3.3 - ગુણવંત વ્યાસનું વાર્તાવિશ્વ / શમ્યાપ્રાસ / સંધ્યા ભટ્ટ


એક અભ્યાસી અધ્યાપક અને વિવેચક તરીકે ગુણવંત વ્યાસનું નામ જાણીતું છે. ‘આ લે,વાર્તા !' એ શીર્ષક હેઠળ અઢાર જેટલી વાર્તાઓનો સંગ્રહ આપીને હવે તેઓ વાર્તાકાર રૂપે આપણી સમક્ષ આવ્યા છે. આ તમામ વાર્તાઓ વિવિધ સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થયેલી છે. વાર્તાસ્વરૂપ વિશે ઘણું વિચાર્યા બાદ એમની કલમ પ્રવૃત્ત થઈ છે અને તેથી એક સજ્જ અને પક્વ વાર્તાકારની વાર્તાઓ આપણને આ સંગ્રહમાં મળે છે.

૧૯૯૭માં સૌથી પહેલી લખાયેલી વાર્તા ‘સથવારો’ અહીં પાંચમા ક્રમે મુકાયેલી છે. લગ્ન વખતે સ્ત્રીને ‘અખંડ સૌભાગ્યવતી’ એમ કહીને અપાતા આશીર્વાદનો ગૂઢાર્થ કંઈક જુદો જ છે. આ વાર્તાની નાયિકા ગંગાને તેથી જ તે માન્ય નથી. પર્વતસિંહ નામના મૂછાળા મરદની સૌંદર્યલોલુપતાને પૂરા જોશથી પડકારનારી બળુકી ગંગાનું પાત્ર તેજસ્વી બની ઊઠ્યું છે. ગંગાએ પોતાના બાપનું ઘડપણ જોયું છે. મરદને સ્ત્રીની જરૂર ઘડપણમાં જ હોય તે વાતને તે એટલી સારી પેઠે જાણે છે કે, ‘અખંડ સૌભાગ્યવતી’ના આશીર્વાદ પુરુષ માટે શાપરૂપ છે એમ તે દૃઢપણે માને છે. ‘સથવારો' શીર્ષક અહીં યથાર્થ ઠરે છે. જોકે, આ વાર્તામાં મેરામનું પાત્ર ગંગાની અપેક્ષાએ કંઈક નબળું દેખાય છે.

આ વાર્તા લખાયા પછી બાર વર્ષે ‘હીંચકો' વાર્તા ૨૦૦૯માં પ્રકાશિત થઈ, જેના બે જ વર્ષ પછી ૨૦૧૧માં આ સંગ્રહ આપણને મળે છે, જે તેમનું વાર્તાલેખનસાતત્ય બતાવે છે. ‘હીંચકો' પ્રથમ પુરુષના કથનકેન્દ્રથી લખાયેલી વાર્તા છે. એક દિવસ ક્રોસિંગ ઉપર ઊભા રહેલા નાયકની નજર ઈશાન ખૂણાના ફલેટના બીજા માળની બાલ્કનીમાં હસતાં-હીંચકતાં દંપતી પર પડે છે. આ ચિત્ર મનમાં એવું તો કોતરાઈ જાય છે કે નાયકની સમગ્ર ચેતનાનું કેન્દ્ર જાણે કે હીંચકો બની જાય છે. આ હીંચકાની આસપાસ ઘુમરાતી સૃષ્ટિમાં રોજબરોજની જરૂરિયાતોનું લિસ્ટ પકડાવતી પત્ની સ્વાતિ, પુત્ર રશ્મિ નાનો હતો ત્યારે ઘોડિયું છોડાવવા માટે કરેલા નુરખા; પોતાનું બાળપણ અને અપ-ડાઉન કરતી વખતે નાના બાળક માટે ટ્રેનમાં બંધાયેલી ઝોળી, પોતાના બજેટમાં બેસે એવો ઝૂલો ઘર માટે ખરીદવાની મંછા - આ બધું જ એના મનમાં ચાલ્યા કરે છે. રોજ સિગ્નલ પર ઊભા રહેતી વખતે હવે તો પેલી બાલ્કની તરફ નજર પડી જ જાય છે, પણ અંતે એક દિવસ જુએ છે તો બાલ્કનીમાં ઝૂલો કે ઝૂલનારની સદંતર ગેરહાજરી જોઈને નાયકને કંઈક ગુમાવ્યાની લાગણી થાય છે. ઢીલાઢસ થઈને ઘરે પહોંચતા નાયક સામે પત્ની વેરાનો કાગળ મૂકે છે. ઈજાફામાંથી હીંચકો લેવાનો મનસૂબો કરતા નાયકને માથે વેરા નામની વાસ્તવિકતા આવી પડે છે.

આ વાર્તા સરેરાશ માણસના મનોવિહારને હીંચકાના પ્રતીક વડે વ્યંજિત કરે છે. કોઈ એકાદ દૃશ્ય માણસના મનનો કબ્જો લઈ લે ત્યારે આંતરજગતમાં ચાલતા સંચલનોને અહીં આંતરચેતના પ્રવાહની ટેકનિકથી લેખકે સરસ મૂકી આપ્યાં છે.

‘ચહેરાનું ઘરેણું' વાર્તા હળવા મિજાજમાં લખાયેલી છે, પરંતુ વાર્તા પૂરી થાય છે, ત્યારે કંઈક ગંભીર અર્થ પકડે છે. પ્રથમ પુરુષના કથનકેન્દ્રથી લખાયેલી વાર્તામાં નાયક પોતે મૂછને ચહેરા પરથી કાઢી નાખવા ઈચ્છે છે. મૂછના બે-ચાર સફેદ વાળ તેમને ખટકે છે અને તે સફેદી દૂર કરતી વેળાના ભયસ્થાનોથી પણ તે દૂર રહેવા ઈચ્છે છે, પણ મુશ્કેલી એ છે કે પત્નીને મન તો ‘મૂછ વગરનો મરદ શું કામનો !’ (પૃ.૧૭) આમ, વાર્તામાં સંઘર્ષ પ્રવેશે છે. લેખકે વાર્તામાં મૂછ વિશેના અનેક સંદર્ભો અહીં મૂકી આપ્યા છે, જેમાં રમેશ પારેખનું ‘મારા ચહેરાનું ઘરેણું મારી મૂછ, મને ખમ્મા..., ‘જંજીર' ફિલ્મમાં મૂછનો વાળ ગિરવે મૂકતો પ્રાણ, પૃથ્વીરાજ ચૌહાણની શૌર્યગાથા, ગિજુભાઈ બધેકાને મળેલું ‘મૂછાળી મા'નું બિરુદ વગેરેનો સમાવેશ થાય છે. આમ હળવી શૈલીમાં લખાયેલી પણ સઘન સંવેદનો ધરાવતી આ વાર્તામાં અંતે નાયકને પંદર દિવસની ટ્રેનિંગ માટે દિલ્હી જવાનું થાય છે અને ત્યાં મનની દ્વિધામાંથી છુટકારો મેળવતા તે મૂછ પર રેઝર ફેરવી દે છે. અંતે તેઓ લખે છે, ‘બેઝીનમાં વેરવિખેર પડેલી મૂછમાં બાપાનો પીંખાયેલો કાબરચીતરો ચહેરો ને સાવિત્રીનું સોગિંયું મોં તગતગતું હતું.' (પૃ.૨૩) નાયકની આ સંવેદના બતાવે છે કે તેઓ હજી પણ દ્વિધામુક્ત થયા નથી.

‘વરતારો’ બાહ્ય પરિસ્થિતિની સંનિધિમાં આંતરસંચલનોને આલેખતી વાર્તા છે. એક તરફ ઉનાળાના ઉકળાટ પછીની વરસાદની પરિસ્થિતિ છે. અને બીજી બાજુ સામયિકોની થપ્પીમાંથી ઉત્તમ કવિતાઓ શોધવાની નિર્ણાયક તરીકેની જવાબદારી છે. તો ત્રીજી તરફ નાની દીકરી દ્વારા અપાતો ‘શબ્દરમત'ની કસોટીનો પડકાર પણ છે જ. આ તમામ વચ્ચે સમતુલા સાધતો નાયક વાર્તાને અંતે કહી ઊઠે છે, ‘હવે આરામની જરૂર છે, અટકું !’ (પૃ.૨૯) જોકે, સમગ્ર વાર્તાની માંડણી પછી આ અંત વાચકની અપેક્ષામાં ઊણો ઊતરતો હોય તેવું અનુભવાય છે.

‘બૂટ’ વાર્તામાં ગામના ભલાભોળા મૂળજીને પહેલી જ વખત નવાનક્કોર બૂટ પહેરીને થતા રોમાંચનું વાર્તારૂપે આલેખન છે. મૂળજી અંદરથી ઝંખે છે કે એણે પહેરેલા બૂટની નોંધ લેવાય, પરંતુ સૌ કોઈ પોતાની મસ્તીમાં જ હાલે છે. મૂળજીનો જીવ પૂરેપૂરો બૂટમાં જ છે અને તે એટલે સુધી કે રાતે ભજન સાંભળતા જતા પણ બૂટના વિચારે તે આગળ ન બેસતા પાછળ બેસે છે અને બૂટને પાથરણાની નીચે દબાવે છે. આથી યે વધુ પરાકાષ્ઠા તો ત્યારે છે જયારે વાલજીને એરૂ આભડે છે, ત્યારે બૂટને ફંગોળીને તે હાંફળો-ફાંફળો ઘરમાં ઘૂસે છે, પણ પોતાના બૂટ સાંભળતાં જ વાલજીને પડતો મૂકી પોતે બહાર જવા કરે છે. માનવમનની નબળાઈને નિરૂપતી આ વાર્તા ગ્રામપરિવેશને પણ સુપેરે રજૂ કરે છે.

‘વિકલ્પ’ એ ગુણવંત વ્યાસની ભરત મહેતા, વિજય શાસ્ત્રી જેવા વિવેચકો દ્વારા વખણાયેલી વાર્તા છે. દલિતોની સામે ઉજળિયાતોની આભડછેટને મૂકી આપતી આ વાર્તામાં અંતે વિજય તો માણસ તરીકેની સંવેદનાનો જ થાય છે. ગૌરીશંકર પંડ્યા જમાનાના ખાધેલ છે. તેથી જ બાધર પરમારને માણસ તરીકેની વ્યવહારુ જરૂરિયાતને વશ થવાનું સૂચવે છે. પણ સામે બાધર એમનાથી પણ વધારે બળુકો પુરવાર થાય છે. સ્વઓળખને છુપાવીને કશું પણ મેળવવું તેને મંજૂર નથી. વાર્તાકાર તરીકે ગુણવંત વ્યાસનો વિશેષ આ બંને પાત્રોને બરાબર સામસામે મૂકી આપવામાં છે. ગૌરીશંકર દ્વારા બોલાતા પૂજાના મંત્રોચ્ચારના શબ્દાડંબર સામે બાધરના મનોવિશ્વમાં પડઘાતી સ્વઓળખને જાળવી રાખવા માટેની તત્પરતા વાર્તાને એક નોખું પરિણામ આપી રહે છે.

‘પડછાયાની પળો’ સર્વજ્ઞના કથનકેન્દ્રથી લખાયેલી વાર્તા છે જેમાં મનહરલાલનું ઘડિયાળોમાં સમયની એકવાક્યતા જાળવી રાખવા માટેનું વળગણ વાર્તારૂપ પામ્યું છે. મનહરલાલના પાત્ર દ્વારા વાર્તાકારે અહીં સમય સાથેના માનવના સંબંધની તિર્યકતાનો નિર્દેશ કર્યો છે. એક તબક્કે તેઓ ફૂલોના ખીલવા ખરવા સાથે, ભમરાના ગુંજારવ સાથે, પતંગિયાની ઉઘાડ-બંધ થતી પાંખો સાથે એમ પશુ- પંખી- સૃષ્ટિની મુક્ત અને સ્વતંત્ર દુનિયા સાથે પણ સમયનો તાળો મેળવતા મનહરલાલને દર્શાવે છે. અહીં લેખકની કલમ જાણે કવિતામાં વિહાર કરે છે.

‘જન્મોત્સવ’ એક નોખી-અનોખી વાર્તા છે. સુરેશ જોશીની જન્મોત્સવમાં બે વિપરીત પરિસ્થિતિનું સંનિધિકરણ છે. તો ગુણવંત વ્યાસની ‘જન્મોત્સવ'માં બહારની પરિસ્થિતિની સમાંતર નાયકના કવિચિત્તમાં રચાતા જતા સૉનેટનું ક્રમશઃ થતું જતું અવતરણ છે. પૂરા એકાવન હજારના ઈનામ માટેની સ્પર્ધામાં સુમતિનંદને કવિતા મોકલવી છે. તે માટે મનમાં ઉદ્ભવતી પંક્તિને તે કાગળ પર ઉતારે છે. પણ ત્યાં તો પત્ની કમલાદેવી તેમની વિચારશૃંખલા તોડતાં કહે છે કે દીકરા મિહિરને ત્યાં પુત્રજન્મ થયો છે. પછી તો થઈ રહ્યું. સુમિતનંદના ચિત્તમાં દાદા થયાના અવસર નિમિત્તે બે પંક્તિઓ મન્દાક્રાન્તામાં ઝબકે છે. ત્યાર પછી દીકરાને રમાડવા જાય છે ત્યારે, દીકરા-વહુમાં દેખાતા પરાયાપણાને લઈને, દાદીનો પૌત્ર-હરખ જોઈને અને અંતે પૌત્રને ખોળામાં લેતાં ઊભરાતા અમીયલ હેતની સાથે ચૌદ પંક્તિનું સૉનેટ સંપન્ન થાય છે. વાર્તાકાર અંતે લખે છે, ‘ચૌદલોક સમી ચૌદ પંક્તિ વાગોળતા ને જન્મોત્સવને સાક્ષીભાવે મમળાવતા તે કમલાદેવીને તાકી રહ્યા.’ (પૃ.૭૦) વાર્તાકારની સર્જનાત્મકતા અહીં કોળી ઊઠે છે. વાર્તાની સરહદોને પાર કરીને કવિત્વશક્તિનો પરિચય કરાવતી તેમની કલમ અહીં યશસ્વી નીવડી આવે છે.

‘ટ્રુ-કોપી’ એ વ્યંજનાના સ્તર પર ચાલતી વાર્તા છે. કંઈક કાચી રહી ગયેલી આ વાર્તામાં કદાચ સરેરાશ વાચકને રસ પડે, પરંતુ વાર્તા કલાત્મક બનવામાંથી રહી ગઈ છે.

‘પગલી’ વાર્તામાં ધારણ કરાયેલો પ્રયત્નપ્રપંચ દેખાઈ આવે છે. વાર્તામાં પ્રથમ પુરુષના કથનકેન્દ્રમાં પુરુષ છે કે સ્ત્રી એ વાત અધ્યાહાર રખાઈ છે. (આ વાક્યનું વૈચિત્ર્ય નોંધવા જેવું છે) વાર્તાના અંત સુધી વાચક પુરુષ-સ્ત્રી વચ્ચેના વિજાતીય આકર્ષણને ધારીને જ ચાલ્યા કરે, જે વાચકના મનનું અભિસંધાન સૂચવે છે. વાર્તાના અંતે ઘટસ્ફોટક થાય છે કે, તે ખરેખર એક સંતાન ઈચ્છુક યુવતીનું સામે રહેતી બે વર્ષની બાળકી ઋતુ માટેનું ખેંચાણ છે.

‘કેવટ-દર્શન’ એ પારિભાષિક શબ્દોથી ખચિત વાર્તા છે. નાયકને અતિ વહાલી ભગરી ભેંસના મૃત્યુ પછી તેના અંગોનું વિચ્છેદન અને ભૂખ્યા વરુની જેમ તેને ખાવા ઊમટી પડતાં ગીધના ટોળાની જુગુપ્સાપ્રેરક કલ્પનાથી નાયક છળી ઊઠે છે અને બસ પકડીને કૉલેજ ભાગે છે. મેડિકલ કોલેજમાં ભણતા નાયકને તે જ દિવસે ત્યાં પણ પોસ્ટમોર્ટમ પહેલી વાર જોવાનું થાય છે. વાર્તાકારે પોસ્ટમોર્ટમનું ખૂબ વિગતવાર વર્ણન કર્યું છે. અને સમાંતરે નાયકના ચિત્તમાં ભગરી ભેંસનું વિચ્છેદન પણ ભજવાય છે. વાર્તાકાર તરીકેની લેખકની સિદ્ધિ તો ત્યાં છે જ્યારે અંતે ચાની લારી પર કેવટ-પ્રસંગનું ભજન સંભળાય છે. હજી હમણાં જ સમાંતરે ભજવાયેલી બે ઘટનાની અનુભૂતિ બાદ આ ભજન એક નવો જ અર્થ આપી જાય છે. સંભળાતા શબ્દોનું દર્શન જે ક્ષણે સાંપડે છે, તે ક્ષણ જાણે કે ચમત્કારિક બની રહે છે.

‘પ્રતીક્ષા'ના રમણલાલ કાંતિલાલની ટપાલ માટેની પ્રતીક્ષા તેમના માટે અને તેમની પેઢીના તેમના જેવા સંવેદનશીલ માણસો માટે કેટલી મહત્ત્વની છે. તે યથાતથ આ વાર્તામાં દર્શાવાયું છે. જે આ વાત નથી સમજી શકતા તેઓ કાં તો રમણલાલની ઉપેક્ષા કરે છે કે મશ્કરી કરે છે અથવા તો જાકારો આપે છે. વિડંબના તો એ છે કે ખુદ ટપાલીને પણ ટપાલનું મૂલ્ય એ રીતે નથી જ વસ્યું ! છેવટે રમણલાલ જૂની ટપાલોને વાંચીને, સંવેદીને આશ્વસ્ત થાય છે. આજના ફોનવિશ્વમાં ટપાલ માટેના ઝુરાપાનો અભાવ અને એ રીતે સંવેદનાહૂાસ સહૃદય ભાવકને ટીસ આપી જાય છે.

‘કન્યાદાન'નો નાયક ચન્દ્રકાન્ત પ્રેમઘેલો છે. સૌન્દર્યલોલુપ છે અને પત્ની શીલા ધાર્મિક અને આસ્થાળુ છે. ચન્દ્રકાન્ત જૂઈના ફૂલોની માદક સુગંધ માણવાનું ચૂકતો નથી અને પત્નીને પૂજાના ઉપયોગ સિવાય ફૂલો ચૂંટવા એટલે કાખથી છોર છીનવી લીધાનો ભાવ થાય છે. અહીં, પુરુષની વાસનાલોલુપતાની સામે સ્ત્રીની પવિત્ર આસ્થાને મૂકી વાર્તાકારે વાર્તા સિદ્ધ કરી છે.

‘ઝાકળભીનું સવાર’ એ દલિતચેતના ધરાવતી વાર્તા છે. લેખકે ગ્રામબોલીના યથોચિત વિનિયોગ, લોકોની માનસિકતા, નાના-મોટા સંઘર્ષો વગેરે નિરૂપીને વાર્તાને વાચનક્ષમ બનાવી છે.

‘ઉપરવાળો' એ એક વિલક્ષણ વાર્તા છે. માવજીભાઈને જ્યારે ખબર પડે છે કે દીકરા જગદીશે શહેરમાં ફલેટ લીધો છે ત્યારે તેઓ બિલકુલ ભાંગી પડે છે. ર૬મી જાન્યુઆરીના ભૂકંપનો જોયેલો માહોલ તેમને જંપવા નથી દેતો. દીકરો તેમને ઈસ્કોન મંદિરમાં લઈ જાય છે જેની ભવ્યતા જોતાં જ માવજીભાઈ ઉપરવાળાની લીલાથી દંગ રહી જાય છે. પણ પછી જ્યારે દીકરાના દસમે માળે આવેલા ફલેટની બાલ્કનીમાં ઊભા રહે છે, ત્યારે તે જ મંદિર ઉપરથી એકદમ નાનું દેખાય છે. વાર્તાના અંતે લેખકે માવજીભાઈના મુખમાં ચમત્કૃતિભર્યા ઉદ્ગાર મૂક્યા છે – ‘આને ઉપરવાળો કહેવો કે નીચેવાળો?!!’ (પૃ.૧૩૬) બદલાતા સંદર્ભોમાં ઈશ્વરની ઓળખને પણ બદલાતી બતાવીને લેખકે કમાલ કરી છે.

‘પંખીલોક' એ નાયકના અંતરમનમાં આકાર લેતી સુંદરતમ મનોસૃષ્ટિની વાર્તા છે. જ્યાં તે પંખીના પીંછાની હળવાશ અનુભવે છે એ વિશાળ આકાશમાં સેલ્લારા મારતા પંખીનું સંવેદન અનુભવે છે. કોઈપણ નક્કર ઘટના વિનાની આ વાર્તા માત્ર ને માત્ર ભાવસંવેદનાથી રસાયેલી છે.

ગુણવંત વ્યાસની વાર્તાઓમાં વિષયનું વૈવિધ્ય જોવા મળે છે. ‘પડછાયાની પળ’, ‘પંખીલોક', ‘પગલી’ જેવી વાર્તાઓ નબળી લાગે છે. પરંતુ ‘જન્મોત્સવ', ‘વિકલ્પ', ‘હીંચકો’, ‘કેવટ-દર્શન’, ‘ઉપરવાળો' જેવી વાર્તાઓ તેમને મજબૂત વાર્તાકાર તરીકે સ્થાપે છે. ભવિષ્યમાં પણ તેઓ નખશિખ વાર્તાઓ આપે તેવી શુભેચ્છાઓ સાથે અભિનંદન અને આવકાર.
(બુદ્ધિપ્રકાશ, ઑગષ્ટ, ૨૦૧૨)
- સંધ્યા ભટ્ટ


0 comments


Leave comment