32 - વિછિન્ન ઉજાસ / ધીરેન્દ્ર મહેતા


જામ તો થઈ ગયા બધાય ખલાસ,
શી ખબર રૂપ લે હવે કયું પ્યાસ !

ડાળ ઝૂલી, હવા મહીંય છે કમ્પ,
કેમ પંખી છતાં ન દૂર, ન પાસ !

પાંદડેપાંદડું થઈ ગયું શ્યામ,
વૃક્ષ હેઠળ અહીં વિછિન્ન ઉજાસ !

આંખમાં બાઝતું જશે હિમ, ત્યાં જ
સળગતા ચાલશે સતત મુજ શ્વાસ !

શબ્દ વચ્ચે જગા મળે નહિ રિક્ત,
ક્યાં જઈને હવે કરું હું નિવાસ ?

ર૯-૩-૧૯૭૮


0 comments


Leave comment