37 - કવિનું તહોમતનામું / ધીરેન્દ્ર મહેતા


સૂર્યશશિઉડુગણોને હવે હોલવાઈ જવા દો પ્રથમ,
આજ જન્મજન્માન્તર થયાં,
જેમનાં દાહ ને શૈત્યથી
થઈ ગઈ છે જરઠ મુજ ત્વચા.

આ દશે દિશાઓ તણાં દ્વાર ભીડી હવામાત્રને
બહાર કાઢો તરત,
પ્રાણવાયુબહાને શ્વસનમાં કહો, શું ન ભેળવ્યું ?

જળ સકળ આજ શોષાઈ જાવા દિયો,
વિસ્તરી પાસ મારી, તડફડાટ જોયા કરે ક્યારથી.

આભ–પૃથ્વીય અદૃશ્ય મારી સમક્ષ થાય એવું કરો,
સબડતો-ખખડતો ને રિબાતો રહ્યો
રુગ્ણ જેમાં સમય.

શૂન્યતામાં વહેતો કરી શબ્દને
એ પછી લઉં અહીંથી હું વિદાય...

૩૦-૦૩-૧૯૭૬


0 comments


Leave comment