3.2.4 - પ્રણયઝંખનનો ઝુરાપો / રાવજીનું કથિતદર્પણ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   રાવજીનાં અનેક સંવેદનકેન્દ્રોમાં અતિજાગૃત અને પ્રબળ રીતે સક્રિય સંવેદનકેન્દ્ર છે તેની પ્રણયપિપાસાનું. તેની આ પ્રણયપિપાસાનું થોડુંકે ય ઉત્ખનન કરીશું તો જણાશે કે રાવજીની આ આવેગશીલ પ્રતિક્રિયા દાખવતી પ્રણયપિપાસા તેના અસ્તિત્વની અનેકવિધ દિશાઓ અને દશાઓની ય દ્યોતક બને છે.

   રાવજી એની આરંભકાલીન રચનાઓમાં જીવનના આદર્શોન્મુખ મૌગ્ધ્યપૂર્ણ દર્શનનો રંગદર્શી મહિમા આલાપે છે. તો વાસ્તવબક્ષ પરિપક્વતાનો સ્પર્શ તે પછીની કૃતિઓમાં અદમ્ય પ્રણયઝંખના અને ઝુરાપાને ઉમેરે છે. ઝંખના અને ઝુરાપાથી સિક્ત તેની કવિતામાં રુગ્ણતાને કારણે પ્રવેશેલો દૈહિક અશક્તિ અને ચૈતસિક સશક્તિ વચ્ચેનો વિસંવાદ તીવ્ર બને છે અને જાણે તાડિત રતિભાવના ફૂત્કારમાં તેની નારીલિપ્સા જાતીયતા સામેના યુદ્ધાક્રોશમાં ફેરવાઈ જાય છે. તો વળી, અંતકાલીન દીર્ઘરચનાઓમાં તેની મૌગ્ધ્યભંગથી અસ્તિત્વનાં અંતરાલો સુધીની આંતરયાત્રા કરીને આવેલી પ્રણયપિપાસા અસ્તિત્વના અનેકવિધ પાસાંઓની પ્રતીકાત્મક્તા ધારણ કરે છે. રાવજી નારી દ્વારા જાણે પોતાના જ મૃત અર્ધાંગને મામલાની પુનઃજીવિત કરવાની મથામણ કરે છે. સાથો સાથ પ્રણયઝુરાપાની પ્રલાપાત્મક અભિવ્યક્તિ દ્વારા તે મૃત્યુની ભયાવહ ઉપસ્થિતિને ઠેલતો-ઠોલતો પણ જોવા મળે છે.

   રાવજીની આ પ્રણયકવિતા સીધીસાદી પ્રણયકવિતા નથી પણ તેથી ય કંઈ વિશેષ અને વિલક્ષણ તત્વનો આર્વિભાવ સાધતી કવિતા છે. તે ઉચ્ચ આધ્યાત્મિક્તા સાથે યા માનવજીવનના સરળ સપાટ અધ્યાસો સાથે સમીકરણ માંડી શકે તેમ નથી. પરિણામે તે વધુ સંકુલ અને જટિલ બને છે. રાવજીના અતિસંકુલ, સંવેદનશીલ અને વિલક્ષણ ચિત્તવિશ્વનો તે એક પ્રતીકાત્મક અને ધ્વન્યાત્મક આવિષ્કાર છે. તેના અસ્તિત્વની રમણાઓની પદરેણું જેવી તેની આ પ્રણયકવિતા તેના સંકુલ, સેન્દ્રિય, ઉત્તાપિત, આવેગશીલ, આક્રોશપૂર્ણ, પ્રમત્ત વિહવળ ભાવવિશ્વનું પ્રતિનિધિત્વ કરે છે.

   રાવજીના આ ભાવવિશ્વને ઉઘાડવા માટે એની આ પ્રણયકવિતાને ચારેક વિભાગોમાં વિભાજિત કરવી પડે. અલબત્ત, આ વિભાગીકરણ જલસખ્ત ન હોઈ શકે. રાવજીમાં પ્રણયનો ભાવ તેની કવિતાને એક સળંગ ધરાતલ બક્ષે છે. તેની પ્રણયકવિતાની ઉર્ધ્વરેખામાં બદલાતી રહેતી પ્રકૃતિ અને સતત પરિવર્તિત થતી રહેતી પરિપક્વતા તેના જીવનવિષયક દૃષ્ટિકોણમાં આવેલા બદલાવને પ્રસ્ફુટ કરે છે તો સાથોસાથ તેની કવિતાના વિકાસની ગતિને પણ સૂચવે છે. એ રીતે તેની પ્રણયકવિતાના ચારેક ઉર્ધ્વરેખિત વિભાગ કરી શકાય.
(૧) મુગ્ધ અભિનિવેશદર્શી પ્રણયકવિતા
(૨) અદમ્ય ઝુરાપાદર્શી પ્રણયકવિતા
(૩) રુગ્ણતા અને તાડિતરતિભાવ પ્રેરિત પ્રણયકવિતા
(૪) મરણભાવ અને અસ્તિત્વવિષયક સમસ્યાઓ પ્રેરિત પ્રણયકવિતા
   રાવજીની પ્રણયકવિતાનાં વિવિધ પરિમાણોને જાણવા આ ચારેય વિભાગોનો મૂલગ્રાહી અભ્યાસ કરવો જરૂરી બને છે. આપણે ક્રમિક રીતે જોઈએ.
(ક્રમશ :...)


0 comments


Leave comment