13 - પ્રકરણ ૧૩ / અસૂર્યલોક / ભગવતીકુમાર શર્મા


તિલકને લાગ્યુંઃ બધુ ચસોચસ થીજી ગયું હતું-સમય પણ. એક ક્ષણ બરફ કે પથ્થર જેવી સ્થિતિ થઈ ગઈ હતી. બધું જ અપરિવર્તનનીય, અગતિક. દ્રશ્યાત્મકતા માત્ર યથાવત્. અંધ માણસના દ્રષ્ટિ પદ પર નિશ્ચલ રહેતા અંધકારની જેમ સમગ્રમાં ગતિશૂન્યતાનું જ સાતત્ય.

હજી એ ધુમ્મસઘેર્યું પરોઢ જ હતું. હજી ‘આવું આવું’ થતો સૂરજનો ઉજાસ ક્યાંક અંતરિયાળ અટકી ગયો હતો. હજી ફરફરવા માટે ઊંચું થયેલું કોક પાંદડું જેમનું તેમે હતું. વિસ્ફારિત આંખોને કિનારે ડબડબી આવેલાં આંસુ એમ જ તોળાઈ રહ્યાં હતાં. નિઃશબ્દતાનો હિમખંડ પીગળતો જ ન હતો.

બાપુજીના ચહેરા પર રચાયેલા તેજના નીડનાં કિરણતણખલાં નિઃશેષ હતાં. નદી કાંઠે પ્રજ્વળી ઊઠેલી ચિતાની જ્વાળાઓમાં કશું જ ભસ્મ થયું ન હતું. નદીનાં જળમાં વહાવી દેવાયેલાં અસ્થિફૂલ હજી પાણીની સપાટી પર તર્યા જ કરતાં હતાં.

નિગમશંકરનાં સુક્કા હોઠમાંથી સ્ફૂરેલા વેદૠચાના શબ્દો હજી સમગ્ર વાતાવરણમાં અદીઠી સુગંધની જેમ રવરવ્યા હતાંઃ ‘પિતૃશ્રવણં યો દદાશદ અસ્મૈ.’ અને શબ્દનો પ્રભાવ ઓરસિયા પર ઘસાતા સુખડના કાષ્ઠની જેમ તિલકના અતંર પર લસોટાયા કરતો હતો...

શું છે આ મૃત્યુ? એ શું લઈ ગયું? શું લેવા આવ્યું હતું? બાપુજીનું ખોળિયું? હા, એ હવે નથી; પણ તે સિવાયના સકળ બાપુજી અશેષપણે અનુભવી શકાય છે તેનું શું?- મારામાં, બામાં, ઘરની હવામાંમ શેષ રહેલાં પુસ્તકો-પોથીઓમાં, તકિયાને થયેલા સ્પર્શમાં, લાકડીની મૂઠમાં, દેવમૂર્તિઓમાં, ઓટલા પરનાં થાંભલામાં, વાડાની માટીમાં, સંધ્યાંમાં વપરાતી આચમની-પ્યાલામાં, દુર્ગાશંકરની અપરાધભાવથી ઢળેલી આંખોમાં, મારા ખભા પરના અસંખ્ય સ્પર્શોમાં, ભણકાતા શબ્દોમાં... ભાગીરથીબાનું કોરું કપાળ હવે પૈસા જેવડા કંકુના ચાંદલા વગરનું બન્યું હતું અને હાથ અડવા હતાં, છતાં ‘રથી, તું ક્યાં છે?’ એવા શબ્દો ચાંદલાનો કે બંગડીનો આકાર લઈ બાને વિભૂષિત કરતા હોય એમ લાગતું હતું તેનું શું?

તિલકે તેની સાંભરણમાં જોયેલિં આ પહેલું જ મૃત્યુ. નવી માનું મૃત્યુ હવે તેની સ્મૃતિમાં સાવ આછું આછું ટક્યું હતું. માત્ર એટલું યાદ હતું કે તે પછી તેણે ઘરમાં કશીક ઝાંખપનો અનુભવ કર્યો હતો. અને હવે બાપુજી. આ કદાચ તેમનું ત્રીજું મૃત્યુ હતું. પહેલાં બંને મૃત્યુને તેઓ હરાવી-હંફાવી શક્યા હતાં; આ વખતે તેમણે હથિયાર હેઠાં મૂકી દીધા. કદાચ એ જ એમની ઈચ્છા હતી. નદી કાંઠે બળતી ચિતાને જોઈને તિલકના મનમાં થોડાક સંબદ્ધ વિચારો ચરકતા હતા. જે નદી પ્રલયનું રૂપ લઈને બાપુજીનાં પુસ્તકોને ઘસડી ગઈ હતી એ જ નદીમઆં હવે એમનાં અસ્થિફૂલ...

કોઈકે તિલકને ખભે હાથ મૂક્યો. એ અભિજિત હતો. એની પાસે જ રમાનાથ ઊભેલા હતાં. એ સ્પર્શમાં ઘણું બધું સીચવાઈ ગયું. તિલકે બળતી ચિતા પરથી નજર ખસેડી લીધી. તો યે એને લાગ્યું કે એનાં ચશ્માંના કાચમાં ચિતાની નાચતી જ્વાળાઓનાં લઘુ પ્રતિબિમ્બ ઝિલમિલાયાં કરતાં હતાં...

ઘરમાં હવે એક દ્રશ્ય ઘણી વાર જોવા મળતું હતું. સત્યા ભાગીરથીબાને ઘરકામમાં મદદ કરવા લાગી હતી. અલ્લડ, ચંચળ સત્યા શરદના આકાશ જેવી ઠાવકી બની ગઈ હતી. તેને રોટલી વણતી કે શાક સમારતી જોવામાં કશાક કાવ્યત્વનો અનુભવ કેમ થતો હતો? ઈક્ષા પણ દિવસમાં એકાદ વાર તો આવી જતી. શ્રીમંત ઘરની એ છોકરી બધું ભૂલીને ભાગીરથીબાને સાંજટાણે ફાનસનો ગોળો રાખોડી વડે સાફ કરી આપતી. એ જોઈને તિલકની આંખોમાં ભીનાશ ડોકાતી. ૠણાનુબંધનું આ કયું રૂપ હતું? ઈક્ષા જેવી વિદુષી યુવતી બધું ભૂલીને તેના ઘરની ઝાંખપમાં ભળી જતી હતી. અને સત્યા... ભાગીરથીબા બહુ જ વિવેકથી બંને છોકરીઓને ઘરકામથી વેગળી રાખવા મથતાં, પણ તેમનું કશું ચાલતું ન હતું તે તિલક જોઈ શક્યો. તેના હ્રદયમઆં ઉદાસીની વાદળી ઘેરાઈ આવી. સત્યા શા માટે, કયા હેતુથી આ ઘર સાથે એકરૂપ થવા મથતી હતી તેનાથી તે અંધારામાં ન હતો. ઈક્ષાની વાત અથગ હતી. એનું હ્રદય તો અણુઅણુમાં માણસાઈથી સભર હતું. સત્યા તેના પ્રત્યેના નેહને આ રીતે ભાગીરથીબા પર વરસાવતી હતી. આ ઠીક નહોતું થતું. તિલકને થયુંઃ સત્યાને કહી દઉંઃ સત્યા, આશા માત્ર વંધ્ય હોય છે. આ વિશ્વમાં મારે વિશેની તો પ્રત્યેક આશા નિર્વંશ જવા સર્જાયેલી છે. કૃપા કરીને તું... પણ તિલકના હોઠ ઊઘડ્યા નહિ...

છેવટે જીવણરામ મૃત્યુ પામ્યા. લાઈબ્રેરીમાંથી એક માણસે વિદાય લીધી. એક બોજ હઠી ગયો. રેલ્વેના નિવૃત બુકિંગ કલાર્કનો ગ્રંથાલય સાથેનો અર્થહીન નાતો તૂટી ગયો. જૂન-જુલાઈ એમ.એ. ના વર્ગો શરૂ થવાનો પણ એ જ સમયગાળો હતો. તિલકે એમ.એ.નું ફોર્મ તો ભર્યું હતું. જીવણરામના મૃત્યુથી ગ્રંથપાલના ખાલી પડેલા સ્થાનને ભરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. ગોરધન શેઠનો આગ્રહ હતોઃ તિલકે એ સ્થાન સાંભાળી લેવું; પણ ઈક્ષાનો મત જુદો પડ્યો: ‘બાપુજી, તિલકભાઈને એમ.એ. થઈ જવા દો. બે વર્ષની જ વાત છે ને? ત્યાં સુધી લાઈબ્રેરીનું કામ હું સંભાળીશ. એમના ભણતરમાં વિક્ષેપ ન પડવો જોઈએ.’ તિલકે દલીલ કરી: ‘મારે એમ.એ. ના તો અઠવાડિયે બે જ દિવસ ક્લાસ હશે. હું સહેલાઈથી લાઈબ્રેરીનું કામ-’

ગોરધન શેઠ હસ્યા: ‘આપણે છાપ-કાંટો કરીએ?’ ઈક્ષા હસી નહિ. તે બોલી ઊઠી:
તિલકભાઈ, તમે શું આખી જિંદગી આ લાઈબ્રેરીની ભૂખ જેવી નોકરી કરવાના છો? બે વર્ષમાં તમે એમ.એ. થશો. અને તમને અત્યારથી જ કહી દઉં: હું તમારી પાસે ડૉક્ટરેટ કરાવ્યા વિના રહેવાની નથી. તો જ નિગમકાકાનો વાર્સો તમે જાળવ્યો એમ કહેવાશે. એ પછી તમે કોઈ કૉલેજ કે યુનિવર્સિટીમાં જ શોભશો. આ લાઈબ્રેરી તમને નાની પડશે.’

તિલકે કહ્યું: ‘બહેન, તમારી લાગણી સહુથી વધારે કીમતી છે. પણ મારે વિશે- એટલે કે મારી કારકિર્ડી વિશે ઊંચી આશાઓ ન રાખશો. એ તો ગમે ત્યારે ખોટકાઈ જાય એમ છે. એકાદી આંખ પણ વધારે બગડી કે... લાઈબ્રેરીનું ક્ષેત્ર મને સાકડું નહિ પડે... નાની અમથી હથેળીમાં આપણે ઈશ્વરનું દર્શન કરીએ છીએ ને...?’

ઈક્ષા હવે નિરુત્તર રહી.
ગોરધન શેઠે પૂરા સમયના ગ્રંથપાલ તરીકે તિલકની નિમણૂક કરી. પગાર મહિને રૂ.૧૭૫. તિલકે વિચાર્યું: મારે માટે આ રકમ નાનીસૂની નથી. ૧૭૫ રૂપિયા ઉપરાંત હજારો પુસ્તકોનું સાન્નિધ્ય મળશે એ સૈથી મોટું વેતન! પછી તેમના મનમાં ઝબકારો થયો: આમાંથી દોઢશો રૂપિયા બાને ઘરખર્ચ માટે આપીશ. બાકીના પચીસ રૂપિયામાંથી હું દર મહિને કાશીથી એકએક-બબ્બે પુસ્તકો કે પોથીઓ મંગાવીશ. બાર મહિનામાં પચીસેક પુસ્તકો ખરીદી શકાશે. દસ વર્ષમાં અઢીશો પુસ્તકો થશે. પગાર વધશે તો વધારે પુસ્તકો મગાવી શકાશે. વીસ-પચીસ વર્ષમાં બાપુજીનો લગભગ આખો પુસ્તક ભંડાર ફરીથી વસાવી શકાશે. બાપુજીનાં જે પુસ્તકો અને પોથીઓ નષ્ટ થયા હતા તેમાંનાં ઘણાંખરાંનાં નામ યાદ છે. એ જ પુસ્તકો અને પોથીઓ આવતે મહિનેથી એકએક-બબ્બે કરીને ફરીથી આવવા માંડશે... અને ત્યારે નદીનાં પૂરે કરેલા જનોઈવઢ જખમો રુઝાવાની શરૂઆત.

સ્વપ્નાં... કેવળ સ્વપ્નાં...! કે તેને સાકાર કરવા માટેનો નિશ્ચય?
તિલકે બાને વાત કરી. બાની આંખો વરસી પડી. બાએ તેને ગાલે-કપાળે હેતનીરતો હાથ ફેરવ્યો. બાની આંગળીઓમાંથી તુલસીપર્ણની સોડમ આવી. તિલકને થયું: બાપુજીની અંતિમ ક્ષણોમાં બાએ એમના મુખમાં મૂકવા માટે ચૂંટેલા તુલસીનાં પાંદડાંની જ એ સોડમ તો નહિ હોય...?

નોકરી મેળવ્યા પછી પહેલીવાર તિલકે ગ્રંથલાયના કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો ત્યારે તેના ચહેરા પર સૂર્યોદયનો ઉજાસ હતો. ધૂળિયા કમ્પાઉન્ડમાં પગ મૂકતાં તેને વિચાર આવ્યો: મારાં આ પગલાંની છાપમાંથી ધૂળમાં સ્વસ્તિક ન પૂરાઈ શકે? તેણે આસપાસ નજર કરી. કમ્પાઉન્ડ મુટું હતું, પણ ફૂલછોડનું એક ચિહ્ન સરખુંય નહોતું. અણગમતી ભૂખરાશ સર્વત્ર વર્તાતી હતી. અહીં હું લીલાશનો વિસ્તાર કરીશ-તેણે નિશ્ચય કર્યો. ગ્રંથાલયનાં પગથિયાં પર ધૂળ, કૂતરાંની વિષ્ટા... પાસે ઝાડું હોત તો પોતે એ બધું સાફ કરી નાખત એમ તેને થઈ આવ્યું.

સવારના આઠ વાગવા આવ્યા હતા. હવે તો ગ્રંથાલય ઊઘડી જવું જોઈતું હતું. સ્વચ્છતા, તાજાં વર્તમાનપત્રો અને નવાં સામાયિકો બાઠ ફેલાવીને વાંચકોને સત્કારવા સજ્જ થવું જોઈએ. લાઈબ્રેરીનાં મુખ્ય દ્વારે રોજ આસોપાલવનું તોરણ કેમ ન બાંધી શકાય? ગ્રંથાલયમાં એક વિશિષ્ટ હવા તો હોવી જ જોઈએ.

લાઈબ્રેરીની ચાવી મફત પટાવાળા પાસે રહેતી હતી, પણ સારું કર્યું કે તિલકે તે તેની પાસે ગઈ સાંજે જ માગી લીધી હતી, કેમકે મફતનાં હજી કશાં ઠામઠેકાણાં ન હતાં. ફૂવડ જીવણરામની હાજરીમાં ધૂર્ત મફત લાઈબ્રેરીનો ચક્રવર્તી બની ગયો હતો. બીજો પટાવાળો રવજી ભલો માણસ હતો. મોટે ભાગે ગાંજાની અસર નીચે રહેતો. મફતની પ્રવૃતિઓ વિશે તિલકે ઘણું સાંભળ્યું હતું. તેણે બધું જ સાફ, સ્વચ્છ કરવું પડશે... ધૂળ, વિષ્ટા, કરોળીયાનાં જાળાં, કબૂતરોની ગંદકી, પુસ્તકોમાંની ઊધઈઓ અને મફતની પ્રવૃતિઓ.

તિલકે તાળું ઉઘાડ્યું, તોતિંગ બારણાં ખોલ્યાં, નીચા નમીને ઉંબર પરની રજ પોતાને માથે ચઢાવી થોડીક પળ તે ત્યાં જ થંભી ગયો. આ માત્ર બારણાં ઉઘાડ્યાં હતાં લાઈબ્રેરીનાં ઈંટચૂનાનાજીર્ણ મકાનનાં? કે કશીક અગોચર પણ રળિયામણી ક્ષિતિજનાં? ઘરમાં તે ક્યારેક બાપુજીનાં આદેશથી પોથીઓવાળાં ઓરડાનાં બારણાં ઉઘાડતો તે તેને સાંભરી આવ્યું. લાઈબ્રેરીનાં ઉંબર પરથી પણ અંદર રહેલા પુસ્તકોનાં કબાટો નજરે પડતાં હતાં. એકાએક તિલકને ડૉ. શ્રીધર તાંજોરકરની ચેતવણીના મગરના દાંત જેવા શબ્દોનાં ભણકારા સંભળાયા અને તે થોડીક ક્ષણો માટે મનોમન લોહીલુહાણ થઈ ગયો. પળ-વિપળ માટે તેને લાઈબ્રેરીનાં ઉંબરેથી જ પાછા ફરી જવાનો વિચાર આવી ગયો; પણ પછી તેણે તરત પગ ઉંબર પરથી ઉંચકીને ગ્રંથાલયનાં મુખ્ય ખંડમાં મૂક્યો તે સાથે જ તેણે અકથ્ય ભાવાર્દ્રતા અનુભવી. ફરી ફરીને, ગમે ત્યાંથી, આડોઅવળો ફંટાઈને પણ તે પુસ્તકોની પાસે, પાસે, પાસે જ આવતો હતો!- શાળાની નાનકડી લાઈબ્રેરી, કૉલેજનું વિશાળ ગ્રંથાગાર, બાપુજીનો પુસ્તકભંડાર અને હવે નગરનું આ મુખ્ય પુસ્તકાલય! તેના મુખ પર સહેજ સ્મિત ફરક્યું અને તેમાંથી વિષાદની ઝાંય પણ રેલાઈ, તેણે ચશ્માં ઉતારીને ઝાભ્ભાની ચાળ વડે લૂછ્યાં. પૂર્વ દિશા તરફ જોયું. સૂરજ ઊંચો વધ્યો હતો. તેને યાદ આવ્યું: અભ્યાસ બહારની, બાળસાહિત્યની જે પહેલી ચોપડી તેણે શાળાની લાઈબ્રેરીમાં વાંચી હતી કે અહીં તે સાંભરતું ન હતું; પણ પુસ્તકનાં પૂંઠા પરનું ચિત્ર હજી તેની સ્મૃતિમાં અકબંધ હતું. એ ચોપડી હજી અહીં હશે ખરી? કે ઊધઈગ્રસ્ત અને પસ્તી ભેગી?

મફત આવી ગયો હતો, પણ લાઈબ્રેરીનાં બારીબારણાં તિલકે જાતે જ ઉઘાડ્યાં. ધૂળ, કબૂતરો, ચામાચીડિયાં, બધું સાથે ઊડ્યું. ઊજડો તડકો અને તાજી હવા ખંડમાં પ્રવેશ્યાં. તિલકે ચોપાસ દ્રષ્ટિ ફેરવી: બધું પરિચિત હતું - ઓરડાઓ, કબાટો, પુસ્તકો, જૂની ભીંત-ઘડિયાળ, દાતાઓનાં તૈલચિત્રો, કરોળિયાનાં જાળાં. માત્ર પોતાની ભૂમિકા બદલાતી હતી: વાચકમાંથી ગ્રંથપાલ. છતાં વાચક તો તે રહેશે જ. અત્યાર સુધી તેણે અહીં કલાકો અને દિવસો વિતાવ્યા હતા; હવે તે મહિનાઓ, વર્ષો, બાકીની જિંદગી અહીં જ વિતાવી શકશે?

બારી પાસે જઈ તે સ્વચ્છ, ભૂરા આકાશના ટૂકડા ભણી જોઈ રહ્યો. આકાશની એ નીલ અસીમતાને જર્જરિત મકાનમાં ન ઉતારી શકાય? નિઃસીમતા તો બહુ ગણીગાંઠી વસ્તુઓને વરેલી છે- આકાશને, જ્ઞાનને, માના હેતને. બાકી ઘણુંક તો સીમિત. બથ ભરીને ગ્રંથાલયને વળગી પડવાનું, પ્રત્યેક પુસ્તક પર પોતાની ચૂમીની છાપ મૂકવાનું તેને મન થઈ આવ્યું. હવે આ ચાર-પાંચ ઓરડાઓ, દસ-પંદર કબાટો ને છાજલીઓ, થોડાંક હજાર પુસ્તકો, સો-સવાસો વાચકો - એ જ એનું વિશ્વ! પણ એ સાચે જ નિઃસીમ હતું. અપૌરુષેય વેદમંત્રથી માંડી સાત સમુંદર પારના કોઈ ઑક્તેવિયો પાઝ સુધીના સર્જકોના ગ્રંથો વડે આ વિશ્વની સીમાઓને વિસ્તારી દેવાઈ હતી, અને એ સીમા વિસ્તરણ અંતહીન બની શકે તેમ હતું. આમ તો આ વિશ્વ એક પ્રાથમિક શાળા કે નાના કારખાનાઅથી ય નાનું છે; પણ રળિયામણો બગીચો કે કમલ-સરોવર કાંઈ મોટા કદનાં નથી હોતાં. ‘આ જ મારું આચ્છિન્ન સરોવર છે.’ - તિલકનાં મનમાં ફોરમવંતા શબ્દો લહેરાઈ ઊઠ્યા.

તે બીજી બારી પાસે ગયો. રસ્તા પર વહી રહેલાં માણસોના વહેળા પર તેની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. તેને વિચાર આવ્યો: ગ્રંથાલય અને લોકસમૂહ વચ્ચેજ્ઞાનનો સેતૂ રચાવો જોઈએ.પુસ્તકો આમ તો પથ્થર જેવાં જ જડ છે પણ પથ્થરમાંથી મૂર્તિ કે શિલ્પ ઘડાઈ શકે છે. પુસ્તકો માણસોને ઘડે છે. રામનામની મુદ્રા અંકિત થતાં જ પથ્થરો પાણીમાં સેતુરૂપ બન્યાં હતાં. આ તો પુસ્તકો. તેનાં પાને પાને, પંક્તિએ પંક્તિએ, શબ્દે શબ્દે, શબ્દો વચ્ચેના અવકાશમાં મનુષ્યોએ જ કંડારેલા મનોષ્ય-જીવનના આલેખો છે. તેના દ્વારા સેતુ કેમ ન રચાય? એ સેતુ માટે જ માણસ કશાક શિખર ભણી જઈ શકે.

તિલકે કામ શરૂ કર્યું. દિવસોથી રૅપર કઢ્યા વિના પડી રહેલાં સામાયિકોનો તેણે જીર્ણોદ્ધાર કર્યો. લાઈબ્રેરીને બદલે ટ્રસ્ટીઓને ઘેર પગ કરી જતાં અખબારો અને સામાયિકોનું દિશાન્તર કરાવવાની તેણે કડક સૂચના આપી. હલકી રુચિને પોષતાંફરફરિયાંને હદપાર કરવાનો તેણે નિર્ણય કર્યો. પુસ્તકોની યાદીને અદ્યતન બનાવવાનું કામ તત્કાળ હાથ ધરવું પડશે તેની પ્રતીતિ થઈ. સભ્યોની નામાવલિ પણ અવ્યવસ્થિત હતી. સભ્ય-ફી નિયમિત લેવાતી જ ન હતી, પુસ્તકો સમયસર પાછાં ન આપતા, તેને ખોઈ નાખતા સભ્યો પાસેથી દંડ વસૂલ કરાતો ન હતો. કાર્ડ સિસ્ટમ જેવું કાંઇ જ ન હતું. સરકારી ગ્રાન્ટ મેળવવાના પ્રયત્નો ઘણા શિથિલ હતા. ગ્રંથાલયનું ભંડોળ વધારવાનો વિચાર પણ કોઈને આવતો ન હતો. કાબાટોમાં ઉંદરો અને ઊધઈની આણ હતી. ફર્નિચર શુક્રવારની ગુજરીમાં કાઢી નાખવા જેવું હતું. ઊધઈ જ જાણે આ સંસ્થાનું પ્રતીક!

ટ્રસ્ટીઓમાં ગોરધન શેઠ સિવાય કોઈને હૈયે ગ્રંથાલયનું કશું હિત વસતું ન હતું અને ગોરધન શેઠ બીજી અનેક પ્રવૃતિઓમાં ગૂંઠાયેલા રહેતા હતા. ટ્રસ્ટીમંડળની સભા વર્ષે એક વાર મળે તો મળે. ગોરધન શેઠ ઉપરાંત બીજા ચાર ટ્રસ્ટીઓ હતા: ઉમિયાશંકર દવે, કેસરીસિંહ ચાવડા, નયનસુખ ગાંધી અને જડાવગૌરી વીમાદલાલ.

ઉમિયાશંકર નિવૃત્ત ટેનન્સી મામલતદાર હતા અને દરેક નાના કે સાદા કામને પણ તુમારને ટલ્લે ચઢાવવામાં અતિ કુશળ હતા. લાઈબ્રેરીમાં શાહીનો ખડિયો ખરીદવા માટે પણ ટેન્ડર કઢાવે તેવી તેમની પ્રકૃતિ હતી.

કેસરીસિંહ ચાવડા પોલીસખાતામાં છેલ્લે ફોજદાર હતા અને લાંચ લેવા બદલ બરતરફ થયેલાં હતા. મફત પટાવાળો તેમનો જમણો હાથ હતો અને તેના દ્વારા તેઓ ઘણી પ્રવૃતિઓ કરાવતા.

નયનસુખ ગાંધીની કાપડની દુકાન હતી અને લાઈબ્રેરીને તેઓ નર્યા ન્યૂસન્સરૂપ ગણાતા હતા.
જડાવગૌરી વીમાદલાલ પોતાને પરમ વિદુષી માનતાં હતાં, પોતાને વડે જ લાઈબ્રેરી ચાલે છે તેમ શકટ-શ્વાનભાવે માનતાં હતાં, અને ટ્રસ્ટીમંડળનાં પ્રમુખ બનવાની મહત્વાકાંક્ષા રાખતાં હતાં.

તિલકને ગ્રંથપાલપદ ગોરધન શેઠના આગ્રહથી મળ્યું હતું. નયનસુખ ગાંધી સદગત જીવણરામનાં ભત્રીજા દુર્લભને એ પદ આપવા માગતા હતા પણ શેઠે તિલકને ગોઠવ્યો તેથી ગાંધીને તિલક પ્રત્યે અણગમો બંધાઈ ગયો હતો. તેનો ઉલ્લેખ તેઓ ‘પેલો બામણો’ એ રીતે કરતા. કેસરીસિંહનું ચાલ્યું હોત તો તેમણે મફતને જ ગ્રંથપાલ બનાવ્યો હોત. ઉમિયાશંકર લાઈબ્રેરિયનની પોસ્ટ માટે પણ ટેન્ડર કઢાવી શકાય કે કેમ તેનો મનોમન તુમાર ચલાવતા હતા. ગ્રંથપાલપદ માટે જડાવગૌરીના વિશિષ્ટ વિચારો હતા. અને તે તેમણે તેમના ‘શ’કારપ્રધાન ઉચ્ચારોમાં વારંવાર વ્યક્ત કર્યા હતા:

એમામ એવું છે ને કે શારાં શારાં પુસ્તકો શારા શારા માણશોને શુગમ અને શુલભ કરી આપવા શારું શારી શંપન્ન શુશિક્ષિત, શંશ્કારી, શેવાભાવી વયક્તિને ગ્રંથપાલપદ શોંપ્યું હોય તો-

ઘણું બધું વાળીઝૂડીને સાફ કરવા જેવું છે - અહીં પુસ્તકોમાંની ઊધઈઓથી માંડીને ટ્રસ્ટીમંડળના સભ્યો સુધી- તિલકે વિચાર્યું. વાત તે મફત સાથે કરતો હતો કે સ્વગત તે સ્પષ્ટ ન હતું.

મફતભાઈ, લાઈબ્રેરી એ કાંઈ પાન-બીડીનો ગલ્લો કે સિનેમા થિયેટર નથી. આ તો એક જાતનું મંદિર છે. સાંભળ્યું છે કે દેલવાડાનાં મંદિર ઈશ્વરના હ્રદય જેટલાં સ્વચ્છ, સુઘડ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા. ગ્રંથાલયમાં તો હજારો દેવી-દેવતાઓનો વાસ છે- આ બધા અક્ષર- દેવતાઓ છે. અહીં વધારે સુઘડતા કેમ ન હોય? આપણા વાચકો દર્શનાર્થીઓ અને આપણે પૂજારીઓ...

મફત ઝીણી આંખો કરી મૂગો અણગમો ટપકાવતો તિલકની સામે જોઈ રહ્યો. તેના અધખુલ્લા મોંમાંથી તમાકુની કડૂચી ગંધ છૂટતી હતી. તિલકે વિચાર્યું: ‘આ ગ્રંથાલયમાં ધૂપસુગંધ હોય, ધૂમ્રપાન નહિ’ એવું પાટિયું પોતે ચીતરે અને સહુની નજર જાય તેવી જગ્યાએ મફતના હાથે જ તે ગોઠવાવે...

એકાદ મહિનામાં ગ્રંથાલયમાં ઝીણાં પણ માર્મિક પરિવર્તનો દેખાવા માંડ્યાં. હવે કરોળિયાનાં જાળાં અને ધૂળ-કચરાનું સ્થાન થોડાંક સૂત્રાત્મક પાટિયાંઓએ લીધું હતું. પુસ્તકો, સામાયિકો, અખબારો વ્તવસ્થિત અને તાજાં. લાઈબ્રેરીનાં પ્રવેશદ્વારે બ્લૅકબૉર્ડ પર ચૉક વડે મરોડદાર અક્ષરોમાં માહિતી: ‘આજનું ચૂંટેલું વાચન.’ લાઈબ્રેરીનાં પગથિયાં પર ચૂનાની ફાક વડે બીંબાના સાથિયા. કમ્પાઉન્ડમાં વૃક્ષ-વેલી-ફૂલછોડોના વિકાસ માટે જમીન સરખી કરી દેવાઈ હતી. કાર્ડ-સિસ્ટમ, સભ્યોની નામાવલિ, પુસ્તકોની યાદી-બધે નવો સ્પર્શ વર્તાતો હતો. ‘આ સપ્તાહનું વાંચવાલાયક પુસ્તક’ એવો નિર્દેશ પણ કાળા પાટિયા પર થવા લાગ્યો. રાત જાગીનેય ઉત્તમ પુસ્તકોની વરણી અને ભલામણનો નિયમ તિલકે અપનાવ્યો. તેણે સૂચવેલાં પુસ્તકોની માગણી વાચકોમાં સ્વાભાવિક રીતે જ વધવા લાગી. તેમાંથી તેને વાચકોનું ફોરમ રચવાનો વિચાર સૂઝ્યો. તેણે પાટિયા પર સૂચના મૂકી એક શનિવારે વાચકોની સભા યોજી. સભામાં ઓગણીસ જણ હાજર રહ્યા. પહેલા પ્રયત્ને તે સાવ ઓછા ન ગણાય; તેણે આશ્વાસન લીધું. સભામાં તેણે વિચારો પ્રકટ કર્યા.

-આપણે બધાં ભેગાં મળીને આ પુસ્તકાલયને સરસ્વતી-મંદિર બનાવીએ. ગ્રંથાલય તે જ દેવાલય. શહેરની સાહિત્ય-સંસ્કાર પ્રવૃતિઓનું કેન્દ્ર અહીં હોય. ‘બુક-કલ્ચર’ની નદી અહીંથી વહે...
‘નદી’ શબ્દ ઉચ્ચારતાં તે ધ્રૂજી ગયો. મનોમન તે બોલ્યોઃ ‘એક નદીએ પુસ્તકોનો નાશ કર્યો હતો; મારે અહીં પુસ્તકોની બારમાસી નદી વહાવવી છે.’

-મહારષ્ટ્રમાં ગ્રંથો સાથે પદયાત્રા નીકળે છે. આપણે આપણી રીતે કામ કરીએ. આપણી ભૂમિ માટે મોતીભાઈ અમીનનું દ્રષ્ટાંત બહુ ઊજળું છે. હું આપનાં સૂચનોની રાહ જોઉં છું. ગઈ કાલ ભૂલી નવી શરૂઆત કરીએ. મહિને એક કે બે વાર આપણે મળીએ... વાંચેલાં, વાંચવા જેવાં પુસ્તકો વિશે ગોઠડી કરીએ. વાંચીએ તે સમજીએ-સમજાવીએ. થોડું પણ સમજીને વાંચીએ. સારું હોય તેને આચરણમઆં મૂકીએ. એ રીતે આપણા નરવા આનંદની વહેંચણી કરીએ. આ જડ મકાનને જીવંત બનાવીએ...

થોડી તાળીઓ, પ્રશ્નો, સંદેહો, નિરાશા, ઉત્સાહ.
શ્રોતાઓમાં ઈક્ષા હતી. વહેલી આવીને આગળ બેથી હતી. ચર્ચામાં તેણે સૌથી વધારે રસ લીધો.
શ્રોતાઓમાં ગોરધન શેઠ હતા. મોડા આવીને ચૂપચાપ સહુની પાછળ બેસી ગયા હતા. તિલકના છેલ્લા શબ્દો તેમણે બરાબર સાંભળ્યા. સભા પૂરી થયા પછી તો તેની પાસે ગયા. તેમને જોઈને તિલકે આદર આપ્યો, ક્ષમા માગી: ‘મેં દૂરથી આપને ઓળખ્યા નહિ, બકી આપનું સ્થાન તોપ્રમુખનું જ હોય.’શેઠે કહ્યું: ‘એવા વિવેકની જરૂર નથી. જે કામ કરે તે જ મોખરે રહે. હું મોડો આવ્યો તે મારો વાંક હતો.’ પછી ઉમેર્યું: ‘તેં આજે સારી વાત કરી તિલક! હું મોડો આવું, હાજર ન રહી શકું, પૂરો રસ ન લઈ શકું, તો યે તારી પડખે છું એમ સમજજે. આ ખંડેરને તું જ મંદિર બનાવી શકશે.

તિલકે પ્રણામ કર્યા.
ઈક્ષાએ ટહુકો કર્યો: ‘તિલકભાઈ, બાપુજીએ મને તમારી મદદનીશ બનાવી છે; પણ તેમે તો મારી પાસે કશું કામ લેતા નથી!’
‘તમારું તો માર્ગદર્શન જ પૂરતું છે બહેન!

થોડાક દિવસો પછી તિલકે લાઈબ્રેરી માટે શહેરના લેખકો, અધ્યાપકો અને વાચનરસિકોની એક નાની સલાહકાર સમિતિની રચના કરી તેની માનદ સેવાઓ લેવા માંડી. ક્યાં પુસ્તકો ખરીદવાં તે સાથે કયા ન જ ખરીદવાં તે વિશે સમિતિનું માર્ગદર્શન ઉપયોગી બનતું જતું હતું. જોકે હલકી રુચિનાં કેટલાંક પુસ્તકો પર ચોકડી મૂકાતાં થોડા વાચકોએ ઊહાપોહ કર્યો પણ તિલકે તેઓને સાચી સમજ આપતાં તેઓ ચૂપ થઈ ગયા. તિલકને ખાસ તો વાચકોનું પરમ્પરાવાદી માનસ કિંચિત બદલવું હતું. લોકો ‘લોકપ્રિય’ નવલકથાઓ સિવાયભાગ્યે જ બીજાં પુસ્તકો માગતા હતા. કવિતા, નાટક, નિબંધ, ટૂંકીવાર્તા, ચરિત્રાત્મક ગ્રંથો, તત્વજ્ઞાનનાં પુસ્તકો, ઈતિહાસ, પ્રકૃતિશાસ્ત્ર, એન્સાઈક્લોપીડિયા વગેરે અનેક વિષય-પ્રકારના ગ્રંથોને વાચકો અડકે જ નહિ તે તેને ફાસની જેમ ખટકતું-પીડતું હતું.

‘વાચક ફોરમ’ને ઉપક્રમે કેટલાક કાર્યક્રમો યોજવાનું તેણે વિચાર્યું. પહેલાં કાર્યક્રમમાં શહેરનાં એક પ્રતિષ્ઠિત વાર્તાકારે પોતાની બે વાર્તાઓનું પઠન કર્યું. પ્રશ્નોત્તર થયા, ચર્ચા ચાલી. બીજી કેટલીક વાર્તાઓની વાત નીકળી. એ જ લેખકને તેની વધુ એક વાર્તા વાચવાનો આગ્રહ થયો. તેણે વાર્તાનો આસ્વાદ પણ કરાવ્યો. માત્ર નવલકથાઓ નહિ, ટૂંકી વાર્તાઓ પણ રસપ્રદ હોય છે તે સરેરાશ વાચકોનેય સમજાયું.

વાચકોએ ગ્રંથાલયમાંથી વાર્તાસંગ્રહોની માગણી કરવા માંડી.
તે પછીની સભામાં શહેરના એક નાટ્ય-અભિનેતાએ એક એકાંકી નાટકનું વાચિક અભિનય સાથે વાચન કર્યું. તેમાંથી એકાંકીની ભજવણીનું આયોજન વિચારાયું. વાચકોમાંથી જ કેટલાક કલાકારો મળી આવ્યા. ગ્રંથાલયના મુખ્ય ખંડમાં રાત્રે નાટિકાનાં રિહર્સલ્સ શરૂ થયાં. બીજે મહિને એકાંકી ભજવાયું. ખંડ પ્રેક્ષકોથી ઊભરાયો. તિલકે પ્રમુખપદ લેવાની ઈક્ષાને વિનંતી કરી. ભજવણી પહેલાં તિલકે બે શબ્દો કહ્યા:

-આપણે આજે આ ગ્રંથાલયમાં નવો પ્રયોગ કરીએ છીએ. પુસ્તકમાંથી પ્રત્યક્ષાતામાં, એટલે કે મંચ પર જઈએ છીએ. નજરે જોયાનો પ્રભાવ મોટો હોય છે. આ પ્[રયોગને પરિણામે આપણે મંચ પરથી વધારે પ્રમાણમાં પાછા પુસ્તક પાસે જઈ શકીશું.

ઈક્ષાએ કહ્યું: ‘આ ગ્રંથાલયને સાર્થક બનાવવાના પ્રયત્નો અહીં શરૂ થયા છે. નગરજનો તેને પૂરો સહકાર આપશે તેમ હું માનું છું.’
ત્યાર પછીના દિવસોમાં લાઈબ્રેરીમાં એકાંકી પુસ્તકોની માગણી કોઈ કોઈ વાચકો તરફથી આવવા માંડી.

કવિતા વિશે પણ તિલકે એક પ્રયોગ કર્યો. ગીત-ગઝલનાં પઠન-ગાન ઉપરાંત બે’ક જાણીતા ખંડકાવ્યો તેણે શહેરના નાટ્યકલાકારો પાસે સાભિનય રજૂ કરાવ્યાં.
તિલકે ક્યારેક ક્યારેક રાત્રે પણ ગ્રંથાલયમાં આવવાનું રાખ્યું. ઘરમાં હજી ફાનસ હતું. લાઈબ્રેરીમઆં વીજળી હતી. તિલકે અહીં એક શેતરંજી, ઓશીકું, પાણીનો કૂજો, પ્યાલો વગેરે રાખ્યું હતું. અંગત વાચન અને લેખન, તેણે ગ્રંથાલયમાં કરવાનું રાખ્યું. નચિકેતા અને યમનો સંવાદ તેનો પ્રિય વાચન-અંશ હતો. મહિને બ્’ક વાર તો તે વાંચવાનું બનતું જ. નચિકેતાની જિજ્ઞાસાથી તે અંજાયો હતો. ક્યારેક આંખો મીંચીને તે નચિકેતાનું કલ્પનાચિત્ર દોર્યા કરતો. નચિકેતા આજે હોય તો તેની જિજ્ઞાસા સામ્પ્રત સમ્દર્ભમાં કંઈ ક્ષિતિજોને, કઈ ભૂમિ-સરહદોને આંબવા મથે? તેની શોધનો પ્રદેશ કયો હોય? કે પછી માત્ર બાહ્ય પરિવેશ બદલાય અને શોધનું શાશ્વત તત્વ યથાવત રહે?

નચિકેતા, મને તારો મિત્ર, અનુજ બનાવશે? તે ઝુરાપામાં ખોવાઈ જતો.
નચિકેતાને મૃત્યુ વિશે જિજ્ઞાસા હતી.
તિલકે તેની પૂરી સમજણમાં એક જ મૃત્યુ જોયું હતું-પિતાનું.

પિતાના મરણ સાથે પોતાના અસ્તિત્વનો એક અંશ પણ મરણને અધીન થઈ ગયો હોય એવું કેમ લાગતું હતું? એ શક્ય છે? કે માત્ર એક અસ્થાયી ઘટના છે? આખરે આ મરણ છે શું? સામ્પ્રત કે અનાગત? અને અતીત પણ? ત્રિકાલાબાઘિત એવું કશુંજ નથી? ન હોઈ શકે? અનાગત તે શું છે? અંધકાર? કે અંધકારની અંતર્નિહિત ઉજાસ? કે ઉભયનું મિશ્રણ?

પ્રશ્નો ખૂટતા ન હતા અને અનુત્તર રહેતા હતા. મોડી રાત્રે ચશ્માં ઉતારી, સ્વિચ ઑફ કરી તિલક ગ્રંથાલયના વિજન ઓરડાની ઠંડી ફર્શ પર પાથરેલી શેતરંજી પર સૂઈ જતો. વહેલી સવારે તેની આંખો આપમેળે ઊઘડી જતી. તે ઘેર જતો ત્યારે ક્યારેક ભાગીરથીબા તેને કહેંતા:’દીકરા, તને નોકરી મળી પછી તેં તારી આ માને તો જાણે વિસારી જ દીધી છે!’

તિલક હસીને ઉત્તર ટાળી દેતો પણ ગઈકાલે ભાગીરથીબાએ ભીની આંખે ફરી એ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે તેણે તેમને ખભે હાથ વીંટાળીને કહ્યુંઃ
‘બા, એવું ક્યારે યે બને? મને એક બીજી મા મળી છે એટલું જ. તું ગંગા છે, એ સરસ્વતી... તમે બંને મારે માટે સરખાં જ પ્રાંજલ છો. તું તો સાકાર છે. તે નિરાકાર છતાં સાકાર.... તારી ગોદમાં અને તેને ચરણે મારું માથું...

ભાગીરથીબાએ તિલકને છાતીસરસો ચાંપ્યો.
(ક્રમશ :...)


0 comments


Leave comment