3.5 - ગુણવંત વ્યાસની વાર્તાઓમાં દલિત સંવેદના / શમ્યાપ્રાસ / ડૉ.વિશ્વનાથ પટેલ


ગુજરાતી ટૂંકી વાર્તાની બદલાતી ક્ષિતિજોમાં એક નવું નામ ગુણવંત વ્યાસનું ઉમેરાય છે. આમ તો ગુણવંતભાઈની વાર્તાઓ જુદાં જુદાં સામયિકોમાં અવાર-નવાર પ્રગટતી રહી છે. વર્ષ ૨૦૧૧માં તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘આ લે, વાર્તા’ - શીર્ષક સાથે પ્રગટ થયો. ગુણવંત વ્યાસ મુખ્યત્વે વિવેચક, સંપાદકની સાથે સાથે નિબંધકાર તરીકે ઓળખાયા છે. ધીરે - ધીરે તેમની કલમ વાર્તાઓમાં પણ કોળી ઊઠી છે. તેમની વાર્તાઓની મુખ્ય ધારાઓમાં એક બિનદલિત વાર્તાઓ અને બીજી દલિત વાર્તાઓનો સમાવેશ થાય છે. તેમની પાસેથી મળેલ વીસેક વાર્તાઓમાંથી ચારેક સારી દલિત વાર્તાઓ સાંપડી છે. જેમાં ‘વિકલ્પ', ‘કેવટદર્શન’, ‘ઝાકળભીનું સવાર' અને ‘મેળો’ નો સમાવેશ થાય છે.

‘વિકલ્પ' - વાર્તાનું કેન્દ્રસ્થ પાત્ર ‘બાધર છના પરમાર – બી.સી.પરમાર છે. વાર્તાકારે નાયકનાં નામથી જ વાર્તામાં ઊભા થનાર સંઘર્ષનાં એંધાણ આપી દીધા છે. પોતાને મળેલી શિક્ષકની નવી નોકરીના ઉત્સાહથી ગામડાની એક સ્કૂલના બ્રાહ્મણ હેડમાસ્તરનાં બારણે ઊભો રહેલો બાધર દરવાજા બહાર મુકાયેલી નામની તકતી વાંચી સાંકળ ખખડાવવા જતા પોતાના હાથ રોકી લે છે. ત્યાંથી વાર્તાનું કથાનક આરંભાય છે.

મનને સ્વસ્થ કરી ફરી સાંકળ ખખડાવતા બાધરને અંદરથી અવાજ સંભળાય છે : ‘ઠાલી જ છે, ડેલી..! બે ઘડી બાધર વિમાસી રહ્યો. તેને લાગે છે, ન પૃચ્છા, ન આવકાર ! શું સમજવું આને?’ બાધર મન મનાવે છે ‘ઠાલી જ છે ડેલી ! એ એક પ્રકારનો આવકાર જ છે ને !'

બેગ-બિસ્તરા સાથે પ્રવેશતા બાધરને મુંઝારો થાય છે. અંદરથી આવતો અવાજ અને આસપાસનો પરિવેશ તેને ભીરું બનાવે છે...
શિક્ષક થયેલો બાધર માનનો અધિકારી તો છે જ, પણ બ્રાહ્મણ હેડમાસ્તરને જોતા તે લઘુતાગ્રંથિથી પીડાય છે. અહીં બાધરનો ભય પરિસ્થિતિજન્ય નહીં પણ પરંપરિત છે.

એટલે જ વાર્તાનાયક ઘરમાંથી આવતા અવાજથી પ્રેરાઈ હેડમાસ્તરનાં પૂજારૂમમાં પ્રવેશી અપરાધભાવ અનુભવે છે. પૂજાના આસન પર અબોટિયામાં બેઠા-બેઠા તમાકુ ચોળતા ગૌરીશંકરનું સમગ્ર વર્તન બાધર માટે કષ્ટદાયી બને છે.

પગથારની થાંભલીને હાથ ટેકવી જીભ વડે બે-ચાર તમાકુની ફોતરીને ફળિયામાં ઉડાડતા ગૌરીશંકર થૂંકે ને પછી ઓસરીની ખાટે આસન જમાવતાં, બાધરને ઉદ્દેશીને બોલે ‘પહેલા ચંપલ અંદર લઈ લો, બહાર કૂતરાં સારા નહીં રહેવા દે.’

આ સંવાદ ઘણો મહત્ત્વનો અને કેટલાંક ગર્ભિત સંકેતો આપી જનારો છે. અહીં ગૌરીશંકરના વર્તનમાં કેટલીક સુક્ષ્મ ક્રિયા પ્રગટે છે. જે બાહ્ય રીતે નાયકના પક્ષકાર હોવાનું જણાય છે પરંતુ સૂક્ષ્મ રીતે તો વર્ગભેદનો જ સંકેત રચે છે.

બાધરને બહાદૂરસિંહ નામ આપી જ્ઞાતિ છુપાવવાની ઘટના પાત્ર બાધર પ્રત્યેની સહાનુભૂતિ નથી. વાસ્તવમાં પોતાને જે વ્યક્તિ સાથે કામ કરવાનું છે. તેની સાચી ઓળખ અન્ય દ્વારા પોતાને ફોલી ખાય તેમ છે. એટલે કે હેડમાસ્તરની આખી ક્રિયા કૃતક જણાય છે.

સમાજમાં પ્રવર્તતાં શોષકના બે પ્રકાર હોય છે; એક જે સીધું જ શોષણ કરી પરપીડનો આનંદ લે છે જ્યારે બીજું જે સહાનુભૂતિ દાખવી ઉપકારની ભાવના સેવે છે - શોષણ તો બંને સ્થિતિમાં જ થાય છે.

જોકે વાર્તાકારે ગૌરીશંકરને બાધર તરફ મુશ્કેલ ઘડીમાં સહાનુભૂતિ દાખવતો બતાવી ભાવકનો Soft Corner અપનાવ્યો છે, તે વાત જુદી છે. તેમ છતાં ગૌરીશંકરના વાણી-વ્યવહારથી તો તેના અસલ વ્યક્તિત્વનો પરિચય અછતો નથી જ રહેતો. પરિણામે બાધરનો પરિચય બહાદુરસિંહ તરીકે કર્યા છતાં બાધરને સંતોષ નથી. અને એટલે જ બાઘરનો વર્ગખંડનો પહેલો દિવસ યાંત્રિક બની રહે છે. પરંપરાથી ચૂંટાતો ક,ખ,ગ, ને પછી ઘ, ચ, છ... ને બાળ માનસમાંથી દૂર કરવાને બદલે રૂઢ કરવાની પરિસ્થિતિ નિર્માણ થાય છે.

આ રૂઢિજડતા અને દાંભિક જીવનથી મુંઝાયેલો બાધર આખી રાત ઊંઘી શકતો નથી, ને ભારે મનોસંઘર્ષ પછી આવા કૃતક વાતાવરણથી મુક્તિ ઝંખે છે. વાર્તાકારે વાર્તામાં મૂકેલા ‘શ્રીમદ્ ભગવતગીતા' – ના શ્લોકો અહીં સાર્થક થતાં ભળાય છે. ‘પોતાનો ધર્મ આચરવો મુશ્કેલ છે. ઓછા ગુણ કે લાભ વાળો છે. છતાં તેના માટે તે વધુ કલ્યાણકારી છે.’ એટલે જ બાધર પણ પરધર્મનો મોહ ત્યજે છે, ને સ્વધર્મ તરફ ગતિ કરી જાય છે. જેમાં ભલે ઊંચા માન-મોભા ન હોય પણ ત્યાં શાંતિ અને સંતોષ છે. તે જ સૌથી વધુ નૈસર્ગિક જીવન છે, ને તે જીવનનો ખરો આનંદ છે.'

‘કેવટ-દર્શન’રામાયણનો એક જાણીતો પ્રસંગ છે. વાર્તાકારે એ પ્રસંગનો વાર્તામાં સુપેરે વિનિયોગ કર્યો છે. વાર્તાનાયક પ્રથમ પુરુષ એક વચનનો ‘હું’ છે - જે બિનદલિત સમાજનું પ્રતિનિધિ પાત્ર છે અને એમ.બી.બી.એસ.નો વિદ્યાર્થી છે. વાર્તાનાયકની ભગરી નામની ભેંસના મૃત્યુની ઘટનાને સમાંતરે નાયકના મનોમંથન પ્રગટ કર્યું છે.

ભગરી પ્રત્યેનો નાયકનો પ્રેરક પ્રબળ છે. એટલે જ ભગરીના મૃતદેહને જોવાનું તે ટાળે છે. ઘેરથી નીકળેલો નાયક બસમાં, હૉસ્ટેલમાં અને કૉલેજ સુધી ભગરીનાં વિચારોમાંથી મુક્ત થઈ શક્તો નથી.

મરી ગયેલા ઢોરને સાથરીએ લઈ જઈ જે રીતે ચીરફાડ કરાય છે તે ઘટના નાયકના બાળપણની સ્મૃતિમાં હજીએ જીવંત છે, તે દૃશ્યો એક પછી એક તેના માનસમાં ખડાં થતાં જાય છે. મનમાં ભારે તિરસ્કારનો ભાવ જન્મે છે. આજે ભગરી થાળી, તપેલાં, ડોલચાં અને પવાલામાં વહેચાઈ જવાની છે. નાયકની દૃષ્ટિ સમક્ષ સોમલો ખડો થઈ જાય છે. ‘નાકના ફણા અને મોઢા ફરતે ગોળ ચેકો મૂકતી છરી ગળાની નીચેની ચામડી ઊતરડતી છાતી, પેટ પર ફરતી, આંચળ સુધી ખેંચાય.’ આ વર્ણનની સમાંતરે પી.એમ.રૂમનું વર્ણન જુઓ :
‘પથ્થરના પ્લેટફોર્મ પર કોઈનું શબ પડ્યું હતું !... ફાટેલી આંખો, નિશ્ચેષ્ટ દેહ..! આછા ભૂરા કપડામાં એ મને ભગરીનું સ્મરણ કરાવી ગયો. ઘેરા લીલા રંગના પોષાકમાં સજ્જ ડૉક્ટરની સાથે એવા જ રંગની કેપ ને મોઢે એવા જ રંગનું માસ્ક એની ઓળખ છુપાવતાં હતાં. માત્ર બે આંખો જ દેખાડતો એ ચહેરો મને સોમનાની યાદ કેમ અપાવતો હશે?...’

આ બંને અવતરણોની સમાનતામાં જ સાચું ‘દર્શન’ છુપાયેલું છે. પ્રારંભે સોમલાની ક્રિયા પ્રત્યે તિરસ્કાર દર્શાવતો નાયક પોતાની જાતને સોમલામાં રૂપાંતરિત થતો અનુભવવા લાગે છે. જે કામ સોમલો સાથરીમાં એક મૃત પશુ સાથે કરે છે, તે જ કામ પોતે ડૉક્ટર થઈ મનુષ્ય સાથે કરવાનો છે. અહીં ડૉક્ટર કલાનો કસબી તરીકે ઓળખાય છે, તો સોમલો શું કામ નહીં ? ડૉક્ટર અને સોમલો બંને પોતપોતાના વ્યવસાય સાથે બંધાયેલા છે. એ વાતની પ્રતીતિ અહીં અચૂક થાય છે. વાર્તાન્તે મુકાયેલ દુલાકાગના ભજન...
‘નાઈની કદી નાઈ લૈ નહી, આપણે ધંધા-ભાઈ જી...’

વાર્તાને પરાકાષ્ઠાએ પહોંચાડે છે. એટલે કે નાયક ગળામાં આવેલ ગળફા જેવું થૂંકવા જાય છે પરંતુ થૂંકવા જેવી જગ્યા ન દેખાતા તે થૂંકને ગળે ઉતારી દે છે. અહીં થુંકવું એટલે વિરોધ પણ હવે અહીં વિરોધ રહ્યો જ નથી. વાર્તાનાયકને સાચું ‘દર્શન’ અહીં થઈ જાય છે.

‘ઝાકળભીનું સવાર' શીર્ષક ગર્ભિત સંકેત રચે છે. સવાર છે, પણ ઝાકળવાળું છે. અર્થાત્ ક્યાંક કશુંક ખૂટે છે. વાર્તાનું કેન્દ્રસ્થ પાત્ર મોતી છે. રામશંકર દ્વારા અપમાનિત થઈ ગામ છોડી ચાલ્યો ગયેલો મોતી શહેરમાં જઈ મોભાદાર શેઠ બને છે. અપમાનોનો બદલો વાળવા મોતીભાઈએ વિકાસનો રસ્તો પકડ્યો છે. જેમાં રામશંકર જેવા ગ્રામજનોને મને કમને મોતીભાઈને સ્વીકારવો પડે તેવી સ્થિતિ નિર્માણ થાય છે. પાણી માટે ભારે હાલાકી ભોગવતા ગામના હેન્ડપમ્પની વ્યવસ્થા કરવાનું કામ પણ મોતીભાઈ કરે છે, ત્યારે ગામમાં ભારે ઉહાપોહ મચી જાય છે. ‘હવે ગામ પણ વણકરોનું પણ પાણી પીતું થાહે !’ જેવા કરસન મુખીના વિધાનમાં ગ્રામજનોની માનસિકતા દૃષ્ટિગોચર થાય છે.

અવઢવભરી સ્થિતિમાં ગ્રામજનો હેન્ડપમ્પનું પાણી પીવાય કે ન પીવાય તેની ગડમથલ કરી રહ્યા છે ત્યારે હેન્ડપમ્પ નીચે ખોબો ભરી પાણી પીતા વજેસંગને જોઈ ગામલોકોની અવઢવ દૂર થઈ જાય છે.

પરંતુ વાત અહીં પૂરી થતી નથી. મોતીભાઈના દીકરાના લગ્નના આમંત્રણનો સ્વીકાર તો સહુ કરે છે, પરંતુ જમવા જવું કે નહીં ?
લોકો ભારે મુંઝવણ અનુભવે છે. અસ્વીકાર કરવાની તૈયારી નહોતી અને સ્વીકાર કરવાની હિંમત નહોતી. લગ્નનો દિવસ આવી જાય છે ત્યાં સુધી કોઈ નિર્ણય લઈ શકતો નથી. આખા ગામમાં આ વાતનું રહસ્ય ગોરંભાય છે. ગામના દરેક માણસ પર મોતીએ નાના-મોટા ઉપકાર કર્યા છે. એટલે અવગણના કેમ કરવી? અંતે પછી જેવા માણસો તેવા તુક્કાઓ શોધી ગામલોકો મોતીભાઈના પ્રસંગમાં હાલતા દેખાય છે.

વાર્તાનું મુખ્ય પાત્ર મોતીભાઈ હોવા છતાં કરસનમુખી, વજેસિંગ અને ભગત પણ મહત્વનાં પાત્રો છે.
વજેસંગ સૌથી જૂદું અને સંકુલ પાત્ર છે. પ્રારંભથી જ તે મોતીભાઈનો મદદગાર જણાય છે. મોતીભાઈના હેન્ડપમ્પ ઉદ્ઘાટનમાં પણ સૌથી આગળ રહે છે, પરંતુ વાર્તાન્તે તેની ગેરહાજરી ભાવકને ચોંકાવે છે. વજેસંગ ‘વિકલ્પ’ વાર્તાના ગૌરીશંકરનો વંશ જ છે - ચાલાક છે. બે પલ્લામાં પગ રાખી પરિસ્થિતિજન્ય લાભ લેનારો છે. અહીં ઊંડે ઊંડે રહેલો જ્ઞાતિભેદ સપાટી પર આવ્યા વગર રહેતો નથી.

‘મેળો’ વાર્તામાં એક સાથે બે સંવેદન પ્રગટ્યાં છે. મેળામાં પોતાની માતાથી વિખૂટા પડેલા બાળનાયક ‘ગોકા’ની માતૃઝંખનાની સમાંતરે વાર્તાકારે દલિત સંવેદનને ઉજાગર કર્યું છે.
મેળામાં ભૂલા પડેલા બાળક તરફથી સૌ કોઈ સહાનુભૂતિ દાખવે છે. એક વડીલ પોતાના માટે ખરીદેલી નવી પાણીની બોટલ બાળકને આપી દે છે. રામ ભૈ જેવા સજ્જન પોતાના રૂમાલથી તેના હાથ-મોં લૂછી આપે છે. કોઈ બાળકને બિસ્ટિક અપાવે છે તો વળી કોઈ ચૉકલેટ ને કોઈ ચગડોળમાં ફેરવે છે. ટૂંકમાં યેનકેન પ્રકારે એક અજાણ્યા બાળક તરફનો સહુનો પ્રેમ સ્વાભાવિક લાગે તે પ્રકારે નિરૂપાયો છે. પરંતુ જ્યાં બાળકની જ્ઞાતિની સૌને ખબર પડે છે. ત્યાં બાળક પ્રત્યે તો સહુનો પ્રેમ તિરસ્કારમાં પરિવર્તિત થઈ જાય છે.

કાળજુ કઠણ કરતા સજ્જન થોડા સભાન થઈ દૂર ખસે ને કશુંક ઓચિંતું જ યાદ આવતાં રૂમાલને દૂરથી જ કમરી તરફ ફેકે છે. વડીલ રામભાઈ પણ જાણે ઓચિંતા જાગ્યા હોય તેમ હાથમાં રહેલી અધૂરી પાણીની બોટલ કમરી તરફ ફેંકે છે.

અહીં વાર્તાના પાત્રોમાં આવેલાં પરિવર્તનો અણધાર્યા નથી જણાતાં સમાજની નરી વાસ્તવિકતા અહીં છતી થાય છે.

આમ, વાર્તાકારે દલિત સંવેદનને નોખા મિજાજ સાથે રજૂ કર્યું છે. દલિત સંજ્ઞાની સમાંતરે બદલાતી પરિભાષા પ્રમાણે વાર્તાઓમાં દલિત સંવેદનો પણ બદલાતાં રહ્યાં છે.
(શબ્દસર, ઓગષ્ટ, ૨૦૧૨)
- ડૉ.વિશ્વનાથ પટેલ


0 comments


Leave comment