36 - શ્વાન અને પડછાયો / ધીરુ પરીખ


સાંકળ બાંધ્યો
શ્વાન ફળીમાં
અધ જાગે અધ ઊંઘે.
ત્યહીં અચાનક
ક્યહીંથી પડતા પડછાયાના
વજનહીન વિસ્તાર-ભારથી
શ્વાન કશે ચગદાયો !
સડાક કૂદી થઈ બ્હાવરો
ન્હોર ભરે ને સૂંઘે....
પાછો પ્હેરો ભરવા ધાયો !

જરીજરી આઘોપાછો ને
નાનોમોટો થૈ પડછાયો
શ્યામલ શૂન્ય મહીં પછડાય,
રહી રહીને ઘૂમરી લેતા
શ્વાન થકી એ
કેમ કરી પકડાય ?

પડછાયામાં પથરાએલા
માલિકને ના પરખે કૂતરો
વળીવળીને ભસતો,
આછા તેજે બારી ભીતર
લપાઇ ચ્હેરો
માલિકનો શો હસતો !


0 comments


Leave comment