5.2.1 - મણિલાલ હ. પટેલની કવિતાનું વિષયવસ્તુ અને સંવેદન / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   કોઇપણ મોટા કવિની કવિતા સમયાનુસાર પોતાના વળ-વળાંકો બદલતી રહે છે. બંધિયાર જળ દૂષિત બને છે; સતત વહેતું જળ જ નિર્મળ રહે છે. એવું જ કવિતાનું પણ છે. ગાંધીયુગની કવિબેલડી સુન્દરમ્-ઉમાશંકરની કવિતા સંદર્ભે આપણે એ જોઈ શકીએ છીએ. ઉમાશંકરની કવિતા જીવનના અંત સુધી સમયસંદર્ભ પ્રમાણે નવા નવા સ્થિત્યંતરો રચતી રહી જ્યારે સુન્દરમ્ ના પોંડીચેરી નિવાસ બાદ એમની કવિતા એક જ પ્રકારના વિષય અને રીતિઓમાં બદ્ધ બની ગઈ. અનુઆધુનિકયુગમાં પણ હરીશ મીનાશ્રુ અને મણિલાલ પટેલ એ બેની કવિતા સમયસંદર્ભ પ્રમાણે બદલાય છે.

   મણિલાલ પટેલની શરૂઆતની કવિતામાં પ્રકૃતિ-અરણ્ય-નારી-રતિના આલેખનો અને સંવેદનો ઇન્દ્રિયસંતર્પક કલ્પનોથી કાવ્યરૂપ પામ્યા છે. ‘પ્રેયસીઃ એક અરણ્યાનુભૂતિ' કાવ્યમાં પ્રેયસી અને અરણ્યના એકરસ સાયુજ્યથી એક એબસ્ટ્રેક કાવ્યચિત્ર મળે છે.
“તું નિબિડ અરણ્ય
ધરતીની છાતી પર ફૂટેલાં
બદામરંગી બે શૃંગો તું,
તું વૃક્ષોનો ચંદનવર્ણોવ્યાપ,
લીલાકચ ઝેરનો દરિયો તું
તું કંટકવાળું લોહી
રુક્ષ ખાલ પર,
તારા હોઠથી સરેલા શબ્દો જ
દવની શિખાઓ છે
શાખાઓ તારી આંગળીઓ
હથેલી : પાંદડાં.
તું વૃક્ષોને વીંટળાય
આગિયાઓ થઈ થઈને
સૂતેલા પ્હાડો તારાં પડખાં
ઉરુઓ ખીણોમાં ઢળતા ઢાળ
કંપાવી દે મારાં પાતાળને
એ પ્રજ્વલિત ભૂમિ તે તું જ...”
(પદ્મા વિનાના દેશમાં, પૃ - ૧૧,૧૨)
   નારી અને અરણ્યની મ્રસૃણતા, રહસ્યમયતા, ભીષણતા અહીં કલ્પનો દ્વારા પ્રગટ થઈ છે. નારી સાથે જ અરણ્યને મૂકી કવિ એ બન્નેના સંમિશ્રિત રૂપ અને તેને કારણે જન્મતી એક રતિ ઝંખના તીવ્રતમ રીતે પ્રગટે છે. રવીન્દ્રનાથના નિબંધો, વિભૂતિભૂષણની ‘આરણ્યક', સુરેશ જોષીના નિબંધો અને જીવનાનંદદાસની કવિતામાં અરણ્યનાં આવાં રૂપો આલેખાયા છે પણ નારી અને અરણ્યની આવી છબિ ગુજરાતી કવિતામાં અનન્ય છે.

   પ્રકૃતિના ઇતિહાસ અને એના અનુસંધાને માનવ સંસ્કૃતિના ઇતિહાસના વારાફેરા, કલ્પન-પ્રતીકો- પુરાકલ્પનોથી રસાઈના પ્રયોગથી પરંપરિત લય, દોહરામાં, ‘પોળોનાં જંગલોમાં’ સુગ્રથિત રૂપમાં આલેખાયાં છે.
“કૂંપળની ભાષામાં
જંગલ બોલ્યું
તન તરણાંનું ડોલ્યું
ઝરણાંએ મોં ખોલ્યું
કેશ કર્યા છે ખુલ્લા કોણે?
જંગલ વચ્ચે રાત પડી
ચાંદો પહેરી કોણ ગયું કે રસ્તે રસ્તે નક્ષત્રોની ભાત પડી !
ઢાળ ઉપરથી દદડે પહાડ
ઝિલવા ઊભા ઝાડ
કાળું જંગલ
ઊંડાણોમાં નાખે ત્રાડ
આ હરણાં ઝરણાં ચાલે
જંગલ વચ્ચે જંગલ મ્હાલે
ગંધ ઘૂંટાતી પગલે પગલે
શ્વાસે શ્વાસે અરણ્ય ફાલે”
(પદ્મા વિનાના દેશમાં,પૃ – ૧૪,૧૫)
   આ કાવ્યમાં લયની જુદી જુદી ચાલોની અંદર સંગોપાયેલો છે તો પોળોનો ઇતિહાસ. જંગલ પર સંસ્કૃતિનું આક્રમણ અને ફરી પાછું સંસ્કૃતિ પર પ્રકૃતિનું આક્રમણ એમ કુદરત અને કવિ ન્યાયનું એક વર્તુળ આ કાવ્યમાં રચાય છે. આ માટે કવિએ યોજેલી પદાવલિ તેમજ પ્રાણવાન કલ્પનો આખા સંદર્ભને સંકુલ-આસ્વાદ્ય બનાવે છે.
‘કેશ કર્યા છે ખુલ્લા કોણે ?'
‘ગંધ ઘૂંટાંતી પગલે પગલે’
‘ઘ્રાણ મહીં મ્હેંકાતી મઘમઘ’
‘કલરવ પહેરી કિરણો નીકળે’
‘યુધિષ્ઠિરના પીતાંબર શો તડકો વચ્ચે’
‘સદીઓનો ઇતિહાસ રઝળતો!'
‘જંગલ વરસે જંગલ વરસે અનરાધાર’

જેવા ઇન્દ્રિયસંતર્પક કલ્પનો, ઇન્દ્રિયવ્યત્યય અને
“આ હવા મહીંથી કોનું કહેશો હરણ થયું છે?
લક્ષ્મણ – રેખા ભૂંસી કોણે?
જંગલ વીંધી રાતું રાતું કોણ ગયું છે?”
*
“કાળાં વાદળ વચ્ચે ઊડે રાજહંસની જોડી,
ચૌદ ચૌદ વર્ષોની સૂની ઊર્મિલાની
એકલતાને કોણ ગયું અહીં ખોડી?''
   જેવી પંક્તિઓમાં ચંદ્રકાન્ત ટોળીવાળા કહે છે એમ ‘પરિપકવ અભિવ્યક્તિકર્મમાં આ જ મિથ ધારકશક્તિ રૂપે પ્રવર્તતી ભાસે છે. (પદ્મા વિનાના દેશમાં,પૃ - ૦૯) એથી આગળ વધીને કહેવું હોય તો આ પ્રકારના કલ્પના અને મિથને કારણે આ આખું કાવ્ય પોતે પોળોના જંગલનું અખિલાઇભર્યું મિથ બને છે. વળી કવિએ આ માટે ઉપયોગમાં લીધેલા પરંપરિત લય, દોહા, અનુષ્ટુપ જેવા અક્ષરમેળ - માત્રામેળ છંદોને કારણે પણ શરૂઆતથી અંત સુધી આખા કાવ્યમાં લયનો પ્રવાહ ભાવકને ખેંચી રાખે છે.

   મણિલાલ પટેલનો પ્રથમ સંગ્રહ ચંદ્રકાન્ત ટોપીવાળાએ ગાળેલી માત્ર પંદર રચનાઓનો સંગ્રહ હોવા છતાં કવિની નિજી મુદ્રા પ્રગટાવવા મથે છે. એના પ્રમાણમાં બીજા સંગ્રહ ‘સાતમી ઋતુ' ની રચનાઓ પર આધુનિકતાની અસર પ્રમાણમાં વધુ વર્તાય છે. એનું કારણ એ પણ છે કે આ સંગ્રહની મોટાભાગની રચનાઓ તો ઓગણીસો પંચ્યાસી પહેલાં લખાયેલી છે. મણિલાલની કવિતામાં મુખ્ય વિષય અને સંવેદન બનીને આવતી વનરતિ ‘સાતમી ઋતુ’ના ‘વનમાં’, ‘રતિરાગ’, ‘વનરતિ', ‘વનરાગ’, ‘સ્વપ્નરતિ’, ‘જિપ્સીકથા’, ‘સારણેશ્વરમાં સાંજ', ‘જંગલ’ જેવા કાવ્યોમાં પ્રબળ રીતે આલેખાઈ છે. અરણ્યની અનુભૂતિ આટલી પ્રબળ રીતે આ પહેલાં ગુજરાતી કવિતામાં રાજેન્દ્ર શાહ, ઉશનસ્, જયંત પાઠક જેવા કવિઓમાં ગીત, સૉનેટ, પરંપરિતલયનાં કાવ્યોમાં ઝિલાઈ છે પણ અછાંદસમાં એ પહેલીવાર મણિલાલની કવિતામાં પ્રગટ થઈ છે. ‘જયદેવ શુક્લને મળ્યા પછી’, ‘કવિવર સાથે બામણામાં’ જેવા વ્યક્તિ સંદર્ભે લખાયેલા કાવ્યો ઉપરાંત પોળોના પહાડોમાં સૉનેટ-ગુચ્છ', ‘હેમન્ત વર્ણન'માં પણ ઋતુઓ અને પ્રકૃતિલીલાના અનેક રૂપો મણિલાલ પટેલની પ્રથમ દસકાની કવિતામાં આલેખાયા.

   આગળ કહ્યું તેમ જાગતા કવિની કવિતા એક જ કોચલામાં પુરાઈ રહેતી નથી. એ સમય સંદર્ભે બદલાય પણ છે. મણિલાલ પટેલની કવિતાના વિષય અને સંવેદનમાં બદલાવના સંકેતો ‘ડુંગર કોરી ઘર કર્યાં’ ની કવિતામાં મળી જાય છે. આમ તો પ્રથમ સંગ્રહની ગઝલો અને ‘સંવનન’ જેવા સૉનેટમાં એના અણસાર પડેલા છે. ‘ઘર’ અને ‘હું વાટ જોઉં છું' જેવી દીર્ઘકવિતામાં મણિલાલની કવિતા ગ્રામાભિમુખ બનતી દેખાય છે પણ હજી એમાં પણ અભિવ્યક્તિરીતિમાં આધુનિકતાનો પ્રભાવ છે.

   પણ દોહરામાં લખાયેલા ‘બારમાસ’, ‘તુ’, ‘કાળ’,‘કાવ્યપંચમી' જેવાં કાવ્યોમાં કવિ આપણી પરંપરાના માત્રામેળ – અક્ષરમેળ છંદો તરફ પાછા જાય છે. વિષય અને સંવેદનમાં પણ ઘર - વતન – દેખા દે છે. જેમકે :
“અજવાળાનો તાકો ઉકલે ભાવ ચન્દ્રના ગગડે
બોખી ડોશી દાતણ કૂટે ગાતી વેળા વગડે

મણકે મણકે વરસો ગણતા દાદા ઠંડા પ્હોરે
બાપા ચૂલે ચા ઉકાળે ઘરને ચિંતા કોરે
કુંજડીઓની લયમાં ઊડતી હાર ગગનમાં ભાળી
પાદરથી વળતી પનિહારી સૈયરને દે તાલી
દાદીમાના દેવ ગોખલે સળગે ઘીનો દીવો
જાગ્યો ત્યાંથી લોટ માગતો ગટુ ગોરનો શિવો”
*
“તમ્બાકુના ખેતર ઉપર સાંજે તડકો બેસે
થાક્યોપાક્યો ખેડૂ જાણે ઘરને છાંયે પેસે”
(ડુંગર કોરી ઘર કર્યાં, પૃ - ૮૩,૮૪,૮૫)
   આ સદીના પ્રથમ દસકામાં આવતો મણિલાલનો ‘વિચ્છેદ' કાવ્યસંગ્રહ અનેક રીતે નોખો છે. આધુનિક કવિતામાં પ્રયોગશીલતાને નામે કેટલીક વાર દુર્બોધતા ને ઘણીવાર તર્કહીનતાએ માઝા મૂકી. કવિતા અને સાહિત્ય સામાન્ય જનથી દૂર ચાલ્યાં ગયાં. અનુઆધુનિક સમયમાં એ જ કવિતાએ સામાન્ય માનવીની નિકટ જઈ તેનાં મૂળ- કૂળ આલેખ્યાં. આધુનિકતાની દોટમાં મૂળવાત ઘણા સમયથી વીસરી જવાઈ હતી એ ‘વિચ્છેદ'નાં કાવ્યોમાં સંધાતી અનુભવાય છે. કવિતા સંદર્ભે એક આખો મલક અહીં ઉઘડે છે. શહેરીકરણને કારણે ગામડાંના બદલાયેલા રૂપરંગ, સંબંધના બદલાયેલા રૂપો, પ્રકૃતિ પર સંસ્કૃતિનું આક્રમણ જેવા વિષયો મણિલાલ પટેલની કવિતાના કેન્દ્રમાં આવે છે. અરણ્યનું ખેંચાણ હજી છે પણ એ હવે પાર્શ્વભૂમાં જાય છે. ગામ- વતન- પ્રકૃતિ સંબંધોના બદલાતા રૂપોને આલેખતું મણિલાલ પટેલનું અને આધુનિકોત્તર ગુજરાતીનું મહત્ત્વનું કાવ્ય છે ‘ગામ જવાની હઠ છોડી દે.'
“બાની સાથે ગયું બાળપણ ગામ જવાની હઠ છોડી દે
વસતિ વચ્ચે વિસ્તરતું રણ ગામ જવાની હઠ છોડી દે

બન્યો ડેમ ને નદી સુકાઈ ગામ જવાની હઠ છોડી દે
ખેતર વૃક્ષો ગયાં કપાઈ ગામ જવાની હઠ છોડી દે

ચોરો તૂટ્યો ગયા પાળિયા ગામ જવાની હઠ છોડી દે
નથી ગોખલા બચ્યા આળિયા ગામ જવાની હઠ છોડી દે.

નથી વાવતા ભાઈ મકાઈ ગામ જવાની હઠ છોડી દે
લોહી ખરું પણ નથી સગાઈ ગામ જવાની હઠ છોડી દે

આંબા રાયણ મહુડા ક્યાં છે? ગામ જવાની હઠ છોડી દે
નોંધારી ટેકરીઓ ત્યાં છે ગામ જવાની હઠ છોડી દે
(વિચ્છેદ,પૃ - ૨૩,૨૪)
   સિત્તેરના દાયકા પછી આપણે ત્યાં ઝડપથી ગામડાં ભાંગ્યાં અને સંબંધો બદલાયા. એના વિષાદ અને વેદના સહજ સરળ રીતે આ કાવ્યમાં ગૂંથાયા છે. આ કાવ્યમાં રહેલી પીડા અનુભૂતિજન્ય હોવાથી કાવ્યનું સંવેદન સ્પર્શ્યા વગર રહેતું નથી.

   પટેલ-પટલાણી કાવ્યોમાં એક જ્ઞાતિ વિશેષની લાક્ષણિકતાઓ ‘કણબી', ‘પટેલભાઈ- પટલાણીબાઈ’, ‘ચાડિયો-ખેતર-કણબી' કાવ્યોમાં આલેખાઈ છે. તો રાજસ્થાન, ડાંગવનો જેવા સ્થળ વિશેષનાં કાવ્યોમાં પણ એટલી જ માતબર સર્જકતા અનુભવાય છે. લયાત્મકતા અને કાવ્યાત્મકતાનું સાયુજ્ય રાજસ્થાન કાવ્યોમાં છે. જેમકે :
“વળી વરખડા આંખે વળગે,
બપોર સળગે એમાં જાણે
જૌહર કરતું જીવતર ઝાંખુ પાંખુ પડતું
પહાડ પછીતે અજેય કાળથી લડતું દેખું
સદીઓ જૂનો થાક ગાળતાં ઊંટો જેવી’’
(વિચ્છેદ,પૃ - ૭૭)
   સમકાલીન રાજકીય પરિસ્થિતિ પર કટાક્ષ કરતાં ‘પાંચ ખુરશી કાવ્યો’ પણ સર્જકે નિસ્તબતપૂર્વક આલેખ્યાં છે. મણિલાલ પટેલના પાંચમા કાવ્યસંગ્રહ ‘સીમાડે ઊગેલું ઝાડવું'માં ગામ- વતન- પ્રકૃતિ તો છે પણ એમાં હોવાપણાની પીડાનો એક સૂક્ષ્મતંતુ પ્રકૃતિની સાથે વણાતો જાય છે. શરૂઆતમાં જે જુગલબંધી અરણ્ય અને નારીની હતી એ હવે પ્રકૃતિ અને પીડાની બને છે. નિયતિ અને નિર્ભાન્તિમાંથી જન્મતી પીડા – વેદના આ કાવ્યોમાં વિશેષ છે. જેમકે :
“છીએ ત્યારથી જ
ચાલે છે કરવત શ્વાસની જેમ
તે જતી ય વ્હેરે ને વળતી ય વ્હેરે
કાશી જવાની જરૂર જ ન પડી ”
*
‘ચારે બાજુથી ચાખે છે સમ્બન્ધો મને
પછી તડકે નાખે છે
બારણાં વાખે છે મને બાંધીને બધ્ધાંથી....
ચારે બાજુ તરસ્યો દેવતરસ્યો બોલ્યા કરે છે
ઠોલ્યા કરે છે લક્કડખોદ મને
હવા અને હોવાનું ગીત
ગાય છે યાયાવર પંખીઓને
આપણે તો પાંદડું ય ના થૈ શક્યા
કે ન દઈ શક્યા કોઈને ય ચપટીક લીલાશ”
(સીમાડે ઊગેલું જાડવું, પૃ - ૪૫,૪૬)
   આ ઉપરાંત ‘જાદુઈ જીવન’, ‘વળી વતનમાં', ‘ત્રણ સાદ કાવ્યો', ‘વતન સ્મરણ : પાંચ કાવ્યો,’ ‘ત્રણ ચૈત્રી કાવ્યો’માં ઝાડ, જંગલ, પંખી, ખેતર, શેઢાને અનુષંગે તીવ્ર વતનરાગ પ્રગટ્યો છે. આ બધાના અવલંબે છૂટી ગયાની પીડા તો છે જ. પોતાના આ તીવ્ર વ્યતિતરાગ અને પીડાઓ સંદર્ભે મણિલાલ પટેલ લખે છે.
“આજેય ગામ જાઉં છું ને કવિતા માલીપા- માટીમાંથી અંકુર પ્રગટે એમ પ્રગટું પ્રગટું થાય છે. ગામ- ઘર- સીમ- વગડો મને ખાલી હાથે વિદાય નથી કરતાં... એ મારા ગજવામાં કંથેરા- ચણીબોર- મહુડાં- કોઠમડાં- જાંબુ- કરમદાં- શિંગોડા- રાયણાં ભરી આપે છે. કવિતા તો ચારેપાસ વિખરાયેલી જોઈ-જાણી છે. કૂંપળમાં, ઊઘડતાં ફૂલોમાં, પંખીના ગાનમાં, સાંજની ઉદાસીમાં, સૂની રાતોમાં ને જૂની વાતોમાં કવિતા મળી આવી છે. કવિતા કસક છે; છોડી ગયેલાં ને છૂટી ગયેલા પ્રિયજનોની યાદો છે; યાદોનું દર્દ છે. મધુર પીડા છે ! કવિતા લોહીની ધડકન છે. કવિતા ચેતનાની ભાષા છે” (શબ્દસૃષ્ટિ,પૃ - ૧૨૦ અંક : ઓક્ટોબર - નવેમ્બર ૨૦૧૧)
   કવિના અમેરિકા પ્રવાસ દરમ્યાન લખાયેલા ‘સાત ડાયરી કાવ્યો (USA)', પિતાજીને ઉદ્દેશીને લખાયેલ સૉનેટ પણ સંવેદન અને વસ્તુની દૃષ્ટિએ નોંધપાત્ર છે.
   એક કરતાં વધુ સ્વરૂપોમાં લખતા સર્જકને ક્યારેક એક સ્વરૂપનું લેખન બીજા સ્વરૂપ પર અસર કરતું હોય છે. સંસ્કૃત તત્સમ પદાવલિમાં લખતા જયન્ત પાઠક ‘વનાંચલ' લખે છે ને એના પછીની એમની કવિતાની ભાષા અને સંવેદન પણ બદલાઈ જાય છે. એટલે ગદ્યકાર જયન્ત પાઠકની અસર કવિ જયન્ત પાઠક પર પણ વર્તાઈ. આવું જ કંઈ મણિલાલ પટેલની કવિતા સંદર્ભે પણ કહી શકાય. અંગત કારણોને કરીને મણિલાલ પટેલને ગામ- વતન- સમાજથી દૂર રહેવાનું થયું એ વતન ઝુરાપો ‘ભૂંસાતાં ગ્રામચિત્રો' નિબંધોમાં વ્યક્ત થયો. અરણ્ય અને રતિના સંકેતોમાં રાચતી એમની કવિતામાં એ બધું છૂટી જાય છે ને અનુઆધુનિકયુગનું મહત્ત્વનું લક્ષણ ગ્રામચેતના પ્રબળ રૂપે પ્રગટે છે ને એમ એમની કવિતા વિષય અને સંવેદન નવા સ્થિત્યંતર રચે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment