33 - ઘર / ધીરુ પરીખ


દીવાલો ચણીચણીને ઊભું કીધું ઘર !
સુરક્ષિત રહેવાશે; કશે નહી ડર.
સૂરજ ઊગે છે રોજ ચાની કપ-કોર.
આથમે છે વાળુટાણે
વીજળી–દીવાની પ્હાડધારે, બડો ચોર !
દિન આખો છે જ્યાં જ્યાં હું તો ફરી જાણું
ઘર તણી દીવાલોના ઓછાયામાં બદ્ધ રહી
મુક્તિ મુક્તિ માણું !
હવા ભલે આવે જાય
પ્રકાશ ન આવે જરી
એવા જાડા પડદાની આડ ભરી.
બારી અને બારણાંથી
(ક્યારેક ક્યારેક વળી)
સકલ તે સૃષ્ટિમહીં
ચખ અને ચરણથી લઉં ફરી.
વળી પાછો આવી આવી
ઘરમાં જ જાઉં ઠરી !

ગાજવીજ સાથે કશા
કડાકા ને ભડાકાથી
વાદળ આ ઝરીઝરી
વારિબુંદ દીવાલથી સરીસરી
આંગણાની રજને ય કોરી નવ રાખો જરી
દૂર દૂર રહે વહી;
ચરણ ને ચિત્ત મારાં ઘર-બ્હાર જવા ચહી
થનગન થનગન કરે કંઈ....
દીવાલની ભીંસ ત્યારે
સુરક્ષાને રટી રહી
સુરક્ષાને રટી રહી...


0 comments


Leave comment