39 - મૃત્યુ / ધીરેન્દ્ર મહેતા


ટ્રેનનું ઊપડવું. ટ્રેનના બે પાટાઓ પર મારા પડછાયાનું
કપાઈ જવું. શેષ ધુમાડાઓમાં વેરણછેરણ મારા પડછાયાને
ફંફોસવું. એમાંથી જે સાંપડ્યું તે બે હાથનો સંપુટ રચી
એકત્ર કરવું. એકએક અંશનું સંકળાવું અને ફરી સંબંધનું
રચાવું. એકએક ક્ષણનું લંબાવું. લંબાવું ને અહીં સુધી
ફેલાવું. ફેલાવું ને ટ્રેનના બે પાટાઓ પર કપાઈ જવું....
પેલી બિડાતી આંખોમાં ઠરી જાય છે એ નથી મૃત્યુ.
મૃત્યુ, એ તો છે પામવાની ચીજ. સ્મશાનેથી પાછા
વળતા ડાઘુઓના ખભ્ભા તો હોય છે ખાલી. ટ્રેનના
ધુમાડાઓમાં નથી થતો કંઈ લય, ખતમ થયેલા એક
સંબંધના પડછાયાને... ચિચિયારીઓ સાથે કોઈક વાર
કોઈ ટ્રેનનું થોભવું. થોભેલી એ કોઈક ટ્રેનથી તારું
સહસા ઊતરવું. ને અચાનક પ્લેટફોર્મ પર તારાં
ચરણનું ખોડાઈ જવું. કશુંક ખોળતી હોય એમ તારી
બન્ને આંખોનું ઢળવું. બે હાથનો સંપુટ રચી એને જે
સાંપડ્યું તે એકત્ર કરવું. એકએક અંશનું સંકળાવું અને
ફરી સંબંધનું રચાવું. પુનઃ પુનઃ એકએક ક્ષણનું લંબાવું
લંબાવું ને પ્રત્યક્ષ ક્ષણ સુધી ફેલાવું. ફેલાવું ને ટ્રેનના
પાટાઓ પર કપાઈ જવું...પેલી બિડાતી આંખોમાં
રહી જાય છે એ નથી મૃત્યુ.

૧૦-૦૬-૧૯૭૬


0 comments


Leave comment