35 - સ્પર્શમાં / ધીરેન્દ્ર મહેતા


અહીં ઊછળે ગગન ચૂમતો સમંદર, તરંગના સ્પર્શમાં,
લે, છલછલ કશુંક એવું જ થાય ઉરના ઉમંગના સ્પર્શમાં !

નડ્યું ના કશું, ગયો વિસ્તરી અહીં સાત રંગના સ્પર્શમાં,
મળ્યા હું મને અહીંયાં કને હમેશાં સળંગના સ્પર્શમાં.

બજે સૂર એકસરખા અહીં બધાયે પ્રસંગના સ્પર્શમાં :
પણે જે મૃદંગના સ્પર્શમાં, અહીં મોરચંગના સ્પર્શમાં !

ન હોવા વિશેની કઈ મૂંઝવણ તને રોકતી અરધમારગે ?
મળી જાય ગતિ કદાચિત તને હરણની છલંગના સ્પર્શમાં !

બને વેદનાય વરદાન જો વહેંચાઈ જાય લયમાં કદી,
રહ્યો તરફડી હજી શબ્દ કો' ઘવાયા વિહંગના સ્પર્શમાં !

૧૩-૧૧-૧૯૭૯


0 comments


Leave comment