્ર મૂકીને વાર્તાકારે દલિત અને ડૉક્ટરને સમાન સ્તરે મૂકી આપ્યા છે. શબનું ડિસેક્શન જોતાં કથાનાયકની આંખો ભગરીનું ડિસફિગરમેન્ટ કરતા સોમલાને જ જોતી હતી. બપોરે તે મેસ પર ખાવા ન જતાં એમ જ બેસી રહે છે. તેને દુલા કાગની ભજનની પંક્તિઓ હવે વધુ સારી રીતે સમજાય છે :
“નાઈની કદી નાઈ લે નહીં, આપણે ધંધા ભાઈજી....”
પ્રાપ્તકર્મ કરવામાં હલકું કે ઊંચું એવો ભેદ હોઈ શકે નહીં એવો ધ્વનિ જગાડતી આ વાર્તા દલિતોને થતા અન્યાય તરફ ઇંગિત કરે છે.

‘ઝાકળભીનું સવાર’ વાર્તામાં પણ આભડછેટની જ વાત છે. અહીં અજાણતાં જ બ્રાહ્મણને સ્પર્શી જતાં ગાળો અને મારથી અપમાનિત થતા મોતીના જીવનની કથા છે. મોતી ગામ છોડી અમદાવાદ જતો રહે છે ને કાપડના વેપારમાં ખૂબ કમાઈને મોતીશેઠ બની જાય છે. પણ પેલું અપમાન ભુલાતું નથી. તે અપમાનનો બદલો જુદી જ રીતે લે છે. ગામના વિકાસકાર્યો જેવાં કે પંચાયતને નવું મકાન, શાળાના ઓરડા, રસ્તા-લાઈટોની સુવિધા વગેરેમાં મદદ કરે છે સહુને મોતીભાઈ માટે માન થાય છે પણ સવર્ણોનું દલિતો તરફનું વલણ બદલાતું નથી એ નિરૂપવા વાર્તાનો થોડો પ્રસ્તાર થયો છે. આ વાર્તામાં દલિતો તરફના અન્યાયની વાત તો છે જ પણ સાથે માનવસ્વભાવની લાક્ષણિકતાનું વાસ્તવિક ચિત્ર પણ મળે છે.

‘બૂટ’ વાર્તામાં પુત્રે આપેલા નવા બૂટની આસપાસ મૂળજીનું સંવેદન વણાયું છે. અભાવમાં જીવતા મૂળજી માટે દીકરો શહેરમાંથી બૂટ લાવ્યો છે. નવા બૂટનો આનંદ અને ઉત્તેજના વાર્તામાં અસરકારક રીતે ઊપસ્યાં છે. નવા બૂટ બગડી ન જાય એની કાળજી, બુધવારે બધું બેવડાય એમ માની બૂટ બુધવારે જ પહેરવાનો નિર્ણય, બૂટ પહેરતાં પહેલાં પગ ઘસી-ઘસીને ધોવા, નવા વર્ષે નવા બૂટ પહેરીને ગામમાં નીકળવાની તાલાવેલી, પોતાના બૂટ જોઈ સહુ તેની ઈર્ષા કરશે એવી એની કલ્પના – વગેરે મૂળજીના નાના નાના વર્તન અને વિચારોમાં પાત્રમાનસ આબાદ ઉપસાવ્યું છે. વાલજીનો નવા બૂટ માટેનો મોહ બૂટને પ્રતીકસ્તરે મૂકી આપે છે. વાલજીનું મનોગત ઝીણવટભર્યું અને વાસ્તવિક છે.

‘સથવારો' વાર્તામાં “અખંડ સૌભાગ્યવતી”ના આશીર્વાદ પ્રાપ્ત કરીને ગૂંગળાતી ગંગાના મનોભાવને પ્રગટ કર્યો છે. “અખંડ સૌભાગ્યવતી”નો આશીર્વાદ સાચો પડે તો પોતાના મૃત્યુ પછી પતિનું કોણ એવી ચિંતા તેને દુ:ખી કરે છે. સૌભાગ્યને અખંડિત રાખીને પાછલી જિંદગીમાં પતિ એકલો પડે એવો આશીર્વાદ એને મંજૂર નથી., “અખંડ સૌભાગ્યવતી”ના આશીર્વાદને અહીં નવું જ પરિણામ સાંપડ્યું છે. એ દ્વારા ગંગાનો પતિ માટેનો પ્રેમ વ્યંજિત કર્યો છે.

‘ઉપરવાળો' વાર્તામાં ‘ઉપરવાળો' શબ્દના તિર્યક પ્રયોગથી વાર્તાકારે ઉપરવાળાની લીલા લીલયા વ્યકત કરી છે. પુત્રે લીધેલું નવું મકાન ફલૅટ છે એવું જાણી માવજીભાઈ નિરાશ થાય છે. ઊંચા ઊંચાં બિલ્ડિંગો જોઈ તેઓ રાજીપો અનુભવતા નથી, તેમને ર૬મી જાન્યુઆરીનો ભૂકંપ જ યાદ આવે છે. પુત્ર તેમને ઇસ્કોન મંદિર જોવા લઈ જાય છે ત્યારે મંદિરની ઊંચાઈ જોઈ તેમને થાય છે, “ઉપરવાળા, તારી લીલા અપરંપાર છે.” આ પછી પુત્ર પોતાના દસમાં માળના ફલૅટની બાલ્કનીમાંથી માવજીભાઈને મંદિર બતાવે છે તો માવજીભાઈ આશ્ચર્યમાં મુકાઈ જાય છે અને બોલી ઊઠે છે : “ઓ મારા લાલજી, તમો બાળરૂપ બની ગયા ! વિરાટમાંથી વામન થતાં કંઈ વાર જ ન લાગી.” અને મંદિર તરફ મલકાતાં જોઈ કહે છે : “આને ઉપરવાળો કહેવો કે નીચેવાળો?'' ‘ઉપરવાળો' શબ્દનો લાક્ષણિક પ્રયોગ અને કાકુઓ રસપ્રદ છે. માનવમનની આવી લીલા રમતિયાળ શૈલીએ આસ્વાદ્ય બની છે.

‘પંખીલોક’ વાર્તા અન્ય વાર્તાઓમાં જુદી જ ભાત પાડે છે. ગદ્યમાં કાવ્યત્વનો અનુભવ કરાવતી આ વાર્તાનું સંવેદન પણ કાવ્યક્ષમ છે. નાનકડી દીકરી અવનિ કથાનાયકને ઊંઘમાંથી જગાડવા એના કાનમાં ટહુકે, કાન ખેચે, મુલાયમ પીંછાનો સ્પર્શ કરે અને નાયક જાગે ત્યારે સામે જ પંખિણી સમી મંદ મંદ હસતી અવનિને જુએ અને પાછો આંખો મીંચી દે. આ પછી નાયક સ્વપ્નલોકમાં પહોંચી જાય છે. ત્યાં એ શું શું જુએ છે, અનુભવે છે એનું કાવ્યમય આલેખન એટલે ‘પંખીલોક’ વાર્તા. અહીં દ્વિરેફની ‘જમનાનું પૂર’ વાર્તાનું સ્મરણ થાય. રસિકલાલ પરીખે ‘જમનાનું પૂર' વાર્તાને ગદ્યકવિતા તરીકે ઓળખાવી છે. તો આ ‘પંખીલોક' વાર્તા પણ ગદ્યકવિતા જ છે. ‘જમનાનું પૂર’માં એક વ્યક્તિત્વવાદી સ્ત્રીના સંવેદનની પ્રતીકાત્મક કથા છે. અહીં ‘પંખીલોક' વાર્તામાં પિતા-પુત્રીનો મુલાયમ પીંછા જેવો પ્રેમ કાવ્યમય ગદ્યમાં વ્યકત થયો છે.

આ ઉપરાંત ‘વરતારો’, ‘જન્મોત્સવ’, ‘કન્યાદાન’, ‘હજુ હું જીવું છું', ‘ટુ કોપી', ‘પગલી', ‘આ, લે વાર્તા' જેવી સરેરાશ વાર્તાઓ છે જેમાં ક્યાંક ‘મુખરતા,કૃત્રિમ નાટ્યાત્મકતા, સ્થૂળ ચમત્કૃતિ, સામાજિકતાનું સીધું સપાટ આલેખન જોવા મળે છે. પરંતુ સંગ્રહની મોટા ભાગની વાર્તાઓમાં જીવનની સન્નિકટ રહીને વાર્તાકારે કલાનુભવ કરાવ્યો છે. વાર્તાકારની જીવનને જોવા- પરખવાની દૃષ્ટિ, મનુષ્યવ્યવહારનું ઝીણવટભર્યું નિરીક્ષણ, પાત્રોનું મનોવૈજ્ઞાનિક ચિત્રણ અહીં આસ્વાદ્ય રીતે રૂપાંતરિત થયાં છે. વાર્તાભાષામાં પણ સર્જકની શક્તિનો જ પરિચય થાય છે. તેમણે ટૂંકા વાક્યોનાં સંયોજનો થકી તથા વાક્યોમાં પ્રાસ રચીને ગદ્યલય નિપજાવ્યો છે. અર્થાલંકારો, કલ્પન, પ્રતીક, વક્રોક્તિ જેવી વિશિષ્ટ ભાષાપ્રયુક્તિઓ પ્રયોજી અર્થવ્યાપ સિદ્ધ કર્યો છે. તેમણે ભાષાનો વ્યંજનાસ્તરે કરેલો પ્રયોગ વાર્તાઓને કલાકૃતિની ઓળખ આપે છે. આ વાર્તાઓ માટે ગુણવંત વ્યાસને અભિનંદન આપતાં કહી શકાય કે “લાવો બીજી વાર્તા !”
(પ્રત્યક્ષ, જાન્યુ-માર્ચ, ૨૦૧૨)
- ઈલા નાયક


0 comments


Leave comment