36 - વન / ધીરેન્દ્ર મહેતા


એક વાર
હું જોઉં છું તો
ઊગી ગયું છે
મારી આગળ-પાછળ વન !
મારા પગમાં બાંધ્યાં હોય એમ આ વૃક્ષો ચાલે,
કૈંક અજાણ્યા
ઓરાં આવી
મારાં જટિયાં ઝાલે.
મસ્તક ઉપર ધરીને સાચાખોટ્ટા રંગોવાળાં ફૂલ
વૃક્ષો અરાંપરાં બહુ નાચે.
હું નાચું,
પણ વચ્ચે છે કેક અજાણપણાની વાડ, વાડમાં
ખોવાયો છે રસ્તો.
વાડને પૂછતો જાઉં :
હું કયે મારગે આવ્યો
ને કયે મારગે જાવા ચાલ્યો ?
અસવારો તો આજુબાજુ અનેક,
દોડાવે કોણ એમનાં વાહન ?
બધાં જડાઈ બેઠાં કેવાં,
જાણે કોઈ પ્રેત !

મારા હવડ ગળામાં
આજ લગી
ગૂંગળાઈ રહી છે
એક બૂમ.
એ બૂમ ઝાલી કોઈ આવો !
વનના દેવો રે છોડાવો !
સામે આવી એક નદી આ,
જેને તીરે
રમ્યાં હતાં સૌ
યાદ કરીને
ભૂલી જવાની રમત.
નીર નદીનાં પાઈપાઈ
નથી ઉછેર્યું મેં જ ભલા આ વન?

મુજ આંખ-કાન ને મુખમાંથી
ફેલાઈ રહ્યું આ વન ?
મારી આંખોમાં જે બેઠેલો
એ કાગ ગયો ક્યાં ઊડી,
શું આ વનમાં ?
મુજ કંઠે મહીં
સો સો જુગથી
ઝૂરી ઝૂરીને
સાદ બપૈયા કેરો
સાવે શમી ગયો
આ વનમાં ?
આ છાતીમાં ટહુક્તા
જે મોર હતા એ
ખોવાઈ ગયા
આ વનમાં?
નથી અહીં દવ લાગ્યો તોયે
ચોગમ ઊઠે ધુમાડા.
બધે પડે
રઘવાટ તણી ચિચિયારી;
હોમાયા શું એમાં
મારા કાગ, બપૈયો, મોર અવાચક?

રોમરોમમાં પ્રગટાવીને જ્વાળા
બાળી નાખું ઘડીકમાં વન;
નથી નથી હું હુમાપંખી,
ક્યાંથી પામું પાછે જન્મ?
ઠાગાઠૈયા કરતો હું તો
ચાંચુડી ઘડાવું છું....

૧૯-૩-૧૯૭૬


0 comments


Leave comment