8 - નીલેશનું મૃત્યુ / કંદર્પ ર. દેસાઈ


જોતજોતાંમાં સમય વીતે છે. એ સમય જેનો મારે કશો ખપ નથી. કોઈ નિશાન તાર્યું નથી તેથી સમયની પણછમાં વપરાશનું તીર ચઢાવવાનું નથી. વીંધ્યા વિનાનું આ જીવવું... મેં ફરિયાદ કરવાનું મૂકી દીધું છે. કેમકે મનમાં ફરિયાદનો ભાવ ઊઠતો જ નથી. આ રીતે મેં મૃત્યુને નજીક આવેલું જોયું છે. મન શાંત અને બિલકુલ નિર્ભીક છે.

નિલેશને ગુજરી ગયાને ઠીક ઠીક સમય વીત્યો. તે છતાં એનો ઓથાર મનમાંથી ખસતો નથી. એ ઘટના ભુલાતી નથી. તે દિવસે લાખોટા તળાવ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ટોળે વળેલું જોયું. ફાયરબ્રિગેડના એક બે યુનિફોર્મ પણ જોયા. હશે, કોઈએ છૂટકારો મેળવવા તળાવ પસંદ કર્યું લાગે છે. તદ્દન પાસેથી પસાર થવા છતાં લેશમાત્ર કુતૂહલ ન જાગ્યું. એમ જ પસાર થઈ ગયો.

બરોબર આઠ દિવસ પછી જાણવા મળ્યું કે એ લાશ નીલેશની હતી. મોર્ગમાં પડેલી, ફૂલીને ફોગાઈ ગયેલી, ન ઓળખી શકાય તેવી. ચસોચસ થઈ ગયેલાં એનાં શટપેન્ટ – સહેજ અડતાં જ પાણીનો ફુવારો છૂટે ને પારાવાર ગંધ ! કઈ રીતે એ દૃશ્યથી પીછો છોડાવી શકાય ? ને તોય એ વારંવાર યાદ આવ્યા કરે. વચ્ચે છાપાંમાં લાશના ફોટા સાથે જાહેરાત પણ આવી હતી. બિનવારસી લાશ, થોડું વર્ણન, સંપર્ક કરવો વગેરે – કદાચ એ જોયું હોત તોપણ – જોકે હું કે કોઈ શા માટે એ જુએ? નીલેશ આટલા દિવસ ગેરહાજર હતો તો હતો. એ બાબત પણ કોઈના ધ્યાનમાં ન હતી. હૉસ્ટેલમાં બાજુની રૂમમાં રહેતા ત્રિવેદીએ કહ્યું,
‘મને શી ખબર ? મને એમ કે એ રાજકોટ ગયો હશે–'

મેસમાં પણ ગેરહાજરી. સેક્રેટરી કહે, ‘મને જાણ નથી કરી. બાઈને કહી ગયો હતો કે બે દિવસ જમવા નહીં આવે. પછી એ આવ્યો જ નહીં....’ રૂમની તલાશી લેવા પોલીસ આવી હતી. માએ લખેલા ખરખબરના પત્રો, પુસ્તકો, કપડાં, થોડી રોકડ – એકદમ સામાન્ય સ્થિતિ, જે સરેરાશ દરેક રૂમમાં હોય. કશું ખાસ નહીં, કશી ચિઠ્ઠી-ચબરખી સુધ્ધાં નહીં. જે એની મુર્મૂષાનું કારણ ચીંધી શકે. બનેવી રીક્ષામાં સામાન નાખીને ચાલ્યા ગયા. રૂમને તાળું લાગી ગયું. એક માણસ મરી ગયો. નામશેષ થઈ ગયો પણ એનું મૃત્યુ મારામાં જીવતું રહ્યું. શા માટે હું એના મૃત્યુને વાગોળ્યા કરું છું ? અકબંધ દીવાલમાં દરવાજો ગોતવા જેવી આ નિરર્થક મથામણ - ગળામાં ચીસ આવીને અટકતી નથી રુંવે રૂંવેથી પ્રગટે છે. મારા શબ્દોમાં, મારી પ્રવૃત્તિમાં છતો થતો પાગલપણાનો આ તબક્કો મને પણ શું લાખોટાને કાંઠે લાવીને ઊભો રાખી દેશે ?

નીલેશ ચુપચાપ ગુમસૂમ રહેતો. લગભગ એકલો. એના મિત્રો પણ ઓછા. ડિપાર્ટમેન્ટમાં પણ ખપપૂરતી વાતો કરે. ઉતાવળે બોલે તો ઊજળા ચહેરા પર રતાશ ધસી આવે. એના વ્યવહાર પરથી ભાવ કળવા મુશ્કેલ જણાય. એના ઓછાબોલા પણાએ જ એની ગેરહાજરી વરતાવા ન દીધી ! તો શું મારે મારી હાજરીને વધુ બોલકી બનાવવી? લોકોને જાણ થવા દેવી કે હું છું. હું અજય. અજય અ. દેસાઈ જીવું છું. પાંચ હાથ પૂરો. બે દિવસ પહેલાં જ સડક ઓળંગતા એક સ્કૂટરવાળા સાથે સાયકલવાળો અથડાતા રહી ગયો. બે વચ્ચે એવી તો જામી – ખાસ્સું ટોળું જમા થઈ ગયું. અને ટ્રાફિક જામ. છેવટે પોલીસ આવી. બેઉનાં નામઠામ નોંધ્યાં ને છૂટા પાડ્યા. આ રીતે બંનેની નોંધ લેવાઈ. મારી નોંધ લેવાય એ માટે પણ કંઈક નાનુંમોટું તોફાન કરવું જોઈએ. નીલેશે કેમ એવું કંઈ ન કર્યું ? આટલી બધી ચુપકીદી. સારી નહીં નીલેશ ! ના, નહીં જ.

બોલવું જોઈએ, લોકો સાથે. હરવું ફરવું, હાહાહાહી કરવી, પાનના ગલ્લે જઈ કીમામવાળો મસાલો મોંમાં દબાવવો કે પેટમાં ગોળો ચઢે તો લીંબુ-મસાલાવાળી સોડા – છેવટે બૈરી સાથે ગુસ્સો કરી લેવો કે છોકરાંને ધોલધપાટ કરવી. રસ્તે ચાલતા કોઈની ઠેકડી કરવી. ટોળું જમાવવું ને પોતાની જાતને ઘડીક ભૂલી જવી જેથી કોઈ તમને ટોળાથી જુદા ન પાડી શકે. તો જ તમે જીવી શકો, જેમ આ દુનિયા જીવે છે. અજય, અજય તારે આ કરવાનું છે.

અજયને સ્હેજ હાંફ ચઢી આવી, માથે પસીનો પસીનો થઈ આવ્યો. બહાર નીકળી જવાની ઇચ્છા થઈ પણ વળતી ક્ષણે જ રજાઈ ઓઢીને અંધકારમાં ડૂબી ગયો. ગાઢ, ઈડરના કાળા વિશાળ પથ્થર જેવો ઘટ્ટ અંધકાર ! બીજે દિવસે ઊઠ્યો ત્યારે શરીરમાં સુસ્તી હતી. થાક જેવું લાગતું હતું. એ બાલ્કનીને બદલે પૅસેજમાં જઈ ઊભો. કોઈ ડોકાય તો સ્હેજ હસીને દિવસ શરૂ કરે પણ ફેરિયાએ નાખેલા છાપા સિવાય કંઈ જ ન હતું. આ છાપું ! ક્યારેક તો છાપું જોવાની પણ હિંમત નથી ચાલતી. ખૂન અને બળાત્કાર. એવા તે કેવા પ્રસંગો બનતા હશે કે એક માણસ બીજાને ખતમ કરી નાખવા સુધીના ઝનૂને જઈ ચઢે અથવા એક પુરુષ એક સ્ત્રીને ભોગવવાની પ્રચંડ લાલસાને રોકી ન શકે – આ કંઈ કાનમાં સળી નાખીને મેલ કાઢવા જેટલી સરળ વાત તો નથી જ.

અજયની નજર સમક્ષ ખબરો આવે છે. બે ભાઈઓ. મિલકતની વાતે શરૂમાં ઝઘડો થાય. દેરાણી-જેઠાણી બળતામાં ઘી હોમે. એક દિવસ છોકરાઓની વાતે બે ભાઈઓ વચ્ચે ખૂબ ઝઘડો થાય. પાસ-પડોશીઓ આનંદ માણે. ઉશ્કેરાટથી તરબતર નાનોભાઈ ધારિયું લઈ આવે. કોઈ રોકેટોકે એ પહેલાં તો ઘચ્ચ દઈ –

અથવા ચાર દરબારની એક ગેંગ. ખેતીની આવક ઊણી ને ભણતર ઓછું. પૈસાની ખેંચ ને ઉછાળા મારતું લોહી. મકાન ખાલી કરાવવાનો ધંધો જમાવી દીધો છે. મકાન ખાલી નથી કરતો. હાથમાં રામપુરી ચાકુ લઈ મૂછોવાળો જુવાન ધસે છે. અડગ સામનો, ઝપાઝપી અને લોહીથી તરબોળ કરો.

ચંપા બહુ લટકાળી, સ્હેજસાજ આંખો મેળવતી પણ સમાજની શરમે ખરી. રાજુ મેરને ચસકો પડી ગયો હતો એને જોવાનો. પણ કંઈ એકલા જોયે જુવાની થોડી ઠરે ? લઈ લીધી એક દી બાથમાં અને – રાજુએ કંઈ અમથેઅમથી હિંમત થોડી કરી હોય ? સામેવાળી ય કાંક તો ભીની થઈ હશેને, બાકી બધી વાતો.

તોપણ કેવું કેવું બનતું હોય છે. લોકોના જીવનમાં બધું ભરચક હોય છે. ક્યાંય એકે ખૂણો ખાલી નથી હોતો. મારે તો બધા ખૂણા ખાલી – સવારે ઊઠીને જાતે ચા બનાવીને ટ્રેમાં ગોઠવું છું. હું, થર્મોસ ને એક ખાલી કપ.

ઝીણી ઝીણી વાતમાં મન ભાંગી જાય છે. કોઈ રીતે સંધાતું નથી ને કરચો ખૂંચ્યા કરે છે તીણું તીણું. નાના બાળકની સામે કરેલા સ્મિતનો પ્રત્યુત્તર મળતો નથી ને મનમાં તડ પડે છે. ઑફિસમાં એકાદ કર્મચારી પર કરેલા ઉપકારને નબળાઈ ગણવામાં આવે ને મન –

એકથી વધારે છે મન. જરા જરા શી આંચમાં શેકાવા મંડે છે. પોપકોર્ન મશીનમાં ફૂટતા મકાઈદાણાની જેમ મન ફૂટવા માંડે છે. ફૂટ્યા પછી મોટો ફૂલેલો દાણો ઊછળ્યા કરે છે. એ ઊછળાટ પણ વાગે છે. બોજો લાગે છે. સતત રહેતી બેચેનીને દૂર કરવા તળાવની પાળે જઈ બેઠો. વરસો જૂનું તળાવ. એક બે રાજવીની પ્રતિમા છે પણ પહેલાં જેવું મોહક નથી રહ્યું. પાણીના સડવાની ગંધ છે, તળાવ છેડેથી સુકાવા લાગ્યું છે ને ત્રણ ટુકડામાં વહેંચાઈ ગયું છે. વચ્ચેથી પસાર થાય છે રસ્તાઓ. હું પણ આમ વહેંચાઈ જઉં. સુશીનો અજય, મમ્મી-પપ્પાનો અજય, ઑફિસનો બૉસ અજય અને એક અજય ફક્ત મારો, બિલકુલ પોતાનો. ઇચ્છાઓ છે, આ બધી ઇચ્છાઓ છે માત્ર એને પૂરી કરવાનું બળ પૂરનાર કોઈ નથી. એવું કોઈ હોય એવી ઈચ્છા પણ નથી. મારા મનમાંથી ઓસરતી જતી આ ઇચ્છાઓ. મૃત્યુને વધુ નજીક આવેલું જોઉં છું ને ભય પામું છું. ઊંડેથી ડૂબતો માણસ હવાતિયાં મારે એમ હું નીલેશનાં નામની માળા જપું છું. નીલેશ, નીલેશ તને પણ શું આવું જ કંઈક થયું હતું? સાઈકેડલીક ચિત્રની જેમ પ્રશ્ન મારી નજર સામે ઊપસ્યા કરે છે. અકળાઈને હું બૂમ પાડું છું...

પડોશીએ બેલ દબાવી. મેં બારણું ખોલ્યું.
‘આવોને !’
‘ના ખાસ કશું નથી. મેં કઈક અવાજ સાંભળ્યો એટલે... કશી તકલીફ....’
‘ના, ના સારું છે. તમે પૂછ્યું એટલે વળી, વધુ સારું. પણ મને ખ્યાલ છે ટી.વી. ચાલુ છે તો... એમાં આજકાલ કેવા કેવા પ્રોગ્રામ્સ આવે છે.'
‘હા, અમારા નંદુને..... ભલે કંઈ કામ હોય તો કહેજો!’
‘બસ જશો...’ ડોકું ધુણાવી ઘૂસી ગયા પોતાના દરમાં.

તો આમ છે. એક બૂમ એકને જગાડી શકે ને ટોળા વચ્ચે પાડેલી બૂમ.... ગાંડો ગણી કાઢે અથવા એને પણ ટી.વી. પર આવનારી સિરિયલનું કોઈ દૃશ્ય સમજી લે ! ચહેરા પર સ્મિત પ્રસરે એ પહેલાં અજયને એક પ્રશ્ન ઊઠ્યો. ક્યાંક આ, આ આખી વાત બનાવટી તો નથીને ? એ ક્યારનો બેઠો બેઠો ટી.વી. જોયા કરે છે. સંવાદની ઇચ્છા છે, તેને ક્યાંક આમ જ મનોમન તો પૂરી નથી કરી લીધીને? એ શું કરે તો આ આખી વાતની સચ્ચાઈની ખાત્રી થાય ? સામેવાળાના ઘરની બેલ દબાવે કે – આપણા નીલેશના મૃત્યુ જેવું એણે તો મરી લીધું. અધૂરી રહેલી વાર્તાની જેમ એ અંકોડા મૂકતો ગયો. કોણ જાણે છે, એના હિસાબે તો મરી જવાથી વાત પૂરી પણ થતી હોય !

તો શી વાર્તા છે એ... એ ગુમસૂમ ચુપચાપ રહેતાં માણસની અથવા એની શી વાત હોઈ શકે? કેટલી શાંતિથી, કેવી ચુપકીદીથી એ ચાલ્યો ગયો – આઠ દિવસ સુધી – હા તો વાત આમ છે. એના જીવનમાં તો કંઈ ન બન્યું. તો શું કશુંક બનાવવા માટે એણે આમ ચુપચાપ મરણ પસંદ કર્યું ? શું એ જ મોટી વાત ન થઈ !

હજી થોડા દિવસો પહેલાં એક છોકરો રાત્રે એકલો એકલો ચાલવા નીકળ્યો હતો. કદાચ જોગવડના મંદિરે જવા. ઘણાં એમ જતાં જ હોય છે પણ આ ટ્રકની હડફેટે ચઢી ગયો. પળેકવારમાં લાશ થઈ ગયો. યાત્રાળુઓ પસાર થતા ગયા. એ એમને એમ જ રહી ગયો. હેડલાઈટો ફેંકાતી રહી પણ કોઈને ખબર પડે તેથી યે શું ? કહે છે બિનવારસી લાશને હોસ્પિટલવાળાઓ મેડિકલ કૉલેજમાં મોકલી આપે છે. મોટાભાગે તો પોલીસ જ ૩૬ કલાક રાહ જોયા પછી અગ્નિસંસ્કાર કરે. ખબર પડે તો ઠીક છે – કબર સુધીયે પહોંચી જાય બાકી...

એને લાગ્યું, કાળા વિશાળ પથ્થરો પણ આખરે પાણીના બનેલા છે. એક છેદ થયો છે અને પાણી વહી રહ્યું છે. ઊછળતું-તરંગાતું પાણી આકર્ષે છે. કૂદી પડાશે તો – થોડું પાણી પી જવાશે. તરતાં નથી આવડતું તેથી હાથપગ ઊછળી ઊછળીને તરફડશે ને ધીમે ધીમે ડૂબી જવાશે. પછી લાશ તરતી રહેશે. કેટલા દિવસે મળશે ? ને કેટલા દિવસે કોઈને ખબર પડશે? આઠ કે તેથી વધુ ?... આજે હૉસ્પિટલમાં કેટલી બિનવારસી લાશ પહોંચી હશે ?

આ દુર્ગતિ શા માટે લંબાવી જોઈએ ? હું આજે હમણાં જ જઈને જોઉં કે. સમયસરના નિર્ણય પછીના સ્વાભાવિક સંતોષના ભાવથી ઊભો થયો અને હૉસ્પિટલ પહોંચ્યો. દરવાજા વટાવતો પેસેજમાં થઈ મોર્ગ પાસે જઈ ઊભો. એટેન્ડેન્ટે પૂછ્યું, ‘કોણ છો ભાઈ ?'
‘હું અજય. અજય દેસાઈ.’
‘કોઈ સગુંવહાલું. નામ શું ક્યારે ?....’
‘ના એટલે કે હા, હું, મને....’
‘હા ભાઈ સમો જ એવો છે. કોણ ક્યારે છોડીને જતું રહે અને આપણે... કોણ – ભાઈ કે બહેન – કોઈ ખાસ નિશાની યાદ છે ? માણસ કેટલા દિવસથી ગુમ છે ?’
‘ત્રણ ચાર દિવસ કે મહિનો... વરસ....’ યાદ કરવાની ઢબે અટકતો હોય એમ અજય અસ્પષ્ટ જ રહી ગયો.
‘એમ !’ એટેન્ડન્ટના અવાજમાં થોડું આશ્ચર્ય ભળ્યું.
‘એમ કરો. તમે જોઈ જ લો.’ કહેતાં તેણે મોર્ગનો દરવાજો ખોલ્યો. ઝાંખા ઉજાસ ને અપાર ઠંડકના સ્પર્શથી દેહમાં કંપારી ફરી વળી. ગંધથી ટેવાતાં જઈ એટેન્ડેન્ટના અવાજથી દોરવાતો એ આગળ વધ્યો. સફેદ ચાદર ઓઢીને પડેલા કેટલાક આકારો...

પહેલું શબ એક યુવાન છોકરીનું હતું. દહેજની અધૂરી અપેક્ષા અને આગ. એટેન્ડેન્ટ વાતોડિયો છે, બોલવું ગમે છે ‘બિચારી... હજી તો જિંદગી જોઈએ ન’તી ને મોતેય આવું...’

બીજું, ત્રીજું... દરેકની કોઈ ને કોઈ કથા અને એ કથાનું શોખથી કહેવાવું. એક લાશ પાસે અટકતાં કહે, ‘આ ત્રણ દિવસથી છે. કોઈ નહીં આવે તો કાલે પોલીસ લઈ જશે. એનું કોઈ નહીં હોય ? એવું તે હતું હશે? જુઓ તો...’ કહેતો એ આગળ વધ્યો.

હળવેથી અજયે ચાદર ઊંચકી. ચહેરા ભણી નજર કરી. અજવાળું આછું પાંખ્યું હતું તોય આકાર ઓળખી શકાયો. શું ? શું? એ પોતે ? ઇમ્પોસિ... સાવ શાંત, ભયરહિત. પોતાના કપાળે હાથ ફેરવી અજયે પસીનો લૂછ્યો. સવાલ થયો કે ક્યાં હાથ ફેરવી રહ્યો છે, ત્યાં કે પોતાના કપાળે ? ઝડપથી ચાદર ખેંચી લીધી. કંઈ સંચાર ન થયો, ન જ થાય.
[‘શબ્દસૃષ્ટિ' સપ્ટેમ્બર, ૧૯૯૬]


0 comments


Leave comment