34 - શોધી રહું / ધીરુ પરીખ


મૌનના સાગર વિષે
લૈધ્વનિની નાનકી હોડી
સર્યો શું મત્સ્ય મિષે !

હેમિંગ્વેના વૃદ્ધ પેલા
ખારવાની જેમ તો
ત્યાં મેં ફગાવી
શબ્દ-ગૂંથી જાળ,
(બેલી, જોજે આવે ના
કૈં અણઘડપણનું આળ.)
અર્થનાં કૈં માછલાં
આવ્યાં મહીં ?—
શોધી રહું તત્કાળ.
ઊછળે શાં મત્સ્ય અંદર !
(પાંચ કે પછી હોય પંદર.)

રેડ રાજીના થઈ કાંઠા સુધી
ઘસડી જવાની શી લઉં સંભાળ !
ત્યાં રેત મહીં કૂદી પડું
જરી જ્યાં અડું
રે મત્સ્ય કે પ્રત્યેક કૈં છે રૂપકડું
હસતું મડું ?
કહેતું ન હો કે
શબ્દ-ભાષા વ્યર્થની
છે મૌન-ભાષા અર્થની,
કાંઠે ઊભેથી શું વળ્યું
છે મત્સ્ય સાગરમાં ભળ્યું !

ને બ્હારથી ભીતર કશો કૂદી વહું,
ને મત્સ્યમાંહી મત્સ્યને શોધી રહું.


0 comments


Leave comment