5.2 - મણિલાલ હ. પટેલની કવિતા / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ
   આધુનિકોત્તર ગુજરાતી સાહિત્યના મહત્ત્વના સર્જક મણિલાલ હરિદાસ પટેલનો જન્મ તા. ૯-૧૧-૧૯૪૯ના રોજ મહિસાગરને કિનારે વસેલા ગામ ગોલાના પાલ્લા (તા. લુણાવાડા, જિ. પંચમહાલ)માં ખેડૂત કુટુંબમાં થયો. મણિલાલ પટેલ પાસેથી ‘પદ્મા વિનાના દેશમાં' (૧૯૮૩), ‘સાતમી ઋતુ' (૧૯૮૮), ‘ડુંગર કોરી ઘર કર્યા' (૧૯૯૬), પતઝર (હિન્દીમાં ૧૯૯૯), ‘વિચ્છેદ' (૨૦૦૬, બી. આ. ૨૦૦૮), ‘સીમાડે ઊગેલું ઝાડવું’ (૨૦૧૧) એમ કુલ છ કાવ્યસંગ્રહો પ્રાપ્ત થાય છે. મણિલાલ પટેલ અનુઆધુનિકયુગના એવા એકમાત્ર કવિ છે જેઓ કવિતા ઉપરાંત નવલકથા, વાર્તા, નિબંધ, અનુવાદ, પ્રવાસ, વિવેચન, સંપાદન અને સાહિત્યના અન્ય સ્વરૂપોમાં પણ છેલ્લા ચાર દાયકાથી સાતત્યપૂર્વક સર્જન કરતા રહ્યા છે. એમની પાસેથી છ નવલકથાઓ, ચાર વાર્તાસંગ્રહો, બાર નિબંધસંગ્રહો, એક પ્રવાસકથા, એક જીવનકથા, એક અનુવાદ, પંદર વિવેચનસંગ્રહો અને વીસ સંપાદનો મળી કુલ સિત્તેરથી વધુ પુસ્તકો મળે છે. આ ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટીનું મુખપત્ર ‘શીલશ્રુતમ્', ‘દસમો દાયકો', ખેવના', ‘પરસ્પર' જેવા સામયિકોનું સંપાદન પણ કર્યું. નાટક સિવાયના સાહિત્યના મોટા ભાગના સ્વરૂપોમાં લખવાની એમની પ્રતિભાને વેળાસર પામી ગયેલા રાધેશ્યામ શર્માએ કહેલું “પણ લખવાની બાબતે મણિલાલનું નામ ‘પોટેન્શ્યલ થ્રેટ’ સંભવિત ધાક જેવું ખરું!” (મુંબઈ સમાચાર,તા.૧૮/૨/૧૯૮૯) આવા ‘પોટેન્શ્યલ થ્રેટ' વાળા કવિની કવિતા આપણા યુગમાં પોતાની વૈયક્તિક મુદ્રા પ્રગટાવે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment