3.4 - આ લે, વાર્તા ! / શમ્યાપ્રાસ / ડૉ.નરેશ શુક્લ
‘આ લે, વાર્તા’ સંગ્રહમાં કુલ અઢાર રચનાઓ સમાવાઈ છે. સંખ્યાની રીતે વધારે નહીં પણ ગુણવત્તાસભર વાર્તા લખવાનો આગ્રહ રાખતા ગુણવંત વ્યાસની વાર્તાઓમાં રસ પડવાનાં એક કરતાં વધારે કારણો છે. સંગ્રહનું નામ જે વાર્તા પરથી આપ્યું છે એ વાર્તામાં જે આપણા સાહિત્યકારો- વિવેચકો વચ્ચેના વ્યવહારને ખાસ કરીને નવોદિતો સાથેના વ્યહારને આલેખ્યો છે – એવું કંઈ આ લેખ લખવામાં ન થઈ જાય એની સભાનતા સાથે આ સંગ્રહ વિશે વાત કરવા ધારું છું.
પહેલા જેનો ઉલ્લેખ કર્યો છે એ ‘આ લે,વાર્તા’માં નવોદિત લેખક એક જાણીતા લેખક-વિવેચકને ફોન કરીને પોતાના પહેલા વાર્તાસંગ્રહની પ્રસ્તાવના લખી આપવાની વિનંતી કરે છે. આખીએ રચના ફોન પરના સંવાદરૂપે જે આલેખાયેલી છે. હળવા, સાહિત્યજગતની આંતરિક વ્યવહાર- બાજીને ખુલ્લા કરતા કટાક્ષ, લેખક- વિવેચકોની મનોવૃત્તિઓને સ-રસ રીતે ઉપસાવી આપતી આ રચના ટૂંકા વ્યાપ અને તીક્ષ્ણ સંવાદો દ્વારા આપણા ચિત્તમાં અસર જન્માવનારી છે. આ સંગ્રહની શ્રેષ્ઠ રચના તો નથી જ પણ અનોખી રચના જરૂર છે.
બે-ચાર રચનાઓના આધારે આ સંગ્રહની વાત કરવાનો ઈરાદો છે. ખાસ કરીને આ વાર્તાઓમાં લેખકે જે જે રચનાનીતિ અપનાવી છે તે સૌ પહેલાં ધ્યાન ખેંચનારી નીવડે છે. ધૂમકેતુ શૈલીની વાર્તાઓ જેવા અંતભાગે ખુલ્લી ચોટની અપેક્ષા અહીં રાખવી નહીં. આ રચનાઓ પૂરી થયા પછી ચિત્તમાં એ જરૂર અસર ઊભી કરે છે. ‘હીંચકો' રચનામાં અપ-ડાઉનમાં વ્યસ્ત એવા કર્મચારીના ચિત્તમાં ચાર રસ્તા પર લીલી લાઈટ થાય ત્યાં સુધી ઊભા રહેવામાં એક ઘરના ઝરૂખામાં હીંચકા પર પ્રસન્ન વદને રોજે દેખાતા દંપતી-ની છબિ ચિત્તમાં અચાનક જ કોઈ દિવસ ઝિલાય છે ને પછી એ ઘટના સતત પુનરાવર્તિત થયા કરે છે...! હીંચકો લેવાની ઈચ્છા, એમનું વ્યસ્ત દાંપત્યજીવન, બાળકો અને પોતાની જરૂરિયાતોમાં વહેંચાતી ઈચ્છાઓ અને એ રીતે મધ્યમવર્ગીય પ્રૌઢની ઈચ્છાઓ જે રીતે આકારાતી જાય છે તે આપણા ચિત્તને સ્પર્શે છે. સુરેખ એવી આ વાર્તા મજાની બને છે.
મૂછો-નું મમત્વ આમ તો પુરુષોમાં સામાન્ય ગણાતું. આ વિષય પર હાસ્યલેખોથી માંડી ચિંતન લેખો, લોકકથાઓ પણ લખાઈ છે. વિવિધ સમાજમાં મૂછનું એક આગવું મૂલ્ય હોય છે. અહીં પત્નીને મૂછ માટે મમત્વ છે. પતિને મૂછના વાળ સફેદ થતા હોવાથી ક્લિન શેવ કરવાની ઇચ્છા છે પણ પત્નીનો આગ્રહ છે કે કુળની પરંપરાને જોતા મૂછો ન કઢાવવી – આગ્રહ એટલી હદે કે મૂછો કાઢવી હોય તો એના મૃત્યુની રાહ જોવી. - એમાંથી સર્જાતી સ્થિતિ અહીં આલેખાઈ છે. આ બધી રચનાઓ ગમવા પાછળનું કારણ એમાં રહેલી હળવાશ અને સહેજ જિવાતા જીવનનું આલેખન છે. વળી છેલ્લી પચ્ચીસીની વાર્તાઓમાં જે વર્ણનભાર વધ્યો છે, વાર્તાની ગતિને અવરોધક નીવડે એ હદનું આલેખન બોલીઓ અને વર્ણનોમાં જોવા મળે છે એ આ વાર્તાઓમાં ગેરહાજર છે. આ વાર્તાઓ મોટેભાગે એના વિષય-વૈવિધ્ય, એની અવનવી નિરૂપણ શૈલી, અસરકારક સંવાદો, નજર સામે તરવરી ઊઠે એવાં પાત્રોમાં પુરાતી જીવન્તતા એ આ વાર્તાના વિશેષો ગણાવી શકાય.
બૂટ, પડછાયાની પળો, કન્યાદાન - જેવી રચનાઓ સીધી જ આધુનિક ગુજરાતી સાહિત્યના ગાળાની વાર્તાઓ લાગે છે. ‘સથવારો’ વાર્તા લેખકના સૌરાષ્ટ્રી પરંપરા સાથેના સંધાનને ચીંધનારી ગાંધીયુગીન વાર્તાની નજીક બેસતી પરંપરાગત સાફસૂથરી વાર્તા તરીકે અનુભવાય છે. તો કેટલાક વિવેચકોનું ધ્યાન ખેંચનાર ‘વિકલ્પ’ – નામની રચનામાં સવર્ણ – દલિતના સંબંધોને આલેખતી રચના વર્તમાન વાર્તાઓ સાથે અનુસંધાન સાધતી હોવા છતાં આગવી અને ઘાટીલી રચના તરીકે ચિત્તમાં અંકિત થઈ રહે તે પ્રકારની થઈ છે. ગામડામાં વિદ્યાસહાયક થઈને ગયેલા બી.સી.પરમાર હાજર થાય છે તે પ્રસંગ આલેખાયો છે. પરમાર એટલે એને સગવડ કરી આપી છે સવર્ણ તરીકે જ ગામમાં ઓળખ છુપાવીને રહેવાની. બીજી બાજુ જાત સાથેની આ છેતરામણ એનાથી જીરવવી સહેલી નથી. એના દ્વન્દ્રને વાર્તામાં પંડ્યાસાહેબ ઉપર જ કેમેરા ફોકસ રાખ્યા પછી કે ઘાટી રીતે ઉપસાવી શક્યા છે એ લેખકની સર્જકશક્તિનો પરિચય કરાવે છે.
ગુણવંત વ્યાસની સૂક્ષ્મ દૃષ્ટિનો લાભ વાર્તાને નખશીખ વાર્તાવિશ્વ ખડું કરવામાં ઉપયોગી નીવડે છે. પણ એથીયે વિશેષ તો આ સ્વરૂપમાં રહેલી નજાકતને સમજવાની એમની શક્તિને નોંધ્યા વિના ચાલે એમ નથી. કેમકે, ભલભલા વાર્તાકાર ટૂંકી વાર્તાના લાઘવને અવગણીને પોતાની જ શૈલીની જાળમાં ફસાઈ જતા હોય છે. આ રચનાઓ એ રીતે આશા પ્રેરે છે નખશીખ રચનાઓ સર્જાવાની.
(શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૨)
- ડૉ.નરેશ શુક્લ
0 comments
Leave comment