37 - હોલિકાનું અગ્નિસ્નાન / ધીરુ પરીખ


કોરું કોરું આકાશ થયું જ કશું
લાલ-પીળું ભૂરું,
લબકારા લેતી
આગ-જ્વાળાઓની જીભે
હવે લપટાયું પૂરું.

ઠાંસ ઠાંસ કાઠ-ઢગે
બંધ કીધ હોલિકાને.
વજ્જરના ખેાળા સંગ
હોમી દીધ કલિકાને.
‘જશે જલી જશે જલી
પ્રહલાદ બાળભાળો.’
હિરણ્યકશ્યપની શી
રાતી-પીળી આંખો
જાણે ક્રોધના બે દરિયા
ઉછાળી રહે મુખરિત છોળો !

આનંદની ચિચિયારી
દાનવદળેથી છૂટે;
ફૂલના પરશથી શું
વજ્જર તડાક તૂટે !
હોલિકાને રોમરોમ
વેદનની આંખ ફૂટે :
‘બાળક ખતમ થશે,
સતની તો પત જશે !’
ધારી એમ હોલિકાએ
‘પાવકમાં બળીશ ના !’
કવચ વચનનું આ
બાળકને ધરી દીધું !
રાખ બની
સતની જ શાખ થઈ
આખરે તો
યુગયુગ જીવી લીધું.


0 comments


Leave comment