5.2.2 - મણિલાલ હ. પટેલની કવિતાની અભિવ્યક્તિરીતિ / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   આધુનિકોત્તર સમયમાં બહુ ઓછા કવિઓએ ગીત- ગઝલ- અછાંદસ- સૉનેટ- પરંપરિતલયના કાવ્યો, દીર્ઘકાવ્યો એમ કવિતાના મહત્ત્વના સ્વરૂપોમાં સાતત્યપૂર્વક અને સત્ત્વશીલ સર્જન કર્યું છે. મણિલાલ પટેલ, હરીશ મીનાશ્રુ એમાં અપવાદ છે.

   મણિલાલ પટેલની કવિગત સંવેદનાઓ ઉપર જણાવેલ બધા જ સ્વરૂપોમાં જુદી જુદી રીતે-ભાતે પ્રગટ થઇ છે. ‘માણસ ઉર્ફે મણિલાલાખ્યાન', ‘મનુ-મગનની વીતકકથા' જેવા દીર્ઘકાવ્યોમાં પોતાના સંદર્ભે માણસ માત્રની અપેક્ષાઓ, સ્વપ્નો, પીડાઓ રજૂ થઈ છે. માણસ માત્ર માણસ ભૂખ્યો છે. એને નિરંતર એકલતા ગમતી નથી એ વાતની સાથે માણસમાં રહેલા દંભ, આત્મરતિ નિર્મમ રીતે આ કાવ્યોમાં અભિવ્યક્ત થાય છે.

   ગઝલ સ્વરૂપમાં શરૂઆતથી જ મણિલાલ પટેલની પોતીકી મુદ્રા રહી છે. શરૂઆતમાં સંવેદન-વર્ણનની પોતીકી છાપ પછી સ્વરૂપગત મથામણો તેમણે ગઝલમાં આદરી. એમની જાણીતી ગઝલ
“છાંયડાની શી ખબર આકાશ ઊંચા તાડને?
એ વિશે તું પૂછ જઈને લીમડાના ઝાડને !

કૃષ્ણની ખાતર હું મારું સ્વપ્ન એ કહેતો નથી :
તર્જની પર ઊંચકું છું હું ઇડરના પ્હાડને !

ઓઢણીને કન્યકાએ સૂકવી છે નાહીને
એટલે રોમાંચ લીલો થઈ રહ્યો છે વાડને !”
(પદ્મા વિનાના દેશમાં, પૃ - ૨૭)
   માં એ પોતીકાપણું દેખાય છે. અહીં કોઈ એવી તુલનાનો આશય નથી પણ નરસિંહ મહેતાએ વેદ અને તત્ત્વવાણી જે રીતે ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’ જેવા પદોમાં સરળતાથી મૂકી આપી એમ જ અહીં માત્ર બે પંક્તિમાં કબીરની વાણીને સહજ-સરળ રીતે મૂકી આપી છે તો કૃષ્ણના મિથની સાથે પોતાનું રચેલું અનુસંધાન પણ ચંદ્રકાન્ત ટોપીવાળા કહે છે એમ ‘કવિનો પોતીકો’ અવાજ રજૂ કરે છે. સાંપ્રત સમયમાં શિક્ષણ આવવા છતા માણસમાં રહેલા દંભને પ્રગટ કરતી ગઝલ જાઇએ.
“ન્યાતજાત ને કુટુંબકબીલા ગામ સમાજો
બાંધી દુર્ગમ વાડને લોકો બેઠા છે

સાચાં જૂઠાં મર્મ અહમ્ ને વ્યંગ કટાક્ષો
ચચરે હાડોહાડ ને લોકો બેઠા છે”
(વિચ્છેદ,પૃ – ૧૬)
   ગઝલને માત્રામેળ સ્વરૂપે પ્રયોજવાનો પ્રયોગ પણ આ કવિએ કર્યો છે.
‘ઓચિંતો વરસાદ આવશે
વગડો ખેતર યાદ આવશે
શેઢે શેઢે તેં રોપેલાં
એ વૃક્ષોનો સાદ આવશે’
(વિચ્છેદ,પૃ – ૬)
*
‘દૂર ભાંભરે ગાય સાંભરે
બેન સાસરે જાય સાંભરે
પાદર ને પડસાળ સાંભરે
દાદા અંતરિયાળ સાંભરે’
(વિચ્છેદ,પૃ – ૯)
   પોતાના કથિતવ્યને યોગ્ય રીતે રજૂ કરવા માટે માત્રમેળ છંદો વધારે કારગર નીવડશે એવી એક જરૂરિયાતમાંથી કવિએ આ અભિવ્યક્તિરીતિ પસંદ કરી છે. ટૂંકી બહેરની ગઝલમાં પણ કવિતત્ત્વ અને જીવનસંદર્ભ સરળતાથી રજૂ કરી દે છે.
‘અંદરને અજવાળે લખજે
સંત કબીરની સાળે લખજે

ઊભી વાડે આડા ડુંગર
દાવાનળની ફાળે લખજે

સોળ વર્ષની વાત લખે તો
ગુલમોરોની ડાળે લખજે.'
(વિચ્છેદ,પૃ – ૧૫)
   પ્રેમ, પ્રકૃતિના રૂપોને અભિવ્યક્ત કરવા માટે સૉનેટ શરૂઆતથી જ મહત્ત્વનું સ્વરૂપ રહ્યું છે. અભિવ્યક્તિની તરેહો જોતાં મણિલાલ પટેલના સૉનેટો ત્રણ વિભાગમાં વ્હેચી શકીએ પ્રેમ અને પ્રિયજનને કેન્દ્રમાં રાખી લખાયેલા સૉનેટ, વનવર્ણનના સોનેટ અને સૉનેટના પરંપરાગત સ્વરૂપમાં ફેરફાર કરી લખેલા સોડષી સૉનેટ. શીર્ષકએ સૉનેટનું શિખર છે. શિખર પરથી જેમ દેવસ્થાન કોનું છે એનો અણસાર મળે છે એમ શીર્ષક પરથી સૉનેટના વિષયનો સંકેત મળે છે. ‘સંવનન’ શીર્ષકથી ‘પદ્મા વિનાના દેશમાં’ છપાયેલા સૉનેટને ‘વેઠે તેની વાત’ માં ‘ખેતરમાં' શીર્ષકથી છાપ્યું છે, ને એ યોગ્ય જ છે.
“મકાઈનું લીલું – હરિત વરણું ખેતર તમે
બની આવ્યાં મારી ખળખળ વિનાની નજરમાં;
સૂકા શેઢાનું હું તણખલું હતો, ઘાસ – લીલવું
તમારી આંખોના પલક પવને થૈ ઝૂમી ઊઠ્યો !
હવે હું હાંકું છું હળ – બળદ, શો પીત તડકો!”
(વેઠે તેની વાત, મૃખપૃષ્ઠ – ૪)
   સહજભાવ આલેખન અને કલ્પનોની મદદથી નાયક-નાયિકાની મૃગ્ધ ચેષ્ટાનું મનોહર ચિત્ર આ સૉનેટમાં છે. તો પ્રથમ પ્રસૂતિએ પિયર ગયેલી પત્નીને ઉદ્દેશીને લખાયેલું સૉનેટ ‘તમે ગયાં...'માં નાયકના મનોભાવો આબેહૂબ રીતે ઝિલાયા છે.
“મને આવા સૂના નગરવચ છોડી પ્રિય તમે
ગયાં, ને પાછો હું પરિચય વિનાનો થઈ ગયો !
રવેશો... પારેવાં... ફડફડ થતી પાંખ.... તડકો
ઉઘાડી બારી... ને દૂર લટકતું આભ કકડો
નથી સંધાતું કૈ, ઘરની ચીજ લાગે ઘૂરકતી !
મને મઠ્ઠીમાં લૈ અમથું અમથું જાઉં ફરવા
બધા રસ્તા આજે સૂનમૂન બનીને વહી જતા
વળું પાછો, ખૂંચે ‘ઘર’ વગરનો માઢ મનમાં”
(વિચ્છેદ,પૃ – ૧૧૫)
   આધુનિકોત્તર કવિતાનું મહત્ત્વનું લક્ષણ છે છંદો તરફ પાછા વળવું. મણિલાલ પટેલની કવિતામાં અક્ષરમેળ અને માત્રામેળ એમ બન્ને પ્રકારના છંદો પ્રપોજાયા છે. છંદ પરના કવિના કાબૂને કારણે જ નાયિકાના મુગ્ધ ભાવોને રજૂ કરતું સૉનેટ ‘આ-ગમન પછી’ ઉત્તમ સૉનેટરચના બની છે.
“પરોઢે આવેલા સપન સમ આવ્યા પિયુ તમે
અહીં મારે ઘેરે, સ્વજન વચ હું એકલ ઊભી –
કમાડે અઢેલી, નયનજલ રોકી નવ શકી :
રડી હર્ષે હું વા વિરહ - દુ:ખ? જાણી નવ શકી

તમે આવ્યા ત્યારે મૂક રહીં કશું યે નવ કહ્યું;
ન જોયું પૂરું મેં તવ મુખ અને પાંપણ ઢળી
હતું હૈયે એવું કર પકડશો, કૈંક પૂછશો..
ઉવેખી લજ્જાને સ્વજન વચ એય નવ થયું !
વિના બોલ્યા, ચાલ્યા? કશું પણ કહ્યું નૈ નજરથી?
તમે આવ્યા શું ને પ્રિયતમ ગયા એ ય શમણું!”
(વિચ્છેદ,પૃ – ૧૧૩)
   નાયક - નાયિકાના પ્રેમ-વિરહના મુગ્ધ ભાવો ઉપરાંત ‘સાતમી ઋતુ'માં ‘પોળોના પહાડોમાં' સોનેટ ગુચ્છના બાર સૉનેટમાં અરણ્યના અનેક સમયના રૂપો અને કાવ્યનાયકની વનો સાથેની એકરૂપતા વ્યક્ત થઈ છે.
“વનોમાં મધ્યાહને સૂનમૂન ફરે છે વિજનતા,
ઋતુ જેવી, એવી લથબથ વધે ગીચ ‘વનતા’.
ખરે પર્ણો પીળાં તરુવર થકી; તાપ તપતા.
વળી સાંજે પાછી ફરફરી રહે ગાઢ ઘનતા! (પૃ. - ૬૯)

‘મને આપો મારો તરુપ્રણય પાછો પ્રથમનો
મને આપો પાછાં રુધિર રમતાં આદિમ વનો
મને ઘેરી લે છે સરિત, તરુ, પ્હાડો, ગીચ વનો
મને શોધે મારાં હરિતવરણાં ગ્રામીણ જનો” (પૃ.- ૭૧)
   આવા વન-તરુના આર્કષણને કારણે છેલ્લા સૉનેટમાં કાવ્યનાયક કહે છે :
‘નથી જાવું હાવાં નગર-ઘર,: સંઘર્ષ મનમાં,
પુરાણા પ્હાડોમાં ઊતરી પડવું છે ગહનમાં”
(સાતમી સ્તુ,પૃ – ૮૦)
   આ સૉનેટ પર રચનારીતિએ ઉશનસનો પ્રભાવ છે પણ સંવેદન કવિનું પોતીકું છે. કોઇપણ સ્વરૂપમાં કવિ સાતત્યપૂર્વક અને સત્ત્વશીલ સર્જન કરે ત્યારે એના સર્જનનું મૂલ્ય થતું હોય છે. મણિલાલ પટેલ પણ સૉનેટમાં સાતત્યપૂર્વક સર્જન કરતાં રહ્યાં છે. ‘સીમાડે ઊગેલું ઝાડવું'માં પિતાજીને ઉદ્દેશીને રચાયેલા ચાર સૉનેટમાં એ સાતત્ય જળવાઈ રહ્યું છે.
“તમે જીવ્યા એવું : ભરચક મહીસાગર સમું
હવે એને કાંઠે તવ શબ મૂકીને નમું નમું;
વહ્યાં પાણી કેવાં કઠણ કપરાં : તોય મલકે !!
તમારો ચહેરો હું નજર ભરું ને હૈયું છલકે..” (પૃ - ૮૬)

“હતું રસ્તા માથે ઘર, ઘર હતું ડુંગર સમું :
તમે તેડી લાવો પથિક ઘરમાં, ને ખુશ થવું;
તમારે ઉમંગે ઝગમગી ઊઠે આંગણ બધું –
ન ખાધે રાજી તે, અતિથિ ખવરાવ્યે સુખ વધુ...
તમાકુ, બીડી ને સતત બનતી ચા ઘર વિશે
તમારી પેઢીની ગણતરી થતી'તી દશ દિશે !
ન હાર્યા કે થાક્યા વિધૂર-ઘર મોટું કરવું'તું :
સદા ઝૂઝ્યા સામે પૂર, કરજ પૈ પૈ ભરવું તું! ”
(સીમાડે ઊગેલું ઝાડવું, પૃ – ૮૮)
   પિતા-પુત્રના સુક્ષ્મ નાજુક અનુબંધને આ ચાર સૉનેટમાં વાતચીતની શૈલીમાં વર્ણવ્યાં છે. આ ઉપરાંત મણિલાલ પટેલે ‘ત્રણ ષોડષી સૉનેટ'માં સોળ માત્રાના માત્રામેળ છંદમાં સૉનેટ લખવાનો પ્રયોગ કર્યો છે. આ છંદને કવિએ છંદ : ષોડષી નામ આપ્યું છે.
“દાદા કૂવા - વાવ ગળાવે
બાપા આંબા – કેળ વવાવે
જીજી ચોખલિયા ખંડાવે
ભાભી કકરો લોટ દળાવે

આંગણ ગોરમટીથી લીંપે
ભીંતો ઓકળિયોથી દીપે
મોતી આવી ઊભાં છીએ
દલડું નીતરે ટીપે ટીપે”
(સીમાડે ઊગેલું ઝાડવું, પૃ – ૯૩)
   અહીં ‘વવાવે’ જેવા શબ્દ બાળબોલી જેવો લાગે છે તેથી કઠે છે. આમ છતાં એક પ્રયોગલેખે આ કાવ્યોનું ઐતિહાસિક મૂલ્ય છે. આ તો થઈ અક્ષરમેળ - માત્રામેળ સૉનેટની વાત પણ આધુનિકોત્તર ગુજરાતી કવિતાનું બીજુ મહત્ત્વનું લક્ષણ આપણા પરંપરાગત અને મધ્યકાલીન સ્વરૂપોનો નવીરીતિએ વિનિયોગ. આગળ જોયું તેમ વિનોદ જોશી ‘શિખંડી' તેમજ ‘તુણ્ડિલતુણ્ડિકા’માં મધ્યકાલીન પદ્યવાર્તા અને અર્વાચીન ખંડકાવ્યનો આજના સંદર્ભે સર્જક્તાત્મક વિનિયોગ કરી ચૂક્યા છે. મણિલાલ પટેલ પર આપણા મધ્યકાલીન દોહરા, સોરઠા જેવા છંદો “બારમાસા' અને ઋતુ વર્ણનોમાં પ્રયોજ્યા છે. “બારમાસા' માં માત્રામેળ દોહરા દ્વારા એક પછી એક બારમાસની પ્રકૃતિ અને એની માનવહૈયા પરની અસર વર્ણવાઈ છે.
કારતક
“બાંકી બીજના ચન્દ્ર શી નાકે પહેરી નથ
રાતા મીણની પૂતળી નીરખી રહી છે રથ”
(‘ડુંગર કોરી ઘર કર્યા’ પૃ - ૬૬)

માગસર
“શમણે ભીની આંખડી ઝાકળ ભીનું ઘાસ
નેહે ભીનાં નેવલાં સુગંધ ભીના શ્વાસ”
(‘ડુંગર કોરી ઘર કર્યા’ પૃ - ૬૭)

પોષ
“ઉત્તર કેરા વાયરા હેમાળો લૈ વાય
ખરખર વૃક્ષો ખરી પડે થરથર કાંપે કાય”
(‘ડુંગર કોરી ઘર કર્યા’ પૃ - ૬૭)
   આમ દરેક મહિનાનું વર્ણન આ દોહરાઓમાં છે. તો ‘ઋતુ’માં પણ પ્રકૃતિને અનુષંગે માનવભાવો આલેખાયા છે. ‘કાળ’ અને ‘કાળ' (ખંડકાવ્ય) એમ બે રચનાઓમાં અનુષ્ટુપમાં કાળનાં અનેક રૂપો અનેક પ્રતીકો કલ્પનો, ઇતિહાસ, પુરાણના સંદર્ભોથી કાવ્યરૂપ પામ્યા છે. કાળરચના પ્રમાણમાં લંબાણવાળી હોવા છતાં ક્યાંક ક્યાંક આવતા ભાષાના જુદા જુદા સ્તરો અને વર્ણનોને કારણે આસ્વાદ્ય છે. જેમકે :
“જંગલ સાખે વહી ગઈ છે કેટકેટલી સદી
જે ગત જનમોમાં ચાખી'તી મેં કદીક કદી !
વહી ગયેલી નદીઓ સદીઓ દટ્ટણપટ્ટણ
નગરનિવાસો
મારી ભીતર જાગે
મરી ગયેલા રાજાઓ સત્તાઓ પાછી માગે
તે હું આપું ક્યાંથી ?”
(સાતમી ઋતુ,પૃ – ૬૪)
   સમયની ગર્તામાં સદીઓની સદી, નગરો, સામ્રાજ્યો ને સંસ્કૃતિઓ જતી રહે ને કંઈ પાછું આવી શકતું નથી એ સત્ય આ કાવ્યમાં કાવ્યાત્મક રીતે રજૂ થયું છે ગીત સ્વરૂપમાં પણ મણિલાલ પટેલ પોતાના સંવેદનો નિજી રીતે અભિવ્યક્ત કર્યા છે. લોકગીતની શૈલીમાં લખાયેલ ગીત
“અમ્મર ભમ્મર આવળિયાને પીળાં પચરક ફૂલ કે છોરો પાતળિયો ....''
(પદ્મા વિનાના દેશમાં, પૃ – ૨૦)
   થી માંડીને વસંતને વર્ણવતા ગીત ‘વસંતનું પદ'માં એ મુદ્રા જોઈ શકાય છે.
“કુંજડીઓ થૈ બોલે છે પડછાયા
વહી ગયેલા દિવસો પાછા કોના ઘરમાં આવ્યા...
કોણ ક્યારનું હળથી મારી પડતર માટી ખેડે
અડધું ઊગે અંકુર થઈને પડધું પૂગે શેઢે
ખેતરને ભીંજવતી આજે ટહુકે કોની છાયા
કુંજડીઓ થૈ બોલે છે પડછાયા”
(સાતમી ઋતુ, પૃ– ૮૪ )
   એમ કહેવાય છે કે સારો કવિ જીવનમાં એક કવિતા લખતો હોય છે જુદી જુદી રીતે. મણિલાલ પટેલની કવિતામાં અન્ય સ્વરૂપોની જેમ જ ગીતમાં પણ પ્રકૃતિની સાથે પીડાનો તંતુ જોડાયેલો છે જ. એ જેમ ‘વસંતનું પદ’ ગીતમાં છે એમ ‘જાકારો’, ‘જુદાઇનું ગીત’ જેવા ગીતોમાં પણ જોઈ શકાય છે.

   મણિલાલ પટેલના ‘પદ્મા વિનાના દેશમાં', ‘સાતમી ઋતુ' જેવા સંગ્રહોમાં અને એ પછીના કાવ્યોમાં પણ અછાંદસ કવિતા પણ અન્ય સ્વરૂપોની સાથે સાતત્યપૂર્વક લખાતી રહી છે. શરૂઆતમાં જંગલ બાદમાં વતન – જનપદ અછાંદસમાં અભિવ્યક્ત થતો રહ્યો છે. ‘પદ્મા વિનાના દેશમાં’ જેવા કાવ્યમાં આધુનિક અછાંદસની રીતિ આ રીતે પ્રયોજાઈ છે:
“પ્રલંબિત લયમાં ગવાતાં મરશિયા જેવી
રાત પડી છે પદ્મા વિનાના દેશમાં
જંપી ગયાં છે દેવસ્થાનો જળની જેમ !
કામરત ગીધોની તીણી ચીસો
અને જાગતો પીપળો,
તમરાંની ત્રમ ત્રમ ચિક ચિક અને
વૃત્તિ-ઉત્તેજિત શ્વાનોનું શેરીમાં –
ભૂખ્યું ભસવાનો અવાજ,
જુઠ્ઠા પડી ગયેલા શબ્દ જેવો પંચમીનો ચંદ્ર”
(પહ્મા વિનાના દેશમાં, પૃ – ૦૧)
   તો ‘વિચ્છેદ’ અને ‘સીમાડે ઊગેલું ઝાડવું’ની અછાંદસ કવિતા આધુનિકતાના પ્રભાવમાંથી નીકળી પૂરેપૂરી સ્વકીય મુદ્રા પ્રગટાવે છે. જોઈએ:
“પાછો આવી ગયો છું.
મારાં સીમવગડામાં
બહુ ઊંડા ચાસ પાડી ગયા છે મારામાં, તે –
ખેતરો પૂછે છે કે કોતરો ક્યાંથી લાવ્યો? હેં ?
ભલા માણસ !
બહુ દૂર નીકળી ગયો હતો ?
ઉષર માટીમાં કશું ઊગતું નથી, જાણે છે ને !!
પછી તો કૂવાનાં પાણી કબૂતર થૈને બોલ્યાં
કૂંપળમાં વૃક્ષોએ કાળજાં ખોલ્યાં”
(સીમાડે ઊગેલું ઝાડવું, પૃ – ૦૭)
   આમ સમગ્રપણે જોતાં મણિલાલની કવિતાએ અભિવ્યક્તિરીતિના અનેક વિશેષો પ્રગટાવ્યાં છે ને એમ કવિતાના જુદા જુદા સ્વરૂપોમાં એક સરખી રીતે અભિવ્યક્ત થઈને સ્વકીય મુદ્રા પ્રગટાવી છે. એક કવિના સમગ્ર સર્જનમાંથી સ્વરૂપ પ્રમાણે પાંચ- પાંચ, સાત- સાત પાણીદાર કાવ્યો મળે તો એ ઉપલબ્ધિ ઓછી ન કહેવાય.
(ક્રમશ :...)


0 comments


Leave comment