12 - સૌંદર્યબોધ / જવાહર બક્ષી


સ્હેજ કોમળ રંગ તડકો, સ્હેજ વાદળ રંગરંગ
ફૂલની એવી તરસ જાગી કે ઝાકળ રંગરંગ

એક પડછાયો પડ્યો એવો, સકળજળ રંગરંગ
એનો પડઘો એમ કૈં ડૂબ્યો કે ખળખળ રંગરંગ

હર ગતિ કે હર સ્થિતિ કે હર જોઈ સ્થળ રંગરંગ
એક એની શક્યતા ને સર્વ અટકળ રંગરંગ

મય-સમય* ફીણ્યા કરે હર પળ ધવલ છળ રંગરંગ
ખોબલે લૂંટાવ પરપોટા પળેપળ રંગરંગ

એ ભલે નિર્લેપ છે પણ એમ કૈં નીરસ નથી
સાવ તો અમથાં નથી હોતા કમળદળ રંગરંગ

સ્વપ્નમાં પણ કૈં લખ્યાની કલ્પના સુધ્ધા નથી
જાગીને જોઉં તો મારો કોરો કાગળ રંગરંગ

મહાભારતમાં આવે છે તેવા માયાવી સ્થપતિ જેવો સમય : મયથી છકેલો સમય


0 comments


Leave comment