31 - શબ્દો / ધીરુ પરીખ


કોણ કહે છે શબ્દો કેવળ પોલા ?
શબ્દો ક્યાં છે કેવળ ભોળા હોલા ?

શબ્દો ગીધ ઘુવડ ને બાજ
શબ્દો ઈસુને કંટક-તાજ.

શબ્દો આમતેમ વીંઝાતા રે ઢેખાળા
શબ્દો ઋષિમૌનના મોઢે માર્યાં તાળાં.

શબ્દો સડ્યાં શબોની વહેતી રે દુર્ગંધ
શબ્દો આંખ છતાંયે અંધ.

શબ્દો ધડીમ ધડીમ ઝીંકાતા ઘણના ઘા
શબ્દો દઝાડતો કૈં હિમગિરિ પરનો વા.

શબ્દો ચોગરદમથી વીંટળાતું અંધારું
શબ્દો રણવગડે ઊભરાતું રે કીડિયારું.

શબ્દો ભૂખ્યા વરુની આંખો
શબ્દો ઉંદર-ફૂંક છે, સાંખો !

શબ્દો પાણી વગરના નળથી ટપક્યો નાદ
શબ્દો સરવાળામાં અર્થો કરતા બાદ.


0 comments


Leave comment