34 - પવનના વેશમાં / ધીરેન્દ્ર મહેતા
ધીમેધીમે એ વાત વહી ત્યાં દેશ ને પરદેશમાં :
ફરકે અહીંયાં રોજ કૈં આવી પવનના વેશમાં.
પૂછી જુઓ તો પાળિયે ઘોડે ચઢ્યા અસવારને,
તબક્યા કરે શું એમની આ આંખ બે અનિમેષમાં!
પાદર કરે છે બાતમી છેલ્લી-પહેલી આટલીઃ
લટિયેલટિયે કોઈ ઝોલાં ખાય વડના કેશમાં.
તમરાં અને આ આગિયાની એકધારી ફૂદડી,
શાની મચે છે ધૂમ આ અવકાશ કાળા મેશમાં !
કૈં વાયકાઓ સાથે ભેળી થાય દંતકથા અહીં,
ગઠરી બધી છોડે, ન ઓછું થાય કૈં લવલેશમાં.
ત્યાં જાય છે જે સાદ એ પડઘો બની પાછો વળે,
શું પૂછવું બોલો, અને શું સમજવું નિર્દેશમાં !
૧૫-૬-૧૯૮૦
0 comments
Leave comment