3.2.4.1 - મુગ્ધ અભિનિવેશદર્શી પ્રણયકવિતા / પ્રણયઝંખનનો ઝુરાપો / રાવજીનું કથિતદર્પણ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   ‘૧૯૬૨માં રાવજી કવિસત્રમાં કવિઓ ભેગો દેખાયો’ (‘અંગત’’પ્રસ્તાવના’ લે.રઘુવીર ચૌધરી, પ્રકાશક આર.આર.શેઠની કંપની, અમદાવાદ, બીજી આવૃત્તિ, ૧૯૮૨, પૃ.૮) ત્યારે તે બાવીસતેવીસ વર્ષનો ફૂટડો જુવાન હતો. ત્રણચાર વર્ષનો ભ્રૂણાંકુરગાળો ગણીએ તો સત્તર અઢારની આસપાસ તેને કવિતાનું ઓધાન રહ્યું હશે. આ સમયગાળો તરુણાવસ્થાની સ્વપ્નિલતાનો ગાળો છે જ્યાં કોઈપણ માણસ આદર્શઘેલાં સપનાં જુએ છે અને તેને કાળજીપૂર્વક સેવે છે. જીવનની કરાલ વાસ્તવિક્તાથી અજાણ એવા આ જીવનખંડ ઉપર સ્વપ્નિલ મુગ્ધતાનું એકચક્રી રાજ્ય ચાલતું હોય છે. જીવન વિશેની મુગ્ધતા, ઉછાળા મારતી જીવનોન્મદ્તા અને આદર્શોન્મુખતા જાણે એક એવો રંગદર્શી અભિનિવેશ રચે છે જ્યાં કોઈપણ તરુણ પોતાના જીવનનકશા કોતરવા કળાનું ટાંકણું ઉપાડે છે. પોતાની જીવનકલ્પનાને મઢવાને માટે કળાનાં ઓજાર સજાવે છે. અલબત્ત, રાવજીમાં આ તારુણ્યની ભાવાવેશી અભિવ્યક્તિ સર્જતો સમયગાળો લાંબો ટક્યો નથી. એનાં સપનાં આંખ ખોલે કે પાંખ પ્રસારે તે પહેલાં તો તેની મુગ્ધતા ઓગળીને, જીવનની વાસ્તવિકતા સાથે સંઘર્ષાઈને, પરિપક્વ બની જાય છે. છતાં ય અંકુરનાં સ્કુરણકાળની હતાશા તેના આ ગાળાના સર્જનમાં જોવા મળે છે. રાવજીએ જીવનને પ્રથમ વખત જે રીતે જોયું, સાંભળ્યું, સૂંઘ્યું, સંવેદ્યું તેનો શાબ્દિક આવિષ્કાર તેની આ પ્રારંભિક રચનાઓને મુગ્ધતાપૂર્ણ ભાવાવેશ અને રમ્ય કોમલ અભિવ્યક્તિથી મંડિત કરે છે. ‘ઘવાયેલો સૈનિક’, ‘ઢોલિયે', ‘અમે', ‘ભીડ', ‘મન્મથ', ‘ઘરમાં બેઠાં બેઠાં’, ‘શયન વેળાએ પ્રેયસી', 'પછી', હાઇકુ', ‘ચાર ગઝલો' તથા ગીત ૧, ૩, ૫, ૮ અને ૧૪ જેવી રચનાઓનું આંતરબાહ્ય પર્યાવરણ જોતાં આ બધી કૃતિઓને તેની પ્રારંભકાલીન પ્રણય કવિતાઓ તરીકે ઓળખાવી શકાય. રાવજીની સર્જકતા આ બધી કૃતિઓમાં દટાયેલા ચરુ જેવી અનુભવાય છે. સુચારુભાવ, રમ્ય કલ્પના અને કામ્ય અભિવ્યક્તિ તેની આ રચનાઓનો સૌષ્ઠવયુક્ત પિણ્ડ બાંધે છે.

   રાવજીને મન પ્રેમ એક અસ્તિત્વની પ્રતીતિ આપતું, હોવાની અનુભૂતિથી ભર્યુંભર્યું રાખતું તત્વ છે. જીવનને ગતિ આપતું, તેને સજાવતું સંવારતું એ એક અગત્યનું પરિબળ છે. તેથી તો પ્રેમનાં અનેકવિધ રૂપો એકબીજામાં ભળીને તેની કૃતિઓમાં વિહરતાં જોવા મળે છે. પ્રેમ અને યુદ્ધના બન્ને મોરચે ઘવાયેલા સૈનિકની સ્મરણજંતરીના તારની ઝંકૃતિ રાવજીએ ‘ઘવાયેલો સૈનિક’ કાવ્યમાં નિરૂપી છે.
કપાયલી ડાળ પરે ટહુક્યું
પંખી, અને યાદ બધાંય આવ્યાં.
... ... ...
બંદૂક જે બિસ્તર પાસ ઊભી
ઉજાગરેથી નબળી પડેલી
પત્ની. ઘવાયો હમણાં ફરીથી.
(‘અંગત', કાવ્ય – ઘવાયેલો સૈનિક)
   કવિ સતત સહવાસ સાધતી બંદૂકને વિરહના ઉજાગરાથી નબળી પડેલી, પ્રતીક્ષામાં ઊભેલી પત્ની સાથે સહજ સરખાવે છે. સૈનિકના બિસ્તર પાસે ઊભેલી પત્નીની કલ્પનામાં અલંકરણ ઉપરાંત ભાવવિશેષનું સબળ પ્રત્યાયન કવિપ્રતિભાએ રચી આપ્યું છે.

   ‘ભીડ' કાવ્ય પણ રાવજીની આરંભકાલીન કવિતા પ્રવૃત્તિનું પ્રભાકર પરિણામ છે. પ્રણયની ઝાંખી મીઠી અનુભૂતિથી માણસ જ્યારે તરબતર થઈ જાય છે ત્યારે તેનો તે ભાવ છલકાતો આસપાસની પ્રકૃતિ ઉપર ઢોળાય છે અને જાણે સ્થળ, કાળ, વ્યક્તિ બધું ઓગળીને માત્ર ભાવસ્થિતિનું પરિમાણ ધારણ કરે છે. એક વ્યક્તિના પ્રવેશથી વાસ્તવલોક અને કલ્પના લોક બેઉ ભર્યા ભર્યા થઈ ગયાના અનુભવનું આ કાવ્ય કવિએ પ્રયોજેલી સૂચનાત્મકતાને લીધે કાવ્યત્વથી પણ છલકતું બન્યું છે.
એકાન્તમાં પણ ભીડ જામી કેટલી !
(‘અંગત', કાવ્ય - ભીડ)
   વિરોધીસન્નિધિ દ્વારા કવિ કોઈ વિલક્ષણ ઘટનાના સૂચનથી કવિતાનો આરંભ કરે છે અને ક્રમિક રીતે તરુણ વયે અનુભવાતી છોકરીના સ્પર્શની ઉત્તેજનાને હવાના આલંબને અનુભવ્યાની આહલાદક ક્ષણોના બયાન પછી ‘જુવાની'નાં પદને અદ્યાહાર રાખી, 'કાંઠા બેઉ છલકતા’ કહીને જાતીય ઉત્તેજના ઉપર શેરડો પાડતાં ‘વધી અંધારની હેલી’ કહી તેની પરાકાષ્ઠા રૂપે ‘રોમ પણ ઊંચુ જરી ના થાય એવો તો હવાનો પાશ’ ! વાળી પંક્તિઓ મૂકે છે. પાશ શબ્દ જેમાંથી છટકી ન શકાય તેવા ‘નાગપાશ’ના અધ્યાસો પણ વિલક્ષણ રીતે પ્રગટાવી આપે છે. પણ છોકરીના તરૂણને થયેલા આ તીવ્ર પ્રભાવક સ્પર્શને જો તે લંબાવવા માગે તો તે માટે હવે આ વાસ્તવિક લોકમાં તો શક્યતા નથી. માટે જ કવિ કલ્પનાલોકમાં વિહાર કરીને પણ તે સ્પર્શ સુખની ભ્રાંતિ પામવા માટે યત્ન કરે છે.
આ પુલની પેલી તરફના લોકમાં
થોડું ફરી આવું.
ડગલું ભરાતું માંડ
રે
એક જણની ભીડનો આવો મને ન્હોતો જરીયે ખ્યાલ !
('અંગત', કાવ્ય - ભીડ)
   આ લોકમાં વાસ્તવિક કન્યા સ્પર્શની ઉત્તેજનાને કારણે તસુ ભોંય બાકી રહી નથી. સર્વત્ર ઉત્તેજનાની ભીડ છે તો કલ્પનાલોકમાં-કવિતાલોક પણ ખરો -તે સ્પર્શના સ્મરણો, તેના વિશેના ભાવિષ્યિક તરંગો અને આહલાદની અનુભૂતિઓના ફુવારાઓએ તસુ ભોંય બાકી રાખી નથી. પરિણામે કવિનું હૃદય મન અને આંતરબાહ્ય કહો કે સમગ્ર અસ્તિત્વ એક હળવા સ્પર્શ માત્રથી છલકાઈ ઊઠે છે. કાવ્યક્ષણની ભીતરમાં ડોકિયું કરીને તેને સક્રિય રીતે વ્યક્ત કરતી રાવજીની કવિતા રીતિનાં અહીં ઈંગિત સાંપડે છે. ‘મન્મથ' કાવ્ય કવિની પ્રવૃત્તિનાં ઊંડાણોનું સારું એવું માપ કાઢી આપે છે. કામવૃત્તિ અને કવિતાવૃત્તિ વચ્ચે કવિને મન કોઈ ભિન્નતા નથી. આગળ જતાં, રાવજીએ કવિતા એટલે રતિક્રીડા એવી વ્યાખ્યા બાંધી છે, જેનાં મૂળ અહીં જોવા મળે છે.
કોણ મને આ કાવ્ય સરીખું પીડે ?
આ તે કોણ મને –
માટીનો પરખીને મનથી ખેડે ?
('અંગત', કાવ્ય - મન્મથ)
   કવિતા ને પ્રેયસી એકાકાર થઈ ગયા છે. બેઉની પાસે રમ્યતા છે, બેઉની પાસે આકર્ષણ છે, બેઉની પાસે પડકાર છે, બેઉની પાસે કામ-રતિનો અખંડ અનુભવ છે. કવિએ સારવી-તારવી લેવો છે એ તો આ અખંડ અનુભવપિંડ. ‘મન્મથ' કાવ્ય રાવજીની ભવિષ્યમાં લખાનારી કવિતાનું કવિતા અને રતિની સંગતિનું એક આખું પરિમાણ પોતાના ગર્ભમાં સાચવીને બેઠેલું કાવ્ય છે.

   રાવજીનાં પ્રણયકાવ્યો ગ્રામજીવનમાં કેટલાંક રમ્યરૂપોને દૈનિકની ક્રિયાઓને અઢેલીને બેઠેલા ભાવજગત સાથે કલાપૂર્ણ રીતે ઠાલવે છે. ભાવસૌંદર્ય અને તેની પડછે રહેલી અસ્તિત્વની સમગ્રતાની અનુભૂતિને કવિ એકપિંડ બનાવીને અભિવ્યક્તિ સાધે છે. ‘ઘરમાં બેઠાં બેઠાં’, ‘શયનવેળાએ પ્રેયસી’ વગેરે આવાં કાવ્યો છે. ‘ઘરમાં બેઠાં બેઠા’ કાવ્યમાં બપોરીવેળાના ફળિયાનું ચિત્રણ છે. ક્વોત, બાળકોની શાંત ક્રીડા વગેરે નિરૂપીને કવિ ‘પડે ટીપાં અવાજોનાં શ્રવણે મન ભાવતાં' જેવી પંક્તિ મૂકીને અવાજને લગભગ અશ્રાવ્ય શ્રાવ્યતાની કક્ષાએ લાવી મૂકે છે. લીમડે લચેલી કૂંપળો સાથે સમભાવતા અનુભવતો કવિ વળી પાછો અવાજના પરિમાણને સ્હેજ આઘુંપાછું કરે છે અને કુંપળો સાથેના પોતાના દોલનને ગૃહીણિના સૂપડાના થપકાર અને કંકણોના ધ્વનિ સાથે એકાકાર થતો અનુભવે છે. ગૃહિણી, લીમડો, અને પોતે બપોરમાં અશેષ ભળી ગયાં છે. ‘એમ આ લાગતું જાણે રાશલીલા અખંડિતા ચગી' હવે બચી છે માત્ર હોવાની સ્થિતિ-એક રીતે કહીએ તો કાવ્ય દ્વારા વ્યકિતચેતના અને પ્રકૃતિચેતનાના ઐક્યને પ્રણયભાવના આલંબને કવિ કળાત્મક રીતે રાસાયણિક અવલોકન કરાવે છે.

   ‘શયન વેળાએ પ્રેયસી' કાવ્ય પણ રાવજીના વૈચિત્ર્યપૂર્ણ પ્રણયોન્મેષોનો વિલક્ષણ આવિર્ભાવ છે. પત્નીની હાજરીમાં પ્રેયસીની ઉપસ્થિતિથી અનુભવાતી મૂંઝવણનું કવિએ રમ્યતાપૂર્વક નિરૂપણ કર્યું છે. તિર્યક રીતે સ્થિતિવક્તા દ્વારા ભાવ વક્તા સાધી કવિએ વિલક્ષણ ભાવક્ષણને કાવ્યક્ષણ તરીકે સેરવી લીધી છે. અનુભવોના પ્રાચુર્યથી ભાવઘનતાનો અનુભવ કરાવવાની રીતિ અહીં જેટલી કારગત નીવડી છે તેટલી જ ક્રિયા પ્રતીકોના નિર્માણની કવિપ્રવૃત્તિ પણ પ્રભાવક નીવડી છે.

   હાઈકુ ૨-૩ અને ૬ પણ કવિની પ્રારંભિક કવિતા પ્રવૃત્તિની વિશિષ્ટતા તરફ અંગુલિનિર્દેશ કરે છે :
ગીત સાંભળી
ડૂંડું ડોલ્યું, ઉપર
ચકલી બેઠી.
(‘અંગત’ કાવ્ય – દશ હાઈકુ)

છત્રી નીચે છે.
બે જણ ગુપચુપ
સર્વ સાંભળે
(‘અંગત’ કાવ્ય – દશ હાઈકુ)

રસ્તા ઉપર
એક સફરજન
અસંખ્ય આંખો
(‘અંગત’ કાવ્ય – દશ હાઈકુ)
   ઉપરના પ્રથમ હાઈકુમાં ડૂંડા ગીત સાંભળીને એક નાનીશી પ્રતિક્રિયા જન્મી છે - ડોલવાની. પણ આ ડોલનનાં આંદોલનો એટલાં તો પ્રભાવી છે કે તે અન્યમાં પ્રતિભાવનું રોપણ કરી શકે. અને તેથી કરીને જ પ્રતિભાવ રૂપે ચકલી તેની ઉપર આવીને બેસે છે. સ્પંદનના પ્રતિભાવમાં સ્પંદન. લયના પ્રતિભાવમાં લય. જીવનના પ્રતિભાવમાં જીવન. કવિ એક નાની શી રચનામાં ય જીવનનું રમ્ય સત્ય પ્રગટાવી આપે છે.
ચકલી ગાતી
હરખ ભરીને ગાણું,
ડૂંડું બહેરું.
(‘અંગત’ કાવ્ય – દશ હાઈકુ)
   એવા એકબીજા હાઈકુ દ્વારા કવિએ વિસંવાદી પ્રણય જીવનની વાત પણ સ્થિતિવિરોધ દ્વારા ઉપસાવી છે. બીજા હાઈકુમાં વરસાદને ‘આઉટ ઓફ ફ્રેમ' રાખીને પ્રણયીઓને છત્રી નીચે છુપાવીને, સર્વને સાંભળતા દર્શાવી કવિએ લુપ્ત દૃશ્ય અને લુપ્ત ભાષાને અનેરો પ્રભાવ બક્ષ્યો છે. આખુંય હાઈકુ રમ્યતા અને ધ્વન્યાર્થથી ભર્યું ભર્યું લાગે છે. તો ત્રીજા હાઈકુમાં આદમ અને ઈવના આદિ ફળ ‘સફરજન’ના ઈંગિત દ્વારા માનવજાતની કથાના એક સનાતન અંશને કવિ ચીંધે છે. અહી પ્રણયભાવની વિવિધ સ્થિતિઓ અને ભાવસ્પંદનોને કવિતાઈ ખૂબીઓથી અલંકૃત કરીને કવિએ પેશ કરી છે.

   હાઈકુની જેમ કવિના આરંભકાલીન ગીતોમાં પણ તેનો બળુકી સર્જકતાનું પગેરું સાંપડે છે. ‘આપણને જોઈ’ના આવર્તનથી સંચાલિત થતું અને પ્રતિભાવોની ક્રમિક ગૂંથણી દ્વારા આકાર પામતું ગીત કવિના કૌશલને તો ચીંધે છે જ સાથોસાથ તેના ભાવવિશ્વનો પણ પરિચય કરાવે છે. બગીચામાં લીલોતરી સળવળે ડાળીઓ ફૂલમોડ પ્હેરી લે, જેવી મૃત જગ્યા.

   છોકરા વરવહુ રમે કે ઘરડાંને (દૂધિયા) દાંત ફૂટે. આપણને જોઈને થતી આ સર્વ પ્રતિક્રિયાઓમાં અંતે તો કવિ કુશળતાપૂર્વક પ્રણયભાવનું જ વહન કરાવે છે. ‘સાંભળતો સખી આંખ પર ફૂટ્યું ગુલાબ' ગીતમાં કવિ પ્રણય અંકુર ફૂટ્યાની ઘટનાને કૌડિપૂર્ણ ઘટના ગણે છે. અસ્તિત્વનાં ઊંડાણોને મૌગ્ધ્યથી તરબતર કરી દેતી જાણે કોઈ અનહોની ઘટના બની છે અને પરિણામે પોતે આનંદોર્મિઓથી છલકાઈ ગયાનું કવિ અનુભવે છે. પ્રથમ પ્રણયના રોમાંચને વ્યક્ત કરવા કવિએ કેટલાક પ્રસ્થાપિત શબ્દઅધ્યાસોનો વિલક્ષણ વિન્યાસ સાધીને ભાવસંક્રમણ સાધ્યું છે. ‘મોરલાની ડાળ’માં વિશેષણથી વિશિષ્ટતા સૂચવીને તે ‘નરી ટહુકાની નવી સવી વાડ’ સાથેના કાંટાના અધ્યાસોને રદ કરીને ‘ટહુકાના’ નવા અધ્યાસો તાકે છે. અન્ય અંતરામાં ‘કાંટા’માં ફુણાયણાને ગુણ રોપીને તેમાંથી ય પમાતી પીડાના આહલાદને કવિ બેવડાવે છે. કાવ્યાન્તે વાસ્તવ અને સ્વપ્નના સીમાડે આ કાવ્યઘટના વિલક્ષણ રૂપ ધારણ કરે છે. સ્વપ્ન અને વાસ્તવની વચ્ચેથી કવિ આપણને પ્રતિત પ્રણયનો કાવ્યભાવ તો અવશ્ય સેરવી આપે છે.

   પ્રણયની તાજગી, કુમાશ અને મુગ્ધતાને પ્રયોજવા કવિ તદ્દન ભિન્ન અભિવ્યક્તિ સાધે છે.
તારું મધમીઠું મુખ
જાણે પાંચ સાત તારાનું ઝૂમખું
હો આમતેમ ઝૂલે
હો ઝૂલે
('અંગત', કાવ્ય – ચૌદ ગીત (ગીત-૫))
   અહીં કવિ રમણીયતા સાથે લક્ષણા અને વ્યંજનાનો સહબોધ કરાવે છે. પ્રિયતમાના મુખને ‘પાંચ સાત તારાનું ઝૂમખું’ કહીને કવિ એક બાજુ પ્રિયામુખને અતિખ્યાત ચન્દ્રોપમાને બદલે તારાના પાંચ સાત ઝૂમખાની અક્ષતોપમા આપીને લક્ષ્યાર્થ દ્વારા પ્રભાવક રમણીયતા સિદ્ધ કરે છે તો બીજી બાજુ પરપ્રકાશિત ચન્દ્રોપમાનો પરિહાર કરી સ્વપ્રકાશિત તારકવૃદની ઉપમા પણ સાધે છે. પ્રિયાના દર્શને ‘ઘર મારું વ્હેલી પરોઢના પ્હેલા ઉઘાડ જેવું ખૂલે’ યા ‘મારું સામટું ય દુઃખ/જાણે વાયુનું પગલું શું આછું હો આમ તેમ ઊડે/હો ઊડે' જેવી પંક્તિઓનો અનુભવ મૂકીને કવિ ક્રમશ સ્થિતિ અને પરિસ્થિતિનું પ્રણયતલ્લીન ભાવદશામાં નિગલન સાધે છે. અને ગીતને અંતે તો પરાકાષ્ઠા રૂપે ‘ગંધ ઘેલા પંતગિયા જેવું આ મન મને ભૂલે!' કહીને શુદ્ધ પ્રણય ભાવની તલ્લીનતા દ્વારા બધું જ ઓગળી ગયું છે એવી ભાવક્ષણને કવિ સેરવી આપે છે.

   રાવજીની અનેકવિધ ભાવોનું કૌશલ્યપૂર્વક નિરૂપણ કરવાની આવડતનું ઉદાહરણ છે તેનું ‘ઢોલિયે' કાવ્ય. કવિની નરી-નીતરી સર્જકપ્રતિભાના સંસ્પર્શે કરીને જીવનની મુગ્ધતા, આતુરતા, ઉલ્લાસિતાને પ્રતિબિંબિત કરતી ક્ષણને કવિએ કાવ્યક્ષણનું રૂપ આપ્યું છે. એ ક્ષણ તે નાયકના નાયિકાના ગૃહાગમનની. પટેલ જ્ઞાતિમાં વેવિશાળ કર્યા પછી જમાઈને જમવા તેડવાનો રિવાજ છે. જમાઈ જમવા આવે ત્યારે સાથે ચારપાંચ છોકરા હોય અને તેમને બહાર આંગણામાં ઢોલિયો ઢાળીને ઉતારો અપાય. કાવ્યનાયક આવી કોઈક સ્થિતિમાં મુકાયેલો છે. નાયિકાના દર્શનની ઉત્સુકતા, તેના તરફનો પ્રદીપ્ત થયેલો અનુરાગ અને પરિણામે નાયકનું તરંગિત થઈ ઊઠતું ચિત્ત કાવ્યમાં સુંદર અભિવ્યક્તિ પામ્યાં છે. કાવ્ય જોઈએ :
અમે અજાણ્યા કયાં લગ રે'શું?
કહો તમારા ઘરમાં
કહો તમારા ઘરમાંથી વળી
તબો-તમાકુ પંડ ઊઠીને ક્યારે લેશું?
દખણાદી પરસાળ ઢોલિયો ઢળ્યો,
ક્યારનો પડ્યો પડ્યો હું
જતાં-આવતા ઘરનાં માણસ ભાળું,
બોલ તમારા સુણી માંહ્યથી
પાંપણ વાસી
અમો ખોલિયે દુવાર આડું !
જોઉં જોઉં તો બે જ મનેખે
લહલહ ડોલ્યે જતો ડાયરો !
કોણ કસુંબા ઘોળે?
ઘૂંટે કોણ ઘેનનાં ફુલ?
હથેલી માદક લહરી-શી રવરવતી-
દિન થઈ ગ્યો શૂલ...
હમણાં હડી આવશે પ્હોર-
રાતના ઘોડા ગોરી,
સાગ ઢોલિયે પાંખ ફૂટશે,
કમાડ પર ચોડેલી ચકલી
સમણું થઈ ઘરમાં ફડફડશે.
જુઓ, પણે પરસાળ સૂંઘતો ચાંદો.
અમને ઘડીવાર તો ગંધ ઊંઘની આલો
આલો શ્વાસ તમારો ઓઢું, જપું.
અંધકારથી પડખાંનો આ-વેગ
હવે તો બાંધો
ઢળ્યે ઢોલિયે....
ઉથેલી માદક લહરી
('અંગત', કાવ્ય - ઢોલિયે)
   આખું ય કાવ્ય પ્રણયોત્સુક નાયકના ચિત્તતંત્રની ગત્યાત્મક હલચલની ઝીણામાં ઝીણી નોંધ આપે છે. ‘અમે અજાણ્યાં ક્યાં લગ રે'શું? કહો તમારા ઘરમાં ?' આ ઘર હજી કાવ્યનાયકને મન પારકું છે. પરંતુ ક્યારેક તે પોતાની સંવિતિમાં ઓળઘોળ થઈ જવાનું છે માટે જ તેનું મન સહજ પ્રશ્નના અનુસંધાનમાં નિકટતા સ્થપાવા વિશે પણ પ્રશ્ન કરી બેસે છે કે ‘તબો-તમાકું પંડે ઊઠીને ક્યારે લેશું ?' પ્રશ્નાંતે કવિની મનોસ્થિતિએ નિકટતાની, સાહચર્યની શોધમાં નીકળી પડે છે. અને પરસાળમાં ઢાળેલા ઢોલિયા પરથી સરકીને કવિ કલ્પનાસૃષ્ટિમાં રમણ -વિહાર કરવા માંડે છે. ઘરની અંદરથી આવતા અદીઠ નાયિકાના ‘બોલ’ સાંભળતાં જ તે આહલાદના ડાયરામાં પોતાની જાતને ડોલતી અનુભવે છે. બે જ વ્યકિતઓના ભરચક-પણાનો અનુભવ ‘રવરવતી હથેલી’ની સ્પર્શેચ્છામાં પરિવર્તિત થતાં જાણે કે નાયક કલ્પના-ચિત્રને વાસ્તવમાં પાળવાની ઇચ્છાને સ્પર્શેચ્છા રૂપે અનુભવતો લાગે છે. તેથી જ કલ્પનાના ‘ઘોડા'ને તે વધુ ગતિશીલ રીતે ભગાવતાં પિયામિલનની પ્રથમ રાત્રિની મધુરતમ કલ્પનામાં ખોવાઈ જાય છે અને આજે જે બધું ‘સમણાવત્’ છે, ‘ચિત્રવત્’ છે તે બધું જીવંત થઈ ઊઠશે તેવું ભાવ અને કલ્પનાથી મઢ્યું ચિત્ર આલેખીને વાસ્તવનો સ્પર્શ પુનઃ થતાં પાછો નાયક
‘આલો શ્વાસ તમારો ઓઢું, જંપુ
અંધકારથી પડખાંનો આ-વેગ
હવે તો બાંધો
ઢળ્યે ઢોલિયે...’
(‘અંગત',કાવ્ય - ઢોલિયે)
   - કહીને જે કલ્પનામાં એવું, માણ્યું તેને વાસ્તવમાં માણવાની ઇચ્છા સેવી કવિ કાવ્યને પૂરું કરે છે.
   રાવજીના આ કાવ્યમાં મધુર કલ્પના અને વાસ્તવ, વર્તમાન અને ભવિષ્ય, દૃશ્ય અને અદૃશ્યનાં આલંબન લઈને કવિને લગ્નોત્સુક પુરુષનું જેવું ચિત્ર આલેખ્યું છે તેવું નકશીદાર અને સંઘડા ઉતાર ચિત્ર ગુજરાતી કવિતામાં અલભ્ય જ ગણાય.

   રાવજીની આરંભકાલીન પ્રણયવિષયક રચનાઓમાં પણ તેની વિલક્ષણ પ્રતિભાનાં બીજ-અંકુર પામી શકાય છે. પૂર્વસૂરિઓ અને સંયમલ્લીનોથી ભિન્ન એવી રીતિ અને તેની વિધવિધ તરાહો દ્વારા કવિ સર્જકસભાનતા સાથે કાવ્યપદાર્થ સાથે સંબંધાય છે અને નીપજ રૂપે પ્રણય કવિતાનાં રમ્ય-મનોહર કથારૂપો પ્રગટાવી આપે છે. જીવનના પ્રારંભનો, પ્રણયના પ્રથમાકુંરોનો મૌગ્ધ્યપૂર્ણ આવિષ્કાર તેની આ આરંભકાલીન રચનાઓમાં જોઈ શકાય છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment