5.2.3 - મણિલાલ હ પટેલની કવિતાની ભાષાસંરચના / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ


   વિષય, ભાવ-સંવેદન પોતાની ભાષા લઈને આવતું હોય છે. કોઇપણ સારા કવિની કવિતામાં સંવેદન અને ભાષા એકરૂપ થઈને આવે છે, અને જો એમ ન બને તો કવિની શૈલી કૃતક બની જાય. મણિલાલ પટેલની શરૂઆતની કવિતામાં પણ ભાષાનું જૂદું પોત છે જે કવિતાના વિષય – સંવેદનના બદલાવની સાથે બદલાય છે. ‘પદ્મા વિનાના દેશમાં’ અને ‘સાતમી ઋતુ’ની કાવ્યભાષા બહુધા કલ્પન ખચિત અને આધુનિકતાની છાંટવાળી છે. જેમકેઃ
“ક્રિયાપદ બની વહી શકતો નથી
પતંગિયું બની ઊડી શકતો નથી
મરશિયા જેવો ગવાયા કરું હું જ
પદ્મા વિનાના દેશમાં...
(પદ્મા વિનાના દેશમાં, પૃ. ૨)
   જેવી પંક્તિઓમાં ચન્દ્રકાન્ત ટોપીવાળા કહે છે તેમ ‘લાભશંકરી’ ભાષાઅભિવ્યક્તિ તરત નજરે પડે છે. તો ‘એક વૃક્ષ કાવ્ય’ પણ કાવ્યત્વ અને ભાષા એમ બન્ને રીતે નબળી રચના છે.
‘વૃક્ષ ‘Wel-Come'નાં પાટિયાં લટકાવતું નથી’
‘વૃક્ષ કદીય "Bathroom' જેવો દંભ કરે છે ?'
   જેવી અંગ્રેજી મિશ્રિતકૃતક ભાષાવાળી રચના ચંદ્રકાન્ત ટોપીવાળા જેવા વિવેચકને કેવી રીતે પસંદ આવી હશે એ મારા માટે વિચારવા જેવો પ્રશ્ન છે. ‘સાતમી ઋતુ'ની મોટા ભાગની અછાંદસ રચનાઓની ભાષા કલ્પનપ્રધાન છે. એમાં આવતા કલ્પનો કવિતાના ભાવ સંવેદનના સંકુલ પરિમાણો રચે છે. ‘સારણેશ્વરમાં સાંજ' કાવ્યમાં એ વધારે બળકટ રીતે રજૂ થયાં છે.
“વનવટો પામેલાં
પંખીઓ વૃક્ષો લઈને જ ઊડી ગયાં હશે?
શબ્દો ખાલીખમ સૂગરીમાળે ઝરે
સૂકાં પાંદડાંના પીળા અવાજોમાં.”
(સાતમી ઋતુ,પૃ – ૧૮ )
   આ ઉપરાંત આવતા ‘ઢગલો થઈ પડેલો સમય’, ‘વાઘ જેવું જંગલ’ જેવાં કલ્પનો અરણ્યચેતનાને બળવતર રીતે અભિવ્યક્ત કરી છે. આ ઉપરાંત પણ
‘અંધકારનું રીંછ પહાડે પહાડે ફરે” (સાતમી ઋતુ,પૃ – ૧૯ )
‘જંગલ જંગલ ઓઢીને સૂઈ જાય’ (સાતમી ઋતુ,પૃ – ૧૯ )
‘ચન્દ્ર ચંપાના વૃક્ષોમાં ઊતરી જાય’ (સાતમી ઋતુ,પૃ – ૧૯ )
‘લોહીમાં રઘવાયાં હરણો પાનખરનાં' (સાતમી ઋતુ,પૃ – ૧૬ )
   જેવાં કલ્પનો દ્વારા અરણ્યની ભીષણ હિંસકતા, અરણ્યચેતના અને આદિમ આવેગો સંકુલ રીતે રજૂ થયા છે. મણિલાલ પટેલના આ શરૂઆતના કાવ્યોની ભાષા સંસ્કૃતાઢ્ય છે, પણ એની સાથે શિષ્ટ ગુજરાતી શબ્દ પ્રયોગોવાળાં કાવ્યો પણ સમાંતરે રચાતાં રહ્યાં છે. ખાસ કરીને પોળોનાં જંગલોમાં જેવી રચનાઓ અને ગઝલોમાં એ વિશેષરૂપે પ્રયોજાઇ છે. પરંપરિત લયનાં કાવ્યોમાં પ્રાસ ખૂબ જરૂરી છે બલ્કે પ્રાસને કારણે જ આંતર-બાહ્ય લય શક્ય બને છે. શબ્દોના પુનરાવર્તનો પણ ભાવ અને લય બન્નેને વળ ચડાવે છે. જેમકે :
“આ હરણાં ઝરણાં તરણાં ચાલે
જંગલ વચ્ચે જંગલ મ્હાલે
ગંધ ઘૂંટાતી પગલે પગલે
શ્વાસે શ્વાસે અરણ્ય ફાલે”
(પદ્મા વિનાના દેશમાં, પૃ - ૧૫ )
   આ બધી વિશેષતાઓ છતાં ઘણી વખત આવતાં કલ્પનોનાં પુનરાવર્તનો, એકવિધ લાગતા ભાષા- પ્રયોગો, ભાષાના આવર્તનો કઠે છે.
   ‘ડુંગર કોરી ઘર કર્યા’ પછી ‘વિચ્છેદ'ની કવિતામાં મણિલાલ પટેલની કાવ્યભાષા આધુનિકતાના પ્રભાવમાંથી પૂરેપૂરી મુક્ત થઈ પોતાના સ્વમિજાજમાં પ્રગટે છે. આમ પણ પોતાના સર્જનની શરૂઆતમાં મોટાભાગના સર્જકો પર પોતાના પુરોગામીઓનો પ્રભાવ વત્તે-ઓછે અંશે હોય છે પણ પછી એને એમાંથી બહાર નીકળી પોતાની ભાષા ઘડવાની હોય છે. ‘વિચ્છેદ' માં મણિલાલની ભાષાનું સહજ - સરળ પોત ઘડાયું છે. જેમકે :
“સાદ કરે ખેતર સાંભળ :
હજી વખત છે પાછો વળ
ખરી સગાઈ માટીની
ભાઈ હજી હાંકે છે હળ”
(વિચ્છેદ,પૃ – ૩૮)
અથવા
‘ટેકરીઓ થોડી ઉદાસ હશે
ધબકતાં પગલાં વિના
સૂની પડેલી કેડીઓ
હવડ વાવમાં ઊતરી જવાનું વિચારતી હશે
તરસ્યાં ખેતરો વાટ જોતાં હશે વરસાદની
બપોર વેળાઓ ફેર કૂવાને
છેલ્લે પગથિએ ઘડીક જંપી જતી હશે”
(સીમાડે ઊગેલું ઝાડવું, પૃ – ૧૫)
   અહીં આપણે ભાષાનો બદલાવ જોઈ શકીએ છીએ. શરૂઆતની કલ્પનપ્રધાનતા, સંસ્કૃત પદાવલીની જગ્યા અહીંસાદી પણ કાવ્યાત્મક પદાવલિએ લઈ લીધી છે.

   આમ સમગ્રપણે જોતાં કલ્પનોની ભરમાર, ક્યાંક ક્યાંક પુનરાવર્તિત થતા વિષયો ને ભાવસંવેદન જેવી મર્યાદાઓ હોવા છતાં ઇન્દ્રિય સંતર્પકતા, સહજ આવતાં સંવેદન, અભિવ્યક્તિનાં અનેક સ્વરૂપોમાં આલેખન, નારી અને અરણ્યના રચના-સંદર્ભો, ગામ-વતન-ખેતરના વ્યતિતરાગનું તીવ્રતમ ખેંચાણ અને એની કાવ્યાત્મક અભિવ્યક્તિ, ભાષાની સહજતા જેવા અનેક વિશેષોને કારણે મણિલાલ પટેલની કવિતા આધુનિકોતર ગુજરાતી કવિતાનો મહત્ત્વનો પડાવ છે.
* * *


0 comments


Leave comment